14 July, 2022 05:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરુણ લાલ હવે બેંગાલના કોચ નથીઃ હનીમૂન પર જવાની તૈયારીમાં
૧૯૮૨થી ૧૯૮૯ દરમ્યાન ભારત વતી ૧૬ ટેસ્ટ અને ૧૩ વન-ડે રમનાર ભૂતપૂર્વ ઓપનિંગ બૅટર અરુણ લાલે તાજેતરમાં ૬૬ વર્ષની ઉંમરે ૩૮ વર્ષની જૂની મિત્ર બુલબુલ સાહા સાથે લગ્ન કર્યાં હતાં અને ખાસ કરીને નવી પત્નીને તેમ જ પૂરા પરિવારને પૂરતો સમય ન આપી શકવા બદલ અરુણ લાલે બેંગાલના હેડ-કોચનો હોદ્દો છોડી દીધો છે અને ટર્કીમાં હનીમૂન મનાવવા જવાની તૈયારી કરી રહ્યા છે.
તેઓ ત્રણ વર્ષથી બેંગાલના ચીફ કોચ હતા. તેમની પ્રથમ પત્ની રીનાની તબિયત ઘણા સમયથી સારી નથી. અરુણ લાલ અને રીનાએ એકમેકની સંમતિથી છૂટાછેડા લીધા છે અને અઢી મહિના પહેલાં અરુણ લાલે સ્કૂલ-ટીચર બુલબુલ સાથે લગ્ન કર્યાં હતાં. ચાર વર્ષ પહેલાં અરુણ લાલને કૅન્સર થયું હતું, પરંતુ તેઓ એ બીમારીમાંથી બહાર આવી ગયા છે.
ટર્કી પહેલાં દાર્જીલિંગ જશે
અરુણ લાલે તાજેતરમાં પત્રકારોને કહ્યું કે ‘હેડ-કોચની જવાબદારી ખૂબ કઠિન અને મોટા ભાગનો સમય માગી લેનારી છે. વર્ષમાં ૯ મહિના અને દિવસમાં ૨૪ કલાક વ્યસ્ત રહેવું પડે. ૧૨ મહિનામાંથી ૭ મહિના તો ઘરથી દૂર રહેવું પડે. આ બધું ધ્યાનમાં લઈને મેં વિચાર્યું કે મને કોચના હોદ્દેથી કાઢી મૂકવામાં આવે એના કરતાં મારે જ હવે એ પદ છોડી દેવું જોઈએ. હું ખૂબ થાકી ગયો છું. હવે હું ક્રિકેટ પરથી ધ્યાન હટાવીને ફૅમિલીને બધો સમય આપવા માગું છું. હું મારી પત્ની બુલબુલ સાથે ટર્કી જવા માગું છું. તેની સાથે લગ્ન કર્યા પછી ક્યાંય ગયો જ નથી. ટર્કી જતાં પહેલાં હું દાર્જીલિંગ જવાનું વિચારું છું. બુલબુલને સ્કૂલમાંથી રજા મળે કે તરત અમે હૉલિડે મનાવવા રવાના થઈશું.’
મેન્ટર બનવા તૈયાર
અરુણ લાલ હનીમૂન પરથી પાછા આવ્યા બાદ બેંગાલ અથવા બીજી કોઈ ટીમનો મેન્ટર બનવા તૈયાર છે. ફરી કૉમેન્ટરી આપવાની પણ તેમની ખૂબ ઇચ્છા છે.