03 June, 2026 01:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: મિડ-ડે)
અફઘાનિસ્તાન આગામી છથી ૨૦ જૂન વચ્ચે ભારતમાં ભારતીય ટીમ સામે એક ટેસ્ટ-મૅચ અને ત્રણ વન-ડે મૅચ રમવાનું છે. અહેવાલ અનુસાર અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારતીય ટીમ સામે T20 સિરીઝ રમવા ઇચ્છે છે.
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે આગામી સપ્ટેમ્બર મહિનામાં ત્રણ T20 મૅચની સિરીઝ રમાઈ શકે છે. અફઘાનિસ્તાનની તનાવની સ્થિતિને કારણે અફઘાન ટીમ ભારત અને યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં જ પોતાની હોમ-મૅચ રમે છે. તેઓ દિલ્હીમાં આ સિરીઝની યજમાની કરવાનું વિચારી રહ્યા છે. જોકે દિલ્હીની T20 લીગની આગામી સીઝન પણ શરૂ થવાની હોવાથી સિરીઝનું શેડ્યુલ હાલમાં ચર્ચા હેઠળ છે.
ભારતીય ટીમનું આ વર્ષની બાકીની સિરીઝનું શેડ્યુલ
ઘરઆંગણે અફઘાનિસ્તાન સામે (૬થી ૨૦ જૂન) - ૧ ટેસ્ટ, ૩ વન-ડે
આયરલૅન્ડ-ટૂર (૨૬થી ૨૮ જૂન) - બે T20 મૅચ
ઇંગ્લૅન્ડ-ટૂર (૧થી ૧૯ જુલાઈ) - પાંચ T20, ૩ વન-ડે
ઝિમ્બાબ્વે-ટૂર (૨૩થી ૨૬ જુલાઈ) - ૩ T20
શ્રીલંકા-ટૂર (સંભવિત ઑગસ્ટ મહિનો) - બે ટેસ્ટ
ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે (૨૭ સપ્ટેમ્બરથી ૧૭ ઑક્ટોબર) - ૩ વન-ડે, પાંચ T20
એશિયન ગેમ્સ (સપ્ટેમ્બર-ઑક્ટોબર)
ન્યુ ઝીલૅન્ડ-ટૂર (સંભવિત નવેમ્બર મહિનો) - બે ટેસ્ટ, ૩ વન-ડે, પાંચ T20
ઘરઆંગણે શ્રીલંકા સામે (૧૩થી ૨૭ ડિસેમ્બર) - ૩ વન-ડે, ૩ T20
અકિબ નબી સહિત સાત બોલર્સ ભારતીય ટેસ્ટ-ટીમના નેટ-બોલર્સ
અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે આગામી ૬ જૂનથી ન્યુ ચંડીગઢમાં એકમાત્ર ટેસ્ટ-મૅચ શરૂ થવાની છે. આ ટેસ્ટ-મૅચ માટે ભારતીય ટીમે સાત નેટ-બોલર્સને પસંદ કર્યા છે. IPLમાં રમી ચૂકેલા પ્રિન્સ યાદવ, ગુર્જપનીત સિંહ, શિવાંગ કુમાર, ઝીશાન અંસારી અને અકિબ નબી નેટ-બોલર્સના આ લિસ્ટનાં મુખ્ય નામો છે.
ફાસ્ટ બોલર અકિબ નબીએ છેલ્લી રણજી ટ્રોફી સીઝનમાં ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર વતી રમીને રેકૉર્ડ ૬૦ વિકેટ લીધી હતી. અફઘાનિસ્તાન સામેની ભારતીય ટેસ્ટ-સ્ક્વૉડમાં તેને સ્થાન ન મળતાં સિલેક્શન કમિટીની નિંદા પણ થઈ હતી.