બાળ ઠાકરેની વિદાયની ગરિમા જાળવવાની જવાબદારી ઉદ્ધવની

09 December, 2012 09:33 AM IST  | 

બાળ ઠાકરેની વિદાયની ગરિમા જાળવવાની જવાબદારી ઉદ્ધવની




૧૯૪૯ની ૨૨ ડિસેમ્બરે ભારતના ઇતિહાસમાં એક શરમજનક ઘટના બની હતી. એ દિવસે મધરાતે કેટલાક હિન્દુ કોમવાદીઓએ ચોરીછૂપીથી અયોધ્યામાં બાબરી મસ્જિદમાં ઘૂસી જઈને રામલલ્લાની તસવીર મૂકી દીધી હતી. મસ્જિદની રખેવાળી કરતા હવાલદાર માતા પ્રસાદે બીજા દિવસે સવારે અયોધ્યા પોલીસ-સ્ટેશનમાં પ્રથમદર્શી અહેવાલ લખાવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે મોડી રાતે કેટલાક લોકો મસ્જિદની પાછળની દીવાલ કૂદીને મસ્જિદમાં પ્રવેશ્યા હતા, મસ્જિદમાં રામલલ્લાની તસવીર મૂકી દીધી હતી અને દીવાલ પર ગેરુથી સીતાની તસવીર ચીતરી હતી. એ દિવસે સવારે પોલીસની ટુકડી બાબરી મસ્જિદ પહોંચે એ પહેલાં જ ત્યાં પાંચ-છ હજાર હિન્દુઓ જમા થઈ ગયા હતા અને રામધૂન ગાતા હતા. શહેરઆખામાં અફવા ફેલાવવામાં આવી હતી કે બાબરી મસ્જિદમાં રામલલ્લા સ્વયંભૂ પ્રગટ થયા છે.

એ સમયે કે. કે. નાયર નામનો સનદી અધિકારી ફૈઝાબાદનો જિલ્લા મૅજિસ્ટ્રેટ હતો જેણે પોલીસને પગલાં લેતી અટકાવી હતી. દિલ્હીમાં આ ઘટનાની જાણ થતાંની સાથે જ નાયબ વડા પ્રધાન અને હિન્દુત્વવાદીઓના લાડકા સરદાર પટેલે એ વેળાના સંયુક્ત પ્રાન્તના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતને લેખિત આદેશ આપ્યો હતો કે મસ્જિદમાંથી રામલલ્લાની તસવીર તાત્કાલિક હટાવવામાં આવે. મુખ્ય પ્રધાન પંતે સરદારના આદેશ છતાંય કોઈ પગલાં નહોતાં લીધાં, કારણ કે પેલો કે. કે. નાયર તેમને સમજાવતો હતો કે જો પગલાં લેવામાં આવશે તો અયોધ્યામાં તોફાન ફાટી નીકળશે. આ કે. કે. નાયરનો ભય નહોતો પણ ચાલ હતી. તે હિન્દુ કોમવાદીઓ સાથે મળેલો હતો. તરત જ તેણે સનદી સેવામાંથી રાજીનામું આપ્યું હતું અને ગોરખપુરમાંથી હિન્દુ મહાસભાના ઉમેદવાર તરીકે લોકસભાની અને વિધાનસભાની ચૂંટણી લડી હતી.

ઈશ્વરના નામે જેને લબાડી કરવામાં શરમ ન આવે તેને મોકો મળ્યે મસ્જિદ તોડવામાં પણ શરમ ન આવે એ સ્વાભાવિક છે. ૧૯૯૨ની ૬ ડિસેમ્બરે હિન્દુ કોમવાદીઓએ દેશની સર્વોચ્ચ અદાલત સાથે છેતરપિંડી કરીને મસ્જિદ તોડી પાડી હતી. ઉત્તર પ્રદેશની ભારતીય જનતા પાર્ટીની સરકારે સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું રજૂ કર્યું હતું કે એ લોકોનાં ટોળાંને મસ્જિદના પરિસરમાં પ્રવેશવા નહીં દે. એ પછી દેશભરમાં નર્દિોષ લોકોનું લોહી રેડાયું એ નજીકનો ભૂતકાળ છે. બાબરી મસ્જિદના સ્થળે કામચલાઉ મંદિર ઊભું કરવામાં આવ્યું છે જે આજે ૨૦ વર્ષ પછી પણ એમ ને એમ છે.

આ ઘટના આજે યાદ કરવાનું કારણ એ નથી કે એ ઘટનાને ૬ ડિસેમ્બરે ૨૦ વર્ષ થયાં છે. એ ઘટના યાદ કરવાનું કારણ એ છે કે એનાં બરાબર ૧૯ વર્ષ પછી ગયા વર્ષે એ જ ૬ ડિસેમ્બરે દલિતોનાં ટોળાં શિવાજી પાર્ક નજીક આવેલી ઇન્દુ મિલમાં ડૉ. આંબેડકરની તસવીર લઈને ઘૂસી ગયાં હતાં. તેમણે બારોબાર, કોઈની પણ મંજૂરી લીધા વિના ઇન્દુ મિલમાં ડૉ. આંબેડકરનું સ્મારક જાહેર કરી દીધું હતું અને મિલની જમીન ખાલી કરવાનો ઇનકાર કરી દીધો હતો.

ડૉ. આંબેડકર મહાન નેતા હતા એ બધા જ સ્વીકારશે. મારા મતે ડૉ. આંબેડકર મહાત્મા ગાંધી પછીના મહાન ભારતીયોમાં જવાહરલાલ નેહરુ પછી બીજા સ્થાને આવે. તેમનું ભવ્ય સ્મારક થવું જોઈએ એની સામે પણ કોઈ વાંધો ન હોવો જોઈએ. મુંબઈ શહેર તેમની કર્મભૂમિ હતું, મુંબઈમાં જ તેમનું અવસાન થયું અને મુંબઈમાં શિવાજી પાર્કમાં તેમની અંતિમક્રિયા કરવામાં આવી હતી એટલે શિવાજી પાર્કના વિસ્તારમાં કોઈ યોગ્ય સ્થળે સ્મારક બાંધવામાં આવે એ યોગ્ય છે. બંધ પડેલી મિલ પણ અનુકૂળ સ્થાન છે. દર વર્ષે ૬ ડિસેમ્બરે લાખોની સંખ્યામાં દલિતો શિવાજી પાર્કમાં ચૈત્યભૂમિ પર ડૉ. આંબેડકરને અંજલિ આપવા જમા થાય છે. તેમને સુવિધા પૂરી પાડવી પણ જરૂરી છે.

વિરોધ સ્મારક સામે નથી. વિરોધ ડૉ. આંબેડકર જેવા મહાન નેતાના નામે કરવામાં આવેલી લબાડી સામે છે. અયોધ્યાની જેમ જ સરકાર અહીં પણ કંઈ કરી શકી નહોતી. સારા નસીબે ઇન્દુ મિલની જમીન વિવાદાસ્પદ નથી એટલે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર સરકારની ભલામણ સ્વીકારીને એમાંથી સાડાબાર એકર જમીન આંબેડકર સ્મારક માટે આપી દીધી છે. દલિતોએ અયોધ્યાવાળી કરવાની જગ્યાએ ડૉ. આંબેડકરે બતાવેલો બંધારણીય માર્ગ અપનાવ્યો હોત અથવા ગાંધીચીંધ્યો સત્યાગ્રહનો માર્ગ અપનાવ્યો હોત તો એ વધારે શોભાસ્પદ ગણાત અને આંબેડકર સ્મારકનું ગૌરવ પણ વધત.

જબરન કબજાની હજી એક ઘટના અકળાવનારી છે. બાળ ઠાકરેના અવસાન પછી વિશાળ સંખ્યામાં એકઠી થયેલી જનમેદની અંતિમવિધિમાં હાજર રહી શકે એ સારુ રાજ્ય સરકારે શિવાજી પાર્કમાં તેમની અંતિમવિધિ કરવા દેવાની રજા આપી હતી. એ રાજ્ય સરકારે પૂરી પાડેલી સુવિધા હતી, બાળ ઠાકરેની પુણ્યભૂમિ માટે કરવામાં આવેલી જમીનની ફાળવણી નહોતી. રાજ્ય સરકારે શિવાજી પાર્કમાં અંતિમવિધિ કરવા દેવાની મંજૂરી આપી ત્યારે જ ખાતરી થઈ ગઈ હતી કે હવે આ જમીન ખાલી કરાવવી મુશ્કેલ બનશે. શિવાજી પાર્કમાં આ પહેલાં જ બાળ ઠાકરેનાં પત્ની મીનાતાઈનું બાવલું મૂકવામાં આવ્યું છે. હવે બાળ ઠાકરેની સમાધિ અને સ્મારક ત્યાં જ કરવાની જીદ કરવામાં આવી રહી છે. સરકારે અંતિમવિધિની મંજૂરી આપતાં પહેલાં જમીન ખાલી કરવા વિશેની લેખિત બાંયધરી લેવી જોઈતી હતી.

બાળ ઠાકરે નસીબદાર છે. જિંદગીમાં કોઈ પ્રવૃત્તિ, આંદોલન કે રાજકારણ ગંભીરતાપૂર્વક કર્યું ન હોવા છતાંય તેમને બેસુમાર લોકપ્રિયતા મળી છે. આટલી લોકપ્રિયતા તો એ લોકોને પણ નથી મળી જેમણે ગંભીરતાથી જિંદગી જીવી છે અને મહારાષ્ટ્રનું ઘડતર કરવામાં ફાળો આપ્યો છે. તેમને જીવનના અંતે ભવ્ય વિદાય મળી છે. વિદાયની એ ગરિમા જળવાઈ રહે એ જોવાની જવાબદારી ઉદ્ધવ ઠાકરેની છે. રાજ્ય સરકાર નોટિસ આપે, શિવાજી પાર્કના રહેવાસીઓ આંદોલન કરે કે છેવટે અદાલત ઉચાળા ભરવાનો આદેશ આપે એમાં શોભા નથી. મલાજો જળવાઈ રહે એ રીતે અન્યત્ર સ્મારકની વ્યવસ્થા કરવી જોઈએ. જે સ્થળે તેમણે આખી જિંદગી વિતાવી છે એ તેમના નિવાસસ્થાન માતોશ્રીમાં સ્મારક બાંધવામાં આવે એ વધારે સુસંગત છે.

સરકારી જગ્યા કોઈ ખાલી કરવા નથી માગતું


દરેકને સરકારી જમીન અને મકાન જોઈએ છે. લાલ બહાદુર શાસ્ત્રી તાશ્કંદમાં ગુજરી ગયા એ પછી તેમનાં પત્ની લલિતા શાસ્ત્રીને વડા પ્રધાનના નિવાસસ્થાનમાં રહેવાં દીધાં હતાં. સરકારી મકાન હાથમાંથી ન જાય એ માટે લાલ બહાદુર શાસ્ત્રીના પુત્રોએ માતાનું અવસાન થાય એ પહેલાં જ એને શાસ્ત્રીજીના સ્મારકમાં ફેરવી નાખ્યું હતું. એ મકાનના બે કમરામાં સ્મારક છે અને બાકીનું આખું મકાન શાસ્ત્રીપરિવાર વાપરે છે.

દિલ્હીમાં ૬, કૃષ્ણમેનન માર્ગ પર આવેલા બંગલામાં બાબુ જગજીવન રામ રહેતા હતા. ૧૯૮૬માં તેમનું અવસાન થયા પછી તેમનાં પત્નીએ એ સ્થળે રહેવા દેવાની વિનંતી કરી હતી. એ પછી તેમનાં પુત્રી મીરા કુમારે સંસદસભ્ય તરીકે એ બંગલો પોતાના કબજામાં રાખ્યો હતો. મીરા કુમાર અત્યારે લોકસભાનાં સ્પીકર છે અને સ્પીકરના નિવાસસ્થાનમાં રહે છે, પરંતુ તેમણે ૬, કૃષ્ણમેનન માર્ગનો બંગલો ખાલી કર્યો નથી. એક દિવસ અચાનક ત્યાં બાબુ જગજીવન રામ મેમોરિયલનું પાટિયું લાગી ગયું હતું. જગજીવન રામના અવસાન થયે ૨૬ વર્ષ થવા છતાંય હજી એ બંગલો પાછો મળ્યો નથી. આવી જ સ્ટોરી ૧૨, તુઘલક રોડની છે જ્યાં ચૌધરી ચરણ સિંહ રહેતા હતા. ૧૯૮૭માં ચરણ સિંહનું અવસાન થયું હતું, પરંતુ હજી તેમના પુત્ર અજિત સિંહે સંસદસભ્ય તરીકે બંગલા પરનો કબજો છોડ્યો નથી. અજિત સિંહ પણ આ બંગલાને સ્મારકમાં ફેરવીને અન્યત્ર રહેવા જવાની માગણી કરી રહ્યા છે.

આવા તો અનેક નમૂના છે. આની સામે નતમસ્તક થવું પડે એવો એક પ્રસંગ જોઈએ. ગુજરાતના મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈને વિધાનસભામાં બહુમતી ગુમાવતાં રાજીનામું આપવું પડ્યું હતું. તેઓ રાજભવનમાં ગવર્નરને રાજીનામું આપીને સિટી બસમાં પોતાના ઘરે (ખાનગી ઘરે) ગયા હતા.