તસ્કિનની ઓવરમાં પડી ત્રણ વિકેટ : આયરલૅન્ડ ૧૦૪ રન ન બનાવી શક્યું

28 March, 2023 12:51 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આયરલૅન્ડના ક્રેગ યંગે બે વિકેટ લીધી હતી.

તસ્કિન અહમદ. તસવીર એ. એફ. પી.

બંગલાદેશે ચટગાંવમાં ગઈ કાલે આયરલૅન્ડને ટી૨૦ સિરીઝની પહેલી મૅચમાં વરસાદના વિઘ્ને કારણે ટૂંકી થઈ ગયેલી મૅચમાં બાવીસ રનથી હરાવીને ૧-૦થી સરસાઈ લીધી હતી. બંગલાદેશે બૅટિંગ મળ્યા પછી ઓપનર રૉની તાલુકદાર (૬૭ રન, ૩૮ બૉલ, ત્રણ સિક્સર, સાત ફોર) અને વિકેટકીપર-ઓપનર લિટન દાસ (૪૭ રન, ૨૩ બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર)ની ૯૧ રનની ભાગીદારીની મદદથી ૧૯.૨ ઓવરમાં પાંચ વિકેટે ૨૦૭ રન બનાવ્યા હતા. આયરલૅન્ડના ક્રેગ યંગે બે વિકેટ લીધી હતી.

ફરી વરસાદ પડતાં આયરલૅન્ડને જીતવા ૮ ઓવરમાં ૧૦૪ રન બનાવવાનું કહેવાયું હતું, પરંતુ ગરેથ ડેલનીના અણનમ ૨૧ રન છતાં આયરિશ ટીમ ૮ ઓવરમાં પાંચ વિકેટે ૮૧ રન બનાવી શકી હતી. ૩૭ રનના સ્કોર પર તસ્કિન અહમદે એક જ ઓવરમાં (પહેલા, ચોથા, પાંચમા બૉલમાં) વિકેટ લઈને આયરિશ ટીમના કૅમ્પમાં સોપો પાડી દીધો હતો. બે ઓવર બાદ (આયરલૅન્ડની અંતિમ ઓવરમાં) તેણે હૅરી ટેક્ટર (૧૯ રન)ને પણ આઉટ કરીને આયરલૅન્ડની જીતવાની રહીસહી આશા પર પાણી ફેરવી દીધું હતું. જીતનો પાયો નાખનાર બંગલાદેશના ઓપનર રૉની તાલુકદારને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો.

sports news sports t20 international cricket news bangladesh ireland