T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ સરકારને કરી અપીલ

27 February, 2026 12:11 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભવિષ્યના શ્રીલંકન ક્રિકેટર્સની મેન્ટલ હેલ્થ માટે નકારાત્મકતા રોકો

શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકા

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં સતત બે હાર સાથે શ્રીલંકાની ટીમ ટ્રોફીની રેસમાંથી આઉટ થઈ ગઈ છે. ટુર્નામેન્ટની ધમાકેદાર શરૂઆત બાદ થયેલી આ અણધારી એક્ઝિટ પછી શ્રીલંકાના કૅપ્ટન દાસુન શનાકાએ મોટું નિવેદન આપ્યું હતું.

૩૪ વર્ષનો દાસુન શનાકા કહે છે, ‘ટીમની આસપાસ ઘણી નકારાત્મકતા હતી અને કેટલાક ખેલાડીઓની ફિટનેસ-સમસ્યાઓ શ્રીલંકાની હારનાં મુખ્ય કારણ હતાં. અમે ક્રિકેટર્સ ગમે એટલા સકારાત્મક રહેવાનો પ્રયાસ કરીએ પણ બહાર નકારાત્મકતા હોય જ છે. શ્રીલંકન ક્રિકેટ માટે આ એક મોટું નુકસાન છે.’

T20 વર્લ્ડ કપની દરેક સીઝનમાં શ્રીલંકાનું પ્રદર્શન

૨૦૦૭ - સુપર 8

૨૦૦૯ - રનર-અપ

૨૦૧૦ - સેમી-ફાઇનલ

૨૦૧૨  - રનર-અપ

૨૦૧૪ - ચૅમ્પિયન

૨૦૧૬ - સુપર 10

૨૦૨૧ - સુપર 12

૨૦૨૨ - સુપર 12

૨૦૨૪ - ગ્રુપ સ્ટેજ

૨૦૨૬ - સુપર 8

ICC ટુર્નામેન્ટના યજમાન અને સહ-યજમાન તરીકે શ્રીલંકાનું પ્રદર્શન

વન-ડે વર્લ્ડ કપ 1996 - ચૅમ્પિયન

ચૅમ્પિયન્સ ટ્રોફી 2002 - ભારત સાથે સહ-વિજેતા

વન-ડે વર્લ્ડ કપ 2011 - રનર-અપ

T20 વર્લ્ડ કપ 2012  - રનર-અપ

T20 વર્લ્ડ કપ 2026 - સુપર 8

તેણે વધુમાં કહ્યું હતું કે ‘ક્રિકેટ એકમાત્ર રમત છે જે આપણી પાસે છે અને મને ખબર નથી કે આપણે એને બચાવી શકીશું કે નહીં. જો તમે સ્ટેડિયમની બહાર જુઓ તો તમને ઘણા લોકો માઇક્રોફોન સાથે ઊભેલા જોવા મળશે. તેઓ મૅચ જોયા વિના કંઈ પણ કહેતા હોય છે. તેઓ નકારાત્મકતા શા માટે ફેલાવી રહ્યા છે. હા, અમે વર્લ્ડ કપ હારી ગયા અને અમે એનું કારણ જાણીએ છીએ. દરેક વ્યક્તિ ચિંતિત છે. એના વિશે વાત કરવા અને એને ઠીક કરવા કરતાં નકારાત્મકતા વધુ પ્રચલિત થઈ છે. અમે રમીશું અને જતા રહીશું, પરંતુ જો સરકાર ભવિષ્યના ખેલાડીઓ માટે આ નકારાત્મકતાને પણ રોકી શકે તો એ તેમના માનસિક સ્વાસ્થ્ય માટે સારું રહેશે.’

sri lanka t20 world cup sports news sports cricket news