તમારા પ્રિયજનને શું ભેટ આપશો આ દિવાળીએ?

16 October, 2011 06:59 PM IST  | 

તમારા પ્રિયજનને શું ભેટ આપશો આ દિવાળીએ?

(જયેશ ચિતલિયા)


અમેરિકા કે યુરોપ જેવા દેશોની દશા જોઈને સમયને પારખો અને ફાઇનૅન્શિયલ ગિફ્ટ આપવાનો શિરસ્તો શરૂ કરી દો

તમે હાલના સમયમાં રોજેરોજ અખબારોમાં અમેરિકા અને યુરોપના વિવિધ દેશોની આર્થિક કટોકટી વિશે વાંચતા હશો. એ બધાએ આડેધડ ખર્ચા કરીને પોતાની અને દેશની આ દશા કરી છે. કમસે કમ આમાંથી બોધ લઈને પણ આ વખતે કંઈક નવું અને નક્કર વિચારો. બાકી મોટા ભાગની ભેટો આજે નહીં તો કાલે વિનાશ પામશે, પણ અમે જે ભેટની વાત કરીએ છીએ એ તો કેવળ વિકાસ પામશે.

માતા-પિતાને સુરક્ષાની લાગણી કરાવતી ભેટ

શરૂઆત માતા-પિતાથી કરીએ. જો તેઓ નિવૃત્ત થઈ ગયાં હોય અને આર્થિક દૃષ્ટિએ વધુ સધ્ધર ન હોય તો તમારાં માતા-પિતા માટે ભેટમાં લાંબા ગાળાની બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ તેમના નામે કરી આપો તેમ જ રોકડ રકમ તેમના બૅન્ક-ખાતામાં જમા કરાવી દો જેથી તેમણે પૈસા માટે તમારી પાસે કે અન્ય કોઈની પણ પાસે હાથ લાંબો કરવો પડે નહીં. એક ખાસ બાબત એ પણ કરો કે તેમનું હેલ્થ-ઇન્શ્યૉરન્સ કવર ન હોય તો લઈ લો અથવા હોય તો વધારી આપો, કારણ કે મોટી ઉંમરને કારણે આ રક્ષણની તેમને વારંવાર જરૂર પડી શકે છે. શારીરિક બીમારી કે તકલીફોના સમયમાં તેમને આ કવરેજ હશે તો માનસિક ટેકો મળી શકશે. એક વાત હજી. જો તમારા પિતાનું અવસાન થઈ ગયું હોય અને માતા એકલી તેમ જ તમારા પર નર્ભિર હોય તો આ કામ વહેલી તકે કરી જ નાખો. તમારી માતાને તેમની વહુઓ પર નર્ભિર રહેવું પડે એ સલાહભર્યું નહીં ગણાય. તેમને આર્થિક રીતે સ્વનર્ભિર રાખો. આપણા સમાજમાં આ કડવી વાસ્તવિકતાને સ્વીકારીને ચાલો અને પછીથી પસ્તાવું ન પડે એ માટે આ અગમચેતી લઈ રાખો એ બહેતર છે.

પત્નીને સોનું તો જોઈશે, પરંતુ...

તમારાં પત્નીને તો તમે અવશ્ય કંઈક ભેટ આપવાના જ હશો. સોનાના દાગીના? હીરાનું ઝવેરાત? એવું કંઈક વિચાર્યું હશે. સારું, આ નિમિત્તે તમારું સોનામાં ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જાય છે; પરંતુ આ વખતે કંઈક નવું વિચારો અને જો અગાઉ આવી ભેટો આપી હોય તો હવે ગોલ્ડ ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ), ગોલ્ડ મ્યુચ્યુઅલ ફન્ડ જેવી ગિફ્ટ આપો. આ ભેટ પર વેલ્થ-ટૅક્સ પણ લાગતો નથી. વળી એને સાચવવાની પણ ઝંઝટ રહેતી નથી, કેમ કે એ ઇલેક્ટ્રૉનિક સ્વરૂપે હોય છે. આમાં શુદ્ધતાનો સવાલ પણ ઊભો થતો નથી તેમ જ ચોરાઈ જવાનો ભય પણ નથી રહેતો અને હા, તમારાં પત્નીને જ્યારે પણ સોનાનું ઝવેરાત ખરીદવાનું મન થાય ત્યારે તે આ ઈટીએફ ફન્ડ વેચીને એમાંથી ઊભાં થનારાં નાણાંમાથી ઝવેરાત ખરીદી શકે છે. પણ હા, એક વાત યાદ રાખો કે તમારાં પત્નીને ગોલ્ડ ઈટીએફ માટે સમજાવાનું આસાન નહીં હોય. જોકે પ્રથમ તેને થોડું ટોકન ગોલ્ડ કૉઇન કે વીંટીરૂપે અપાવી દો. ત્યાર બાદ ઈટીએફ વિશે સમજાવો. આમ કરવું તેના અને પરિવારના હિતમાં છે એવું તેને સમજાઈ જશે તો વાંધો નહીં આવે.

પતિને પણ ગિફ્ટ ગમતી હોય છે

જો તમે વર્કિંગ વુમન છો, સારા હોદ્દા પર નોકરી કરીને ઊંચો પગાર મેળવો છો અને તમે તમારા પતિને કંઈક ભેટ આપવા માગો છો તો મોંઘાં ભાવનાં ગૅજેટ્સ કરતાં લાંબા ગાળા માટે બ્લુચિપ શૅરો આપો. એ

તેમને-પરિવારને નિયમિત ડિવિડન્ડ આપશે તેમ જ મૂડીવૃદ્ધિ પણ અપાવશે. આ મૂડીવૃદ્ધિમાંથી તેઓ પછીથી પોતાના માટે સારી-મનગમતી ભેટ લઈ શકે છે. જો તમને શૅરબજાર પ્રત્યે લગાવ ન હોય કે કોઈ નેગેટિવ પૂર્વગ્રહ હોય તો કમસે કમ લાર્જ કૅપવાળી કંપનીઓના મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરીને આપો. ઇકૉનૉમિક્સ તમને પણ સારી રીતે સમજાય છે એ હકીકત આનાથી સાબિત થઈ જશે.

સંતાનોને ઉજ્જવળ-સધ્ધર ભાવિની ભેટ આપો

ઓકે, તમારાં સંતાનોને ભેટમાં શું આપશો? કપડાં, રમકડાં, ઇલેક્ટ્રૉનિક આઇટમ્સ તો લીધાં જ હશે; પરંતુ તેમના ભવિષ્યને ઉજ્જવળ કરે એવી કોઈ ગિફ્ટ વિચારી છે ખરી? જો નહીં તો આમ વિચારો. સંતાનોને પીપીએફ (પબ્લિક પ્રોવિડન્ટ ફન્ડ) અકાઉન્ટ ખોલાવી આપો. તેમના નામે એસઆઇપી (સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) લઈ રાખો, જેમાં તમે નિયમિત ચોક્કસ રકમ જમા કરતા રહીને તેના લાંબા ગાળાના શિક્ષણખર્ચનો ભાર હળવો કરી શકો છો. તેમને બચતનું મહત્વ સમજાય એ માટે આ વિષયનું શિક્ષણ આપતી ગેમ કે પુસ્તકો આપો. નાની રકમ હોય તો રિકરિંગ ખાતું ખોલાવી આપો. તમારા સંતાનમાં દીકરી હોય તો એક કામ ખાસ કરો. તેના નામે ગોલ્ડ એસઆઇપી કે ગોલ્ડ ઈટીએફ લેતા રહો, જેમાં નિયમિત ધોરણે સોનાના યુનિટ્સ જમા થતા રહે અને તેની લગ્ન્ાની ઉંમર થાય ત્યારે ગોલ્ડ યુનિટ્સમાંથી સોનું લઈ શકાય. 

નાના બજેટમાં પણ આવું થઈ શકે

આ બધું તમને કદાચ અજુગતું લાગતું હશે, પણ હવેના સમયમાં આ નિમિત્તે પણ યોગ્ય બચત કે રોકાણ થઈ જતું હોય તો ખોટું શું છે? તમારા સંતાનને જ્યારે શિક્ષણ માટે વિદેશ જવું હશે, મોટા થયા બાદ પોતાનું ઘર લેવું હશે કે કોઈ લક્ઝરી કાર લેવી હશે ત્યારે આ જ ભેગાં કરેલાં નાણાં કામ આવશે. જો તમારા પરિવારમાં આ તહેવારો નિમિત્તે આ પ્રકારની ભેટો આપવાની પ્રથા પણ ચાલુ થઈ ગઈ તો એ આગળ જતાં સારી આદત બની રહેશે. નવા વર્ષ  નિમિત્તે આ વખતે આટલું નવું કરો કે વિચારો. તમારા પરિવાર માટે આ ઉત્તમ ઉદાહરણ બની રહેશે.

યાદ રહે કે આ કામ તમારી પાસે બહુબધા પૈસા હોય તો જ થાય એ જરૂરી નથી. તમે મધ્યમ વર્ગના હો અને નાની રકમ બચાવીને નાના પાયે પણ આ વિચારને અમલમાં મૂકી શકતા હો તો પણ આગળ વધી શકો છો. ગ્લોબલ ક્રાઇસિસના આ યુગમાં, સતત અનિશ્ચિતતાના આ સમયમાં કે મોંઘવારીના અને આધુનિક લાઇફસ્ટાઇલના આ જમાનામાં આર્થિક સધ્ધરતા, સ્વનર્ભિરતા અને વિકાસ એ સૌથી મહત્વની બાબતો બની રહે છે.