જ્યાં ઘણાને આશ્રય મળે, જીવન મળે, પોષણ મળે એને ગૃહસ્થાશ્રમ કહેવાય

09 November, 2019 12:42 PM IST  |  Mumbai | swami sachidanand

જ્યાં ઘણાને આશ્રય મળે, જીવન મળે, પોષણ મળે એને ગૃહસ્થાશ્રમ કહેવાય

આપણે ધનકોરબહેનના નાનિયાની વાત કરતા હતા. નાનિયો દર અગિયારસે ઉપવાસ કરે. જેના પરિવારમાં ધર્મનું મહત્ત્વ હોય એ જ પરિવારનાં પ્રાણીઓ આ પ્રકારનાં વ્રત કરી શકે. ધનકોરબહેને એને એવો કોઈ આગ્રહ કર્યો નહોતો, ક્યારેય નહીં. એ તો ઊલટું એને સામેથી ખાવાનું કહેતાં, પણ એને આપો તો પણ એ મોઢું ફેરવી લે. ધનકોરબહેનને આમ જવાબ ન દે, તે બોલાવે તો બોલે પણ નહીં, પરંતુ જમવાની બાબતમાં એ ધનકોરબહેનને ધ્યાનમાં રાખે. જે સવારે ધનકોરબહેન શિરામણમાં કશું લે નહીં એ સમયે નાનિયાને પણ ખબર પડી જાય કે આજે અગિયારસ છે, એ પણ ઉપવાસ ચાલુ કરી દે. એક સમયે તો નાનિયાને ખબર પડી ગઈ હતી કે ક્યારે અગિયારસ આવે છે. એ પોતે જ પછી તો ઉપવાસ કરતો થઈ ગયો હતો. નાનિયાનું મૃત્યુ સર્પદંશથી થયું હતું. એના મૃત્યુનો મલાજો પણ ધનકોરબહેન સહિત આખા પરિવારે પાળ્યો હતો.
ધનકોરબહેને ઘરમાં નાનિયાની જેમ જ એક વાંદરી પાળેલી. એ સૌની સામે દાંતિયા કરે એટલે એને પાંજરાપોળ મોકલી દીધેલી. બહુ સમજાવી, મનાવી, પણ એ માને જ નહીં, કોઈનું સાંભળે જ નહીં અને દાંતિયા કરીને બધાને બીવડાવે. છેવટે થાકી-હારીને વાંદરીને પાંજરાપોળ મોકલી દીધી, પણ વાંદરી બધાની માથાની. એને તો આદત પડી ગઈ હતી ધનકોરબહેનના બંગલામાં રહેવાની. એણે પાંજરાપોળમાં જઈને ખાવાનું બંધ કરી દીધું, પાછી જવા માટે રીતસરની હિજરાવા લાગી. ધનકોરબહેન દરરોજ વાંદરીને જોવા જતાં. થોડા સમયમાં તેઓ પણ સમજી ગયાં એટલે બધું ભૂલીને એને પાછી બંગલામાં લાવી અને પછી કાયમ માટે બંગલામાં જ રાખવામાં આવી.
નાનિયા અને વાંદરી કે પેલા પોપટ જેવાં તો કેટલાંય પ્રાણી ધનકોરબહેનના બંગલે રહે. જ્યાં ઘણાને આશ્રય મળે, જીવન મળે એને જ ગૃહસ્થાશ્રમ કહેવાય. સારસ, હરણાં વગેરે કેટલાં પ્રાણીઓ પાળેલાં. ગાય-ભેંસ તો સામાન્ય કહેવાય, પણ એની પણ માવજત મનથી અને દિલથી કરવામાં આવે. બગીનો જમાનો હતો એટલે ઘોડીઓ પણ ઘરમાં જ હતી.
એક ટીમકી નામની જાતવાન કૂતરી મંદિરની બહાર બેસી રહે. ધનકોરબહેન મંદિરમાંથી બહાર નીકળે ત્યારે તેમની પાછળ-પાછળ જાય. એને શાંતિકુમાર સાથે ખૂબ ફાવે. શાંતિકુમાર ન હોય તો જમે પણ નહીં. છેવટે નક્કી થયું કે શાંતિકુમારે ટીમકીને સાથે લઈ જવી. પરિવારમાં પણ આવું જ હોય. પત્ની પણ જો પતિની ગેરહાજરીમાં જમવાનું ન ખાય તો પતિ સાથે લઈ જાય, પણ પત્ની પહેલાં જ જમી લે અને નિરાંતે ઘોરતી હોય તો કોઈ ભાવ ન પૂછે.

weekend guide