26 April, 2021 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડોમ બેસ
ઇંગ્લૅન્ડના ઑફ સ્પિનર ડોમ બેસે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે આ વર્ષે ભારત સામેની ટેસ્ટસિરીઝ દરમ્યાન લાંબા સમય સુધી બાયો-બબલમાં રહેવાને લીધે તે ક્રિકેટથી નફરત કરવા લાગ્યો હતો. આ સિરીઝ ભારતે ૩-૧થી કબજે કરી હતી. બેસે ચાર મૅચની સિરીઝમાંથી બે મૅચમાં માત્ર પાંચ વિકેટ લીધી હતી.
હાલમાં ડોમ બેસ કાઉન્ટી ક્રિકેટમાં યૉર્કશાયર માટે રમી રહ્યો છે અને ફૉર્મમાં પાછા ફરવાની તૈયારીમાં છે. પોતે ક્રિકેટથી નફરત કરતો થઈ ગયો હોવાની વાત પર જાણકારી આપતાં ડોમ બેસે કહ્યું હતું કે ‘ઇન્ડિયાની ટૂર બાદ મેં સારોએવો બ્રેક લીધો હતો, કેમ કે હું ક્રિકેટથી નફરત કરવા લાગ્યો હતો. હું ઘણા દબાણમાં હતો. સ્વાભાવિક છે કે ભારતમાં બાયો-બબલમાં હતા ત્યારે અમારા પર ઘણું પ્રેશર હતું. મારા માટે એ જરૂરી હતું કે હું સારી રીતે કમબૅક કરું.’
બેસે ઘરે પાછા ફરી પરિવાર સાથે બે-ત્રણ અઠવાડિયાં પસાર કર્યાં હતાં. આ ઉપરાંત તેણે ઇન્ડિયાની ટૂરને ઘણી શીખવાલાયક ગણાવી હતી. પરિવારજનો સાથેની ચર્ચાથી અને ભારતની ટૂરમાં થયેલા ફાયદાને ધ્યાનમાં લઈને તેનામાં ફરી ક્રિકેટ રમવાનો ઉત્સાહ જાગ્યો હતો.