સવારે શ્રીલંકામાં અને સાંજે દુબઈમાં મૅચ રમ્યો આ શ્રીલંકન ઑલરાઉન્ડર

04 February, 2025 09:36 AM IST  |  Abu Dhabi | Gujarati Mid-day Correspondent

બીજી ઇનિંગ્સમાં ૧૪૧.૩૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૦ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૮૭ બૉલમાં ૧૨૩ રનની ઇનિંગ્સ રમી હતી

સવારે, સાંજે

શ્રીલંકાનો ૩૩ વર્ષના ઑલરાઉન્ડર દાસુન શનાકાએ રવિવારે એક જ દિવસમાં બે દેશમાં બે અલગ-અલગ ફૉર્મેટની મૅચ રમીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું. તે સવારે શ્રીલંકાના કોલંબોમાં સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) વતી ફર્સ્ટ કલાસ મૅચ રમ્યો હતો જેમાં તેણે મૂર્સ સ્પોર્ટ્સ ક્લબ (MSC) સામે બીજી ઇનિંગ્સમાં ૧૪૧.૩૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૦ ચોગ્ગા અને ૮ છગ્ગાની મદદથી ૮૭ બૉલમાં ૧૨૩ રનની ઇનિંગ્સ રમી હતી. તેણે આ મૅચમાં એક વિકેટ પણ ઝડપી હતી. રવિવારે મૅચના અંતિમ દિવસે મૅચ ડ્રૉ રહી હતી.

ત્યાંથી આ શ્રીલંકન ઑલરાઉન્ડરે સાડાચાર કલાક ફ્લાઇટમાં સફર કરીને UAEના દુબઈમાં સાંજે ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)માં પણ હાજરી આપી હતી જ્યાં તેણે દુબઈ કૅપિટલ્સ માટે અબુ ધાબી નાઇટ રાઇડર્સ સામે ૨૮૩.૩૩ના સ્ટ્રાઇક-રેટથી ૧૨ બૉલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી ૩૪ રનની ઇનિંગ્સ રમી હતી. તેની ટીમ ૨૬ રને આ મૅચ જીતી હતી.

sri lanka dubai united arab emirates t20 international cricket news sports news sports