બીજેપીમાં વડા પ્રધાન બનવા સૌથી વધુ લાયક કોણ?

16 October, 2011 07:18 PM IST  | 

બીજેપીમાં વડા પ્રધાન બનવા સૌથી વધુ લાયક કોણ?

 

 

સુષમા સ્વરાજ ભલે આવું કંઈ બોલતાં નથી, પણ તેમનીયે આ પદ પર બેસવાની મહત્વાકાંક્ષા ખરી. આ સંદર્ભમાં અમે શહેરની કેટલીક જાણીતી વ્યક્તિઓને પૂછ્યું કે તમને બીજેપીમાં વડા પ્રધાનપદ માટે બેસ્ટ દાવેદાર કોણ લાગે છે

મોદીસાહેબ! વડા પ્રધાનપદ માટે નરેન્દ્ર મોદી મને બધી રીતે શ્રેષ્ઠ લાગ્યા છે. ૧૦ વર્ષ સુધી તેઓ ગુજરાતના ચીફ મિનિસ્ટરપદે રહ્યા એ બહુ મહત્વની વાત છે. તેમના શાસનમાં ગુજરાતે જે પરિસ્થિતિમાં હતું એમાંથી બહાર આવી પ્રગતિ કરી. તેઓ વિઝનરી છે અને દેશને એવા વિઝનરીની જરૂર છે. તેમણે કામ કરી બતાવ્યું છે, પ્રૂવ કર્યું છે, ગુજરાતની શિકલ બદલી નાખી છે. કેન્દ્રમાં જ્યારે અલગ સરકાર હોય ત્યારે વિદેશથી મોટા પાયે ફાઇનૅન્સ લાવવું એ ઘણું અઘરું કામ છે. યુવાનોમાં તેઓ પૉપ્યુલર છે. તેથી મારા મતે તેઓ વડા પ્રધાન માટેના શ્રેષ્ઠ કૅન્ડિડેટ છે. - જમનાદાસ મજીઠિયા, ઍક્ટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર

નરેન્દ્ર મોદી. વડા પ્રધાન બનવાની એલિજિબિલિટી તેમનામાં છે. પાંચેક  વર્ષમાં તેમણે સડસડાટ ગુજરાતને પ્રગતિના રાહ પર મૂકી દીધું છે. સંજોગો સામે તેઓ સ્થિર રહી શકે છે. ગુજરાતનું સુકાન સંભાળવું અને દેશનું સુકાન સંભાળવામાં ફરક છે એ વાત ખરી, પણ સુકાન એને સોંપી શકાય જેણે કંઈક કરી બતાવ્યું હોય. અડવાણી અનુભવી, બાહોશ અને જ્ઞાની છે; પણ ઉંમરના હિસાબે જોઈએ તો વી નીડ સમવન યંગર. બીજા નંબરે સુષમા સ્વરાજને મૂકી શકાય; કારણ કે ભાષા પર તેમનું પ્રભુત્વ છે, લીગલ નૉલેજ છે અને સ્ત્રીઓ કદાચ આ કામ સારી રીતે કરી શકે. ત્રીજો નંબર હું અરુણ જેટલીને આપું. - રૂપા શાહ, ભૂતપૂર્વ વાઇસ ચાન્સલેર, એસએનડીટી વીમેન્સ યુનિવર્સિટી

નરેન્દ્ર મોદી. જે વ્યક્તિએ કંઈક કરી બતાવ્યું છે, કંઈક પ્રૂવ કર્યું છે તેને ચાન્સ આપવો જોઈએ. એક સ્ટેટનું સારી રીતે શાસન કરનાર દેશને પણ સારી રીતે ચલાવી શકે છે. ભાષા સહિતની અનેક જુદી-જુદી વાતો સાથે દેશના શાસનને સારી રીતે ચલાવવા માટે ગુડ ટીમવર્કની જરૂર પડે. ટીમવર્ક સાથે એ સારી રીતે શક્ય બની શકે તેથી જો તેમને પોતાના પક્ષનો ફુલ સર્પોટ મળી રહે તો તેઓ વડા પ્રધાનપદે રહી ઘણું સારું કામ કરી શકે. દુનિયાના દેશોમાં ભલે તેઓ ઍક્સેપ્ટેડ નથી, પણ તેથી શું થઈ ગયું? આ માણસ કામમાં માને છે અને તેઓ ક્યાંય ખોટા નથી. - ડૉ. ચેતન ભટ્ટ, ગૅસ્ટ્રોએન્ટ્રોલૉજિસ્ટ

માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી જ, કારણ કે તેઓ કામ કરે છે. ગુજરાતની શિકલ આ માણસે બદલી નાખી છે એટલું જ નહીં, હજી તેઓ ગુજરાતને વધુ ને વધુ ઊંચાઈઓ પર લઈ જશે એ વાતમાં બેમત નથી. નરેન્દ્ર મોદી કમિટેડ પર્સન છે. જે માણસ ગુજરાતની શિકલ બદલી શકે તે દેશની શિકલ બદલી શકવા પણ સમર્થ છે. શક્ય છે કે એટલી હદે બદલાંવ ન આવે, પણ દેશની શિકલ બદલાય તો ખરી જ. તેથી મારા મતે નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદ માટે વેરી ડિઝર્વિંગ પર્સન ગણી શકાય. - રાજીવ મહેતા, ઍક્ટર

યશવંત સિંહા. તેઓ ફાઇનૅન્સ મિનિસ્ટર હતા ત્યારે ઘણું સારું કામ કર્યું છે. તેમનું જ્ઞાન, તેમની બુદ્ધિ, તેમનો અનુભવ અને તેમની પ્રતિભાને લઈને હું વડા પ્રધાન તરીકે તેમને પસંદ કરું છું. તેઓ હંમેશાં નૉન-કૉન્ટ્રોવર્શિયલ રહ્યા છે. નૉન-કૉન્ટ્રોવર્શિયલ રહેવું એ સારું છે એવું હું નથી કહેતો, પણ તેમણે કંઈ ખોટું કર્યું હોય કે કોઈને ખોટો ફાયદો અપાવ્યો હોય, ચાલાકી કરી હોય એવું કંઈ નથી. આ ઉંમરે અડવાણી આ જવાબદારી ન લઈ શકે અને મોદી માટે હું એટલે ના કહું કે વિવાદોનો તેમના માથે ભાર છે એથી તેઓ શાંતિથી કામ ન કરી શકે. તેથી યશવંત સિંહા ઇઝ બેસ્ટ. - ડૉ. મોહન પટેલ, મુંબઈના ભૂતપૂર્વ શેરિફ અને ઉદ્યોગપતિ

સુષમા સ્વરાજ. તેમની સમજશક્તિ સારી છે અને બોલવાની સ્ટાઇલ સારી છે. શી ઇઝ અ ગુડ સ્પીકર. તેઓ પ્રભાવશાળી મહિલા છે. તેમને સારો અનુભવ છે અને બીજેપીમાં તેમણે નૅશનલ લેવલે સારુંએવું કામ કર્યું છે, પક્ષમાં તેમની સારીએવી શક્તિ છે. આમાં એક્સપિરિયન્સ બિગેસ્ટ ચીજ છે. અણ્ણા હઝારે વખતે તેઓ પાર્લમેન્ટમાં જે બોલ્યાં હતાં એનાથી તેમણે કેટલાય લોકોનાં દિલ જીત્યાં છે. અને હા, અડવાણી તો નહીં જ; કારણ કે તેમના હિસાબે જ બીજેપીની છબિ અયોધ્યા વખતે ખરડાઈ હતી. - વીરેન શાહ, રૂપમ શોરૂમના માલિક