BCCI સપ્ટેમ્બરમાં UAEમાં કરી શકે છે એશિયા કપ T20 ટુર્નામેન્ટનું આયોજન

25 July, 2025 12:24 PM IST  |  Dhaka | Gujarati Mid-day Correspondent

બોર્ડના સભ્યોને મીટિંગમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપશે. હું અટકળોમાં માનતો નથી એથી તમને થોડા દિવસોમાં ઑફિશ્યલ માહિતી મળશે.

બંગલાદેશના ઢાકામાં યોજાઈ એશિયન ક્રિકેટ કાઉન્સિલના સભ્ય દેશના અધિકારીઓની વાર્ષિક મીટિંગ. કેટલાક અધિકારીઓ બેઠકમાં ઑનલાઇન જોડાયા હતા.

ઢાકામાં ગઈ કાલે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની વાર્ષિક સામાન્ય સભા (AGM) યોજાઈ હતી. આ મીટિંગમાં ભારત સહિતના કેટલાક દેશ વર્ચ્યુઅલી જોડાયા હતા. અહેવાલો અનુસાર યજમાન બોર્ડ ઑફ કન્ટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI) યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં એશિયા કપ T20 ટુર્નામેન્ટનું આયોજન કરશે જેમાં આઠ ટીમો વચ્ચે ૧૯ જેટલી મૅચ રમાશે. ૧૦થી ૨૮ સપ્ટેમ્બર વચ્ચે ટુર્નામેન્ટ યોજાવાની શક્યતા છે. જોકે શેડ્યુલ હજી પણ ચર્ચા હેઠળ છે. થોડા દિવસોમાં ઔપચારિક જાહેરાત થવાની અપેક્ષા છે.

BCCI સચિવ દેવજિત સૈકિયાએ કહ્યું હતું, ‘વાઇસ-પ્રેસિડન્ટ રાજીવ શુક્લાએ આ બેઠકમાં હાજરી આપી હતી. તેઓ બોર્ડના સભ્યોને મીટિંગમાં થયેલી ચર્ચા વિશે માહિતી આપશે. હું અટકળોમાં માનતો નથી એથી તમને થોડા દિવસોમાં ઑફિશ્યલ માહિતી મળશે.’

મીટિંગ માટે બંગલાદેશની રાજધાની ઢાકા ગયેલા ACC પ્રમુખ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના વડા મોહસિન નકવીએ ભારત-પાકિસ્તાન મૅચ વિશે કહ્યું, ‘અમે ટૂંક સમયમાં એની જાહેરાત કરીશું. અમે BCCI સાથે ચર્ચા કરી છે અને કેટલાક મુદ્દાઓ છે જે અમે ટૂંક સમયમાં ઉકેલીશું. બધા પચીસ સભ્યોએ બેઠકમાં વ્યક્તિગત રીતે અથવા વર્ચ્યુઅલ રીતે હાજરી આપી હતી. અમે બધા એકમત છીએ.’

asia cup board of control for cricket in india cricket news t20 dhaka t20 world cup sports news sports