તળિયાની ટીમો ચેન્નઈ-કલકત્તા વચ્ચે પ્રતિષ્ઠા બચાવવાની મથામણ

14 April, 2026 02:43 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

અજિંક્ય રહાણે ઍન્ડ કંપની હજી જીતનું ખાતું નથી ખોલાવી શકી, ચેપૉકમાં હોમ ટીમ સામે કલકત્તાને બારમાંથી ૮ મૅચમાં મળી છે હાર

ઋતુરાજ ગાયકવાડ અને અજિંક્ય રહાણે

IPL 2026ની બાવીસમી મૅચ આજે પૉઇન્ટ-ટેબલની બે તળિયાની ટીમ વચ્ચે ચેપૉક સ્ટેડિયમમાં રમાશે. નવમા ક્રમની ચેન્નઈ સુપર કિંગ્સ અને દસમા ક્રમની કોલકાતા નાઇટ રાઇડર્સ માટે આ ટક્કર પ્રતિષ્ઠા બચાવવાનો જંગ પણ બની રહેશે. હારની હૅટ-ટ્રિક બાદ ચેન્નઈએ અંતિમ મૅચમાં દિલ્હી કૅપિટલ્સને હરાવીને પહેલી જીત નોંધાવી હતી. કલકત્તાની ટીમ વરસાદને કારણે ન રમાયેલી મૅચના એક પૉઇન્ટ સાથે ટુર્નામેન્ટની હમણાં સુધીની સૌથી નબળી ટીમ બની છે. એ ૪ મૅચમાંથી એક પણ મૅચ જીતી શકી નથી. સંજુ સૅમસન, આયુષ મ્હાત્રે જેવા બૅટર્સ તથા પેસ બોલર જેમી ઓવર્ટનના શાનદાર પ્રદર્શનથી ચેન્નઈના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. અનુભવી વિકેટકીપર-બૅટર મહેન્દ્ર સિંહ ધોની ઇન્જરીને કારણે બે અઠવાડિયાંના બ્રેક બાદ હવે મેદાન પર રમશે કે નહીં એના પર સૌની નજર રહેશે. અજિંક્ય રહાણેની આગેવાની હેઠળનું કલકત્તા દરેક મૅચમાં અલગ-અલગ મોરચે સંઘર્ષ કરી રહ્યું છે. ૨૫.૨૦ કરોડ રૂપિયાના કૅમરન ગ્રીને બોલિંગ પણ શરૂ કરી છે એ આ ટીમ માટે એક સકારાત્મક બાબત છે.

બન્ને ટીમનો હેડ-ટુ-હેડ રેકૉર્ડ 

મૅચ

૩૨

ચેન્નઈની જીત

૨૦

કલકત્તાની જીત

૧૧

નો-રિઝલ્ટ

કલકત્તાની ટીમને ચેપૉક સ્ટેડિયમમાં ૧૬ મૅચમાંથી ૬ જીત અને ૧૦ હાર મળી છે. હોમ ટીમ ચેન્નઈ સામે કલકત્તા ૧૨ મૅચ અહીં રમ્યું છે. એમાંથી ચેન્નઈ ૮ મૅચ અને કલકત્તા ૪ મૅચ જીત્યું છે. ચેન્નઈની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર ૮૩ મૅચમાંથી ૩૦ મૅચ હારી છે. ટીમને  અહીં દિલ્હી કૅપિટલ્સ સામેની અંતિમ મૅચ સહિત ૫૩ મૅચમાં જીત મળી છે. એ પહેલાં સતત ૬ મૅચમાં હોમ ટીમને કારમી હાર મળી હતી.

chennai super kings IPL 2026 ms dhoni kolkata knight riders sports news sports ruturaj gaikwad ajinkya rahane