અ​શ્વિનની છ વિકેટ બાદ આજે ત્રણ ઑસ્ટ્રેલિયન સ્પિનર્સ ભારતને ભારે પડી શકે

11 March, 2023 03:28 PM IST  |  Gujarat | Gujarati Mid-day Correspondent

ઑસ્ટ્રેલિયાના ૪૮૦માંથી ૧૮૦ રન ઉસ્માન ખ્વાજાના : કૅમેરન ગ્રીનની પહેલી ઇન્ટરનૅશનલ સેન્ચુરી : આજે ભારતીય બૅટર્સની થશે કપરી કસોટી

આર. અશ્વિને ગઈ કાલે ટેસ્ટ-ક્રિકેટમાં ૩૨મી વાર પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી. તેણે દાવની પાંચમી વિકેટની સિદ્ધિનો લકી બૉલ બતાવીને સંકેત આપ્યા પછી નૅથન લાયનના રૂપમાં છઠ્ઠી વિકેટ પણ લીધી હતી. પી.ટી.આઇ./એ.એફ.પી.

અમદાવાદમાં નિર્ણાયક ટેસ્ટમાં ગઈ કાલે બીજા દિવસે રવિચન્દ્રન અશ્વિને (૪૭.૨-૧૫-૯૧-૬) ઓછી મદદ અપાવતી પિચ પર મૅરથૉન બોલિંગ કરીને સ્પેશ્યલ પર્ફોર્મન્સ બતાડ્યો ત્યાર બાદ હવે આ બૅટિંગ-ટ્રૅક પર આજે ત્રીજા દિવસે સ્પિનર્સને વધુ લાભ થઈ શકે એવી ધારણા વચ્ચે ઑસ્ટ્રેલિયાના ત્રણ સ્પિનર્સ નૅથન લાયન, ટૉડ મર્ફી અને મૅથ્યુ કુહનેમન વધુ અસરદાર બોલિંગ કરે અને ભારતીય બૅટર્સ માટે મુશ્કેલીઓ ઊભી કરે તો નવાઈ નહીં.

ઑસ્ટ્રેલિયાની ટીમ ૧૬૮મી ઓવરમાં ૪૮૦ રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ત્યાર પછી ભારતે ડિફે​ન્સિવ અપ્રોચ રાખીને ૧૦ ઓવરમાં ૩૬ રન બનાવ્યા હતા. રોહિત શર્મા ૧૭ રને અને શુભમન ગિલ ૧૮ રને રમી રહ્યો હતો. બન્ને ઓપનર્સ તેમ જ ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, શ્રીકાર ભરત, રવીન્દ્ર જાડેજા અને અશ્વિનની આજે કપરી કસોટી છે.

ખ્વાજા પહેલી ડબલ ફરી ચૂક્યો

ઉસ્માન ખ્વાજા (૧૮૦ રન, ૪૨૨ બૉલ, ૬૧૧ મિનિટ, એકવીસ ફોર) બીજી વાર ડબલ સેન્ચુરી ચૂકી ગયો હતો. તે જાન્યુઆરીમાં સિડનીમાં સાઉથ આફ્રિકા સામે ૧૯૫ રને અણનમ રહેતાં પહેલી વાર ડબલ સેન્ચુરી મિસ કરી ગયો હતો. તેની અને પહેલી જ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર કૅમેરન ગ્રીન (૧૧૪ રન, ૧૭૦ બૉલ, ૨૪૯ મિનિટ, અઢાર ફોર) વચ્ચે પાંચમી વિકેટ માટે ૫૯.૪ ઓવરમાં ૨૦૮ રનની તોતિંગ ભાગીદારી થઈ હતી.

લાયન, મર્ફી પણ ભારે પડ્યા

ગઈ કાલે વિકેટકીપર ઍલેક્સ કૅરી શૂન્યમાં જ વિકેટ ગુમાવી બેઠો હતો, પરંતુ સિરીઝમાં ભારતને ભારે પડેલા બે સ્પિનર્સ નૅથન લાયન (૩૪ રન, ૯૬ બૉલ, ૧૩૩ મિનિટ, છ ફોર) અને ટૉડ મર્ફી (૪૧ રન, ૬૧ બૉલ, ૭૪ મિનિટ, પાંચ ફોર)ની જોડીએ નવમી વિકેટ માટે ભાગીદારીમાં ૭૦ રન જોડીને ઑસ્ટ્રેલિયાને ૪૫૦-પ્લસનો સ્કોર અપાવ્યો હતો. બન્ને સ્પિનર્સને અશ્વિને આઉટ કર્યા હતા. અશ્વિનની છ વિકેટને બાદ કરતાં શમીએ બે તથા જાડેજા અને અક્ષરે એક-એક વિકેટ લીધી હતી. ઉમેશને ૧૦૫ રનમાં એકેય વિકેટ નહોતી મળી.

આર. અશ્વિને ગઈ કાલે ટેસ્ટ-ક્રિકેટમાં ૩૨મી વાર પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી. તેણે દાવની પાંચમી વિકેટની સિદ્ધિનો લકી બૉલ બતાવીને સંકેત આપ્યા પછી નૅથન લાયનના રૂપમાં છઠ્ઠી વિકેટ પણ લીધી હતી. પી.ટી.આઇ./એ.એફ.પી.

ગ્રીનની પ્રથમ સદી, કિંગની ૨૮મી સેન્ચુરી ક્યારે?: કૅમેરન ગ્રીન ગઈ કાલે પ્રથમ આંતરરાષ્ટ્રીય સદી ફટકાર્યા પછી બેહદ ખુશ હતો. તેની નજીક જઈ રહેલા કોહલીએ છેલ્લે ૨૭મી ટેસ્ટ સદી નવેમ્બર ૨૦૧૯માં ફટકારી હતી.

કમિન્સનાં મમ્મીનું નિધન : ઑસ્ટ્રેલિયન કાળી પટ્ટી પહેરીને રમ્યા

ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન પૅટ કમિન્સનાં મમ્મી મારિયાનું લાંબી માંદગી બાદ સિડનીમાં અવસાન થયું છે. પહેલી વાર ૨૦૦૫માં તેમને બ્રેસ્ટ કૅન્સર હોવાનું નિદાન થયું હતું. ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ અને ભારતમાં ટેસ્ટ રમી રહેલા ઑસ્ટ્રેલિયન ખેલાડીઓ અને અન્ય ઘણા જાણીતા ખેલાડીઓએ કમિન્સને સોશ્યલ મીડિયા પર શોકસંદેશ મોકલ્યો હતો. ગઈ કાલે અમદાવાદમાં ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ ભારત સામેની ટેસ્ટના બીજા દિવસે કમિન્સનાં મમ્મીને અંજલિ આપવાના હેતુથી હાથ પર કાળી પટ્ટી પહેરીને રમ્યા હતા.
કમિન્સ ગયા મહિને તેનાં મમ્મીની તબિયત નાજુક હોવાનું જણાતાં બીજી ટેસ્ટ બાદ સિડની જતો રહ્યો હતો અને તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ કૅપ્ટન્સી સંભાળી રહ્યો છે.

શુભમન ગિલની સિક્સરમાં ફૅનના કબજામાં બૉલ

શુભમન ગિલે ગઈ કાલે અમદાવાદમાં જે સિક્સર ફટકારી અેમાં અેક સ્ટૅન્ડમાં ગુમ થઈ ગયેલો બૉલ મળતાં જ તેના ચાહકે ખુશી બતાડી હતી અને થોડી ક્ષણો પછી બૉલ મેદાન પર ફેંક્યો હતો. પી.ટી.આઇ.

sports news sports test cricket cricket news