24 March, 2026 05:37 PM IST | Rajasthan | Gujarati Mid-day Correspondent
PSL છોડીને IPLમાં આવેલો દાસુન શનાકા રાજસ્થાન રૉયલ્સ માટે બે કરોડ રૂપિયામાં રમશે
શ્રીલંકાના ઑલરાઉન્ડર અને T20 કૅપ્ટન દાસુન શનાકાનો રાજસ્થાન રૉયલ્સનો IPL 2026નો કરાર કન્ફર્મ થયો છે. પાકિસ્તાન સુપર લીગ 2026માં લાહોર કલન્દરે તેને ૭૫ લાખ પાકિસ્તાની રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે તેણે PSL છોડીને IPLમાં રમવાનો નિર્ણય લીધો છે.
તેણે રાજસ્થાનની ટીમમાં ઇન્જર્ડ સૅમ કરૅનનું સ્થાન લીધું છે. ૨.૪૦ કરોડ રૂપિયાનો ઇંગ્લૅન્ડનો ઑલરાઉન્ડર સૅમ કરૅન ઇન્જરીને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેને ચેન્નઈ સુપર કિંગ્સ પાસેથી ટ્રેડ કરીને રાજસ્થાને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો.
દાસુન શનાકાએ રાજસ્થાન સાથે રિપ્લેસમેન્ટ પ્લેયર તરીકે બે કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. ૩૪ વર્ષના આ પ્લેયરે T20 કરીઅરમાં ૨૮૩ મૅચમાં ૫૦૬૪ રન કરવાની સાથે ૧૧૧ વિકેટ પણ લીધી છે. IPL 2023માં દાસુન શનાકા ગુજરાત ટાઇટન્સ માટે ૫૦ લાખ રૂપિયામાં રમ્યો હતો. તેણે એ સીઝનમાં ૩ મૅચમાં ૨૬ રન કર્યા હતા. IPL 2025માં સીઝનની વચ્ચે ગ્લેન ફિલિપ્સની ઇન્જરીને કારણે તેને ગુજરાતે ૭૫ લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. જોકે તેને રમવાની તક મળી નહોતી.
સૅમ કરૅનની જેમ દાસુન શનાકા શાનદાર ફિનિશર અને સારો ઑલરાઉન્ડર છે. તે અમારી ટીમનું સંતુલન જાળવવામાં મદદ કરશે.
- રાજસ્થાન રૉયલ્સનો હેડ કોચ