24 September, 2025 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રવિચન્દ્રન અશ્વિન
ભારતના ભૂતપૂર્વ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને ઇન્ટરનૅશનલ લીગ T20 (ILT20)ના આગામી ઑક્શનમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. એક ઑક્ટોબરે દુબઈમાં આયોજિત ઑક્શન માટે અશ્વિનની બેઝ પ્રાઇસ ૧,૨૦,૦૦૦ અમેરિકન ડૉલર એટલે કે ૫૩.૨૫ લાખ રૂપિયા રાખવામાં આવી છે. અશ્વિન પહેલી વખત કોઈ વિદેશી T20 લીગના ઑક્શનમાં ઊતરશે.
ઑલમોસ્ટ ૮૦૦ પ્લેયર્સના ઑક્શન-લિસ્ટમાં ૩૯ વર્ષના અશ્વિન સહિત ૨૪ ભારતીયોનાં નામ હોવાના અહેવાલ છે. દરેક ટીમ તરફથી પ્રતિભાવ મળ્યા બાદ ઑક્શન-લિસ્ટ ફાઇનલ કરવામાં આવશે. છ ટીમની ILT20ની ચોથી આવૃત્તિ ૨૦૨૫ની બે ડિસેમ્બરથી ૨૦૨૬ની ૪ જાન્યુઆરી દરમ્યાન રમાશે.
બિગ બૅશ લીગની ચાર ટીમ સાથે થઈ રહી છે ચર્ચા
ઑસ્ટ્રેલિયાની મેન્સ બિગ બૅશ લીગમાં હજી સુધી કોઈ ભારતીય પ્લેયર રમ્યો નથી. રવિચન્દ્રન અશ્વિન હવે આ રેકૉર્ડ પણ પોતાને નામે કરવાની તૈયારી કરી રહ્યો છે. અહેવાલ અનુસાર આગામી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં આયોજિત બિગ બૅશ લીગની નવી સીઝન માટે અશ્વિન સિડની સિક્સર્સ, ઍડીલેડ સ્ટ્રાઇકર્સ, સિડની થન્ડર અને હોબાર્ટ હરિકેન્સ સહિતની ચાર ટીમ સાથે કરાર માટે ચર્ચા કરી રહ્યો છે. આ સપ્તાહના અંતે કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવે એવી અપેક્ષા છે.