10 August, 2021 11:47 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
નરેશ ટુમ્બા
નવસારીના ક્રિકેટર નરેશ ટુમ્બાની ત્રણ વર્ષ પહેલાં બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપની ચૅમ્પિયન ટીમના ખેલાડી તરીકે લોકો વાહવાહી કરતાં થાકતા નહોતા, પણ આજે આર્થિક તંગીમાં સરકાર કે કોઈ તેની સામે નથી જોતું અને તેણે મજૂરી કરવી પડે છે.
કોરોનાની મારને લીધે ભલભલાની હાલત ખરાબ થઈ ગઈ છે અને અમુક તો રસ્તા પર આવી ગયા છે. આમાં ૨૦૧૮માં બ્લાઇન્ડ વર્લ્ડ કપમાં કટ્ટર હરીફ પાકિસ્તાનને પછાડીને ચૅમ્પિયન બનનાર ટીમનો નવસારીનો વતની નરેશ ટુમ્બાનો પણ સમાવેશ છે. આ ચૅમ્પિયન ખેલાડીએ આજે બે ટંકના ખાવાના પણ સાંસા પડી રહ્યા છે અને ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચવાનું અને બાંધકામની સાઇટ પર મજૂરીકામ કરવું પડી રહ્યું છે.
નવસારીના આ ટૅલન્ટેડ બ્લાઇન્ડ ક્રિકેટર ૨૦૧૮માં દુબઈમાં રમાયેલા એ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની ફાઇનલની પ્લેઇંગ ઇલેવનમાં પણ સામેલ હતો. ૪૦ ઓવરમાં પાકિસ્તાને આપેલા ૩૦૯ રનનો ટાર્ગેટ ભારતે ૩૮.૨ ઓવર ૮ વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો.
નરેશે ઘણીબધી વાર સરકારી નોકરીઓ માટે અરજી કરી છે, પણ તેને ક્યારેય પૉઝિટિવ જવાબ નથી મળ્યો. હવે તેણે સરકારને નોકરી અપાવવા માટે અરજી કરી છે. તેણે એએનઆઇ ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે ‘હું અત્યારે મજૂરી કરીને રોજના ૨૫૦ રૂપિયા કમાઉં છું. મેં મુખ્ય પ્રધાન સમક્ષ પણ ત્રણેક વાર નોકરી માટે અરજી કરી, પણ કોઈ જવાબ નથી મળ્યો. હું સરકારને અરજી કરું છું કે મને નોકરી આપે જેથી હું મારા કુટુંબનું ગુજરાન ચલાવી શકું.’
નરેશ કહે છે કે ટીમ જ્યારે દુબઈમાં વર્લ્ડ કપ જીતીને ભારત પાછી આવી ત્યારે દિલ્હીમાં મારું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું અને બધા લોકો મારાં વખાણ કરતા હતા. અમે મંત્રીઓને અને રાષ્ટ્રપતિને પણ મળ્યા હતા. જ્યારે અમે વર્લ્ડ કપ જીત્યા ત્યારે હું ખૂબ ખુશ હતો અને વિચારતો હતો કે હવે મને નોકરી મળી શકે. પણ ત્રણ વર્ષ થઈ ગયાં હજી સુધી મને કોઈ નોકરી નથી મળી. હું વડા પ્રધાનને પણ વિનંતી કરું છું કે મારા પરિવારનું ગુજરાન ચલાવવા માટે મને નોકરી આપો.’
નરેશની વ્યથાની જાણ થતાં સોશ્યલ મીડિયાના ઘણા બધા લોકો સરકારને નરેશને નોકરી અપાવવા માટે વિનંતી કરી રહ્યા છે. અમુક લોકો નરેશના પરિવાર માટે ફન્ડ પણ ભેગું કરી રહ્યા છે.