મુંબઈની હાડમારીયુક્ત લાઇફમાં ધારો કે તમને અઠવાડિયામાં ૩ રજા મળે!

09 November, 2019 12:42 PM IST  |  Mumbai | Aparna Shirish

મુંબઈની હાડમારીયુક્ત લાઇફમાં ધારો કે તમને અઠવાડિયામાં ૩ રજા મળે!

પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે ઑગસ્ટ મહિનામાં માઇક્રોસૉફ્ટની જપાનમાં આવેલી ઑફિસે પોતાની પ્રોડક્ટિવિટી વધારવા માટે વર્ક-લાઇફ ચૉઇસ ચૅલેન્જના પ્રોજેક્ટ હેઠળ એક પ્રયોગ કર્યો. તેમણે તેમના ૨૩૦૦ કર્મચારીઓના સ્ટાફને અઠવાડિયાના ચાર દિવસ કામ અને ત્રણ દિવસ રજા આપવાનું શરૂ કર્યું. અને એક મહિનામાં જ કંપનીને જણાયું કે કર્મચારીઓ પહેલાં કરતાં વધુ ખુશ રહેવા લાગ્યા હતા એટલું જ નહીં તેમની કામ કરવાની ક્ષમતામાં ૪૦ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો. માઇક્રોસૉફ્ટ જપાનના સીઈઓ ટાકુયા હિરાનોએ આવું કરવાના કારણ વિષે કહ્યું હતું કે આ રીતે તેઓ કર્મચારીઓને કહેવા માગતા હતા કે વીસ ટકા ઓછા સમયમાં પણ તેઓ જોઈતો ટાર્ગેટ કઈ રીતે હાંસલ કરી શકે છે. બીજી મહત્વની વાત એ કે આ પ્રયોગ દરમિયાન કર્મચારીઓએ જાતે જ કામ વચ્ચે લેવાતા બ્રેકમાં આપોઆપ જ ઘટાડો કર્યો હતો. એ સિવાય કંપનીના ઇલેક્ટ્રિસિટી અને સ્ટેશનરીના બિલમાં પણ ધરખમ ઘટાડો થયો હતો. એક સમયમાં સૌથી ખરાબ વર્ક કલ્ચર માટે કુખ્યાત એવા જપાનમાં તો આ પ્રયોગ કામ કરી ગયો. પણ શું આપણા દેશમાં અને મુખ્યત્વે મુંબઈની બિઝી લાઇફના વર્કોહૉલિક લોકોમાં આ પ્રયોગ શક્ય છે? ચાલો જાણીએ આ વિષે એક્સપર્ટ અને કર્મચારીઓનું શું કહેવું છે.

આપણા દેશમાં આ પ્રયોગ પરવડે એવો નથી : નિશા વોરા, હ્યુમન રિસોર્સ પ્રોફેશનલ
છેલ્લાં ૧૨ વર્ષથી અનેક આઇટી કંપનીઓમાં હ્યુમન રિસોર્સ સેટઅપ કરતી નિશા વોરા ‘જપાનનો પ્રયોગ ભારતને નહીં પરવડે’ એવું કહેતાં ઉમેરે છે, ‘આપણો દેશ હજીયે ડેવલપિંગ કન્ટ્રીના લિસ્ટમાં આવે છે, જ્યારે જપાન પૂરી રીતે વિકસિત દેશ છે. અાપણા દેશમાં આ પ્રયોગ પરવડે એવો નથી. હા, જોકે આઇટી કંપનીમાં આ શક્ય છે જ્યાં કર્મચારીઓ જરૂર પડ્યે બહારથી કામ કરી શકે અથવા કામ પ્રોજેક્ટ બેઝ્ડ હોય. બીજું એ કે ત્રણ દિવસની રજા પછી સોમવારે ઑફિસ જવાનો મોટા ભાગના લોકોનો મૂડ નથી હોતો. એટલે જો કોઈ કામનું પ્લાનિંગ કરવાનું હોય તો એ મંગળવાર પર જાય અને બે દિવસ કામ કર્યા બાદ ગુરુવારે તો લોકો પાછા
વીક-એન્ડનું પ્લાનિંગ કરવા માંડે. તો કામ ક્યારે કરવાનું? બીજા વેસ્ટર્ન દેશોનું વર્ક કલ્ચર અને માનસિકતા ખૂબ જ જુદી છે. તેઓ કામના સમયે માત્ર કામ જ કરે છે એટલે આવા પ્રયોગો શક્ય છે. પણ આપણા માટે હજી આ બધું આવતાં ખૂબ સમય લાગશે. જાકે એના કરતાં કંપનીઓ કર્મચારીઓને બીજી ફૅસિલિટી આપવાનું શરૂ કરે તો પણ પ્રોડક્ટિવિટી વધી જાય. બહારના દેશોમાં કર્મચારીઓના મેડિકલથી લઈને ઇલેક્ટ્રિસિટી બિલ સુધીનું ધ્યાન કંપનીઓ રાખતી હોય છે, જેના લીધે તેઓ કામમાં ૧૦૦ ટકા ધ્યાન આપી શકે. જો આવું આપણે ત્યાં પણ હોય તો પ્રોડક્ટિવિટી વધારવા માટે ત્રણ દિવસની રજા આપવાનીય જરૂર નથી.’

લોકો ફિઝિકલી નવ કલાક અને મેન્ટલી આખો દિવસ કામ જ કરતા રહે છે : મિત્તલ ગાલા, એચઆર પ્રોફેશનલ
છેલ્લાં દસ વર્ષથી આઇટી કંપનીમાં એચઆર બિઝનેસ પાર્ટનર તરીકે કામ કરતી મિત્તલ ગાલા પરિણીત છે અને પોતાની ફૅમિલી અને વર્ક લાઇફ બન્ને સારી રીતે બૅલૅન્સ કરી જાણે છે. જપાનનો આ પ્રયોગ આપણે ત્યાં ન કરવો જોઈએ એવું કહેતી મિત્તલ આ વિષે ઉમેરે છે, ‘જપાનના વર્ક કલ્ચર, લોકોની માનસિકતા અને આપણે ત્યાંના લોકોની માનસિકતામાં
જમીન-આસમાનનો ફરક છે. તેઓ કામ કરવાના સમયે કામ જ કરે છે અને પોતાનું કામ ઑફિસમાં જ પતાવી લે છે, જ્યારે આપણે ત્યાં લોકો દરેક ઘડીએ ફક્ત કામ વિષે વિચારતા રહે છે. ઇમોશનલી કનેક્ટેડ રહે છે પોતાના કામ સાથે પણ તોય પોતાના લેઇડ બૅક ઍટિટ્યુડને લીધે સમયસર કામ પૂરું નથી કરી શકતા. ટાઇમ મૅનેજમેન્ટ જે જપાનના લોકોમાં છે એ કદાચ આપણામાં નથી. તેઓ કામના સમયે કામને જ મહત્ત્વ આપી પ્રોફેશનલિઝમ જાળવી જાણે છે અને માટે જ એક દિવસ ઓછો મળે તોય તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો જોવા મળે છે. આપણે ત્યાં જ્યાં સુધી લોકો પોતાના ટાઇમ મૅનેજમેન્ટ પ્રત્યે સ્ટ્રિક્ટ થતાં નહીં શીખે ત્યાં સુધી આવા પ્રયોગોથી ફાયદો નહીં, પણ નુકસાન જ થશે. બાકી કંપનીઓએ તો હવે ફ્લેક્સિબલ થવાનું શરૂ કરી દીધું છે. સમય છે કર્મચારીઓએ પોતાની પ્રત્યે સ્ટ્રિક્ટ થવાનો.’

પહેલાં પાંચ દિવસ વર્કિંગ વીક તો કરે, ચારની વાત પછી : મયંક સોમાણી, બિઝનેસ ડેવલપમેન્ટ મૅનેજર
છેલ્લાં નવ વર્ષથી ઇન્ફર્મેશન ટેક્નૉલૉજીના ફીલ્ડમાં બિઝનેસ મૅનેજર તરીકે કાર્યરત ૩૨ વર્ષના મયંક સોમાણી માઇક્રોસૉફ્ટના ૩ aમત જણાવતાં કહે છે કે ‘આપણા દેશમાં હજીયે મોટા ભાગની કંપનીઓ શનિવારની પણ રજા નથી આપતી. એવામાં ત્રણ દિવસની અપેક્ષા કરવી જ ખોટી છે. જો એક રજા એક્સ્ટ્રા મળે તો અફકોર્સ પ્રોડક્ટિવિટી મળે. માઇન્ડ ફ્રેશ રહે તો કામ કરવાની મજા આવે, પણ આપણે ત્યાંનું વર્ક કલ્ચર ખૂબ ગૂંચવાયેલું છે જેના લીધે કર્મચારીઓને મોટા ભાગે પર્સનલ લાઇફની કુરબાની આપવી પડે છે. પ્લસ ટ્રાવેલિંગ માટે ગાળેલો સમય વગેરેને લીધે કામ પર નકારાત્મક અસર પડે. ત્રણ દિવસનો વીક-એન્ડ પણ જોકે ખૂબ લાંબો થઈ જાય એટલે શનિવાર-રવિવાર આમ ટૂ ડે
વીક-એન્ડ તો હોવો જ જોઈએ.’

આપણે ત્યાં રવિવારે પણ ક્લાયન્ટ મીટિંગ માટે બોલાવે : ચિરાગ વાઘેલા, ફાઇનૅન્સ એક્સપર્ટ
માસ્ટર ઇન ફાઇનૅન્સનો અભ્યાસ કર્યા બાદ વિલે પાર્લેમાં રહેતા ૩૨ વર્ષના ચિરાગ વાઘેલા ૬ વર્ષથી ફાઇનૅન્સ કંપની સાથે સંકળાયેલા છે. ફોર ડે વર્કિંગ વિષે પોતાનો અભિપ્રાય આપતાં તેઓ કહે છે, ‘આઇટીમાં એ શક્ય છે, પણ ફાઇનૅન્સ અને બૅન્કિંગ જેવાં ફીલ્ડ કે જ્યાં વધુ લોકો સાથે સંપર્કમાં રહેવું પડતું હોય કે ક્લાયન્ટ્સને તેમના સમયે મળવા જવું પડતું હોય ત્યાં એ શક્ય નથી. આ ફીલ્ડ એવું છે જ્યાં ફિઝિકલી પ્રેઝન્ટ રહેવું જરૂરી બને છે. ક્લાયન્ટને સામે બેસીને સમજાવીએ તો જ તે કન્વિન્સ થાય અને તેમની સગવડ પ્રમાણે રવિવારે સાંજે મીટિંગ કરવા બોલાવે તોય જવું પડે એટલે આ ફીલ્ડમાં એ કન્સેપ્ટ શક્ય નથી. વળી ગુરુવારે કોઈ મીટિંગ કરી હોય અને સોમવારે એનું રિઝલ્ટ આવવાનું હોય તો આ ત્રણ દિવસના ગૅપને લીધે ક્યારેક ડીલ ગુમાવવી પણ પડે. એટલે કંપનીનો તો ગેરફાયદો જ છે.’

એક રજા એક્સ્ટ્રા મળે તો મારા સિન્ગિંગ પર ધ્યાન આપી શકીશ : કૃતિ શાહ, આઇટી ઍનૅલિસ્ટ
૨૪ વર્ષની આઇટી ઍનૅલિસ્ટ કૃતિ શાહ એક સિંગર પણ છે. વર્ક અવર્સને લીધે તે પોતાના સિન્ગિંગના શોખને અઠવાડિયામાં ફક્ત બે જ દિવસ આપી શકે છે અને પરિવાર સાથે ગાળવા માટે પણ આ સમય ક્યારેક ઓછો પડે છે. લૉન્ગ વીક-એન્ડના કન્સેપ્ટ વિષે તે કહે છે, ‘પહેલાં તો આ ન્યુઝ વાંચી હું પણ ખુશ થઈ હતી. જોકે મારો અનુભવ મને કહે છે કે આપણે ત્યાં લોકો કામ કરવાના સમયે પોતાના ૧૦૦ ટકા ફક્ત કામમાં નથી આપતા. ૯ કલાકના ઑફિસ અવર્સ દરમિયાનમાં એકથી દોઢ કલાકનો લંચ બ્રેક, અડધો કલાકનો ટી બ્રેક અને જો ઑફિસમાં અલાઉડ હોય તો દર એક કલાકે લેવાતો સિગારેટ બ્રેક લે છે. અને પછી કલીગ્સ સાથે ગપ્પાં મારવા બેસે છે. અને આ બધું કર્યા બાદ સ્વાભાવિક છે કે ઑફિસમાં લાંબો સમય બેસી રહેવું પડે અને ઘરે જઈને પણ કામ જ કર્યા રાખવું પડે. આ બધું જ જો કરવું હોય તો ત્રણ દિવસનો વીક-એન્ડ કંપનીઓને ન પોસાય. જપાનમાં એ શક્ય છે, કારણ કે ત્યાંના લોકો વર્ક લાઇફને લઈને ખૂબ જ સિરિયસ હોય છે. તેઓ ઑફિસના ૯ કલાક કામ એટલે ફક્ત કામ જ કરે છે. એટલે અઠવાડિયાના પાંચ દિવસનું કામ ચાર દિવસમાં તેઓ કરી શકે છે. અને એ આપણે કરવા માટે પહેલાં તો માનસિકતા બદલવી પડશે. અહીં લોકોને બધા જ બેનિફિટ જોઈતા હોય છે, પણ સિરિયસલી કામ કરવાની વાત આવે તો તેમને કંપની એમ્પ્લૉઈ-ફ્રેન્ડ્લી નથી એવું લોગે છે. જો મને એક શુક્રવારની રજા એક્સ્ટ્રા મળે તો હું મારી હૉબી પર્શ્યુ કરી શકીશ. મારી સિન્ગિંગની ટ્રેઇનિંગ માટે સમય ફાળવી શકીશ તેમ જ ઘરે મમ્મી સાથે પણ સમય ગાળી શકીશ. જોકે બાકીના ચાર દિવસ ઑફિસમાં સ્ટ્રિક્ટ્લી ફક્ત કામ જ કરું એનું પણ ધ્યાન રાખીશ.’

કામના કલાકો ઓછા હોય તો પ્રોડક્ટિવિટી ચોક્કસ વધે : પાર્શ્વ શાહ, ફાઇનૅન્શિયલ સર્વિસિસના સીઈઓ
ભારતનાં સૌથી યંગેસ્ટ ફાઇનૅન્શિયલ પ્લાનરનો ખિતાબ મેળવી ચૂકેલા ૩૦ વર્ષના પાર્શ્વ શાહની ફાઇનૅન્શિયલ સર્વિસિસ આપતી કંપનીમાં સાત કર્મચારીઓનો સ્ટાફ છે. એક યંગ બૉસ તરીકે તેને પોતાને પણ કામ કરવાના કલાકો ઓછા હોય એ ગમે છે. જપાન જેવા કન્સેપ્ટ આપણે ત્યાં હોય તો પ્રોડક્ટિવિટી ચોક્કસ વધે એવું કહેતાં તે ઉમેરે છે, ‘મારા મતે કામની બાબતે ક્વૉન્ટિટી કરતાં ક્વૉલિટી વધુ મહત્ત્વની છે. જો કોઈ કામ કરવામાં બે કલાક લાગવાના હોય તો એમાં બે જ કલાક લાગવા જોઈએ. પછી એમાં જો કર્મચારીઓ ચાર કલાક લગાવે તો સ્વાભાવિક છે કે તેણે બાકીના બે કલાક વેડફ્યા અને પોતાનો સમય પણ. ઑફિસમાં વધારાના સમય બેસી રહેવાથી કે રજાના દિવસે કામ કરવાથી જ ક્વૉલિટી વર્ક થાય એવું માનતા હો તો એ ખોટું છે. જપાનનો કન્સેપ્ટ પણ એ જ છે. જો ટાઇમ મૅનેજમેનેટ અને કામની યોગ્ય જાણકારી હોય તો કામને આપેલા સમયની અંદર પૂરું કરી શકાય અને બચેલો સમય પોતાના માટે કે પરિવાર માટે આપી શકાય. લાઇફ એન્જૉય કરવા માટે રિટાયર થવાની જરૂર નથી. રજાઓ પણ લેવી જોઈએ અને ફક્ત કામ કામ ન કરતાં પર્સનલ લાઇફ પણ એન્જૉય કરવી જોઈએ. પણ આ માટે કામના કલાકોમાં પોતાનું સર્વસ્વ ફક્ત કામ પાછળ આપવાની તૈયારી અને માનસિકતા પણ રાખવી. હું પોતે દર મહિને ફરવા જાઉં છું અને મારા કર્મચારીઓ પણ જોઈએ ત્યારે રજાઓ લે એવો મારો આગ્રહ હોય છે અને આવી ફ્લેક્સિબિલિટી રાખવાથી ચોક્કસ મને તેમની પ્રોડક્ટિવિટીમાં વધારો જોવા મળે છે. ભવિષ્યમાં મારી ટીમ જ્યારે વધુ મોટી હશે ત્યારે ઑફિસનો સમય ફક્ત ચારથી પાંચ કલાકનો જ રાખવાની મારી ઇચ્છા છે અને આવા કન્સેપ્ટ હોય ત્યાં લોકો પણ કામ કરવાનું એન્જૉય કરે છે, જેનો ફાયદો કંપનીને થાય છે અને કર્મચારીઓની ફૅમિલી લાઇફ સચવાઈ જાય છે.’

weekend guide