ચીફ સિલેક્ટર ચેતન શર્માએ રાજીનામું આપી દેવું પડ્યું

18 February, 2023 11:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચેતન શર્માની કથિત કમેન્ટ્સથી બીસીસીઆઇના મોવડીઓ તેમ જ વર્તમાન નૅશનલ ટીમના મેમ્બર્સે ચેતન શર્મા પરથી ભરોસો ગુમાવ્યો હતો

ચેતન શર્મા

ભારતના ભૂતપૂર્વ પેસ બોલર ચેતન શર્માએ સિલેક્શન કમિટીની મીટિંગોમાં તેમ જ ભારતીય ક્રિકેટમાંની કેટલીક અંદરની ચોંકાવનારી તથા ગુપ્ત વાતો ‘ઝી ન્યુઝ’ ચૅનલને સ્ટિંગ ઑપરેશન દરમ્યાન જણાવી દઈને આ બફાટ કરવા બદલ સિનિયર ભારતીય ટીમ માટેના ચીફ સિલેક્ટરના હોદ્દા પરથી રાજીનામું આપી દેવું પડ્યું છે.

બીસીસીઆઇના એક સૂત્રએ પી.ટી.આઇ.ને એવું જણાવ્યું હતું કે ‘ચેતને બીસીસીઆઇને રાજીનામું મોકલી આપ્યું છે અને સેક્રેટરી જય શાહે તેનું રાજીનામું સ્વીકારી લીધું છે. સ્ટિંગ ઑપરેશન બાદ ચેતન એ હોદ્દા પર ચાલુ રહેવાને યોગ્ય નહોતો. તેને રાજીનામું આપવાનું કહેવાયું નહોતું, ખુદ તેણે જ આપી દીધું છે.’

ચેતન શર્માની કથિત કમેન્ટ્સથી બીસીસીઆઇના મોવડીઓ તેમ જ વર્તમાન નૅશનલ ટીમના મેમ્બર્સે ચેતન શર્મા પરથી ભરોસો ગુમાવ્યો હતો. ટીમનો સપોર્ટ સ્ટાફ પણ ચેતનથી ખફા હતો. ક્રિકેટ બોર્ડના બીજા એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘ખાસ કરીને હેડ-કોચ રાહુલ દ્રવિડ તેમ જ કૅપ્ટનો રોહિત શર્મા અને હાર્દિક પંડ્યાએ ચેતન શર્મામાંથી સંપૂર્ણપણે વિશ્વાસ ગુમાવી દીધો હતો. સિલેક્શન કમિટીની મીટિંગ્સમાં ચેતન આ ત્રણેય સામે કદાચ બેસી જ ન શક્યો હોત, કારણ કે ચેતને વિધાનો કરીને પોતાનું માન-સન્માન ગુમાવ્યું છે. બફાટ બદલ તેણે મોટી કિંમત ચૂકવવી પડી છે.’

એક જાણીતા ઓટીટી પ્લૅટફૉર્મ પરની ડૉક્યુ-સિરીઝ માટેના વર્ક માટે જરૂરી માહિતી મેળવવાનું કહીને ચેતન શર્મા સાથે સ્ટિંગ ઑપરેશન કરાયું હતું, જેમાં તેણે રોહિત-કોહલી વચ્ચેના ખટરાગની વાત કરી હતી, કોહલી-ગાંગુલીનો અહમ્ ટકરાતો હોવાનું કહ્યું હતું તેમ જ ખાસ કરીને તેણે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે બુમરાહ તો વાંકો પણ નથી વળી શક્તો અને ભારતના અમુક ખેલાડીઓ ઈજાને લીધે ટીમની બહાર થયા પછી ૮૦ ટકા જ ફિટ રહેતાં ઇન્જેક્શનો લઈને ૧૦૦ ટકા ફિટનેસ બતાવીને રમવા આવી જતા હોય છે. હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, દીપક હૂડા દિલ્હીમાં રેગ્યુલરલી પોતાના ઘરે આવતા હોવાનું ચેતન શર્માએ કહ્યું હતું, પરંતુ બીસીસીઆઇના સૂત્રએ ગઈ કાલે કહ્યું કે ‘હાર્દિક ક્યારેય ચેતનના ઘરે ગયો જ નથી.’ ગઈ કાલે કલકત્તામાં સિલેક્ટરો રણજી ફાઇનલ જોવા તેમ જ એમાંથી ઈરાની કપની ટીમ પસંદ કરવા ગયા ત્યારે એમાં ચેતન શર્મા પણ હતા. રાજીનામું સ્વીકારાયા બાદ ચેતન શર્માએ મીડિયાને જવાબ આપવાનું ટાળ્યું હતું.

sports sports news cricket news board of control for cricket in india