29 May, 2025 06:50 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
બાંગ્લાદેશ અને સાઉથ આફ્રિકા વચ્ચે એક ફ્રેન્ડલી ટૅસ્ટ મૅચ રમાઈ રહી છે. જોકે આ ફ્રેન્ડલી ટૅસ્ટ મૅચમાં દુશ્મનાવટ નિર્માણ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મૅચ દરમિયાન બન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે મારપીટ થવા સુધી વાત પહોંચી ગઈ હતી. જોકે મૅચ અમ્પાયરે વચ્ચે પડીને મામલો શાંત કરાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં બુધવારે ચાર દિવસીય ફ્રેન્ડલી ટૅસ્ટ દરમિયાન દક્ષિણ આફ્રિકાના ખેલાડી ત્શેપો ન્તુલી અને બાંગ્લાદેશના ખેલાડી રિપોન મોન્ડોલ વચ્ચે એક મોટી લડાઈ થઈ હતી. ESPN ક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર, મૅચ અધિકારીઓ બન્ને સામે કાર્યવાહી કરવા માટે તૈયાર છે, પરંતુ ઑન-ફિલ્ડ અમ્પાયરો દ્વારા આ ઘટના અંગે સત્તાવાર રિપોર્ટ સબમિટ કર્યા પછી જ કોઈ વિગતો જાહેર કરવામાં આવશે.
આ ઘટના ત્યારે બની હતી જ્યારે મોન્ડોલે ન્તુલીને સીધો છગ્ગો ફટકાર્યો હતો. મોન્ડોલ તેના બૅટિંગ પાર્ટનર મેહિદી હસન તરફ ચાલતો હતો, ત્યારે મોન્ડોલે ન્તુલી સાથે થોડી નજરો ફેરવી હતી. તે સ્પષ્ટ નથી કે તેઓએ કોઈ એક બીજા સામે કેવા શબ્દો બોલાવ્યા હતા કે પછી શબ્દોની આપ-લે કરી હતી કે નહીં, પરંતુ ન્તુલીએ તેના પર હુમલો કર્યો, તણાવ વધતો જતો હોવાથી બન્ને અમ્પાયરોને વચ્ચે આવવાની જરૂર પડી.
ઓન-ઍર કોમેન્ટેટરમાંના એક, નાબીલ કૈસરે કહ્યું:
"આ અતિરેક છે, આ અસ્વીકાર્ય છે. સામાન્ય રીતે આપણે ક્રિકેટના મેદાનમાં મૌખિક ઝઘડા જોઈએ છીએ પરંતુ આપણે ઘણીવાર ઝઘડો જોતા નથી. ન્તુલીએ એક સમયે રિપોનના હેલ્મેટ પર હુમલો કર્યો હતો."
બીસીબી અને સીએસએ કાર્યવાહી કરશે
ESPN ક્રિકઇન્ફોના અહેવાલ મુજબ, ઑન-ફિલ્ડ રેફરી આ ઘટના અંગે સીએસએ અને બીસીબીને રિપોર્ટ સુપરત કરશે, જે બન્ને ખેલાડીઓ સામે પગલાં લેશે તેવું માનવામાં આવે છે. બન્ને ટીમો વચ્ચેની અગાઉની ઓડીઆઈ સિરીઝ દરમિયાન પણ મેદાન પર તણાવ નિર્માણ થયો હતો, જેમાં એન્ડીલ સિમેલેન અને જીશાન આલમને તેમની વચ્ચે થયેલી ઘટનાઓ બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આજથી બાંગ્લાદેશ અને પાકિસ્તાન મૅચની શરૂઆત
પાકિસ્તાન અને બંગલાદેશ વચ્ચે આજથી ત્રણ મૅચની T20 સિરીઝ શરૂ થઈ રહી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અને પાકિસ્તાન સુપર લીગના નવા શેડ્યુલના કારણે આ સિરીઝના આયોજન પર શંકા હતી. જોકે હવે સુરક્ષાનાં કારણોસર બંગલાદેશની ટીમ પાકિસ્તાનમાં પાંચને બદલે ત્રણ મૅચની T20 સિરીઝ રમવા પહોંચી છે. આ ત્રણેય મૅચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં જ રમાશે.