09 November, 2025 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મેન્સ T20 એશિયા કપ 2025ની ટ્રોફીને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ મોહસિન નકવીના ભારતવિરોધી વલણને કારણે વિજેતા ટીમ સૂર્યા ઍન્ડ કંપનીએ તેમના હાથેથી એશિયા કપ ટ્રોફી સ્વીકારવાનો ઇનકાર કર્યા પછી આ ડ્રામેબાજ પ્રમુખે ભારતને એશિયા કપ ટ્રોફી સોંપી નહોતી. ભારતીય પ્લેયર્સને આપવાને બદલે તેણે ટ્રોફીને ACCની ઑફિસમાં છુપાડી રાખી છે.
દુબઈમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલની મીટિંગના એજન્ડામાં એશિયા કપનો ટ્રોફીનો મુદ્દો સામેલ નહોતો. ICCના વરિષ્ઠ અધિકારીઓએ એક અનઔપચારિક મીટિંગમાં બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના સચિવ દેવજિત સૈકિયા અને PCBના વડા મોહસિન નકવી વચ્ચે વાતચીત શરૂ કરાવી હતી. હમણાં સુધી મીડિયામાં નિવેદનો આપી એકબીજા પર પ્રહાર કરનાર બન્ને પક્ષ વચ્ચે પહેલી વખત વાતચીત થઈ હતી.
દેવજિત સૈકિયાએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ‘બન્ને પક્ષ શક્ય એટલી વહેલી તકે આ મુદ્દાનો ઉકેલ લાવવાનો માર્ગ શોધી કાઢશે. હવે જ્યારે ગતિરોધ દૂર થઈ ગયો છે ત્યારે વિવિધ વિકલ્પો પર વિચાર કરવામાં આવશે. ICC આ વિવાદ માટે કોઈ કમિટી બનાવશે નહીં. તેઓ આવાં કોઈ કડક પગલાં લે એ પહેલાં આ મુદ્દો ઉકેલાઈ જશે.’