17 February, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ચેતન શર્માએ BCCI ચીફ સિલેક્ટર પદ પરથી રાજીનામું આપ્યું
ભારતીય ક્રિકેટ ટીમ ઈન્ડિયાના મુખ્ય પસંદગીકાર ચેતન શર્મા (Chetan Sharma Resign)એ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હાલમાં જ તે સ્ટિંગ ઓપરેશનના કારણે વિવાદમાં આવ્યા હતા. ચેતને પોતાનું રાજીનામું ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સચિવ જય શાહને સુપરત કર્યું છે. અહેવાલ મુજબ જય શાહે તેમનું રાજીનામું પણ સ્વીકારી લીધું છે. બીસીસીઆઈમાં ચેતન શર્માનો આ બીજો કાર્યકાળ હતો. પરંતુ તેમણે 40 દિવસમાં રાજીનામું આપવું પડ્યું હતું. આ પહેલા ટી-20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શનને કારણે તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.
ચેતન શર્માનું તાજેતરમાં એક ન્યૂઝ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ચેતને ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટનની ફિટનેસને લઈને એક મોટું રહસ્ય ખોલ્યું. તેણે બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સાથે જોડાયેલો ખુલાસો કર્યો હતો. ચેતને હાર્દિક પંડ્યા વિશે કહ્યું હતું કે તે કેપ્ટનશિપ માટે ઘણી વખત તેના ઘરે મળવા આવ્યો છે. ચેતનના સ્ટિંગ બાદ બીસીસીઆઈ તેની સામે કાર્યવાહી કરવા માંગતી હતી. રિપોર્ટ અનુસાર, આ જ કારણ હતું કે તેમને રાજીનામું આપવું પડ્યું હતું.
ચેતન શર્માની બીજી ટર્મ અધૂરી રહી
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી ચેતનનો મુખ્ય પસંદગીકાર તરીકે આ બીજો કાર્યકાળ હતો. આ પહેલા ટી-20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનને કારણે તેને પદ પરથી હટાવી દેવામાં આવ્યો હતો. પરંતુ તાજેતરમાં તેને ફરીથી મુખ્ય પસંદગીકાર બનાવવામાં આવ્યો હતો. ચેતને સ્ટિંગ ઓપરેશનમાં ખેલાડીઓની ફિટનેસને લઈને ઘણા મોટા રહસ્યો ખોલ્યા હતા.