29 December, 2025 09:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન વિશેની અટકળો પર મોટું નિવેદન આપ્યું
ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ ભારતીય ટેસ્ટ-ટીમના કૅપ્ટન વિશેની અટકળો પર મોટું નિવેદન આપ્યું છે. મીડિયાના અહેવાલો ફરતા થઈ રહ્યા છે કે ભૂતપૂર્વ ક્રિકેટર વી. વી. એસ. લક્ષ્મણને ભારતના આગામી ટેસ્ટ-કોચ બનવા માટે સંપર્ક કરવામાં આવ્યો છે. ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારતનું ટેસ્ટ-ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન થતું હોવાથી આ નિર્ણય લેવાશે એવી ચર્ચા હતી.
આ મામલે દેવજિત સૈકિયાએ સ્પષ્ટતા કરી છે કે ‘આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે. એ ખરેખર અટકળો છે. કેટલીક ખૂબ જ પ્રતિષ્ઠિત સમાચાર-એજન્સીઓ પણ આ અહેવાલ આપી રહી છે. એમાં કોઈ સત્ય નથી. BCCI સ્પષ્ટપણે એનો ઇનકાર કરે છે. લોકો જે ઇચ્છે એ વિચારી શકે છે, પરંતુ BCCIએ કોઈ પગલાં લીધાં નથી. આ કોઈની કલ્પના છે એમાં કોઈ સત્ય નથી. આ સમાચારો હકીકતમાં ખોટા અને પાયાવિહોણા છે.’
ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ભારત માત્ર ૭ ટેસ્ટ-મૅચ જીત્યું છે જ્યારે ૧૦ હાર્યું છે અને બે મૅચ ડ્રૉ રહી છે. વન-ડે અને T20 ફૉર્મેટમાં ભારત તેના કોચિંગ હેઠળ સારું પ્રદર્શન કરી રહ્યું હોવાથી વન-ડે વર્લ્ડ કપ ૨૦૨૭ સુધીના કોચિંગ-કરારમાં કોઈ ફેરફાર નહીં થાય એની સંભાવના વધુ છે.