ભારતમાં જ રમાશે આ વર્ષની આઇપીએલ

21 February, 2021 12:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારતમાં જ રમાશે આ વર્ષની આઇપીએલ

પાર્થ જિન્દલ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૪મી સીઝન માટે પ્લેયરોની હરાજી થઈ ચૂકી છે અને હવે આ ટુર્નામેન્ટ ક્યાં અને ક્યારે રમાશે એની જાહેરાતની જ રાહ જોવાઈ રહી છે. એવામાં દિલ્હી કૅપિટલ્સના કો-ઓનર પાર્થ જિન્દલે સંકેત આપ્યા છે કે આ વર્ષની આઇપીએલ ભારતમાં રમાઈ શકે છે. આ ટુર્નામેન્ટને બે ભાગમાં વિભાજિત કરીને ગ્રુપ-સ્ટેજની બધી મૅચ કદાચ મુંબઈમાં અને નૉક-આઉટ મુકાબલા અમદાવાદમાં રમાઈ શકે છે.

એક મુલાકાતમાં પાર્થ જિન્દલે કહ્યું કે ‘જો ઇંગ્લૅન્ડની ટીમ સિરીઝ રમવા ભારત આવી શકે છે, ઇન્ડિયન સુપર લીગ (આઇએસએલ) ફુટબૉલ લીગનું ગોવામાં આયોજન થઈ શકે છે, દેશનાં વિવિધ શહેરોમાં વિજય હઝારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટુર્નામેન્ટ રમાઈ શકે છે તો પછી એવામાં મને નથી લગાતું કે આઇપીએલનું આયોજન દેશની બહાર થશે.’

મુંબઈ-અમદાવાદ કરશે યજમાની

પોતાની વાત આગળ વધારતાં તેમણે કહ્યું કે ‘મને લાગે છે કે આઇપીએલને બે તબક્કામાં બે જગ્યાએ રમાડવામાં આવી શકે છે. સાંભળવા મળી રહ્યું છે કે આ બે જ્ગ્યામાંથી એક મુંબઈ હોઈ શકે છે, કેમ કે ત્યાં વાનખેડે, બ્રેબોર્ન અને ડી. વાય. પાટીલ એમ ત્રણ સ્ટેડિયમ ઉપલબ્ધ છે. વળી પ્રૅક્ટિસ માટે પણ ત્યાં સારી સુવિધા છે. લીગના નૉક-આઉટ મુકાબલા અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાઈ શકે છે. જોકે આ તમામ વાતની હજી સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.’

જો મુંબઈમાં રમાશે તો દિલ્હી ફાવી જશે

જો આઇપીએલની મૅચ મુંબઈમાં થાય તો એનાથી દિલ્હીની ટીમને કઈ રીતે લાભ થશે એ વિશે જણાવતાં પાર્થે કહ્યું કે ‘તમે અમારું ટીમ સિલેક્શન જોશો તો તમને ખબર પડશે કે મુંબઈમાં મૅચો રમાતાં દિલ્હી કૅપિટલ્સને લાભ જ લાભ થવાનો છે. અમારી ટીમમાં સ્ટીવ સ્મિથ છે જેની બૅટિંગ-સ્ટાઇલ મુંબઈની પિચ સાથે બંધ બેસતી આવે છે. સાથે-સાથે ટીમમાં પૃથ્વી શૉ, શ્રેયસ ઐયર અને અજિંક્ય રહાણે જેવા મુંબઈકર પણ છે. વળી બાજુમાં દરિયો હોવાને લીધે મુંબઈની પિચ પર બૉલરોને ઘણો બાઉન્સ અને મૂવમેન્ટ મળશે જે તેમને માટે હિતાવહ હશે.’

ટી૨૦ વર્લ્ડ કપને લીધે વધુ શહેરમાં યોજો

આઇપીએલની ઉક્ત વાતને ઑક્ટોબરમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ સાથે જોડતાં પાર્થે કહ્યું કે ‘મને લાગે છે કે આઇપીએલ દેશનાં વધુમાં વધુ શહેરોમાં યોજવી જોઈએ, જેથી વિશ્વને એક સંદેશો મ‍ળે કે ઑક્ટોબરમાં ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કરવા આપણે સંપૂર્ણપણે તૈયાર છીએ. કદાચ ભારતીય ક્રિકેટ બોર્ડ આ વિશે વધારે સમય રાહ જોવા માગે છે અને દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર રાખ્યા બાદ એ કોઈ નિર્ણય લઈ શકે છે.’

ગયા વર્ષે આઇપીએલ-૧૩નું આયોજન યુએઈમાં, શારજાહ, દુબઈ અને અબુ ધાબી એમ ત્રણ સ્થળે કરવામાં આવ્યું હતું.

sports sports news cricket news indian premier league ipl 2021