10 April, 2026 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સી. ડી. ગોપીનાથ
ભૂતપૂર્વ ભારતીય ટેસ્ટ-ક્રિકેટર સી. ડી. ગોપીનાથનું ૯૬ વર્ષ ૩૯ દિવસની વયે ચેન્નઈમાં અવસાન થયું છે. ભારત માટે ઐતિહાસિક પ્રથમ ટેસ્ટ-વિજય મેળવનારી ટીમના આ છેલ્લા જીવિત સભ્યએ ગઈ કાલે દીકરીના ઘરે ઊંઘમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. ૯૬ વર્ષની વયે ગોપીનાથ ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ-ક્રિકેટર અને ઑસ્ટ્રેલિયાના નીલ હાર્વી પછી વિશ્વના બીજા સૌથી વૃદ્ધ ક્રિકેટર હતા. ૯૭ વર્ષ અને ૧૮૩ દિવસની ઉંમરે પણ નીલ હાર્વી હજી જીવી રહ્યા છે. ગોપીનાથે ૧૯૫૧માં બ્રેબર્ન સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-ડેબ્યુ કર્યું હતું અને ૧૯૬૦માં ઈડન ગાર્ડન્સ ખાતે ઑસ્ટ્રેલિયા સામે છેલ્લી મૅચ રમ્યા હતા. ૧૯૫૨માં ઇંગ્લૅન્ડ સામે ગોપીનાથના હોમટાઉનમાં જ ભારતે પોતાની પહેલવહેલી ટેસ્ટ-જીત નોંધાવી હતી. વિજય હઝારેના નેતૃત્વવાળી આ ટીમના છેલ્લા જીવિત સભ્ય ગઈ કાલ સુધી સી.ડી. ગોપીનાથ હતા.
ચંદ્રકાન્ત પાટણકર
મુંબઈની ડોમેસ્ટિક ટીમ માટે ક્રિકેટ રમી ચૂકેલા ૯૫ વર્ષના ચંદ્રકાન્ત પાટણકર હવે ભારતના સૌથી વૃદ્ધ જીવિત ટેસ્ટ-ક્રિકેટર છે. તેઓ ૧૯૫૬માં ઈડન ગાર્ડન્સ ખાતે ન્યુ ઝીલૅન્ડ સામે પહેલી અને એકમાત્ર ટેસ્ટ-મૅચ રમ્યા હતા. એ મૅચમાં તેમણે ૧૪ રન કર્યા હતા. વિકેટકીપર અને નીચલા ક્રમના જમણા હાથના આ ભૂતપૂર્વ બૅટ્સમૅને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની ૨૬ મૅચમાં એક સદીની મદદથી ૫૦૩ રન કર્યા હતા.
ભારત માટે સામાન્ય રીતે ચારથી આઠમા ક્રમે બૅટિંગ કરનાર સી. ડી. ગોપીનાથે ૮ મૅચમાં ૨૪૨ રન કર્યા હતા. ૧૨ ઇનિંગ્સમાં તેમણે જે એકમાત્ર ફિફ્ટી ફટકારી હતી એ ભારતના સૌથી વૃદ્ધ ટેસ્ટ-ક્રિકેટર સી. ડી. ગોપીનાથે ટેસ્ટ-ડેબ્યુની પહેલી જ ઇનિંગ્સમાં ફટકારી હતી. વિવિધ પ્રકારના સ્ટ્રોક ધરાવતા સ્ટાઇલિશ બૅટ્સમૅન ગોપીનાથ મદ્રાસ માટે ૮૩ ફર્સ્ટ ક્લાસ મૅચ રમ્યા હતા. ૧૧૯ ઇનિંગ્સમાં જમણા હાથના આ બૅટ્સમૅને ૪૨.૧૬ના ઍવરેજથી ૪૨૫૯ રન બનાવ્યા હતા. ગોપીનાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૯ સદી અને ૨૩ ફિફ્ટી ફટકારી હતી જેમાં તેમનો સર્વોચ્ચ સ્કોર ૨૩૪ રનનો હતો.