ભારતના અભિષેક શર્મા અને કુલદીપ યાદવે એક T20 એશિયા કપ સીઝનમાં રેકૉર્ડબ્રેક પ્રદર્શન કર્યું

28 September, 2025 10:23 AM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

T20માં પાંચમી સુપર ઓવર જીતી ટીમ ઇન્ડિયાએ એશિયા કપમાં વિજયી સિક્સર મારી

અભિષેક શર્મા અને કુલદીપ યાદવ

દુબઈમાં શુક્રવારે મોડી રાતે T20 એશિયા કપ 2025ની અંતિમ સુપર ફોર મૅચની સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવીને ભારતે વિજયી સિક્સર ફટકારી હતી. ૧૯૬.૭૭ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરીને ૮ ફોર, બે સિક્સરની મદદથી ૩૧ બૉલમાં ૬૧ રન ફટકારનાર ઓપનર અભિષેક શર્મા અને ચોથા ક્રમે રમીને ૪ ફોર, એક સિક્સરના આધારે ૩૪ બૉલમાં ૪૯ રનની અણનમ ઇનિંગ્સ રમનાર તિલક વર્માએ ભારતને પાંચ વિકેટે વર્તમાન ટુર્નામેન્ટના હાઇએસ્ટ ૨૦૨ રને પહોંચાડ્યું હતું. ઓપનર પથુમ નિસાન્કાએ ૭ ફોર, ૬ સિક્સરના આધારે ૫૮ બૉલમાં ફટકારેલી ૧૦૭ રનની ઇનિંગ્સ અને કુસલ પરેરાની ૩૨ બૉલમાં ૫૮ રનની ઇનિંગ્સથી શ્રીલંકાએ પાંચ વિકેટે ૨૦૨ રનનો સ્કોર કરીને મૅચ ટાઇ કરી હતી. 

સ્કોર લેવલ થયા પછી ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ ઇતિહાસની પહેલી સુપર ઓવર રમાઈ હતી. એમાં શ્રીલંકાએ બે વિકેટે બે રન કરીને આપેલા ૩ રનના ટાર્ગેટને ભારતે પહેલા બૉલે ચેઝ કરી લીધો હતો. T20માં ભારત પોતાની પાંચેય સુપર ઓવર જીત્યું છે. 

૧૮૪.૪૮ના સ્ટ્રાઇક-રેટથી બૅટિંગ કરનાર શ્રીલંકાનો ઓપનર સુપર ઓવરમાં કારમી હાર છતાં શાનદાર સદીને કારણે પ્લેયર ઑફ ધ મૅચ જાહેર થયો હતો. ભારતીય ઓપનર અભિષેક શર્માનો આ પહેલો એશિયા કપ છે. તે ૬ મૅચમાં ૩૦૯ રન કરીને એક T20 એશિયા કપ સીઝનમાં ૩૦૦ રન કરનાર પહેલો ક્રિકેટર બન્યો છે. ભારતના અનુભવી સ્પિનર કુલદીપ યાદવે પણ ૬ મૅચમાં ૧૩ વિકેટ લઈને એક સીઝનમાં રેકૉર્ડ-પ્રદર્શન નોંધાવ્યું છે. 

sports news sports indian cricket team cricket news abhishek sharma Kuldeep Yadav t20 asia cup 2025 asia cup sri lanka