ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૨૭ સદી ફટકારનાર અભિમન્યુ ફરી ડેબ્યુ માટે રહ્યો અનલકી

25 July, 2025 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે પહેલી વાર સ્ક્વૉડમાં સામેલ થયો ત્યારથી ૧૫ પ્લેયર્સ ભારત માટે કરી ચૂક્યા છે ટેસ્ટ-ડેબ્યુ

અભિમન્યુ ઈશ્વરન

ઉત્તર પ્રદેશમાં જન્મેલા અને બંગાળ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર અભિમન્યુ ઈશ્વરન ફરી ટેસ્ટ-ડેબ્યુથી વંચિત રહ્યો છે. ૨૯ વર્ષના આ ટૉપ ઑર્ડર બૅટરને ડિસેમ્બર ૨૦૨૨માં બંગલાદેશ સામેની સિરીઝમાં પહેલી વાર ટેસ્ટ-સ્ક્વૉડમાં સ્થાન આપવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર બાદથી તે ક્યારેય ટેસ્ટ-ડેબ્યુ અને ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં પોતાની પહેલી મૅચ રમી શક્યો નથી.

ડિસેમ્બર ૨૦૨૨ બાદ ૧૫ ભારતીય પ્લેયર્સ ટેસ્ટ-ડેબ્યુ કરી ચૂક્યા છે, પણ અભિમન્યુ ઈશ્વરન હજી સુધી અનલકી જ સાબિત થયો છે. જમણા હાથના આ બૅટરે અત્યાર સુધી ૧૦૩ ફર્સ્ટ ક્લાસ મૅચમાં ૨૭ સેન્ચુરી અને ૩૧ ફિફ્ટીની મદદથી ૭૮૪૧ રન ફટકાર્યા છે. તે ગયા વર્ષે બૉર્ડર-ગાવસકર ટ્રોફીમાં પણ ડેબ્યુ કરી શક્યો નહોતો અને હવે જ્યારે રોહિત શર્મા, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા સ્ટાર બૅટર્સની ગેરહાજરીમાં પણ તે પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો નથી.

અભિમન્યુ ઈશ્વરનના પ્રથમ ટેસ્ટ કૉલ-અપ પછી ભારત માટે ટેસ્ટ-ડેબ્યુ કરનારા પ્લેયર્સ

કે. એસ. ભરત (ફેબ્રુઆરી ૨૦૨૩), સૂર્યકુમાર યાદવ (ફેબ્રુઆરી ૨૦૨૩), યશસ્વી જાયસવાલ (જુલાઈ ૨૦૨૩), ઈશાન કિશન (જુલાઈ ૨૦૨૩), મુકેશ કુમાર (જુલાઈ ૨૦૨૩), પ્રસિદ્ધ ક્રિષ્ના (ડિસેમ્બર ૨૦૨૩), રજત પાટીદાર (ફેબ્રુઆરી ૨૦૨૪), સરફરાઝ ખાન (ફેબ્રુઆરી ૨૦૨૪), ધ્રુવ જુરેલ (ફેબ્રુઆરી ૨૦૨૪), આકાશ દીપ (ફેબ્રુઆરી ૨૦૨૪), દેવદત્ત પડિક્કલ (માર્ચ ૨૦૨૪), નીતીશ કુમાર રેડ્ડી (નવેમ્બર ૨૦૨૪), હર્ષિત રાણા (નવેમ્બર ૨૦૨૪), સાઈ સુદર્શન (જૂન ૨૦૨૫) અને અંશુલ કમ્બોજ (જુલાઈ ૨૦૨૫).

abhimanyu easwaran indian cricket team cricket news sports news sports board of control for cricket in india