26 July, 2025 04:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કૉમેડિયન ઝાકિર ખાને યુપી વૉરિયર્સના ચીફ જુગાડ ઑફિસર તરીકે નવા હેડ કોચ અભિષેક નાયરનું જર્સી આપીને સ્વાગત કર્યું હતું.
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ટીમ યુપી વૉરિયર્સે ભારતીય મેન્સ ટીમના ભૂતપૂર્વ સહાયક કોચ અભિષેક નાયરને પોતાનો નવો હેડ કોચ નિયુક્ત કર્યો છે. તે જોન લુઇસનું સ્થાન લેશે જેના કોચિંગ હેઠળ ટીમ ત્રણ સીઝનમાં અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા ક્રમે રહી હતી. અભિષેક આ પહેલાં ૨૦૨૩માં ઑફ સીઝન ટ્રેઇનિંગ સેશનમાં યુપી વૉરિયર્સને મદદ કરી ચૂક્યો છે. ટીમે મનોરંજન માટે કૉમેડિયન ઝાકિર ખાનને પોતાનો ચીફ જુગાડ ઑફિસર બનાવ્યો છે જેણે નવા કોચનું સ્વાગત કર્યું હતું.
IPL 2024 જીતનાર કલકત્તા નાઇટ રાઇડર્સ, ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ભારતીય મેન્સ ટીમ અને T20 મુંબઈ લીગ 2025 જીતનાર મરાઠા રૉયલ્સની ટીમને કોચિંગ આપનાર અભિષેક નાયર ભારત માટે ત્રણ વન-ડે મૅચ રમવાની સાથે મુંબઈ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ પણ રમી ચૂક્યો છે. તે કહે છે કે ‘યુપી વૉરિયર્સનો પાયો પહેલેથી જ મજબૂત છે. ટીમ પાસે અદ્ભુત ક્ષમતા છે અને હું આગામી સીઝનમાં ટીમનું પહેલું ટાઇટલ જીતવામાં મદદ કરવા મારા શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.’