15 September, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં પણ વરસાદને કારણે અનેક વિઘ્નો આવ્યાં હતાં
કોલંબોમાં ગઈ કાલે ડુ ઑર ડાય જેવા શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલામાં પણ વરસાદને કારણે અનેક વિઘ્નો આવ્યાં હતાં. ગ્રાઉન્ડ્સમેને મેદાનની સાફસૂફીની બાબતમાં અભૂતપૂર્વ બની ગયેલી આ ટુર્નામેન્ટમાં ખડેપગે રહેવું પડ્યું અને મેઘરાજાની મહેર શરૂ થતાં જ મેદાન પર કવર લઈને દોડી આવવું પડ્યું હતું. કુલ ૧૦૦થી વધુ ગ્રાઉન્ડ્સમેન આ સ્પર્ધામાં કામે લગાડવામાં આવ્યા છે. ગઈ કાલે પહેલાં ૪૫ ઓવરની અને પછી ૪૨ ઓવરની કરવામાં આવેલી મૅચમાં પાકિસ્તાને ૭ વિકેટે ૨૫૨ રન બનાવ્યા હતા. રિઝવાને ૭૩ બૉલમાં બે સિક્સર, છ ફોરની મદદથી બનાવેલા અણનમ ૮૬ રન ટીમમાં હાઇએસ્ટ હતા. જોકે ઓપનર અબદુલ્લા શફીકનું પણ બાવન રનનું મહત્ત્વનું યોગદાન હતું. ઇફ્તિખાર અહમદે ૪૭ રનનો ફાળો આપ્યો હતો. પથિરાનાએ ત્રણ અને મદુશને બે વિકેટ તથા ભારત સામેના હીરો વેલ્લાલાગેએ એક વિકેટ લીધી હતી.