કોઈ પણ ચીજની આરપાર દેખાડતી એક્સ-રે તસવીરોની અનોખી આર્ટ

16 September, 2012 10:26 AM IST  | 

કોઈ પણ ચીજની આરપાર દેખાડતી એક્સ-રે તસવીરોની અનોખી આર્ટ




(સેજલ પટેલ)

માંદા પડીએ ત્યારે છાતીની પાંસળીઓ કે હાથ-પગના સાંધાના એક્સ-રે પડાવીએ ત્યારે કાળા પેપર પર સફેદ શેડવાળા આંતરિક અવયવો જોઈને થાય કે ઓહો! આપણા શરીરમાં આવુંબધું છે? એક્સ-રેની ફિલ્મો જોઈને કોઈકને ડર લાગે તો કોઈકને ડૉક્ટરોને એમાંથી શું અને કેવી રીતે સમજાતું હશે એ બાબતે આશ્ચ્ર્ય થાય. જીવનમાં આવા એક્સ-રે કરાવવા પડ્યા હોય એવી નોબત તો લગભગ દરેક પરિવારમાં આવી જ હશે, પણ એમાંથીયે હટકે આર્ટ વિકસાવી શકાય એવો ખ્યાલ કોઈને આવે? ધારો કે માથાફરેલ માણસને આવો વિચાર આવે તો શું એ આર્ટ રમણીય હોય ખરું? હા, અહીં દર્શાવેલાં તમામ ચિત્રો એક્સ-રે ફોટોગ્રાફીની અદ્ભુત કારીગરીના નમૂના છે. એમાં કોઈ પ્રકારની કમ્પ્યુટરાઇઝ્ડ કરામત કરવામાં નથી આવી, જે-તે ચીજનો આખેઆખો રિયલ એક્સ-રે છે. આ તસવીરોનાં બ્રિટન, અમેરિકા, યુરોપમાં ઠેર-ઠેર લગભગ ૧૦૦થી વધુ એક્ઝિબિશન થઈ ચૂક્યાં છે. આવા કોઈ એક્ઝિબિશનમાં જવાનો મેળ પડ્યો ન હોય તો વાંધો નહીં, આપણે ઘેરબેઠાં જ એની વચ્યુર્અલ મુલાકાત લઈએ.



ઇંગ્લૅન્ડની મેઇડસ્ટોન કાઉન્ટીમાં રહેતા નિક વીઝી નામના ૫૦ વરસના ફોટોગ્રાફરે પોતાની વિચિત્ર કલ્પનાને ટેક્નોલૉજીની મદદથી સાકાર કરી બતાવી છે. છેલ્લાં ત્રેવીસ વરસથી તેના માથે માત્ર એક્સ-રે ફોટોગ્રાફી કરવાનું જ ભૂત સવાર થયું છે. તેણે અત્યાર સુધીમાં ૩૦૦૦થી વધુ ચીજોનો એક્સ-રે પાડ્યો છે. નાનપણથી જ નિકની રગ-રગમાં ફોટોગ્રાફીનું અજબનું પૅશન દોડતું, પણ શરૂઆત ક્યાંથી કરવી એની કોઈ દિશા નહોતી. કૉલેજમાં ભણવા માટે થોડાક પૈસાની જરૂર હોવાથી ભણવા ઉપરાંત એક રેડિયોગ્રાફરને ત્યાં અસિસ્ટન્ટ તરીકે કામ શરૂ કરેલું ને પછી કારકર્દિી તો ફોટોગ્રાફીમાં જ બનાવવી છે એવો નર્ધિાર કરીને ભાઈ નીકળી પડ્યા કમર્શિયલ ફોટોગ્રાફી કરવા. સાદી ફોટોગ્રાફીમાં ખાસ વળતર પણ નહોતું અને સંતોષ પણ નહીં. પાંચેક વરસ ઘણો સંઘર્ષ કર્યા પછી આ ફીલ્ડને અલવિદા કરવાનું મન બનાવી લીધેલું ત્યારે જ તેને બ્રિટનના એક ટીવી-શો માટે કામ કરવાનો મોકો મળ્યો. તેણે એક કોલા ડ્રિન્કના પ્રમોશન માટે એની અંદરનો કોડ શોધી કાઢવાનો હતો. નિકે એ વખતે રેડિયોગ્રાફરને ત્યાં મળેલી પ્રાથમિક ટ્રેઇનિંગ કામે લગાડીને કોલા કૅનનો એક્સ-રે કાઢીને પ્રમોશનલ કોડ શોધી બતાવ્યો. આ શોમાં તે પ્રાઇઝ તો જીત્યો જ, જીવનનું લક્ષ્ય પણ મળી ગયું. તેણે એક્સ-રે મશીન કેવી રીતે કામ કરે છે, કઈ ચીજોની આરપાર નીકળી જાય છે અને કઈ રીતે ઇમેજ અંકિત કરે છે એ બધાનો અભ્યાસ અને એક્સ્ાપરિમેન્ટ્સ કર્યા ને બે વર્ષ પછી તો નિયમ લીધો કે હવે તે માત્ર એક્સ-રે ફોટોગ્રાફી જ કરશે.



એકકોષીય અમીબાથી લઈને માણસોના વિવિધ પ્રવૃત્તિઓ કરતા એક્સ-રે નિકે કાઢ્યા છે. માણસ ઊંઘમાંથી ઊઠીને પલંગ પર આળસ મરડતો હોય, મોબાઇલ પર વાત કરતો હોય, કૂતરાને લઈને ફરવા નીકળ્યો હોય, છાપું વાંચતો હોય, સ્કેટબોર્ડ પર સર્ફિંગ કરતો હોય, બાથટબમાં બેસીને નહાતો હોય, સાઇકલ ચલાવતો હોય, ફૂટબૉલની પોસ્ટમાં ગોલ કરતો હોય, હેર-ડ્રાયરથી વાળ કોરા કરતો હોય, દીવાલમાં ડ્રિલિંગ મશીનથી કાણું પાડતો હોય કે પછી કઠપૂતળીની જેમ ડાન્સ કરતો હોય એવા એક્સ-રે ફોટોગ્રાફ નિકે બનાવ્યા છે. માણસો સિવાયનાં અન્ય પ્રાણીઓ જેવાં કે સાપ, માછલી, પૅãન્ગ્વન, ચામાચીડિયું, નીડલફિશ, ઑક્ટોપસ, કરચલો, કૂતરો જેવાં જાત-જાતનાં સ્થળચર અને જળચર પ્રાણીઓના અચરજ પમાડે એવા એક્સ-રે પણ કાઢ્યા છે. ટ્યુલિપ, હિબિસ્કસ, ગુલાબ અને રંગબેરંગી ફૂલો પણ નિકના એક્સ-રે મશીનમાં બ્લૅક ઍન્ડ વાઇટ થઈ જાય છે અને છતાં એની મોહકતા જરાય ઓછી નથી લાગતી. ફૂલોના રેડિયોગ્રાફમાં નિકે એક્સ-રે દરમ્યાન વિવિધરંગી કિરણોથી રંગોના શેડ પણ ઉર્મેયા છે.



નિકની સર્જનાત્મકતા માત્ર સજીવો સુધી જ અટકી નથી. તેણે કમ્પ્યુટરના માઉસથી લઈને જાયન્ટ ઍરોપ્લેન સુધીના ઑબ્જેક્ટ્સનો પણ એક્સ-રે કાઢ્યો છે. અલાર્મ-ક્લૉક, મોબાઇલ ફોન, રેડિયો, સ્કૂટર, કાર, મુસાફરો ભરેલી બસ, અર્થમૂવર અને અમેરિકન ઍરક્રાફ્ટ બોઇંગ ૭૭૭ની પણ લાઇફ-સ્ાાઇઝ એક્સ-રે ઇમેજ બનાવી છે. ૨૦૦૩માં બનાવેલી બોઇંગ ૭૭૭ની લાઇફસાઇઝ ઇમેજ અમેરિકાના ઈસ્ટ બૉસ્ટનના લોગન ઇન્ટરનૅશનલ ઍરપૉર્ટ પર અત્યારે પણ ટાંગેલી છે. આ ઇમેજ કાઢવા માટે તેણે બોઇંગ ૭૭૭ના વિવિધ પુરજા છૂટા પાડીને એને નિક વેસીના સ્ટુડિયોમાં લઈ જવામાં આવેલા. એકસાથે ૪૩ બાય ૩૫ સેન્ટિમીટરની એક ફિલ્મ એવા લગભગ ૫૦૦ એક્સ-રે અલગ-અલગ પાડીને એનો એક્સ-રે તૈયાર કરવામાં આવેલો. બધી જ એક્સ-રે ઇમેજ ખાસ આ પ્રોસેસ માટે તૈયાર કરવામાં આવેલા અલ્ટ્રા હાઇ રેઝોલ્યુશન ધરાવતા સ્કૅનરથી સ્કૅન કરીને લેવામાં આવેલી. એ પછી છૂટી ઇમેજને એકબીજા સાથે ચોંટાડીને એની એક ઇમેજ તૈયાર થઈ. લગભગ સાત-આઠ મહિનાની મહેનત પછી આ એક ચિત્ર તૈયાર થયેલું.

કોઈ પણ ચીજનો એક્સ-રે કાઢવો એ એક ફોટો પાડવા જેટલી સરળ બાબત નથી. જે-તે ઑબ્જેક્ટની ખાસિયતો મુજબ રેડિયેશનના તરંગોની લંબાઈમાં વધઘટ કરવી પડે છે. જેમ કે માણસની ઇમેજ કાઢવા જે તરંગલંબાઈ ધરાવતાં કિરણો વપરાય એ જ જો ફૂલો માટે પણ વાપરવામાં આવે તો કિરણો આરપાર નીકળી જાય અને માત્ર કાળું ધાબું જ દેખાય. જે-તે ચીજની ક્ષમતા અનુસાર રેડિયેશનના તરંગોને પ્રૉપર્લી ઍડ્જસ્ટ કરવામાં આવે તો જ યોગ્ય ઇમેજ ઊભી થાય છે.

નિકના રડાર નામના સ્ટુડિયોમાં ત્રણ પ્રકારનાં એક્સ-રે મશીન છે. એક ફૂલો કે એકકોષીય જળચર પ્રાણીઓ જેવી એકદમ હળવી ચીજો માટે વપરાય છે. બીજું મશીન માણસો અને અન્ય સજીવ બાબતો માટે અને ત્રીજું અત્યંત હાઇ રેડિયેશન ધરાવતું હોવાથી મોટાં મશીનો કે ઑબ્જેક્ટ્સ માટે વપરાય છે. આ ઇમેજ ઊભી કરવા માટે જેટલી માત્રામાં કિરણોત્સર્ગનો ઉપયોગ કરાય છે એ જીવંત વ્યક્તિ માટે ખૂબ જ હાનિકારક હોય છે અને એટલે મોટા ભાગના સજીવોના એક્સ-રે મૃતદેહો પર જ લેવામાં આવ્યા છે. હા, વિવિધ પ્રવૃત્તિઓમાં રત માણસોની ઇમેજ પણ મૃતદેહની જ છે. સામાન્ય રીતે માણસના મૃત્યુ પછી સાતથી દસ કલાકમાં જ આ પ્રોસેસ હાથ ધરાય છે નહીંતર એ પછી શરીરની ફ્લેક્સિબિલિટી પણ ઘટી ગઈ હોય છે અને અંદર સડો પેદા થવાનું શરૂ થઈ જતું હોવાથી ગંધની સમસ્યા પણ પેદા થાય છે.

અત્યંત ખતરનાક એવા રેડિયેશનની સાથે નિક છેલ્લાં ૨૩ વરસથી કામ કરે છે. જો ક્યારેય સી.ટી. સ્કૅન કરાવ્યું હોય તો ખબર હશે કે દરદીને મશીનની સાથે મૂકીને રેડિયોલૉજિસ્ટ બીજા રૂમમાં જઈને કિરણો છોડે છે. એ જ ટેક્નૉલૉજી નિક વાપરે છે. જોકે એ છતાં તેના સ્ટુડિયોના રેડિયોલૉજી રૂમમાં નિકે આખા શરીરે સીસાના તારવાળું એપ્રન અને અન્ડરવેઅર પહેરીને જ પ્રવેશવું પડે છે. સીસું રેડિયેશનથી શરીરનું રક્ષણ કરે છે.

છેલ્લાં કેટલાંક વષોર્થી આ આર્ટની ડિમાન્ડ ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં પણ ખૂબ વધી ગઈ છે. વિવિધ ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ પોતાની પ્રોડક્ટ્સની આવી એક્સ-રે ઇમેજ પડાવીને માર્કેટિંગ કરે છે.

નિક વીઝીના ક્રીએશન્સની વિવિધ બુક્સ પણ બહાર પડી છે. એમાંથી લેટેસ્ટ બુકનું નામ છે ‘સી ધ વર્લ્ડ ઇનસાઇડ આઉટ’. દરેક ચીજમાં અંદર શું છે એ જાણવાનું કુતૂહલ હોય તો નિક વેસીની આર્ટમાં મજા પડી જાય એમ છે.

સી.ટી. સ્કૅન = કમ્પ્યુટરાઇઝ્ડ ટૉમોગ્રાફી સ્કૅન