જ્યારે ૧૫ દિવસની ટૂર ૮૫ દિવસ લંબાઈ જાય...

14 June, 2020 10:11 PM IST  |  Mumbai | Sejal Patel

જ્યારે ૧૫ દિવસની ટૂર ૮૫ દિવસ લંબાઈ જાય...

૨૦૧૯ના સપ્ટેમ્બર મહિનામાં જુહુમાં રહેતા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ અમિત જૈને જ્યારે સપરિવાર ટર્કીની ટૂર પ્લાન કરી ત્યારે તેમને સપનેય ખ્યાલ નહોતો કે તેમની આ ફૉરેન ટૂર જબરદસ્ત યાદગાર બની જશે. જ્યારે બીજી જાન્યુઆરીએ તેમણે ટ્રાવેલ ઇન્શ્યૉરન્સ કઢાવ્યા ત્યારે પણ કોરોનાને કારણે‌ વિશ્વભરમાં આવો માહોલ સરજાશે એવો કોઈને સપનેય ખ્યાલ નહોતો. ૧૪ માર્ચે ઇસ્તનબુલ પહોંચ્યા ત્યારે પણ તેમને આવનારા સમયમાં શું છુપાયેલું છે એનો અંદાજ નહોતો.

કોરોનાથી અમારામાં ગભરાટ આવે એ પહેલાં અમારી સાથે એક-બે ઍક્સિડન્ટ થઈ ગયા જેનાથી અમે વધુ હતપ્રભ હતા એમ જણાવતાં અમિતભાઈ કહે છે, ‘બે દિવસ ઇસ્તનબુલમાં ફર્યા પછી ૧૭ માર્ચે ઇઝમીર ફ્લાય કરીને પહોંચ્યા ત્યાં અમે એક કાર હાયર કરેલી. મર્સિડીઝ વિટો કાર હતી જે નાઇન-સીટર હોવાથી લિટરલી મિની વૅન જેવી હતી. એ કાર મૅન્યુઅલ હતી એટલે હાયર કરતાં પહેલાં જ મેં કહ્યું કે પહેલાં હું ટેસ્ટ-ડ્રાઇવ લઉં તો બહેતર રહેશે. જોકે કારની જાયન્ટ સાઇઝ અને સાઇડ મિરરની સાઇઝના પ્રપોર્શનને હું સમજી શકું એ પહેલાં જ મારાથી બાજુમાં ઊભેલી કાર સાથે ઘસરકો થઈ ગયો. કોઈને ખાસ વાગ્યું નહીં, પણ પેલાની કારના મિરરને ખાસ્સું ડૅમેજ થયું. પેલા કારવાળાએ પણ આને માટે સારોએવો હોબાળો મચાવ્યો. જો મેં કૉમ્પ્રિહૅન્સિવ ઇન્શ્યૉરન્સ લીધો ન હોત તો ખાસ્સું વળતર ચૂકવવું પડત. જોકે મેં ઝીરો એક્સેસ ઇન્શ્યૉરન્સ લીધો હોવાથી વાંધો ન આવ્યો, પણ આ બધી પતાવટ કરવામાં બે-ત્રણ કલાક નીકળી ગયા. એ પછીના લગભગ નવેક દિવસ અમારે બાય કાર જ ટર્કી એક્સપ્લોર કરવાનું હતું એટલે મેં સેફ્ટી માટે નાની ગાડી હાયર કરી. એમાં અમે લગભગ ૮૦ કિલોમીટર ગયા હોઈશું ત્યાં અચાનક પાછળથી ટૉપ સ્પીડમાં દોડતી બીજી નાની ગાડી એવી ઘસાઈને ગઈ કે અમે ફરી હલબલી ગયા. એ નવા રસ્તા પર ડ્રાઇવ ઘણું ડિફિકલ્ટ રહ્યું. સેલ્ફ-ડ્રાઇવિંગના પહેલા જ દિવસે જે બે ઘટનાઓ બની એ જોતાં બધાના જીવ પડીકે બંધાયેલા. મને પણ હાથમાં પસીનો વળતો હતો, પણ મારો ડર બતાવું તો પેરન્ટ્સ વધુ ચિંતા કરે એટલે બહારથી કૉન્ફિડન્સ બતાવીને ટ્રાવેલ ચાલુ રાખી. કુસાદસી પહોંચ્યા ત્યાં સુધીમાં જીવ મોંમાં આવી ગયેલો. એ જ રીતે ઓલ્યુડિનસથી ઓલમ્પસ જતાં સ્ટીપ ઘાટીમાં ડ્રાઇવિંગ દરમ્યાન પણ હાલત ખરાબ થઈ. લગભગ અઢી-ત્રણ કલાકની ડ્રાઇવ જોખમથી ભરપૂર હતી. સાવ સૂમસામ અને સિંગલ લેનના ઘાટીલા રસ્તા. મનમાં થયું અહીં જો પંક્ચર થયું તો ધંધે લાગી જવાશે. હેલ્પ લેવા ક્યાં જવું?’

ડ્રાઇવિંગના આ બે અનુભવમાં આબાદ બચી ગયા પછી ખરી કસોટી કોરોનાના લૉકડાઉનની હજી આવવાની હતી. એનો અનુભવ તેમને પમુકલે પહોંચ્યા પછી થયો. અમિતભાઈ કહે છે, ‘અમે કેટલાંક ડેસ્ટિનેશન્સ કટ-ઑફ કરીને ઓરિજિનલ પ્લાનિંગ કરતાં એક દિવસ પહેલાં પમુકલે પહોંચી ગયેલા. અમે જે ઓરિજિનલી હોટેલ બુક કરાવેલી એ ક્લોઝ થઈ ગયેલી. ત્યાં કરાવેલાં બુકિંગ બીજી હોટેલમાં શિફ્ટ કરવામાં આવેલાં. એ પણ સારી હતી, પણ લોકેશનવાઇઝ અમને થયું કે એના કરતાં અમે બીજી કોઈ સારી હોટેલમાં એક દિવસ રોકાઈએ. એ દિવસે પમુકલેની પાંચથી છ હોટેલોનાં ચક્કર કાપ્યાં, પણ ક્યાંય જગ્યા મળી નહીં. સામાન સાથે અમે ચારથી પાંચ કલાક અહીં-તહીં ભટક્યા. આખરે અમને થયું કે જ્યાં અમારું બુકિંગ શિફ્ટ કરવામાં આવ્યું છે ત્યાં જ જઈએ. અમે એક દિવસ ઍડ્વાન્સમાં ચેક-ઇન મળશે કે નહીં એની કર્ટસી કરવાને બદલે ડાયરેક્ટ પહોંચી જ ગયા. પરિસ્થિતિ જોઈને એ હોટેલે અમને અકોમોડેટ કરી લીધા ત્યારે હાશકારો થયો. બાકી અજાણ્યા શહેરમાં ક્યાં જવું એ જ સમજાતું નહોતું.’

ખરો આઘાત તો ૧૮ માર્ચે કુસાદસીમાં હતા ત્યારે જ લાગ્યો. ટર્કી લૉકડાઉન થઈ ગયેલું. અમિતભાઈ કહે છે, ‘સાઇટ સીઇંગ બધે જ બંધ થઈ ગયેલું અને ભારતમાં પણ ઇન્ટરનૅશનલ ફ્લાઇટ બંધ થઈ ગઈ છે એ જાણીને અમે ૨૫ માર્ચે ઇસ્તનબુલ આવી ગયા. અહીં અમે અપાર્ટમેન્ટ બુક કરાવેલું એટલે બચી ગયા. અમને એમ કે વધુમાં વધુ પંદરેક દિવસ વધુ રોકાવું પડશે. કેમ કે અત્યાર સુધી ક્યારેય ઇન્ટરનૅશનલ ફ્લાઇટ સાવ જ બંધ થઈ જાય એવું કદી બન્યું નથી. શરૂઆતમાં વાંધો ન આવ્યો, પણ લૉકડાઉન લંબાતાં ચિંતા થવા લાગી. ખાસ તો મમ્મી નર્વસ થઈ ગયેલાં. તેમની હેલ્થ બગડી રહી હતી. બાકી અમે ઘરની બહાર બહુ ઓછું નીકળતા. ચાર-પાંચ ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ દોઢ-બે કિલોમીટરના અંતરે હતા ત્યાં અમે ચાર-પાંચ દિવસે વૉક કરીને જતા અને જરૂરી સામાન લઈ આવતા. પ્યૉર જૈન હોવાથી ઘરનું જ ખાવાનું ખાતા. જ્યાં નૉન-વેજ પીરસાતું હોય એવી હોટેલમાં ખાવાનું ટાળતા હોવાથી અમે સાથે ખૂબબધો નાસ્તો લીધેલો એ ખૂબ કામ આવ્યો. બાકી જે ખાવું હોય એ બધું જ અમે ઘરે બનાવીને ખાધું. જેમ અહીં લોકો ઘરકામ કરતા હતા એમ અમે પણ કચરાપોતું, કપડાં-વાસણ જાતે જ કરી લેતા.’

‍જેમ-જેમ લૉકડાઉન વધતું ચાલ્યું અને ઇન્ડિયા આવવાનું પાછું ઠેલાતું ગયું એમ ટેન્શન વધતું હતું, એ વિશે અમિતભાઈ કહે છે, ‘જેવું લોકોને ખબર પડી કે અમે ટર્કીમાં ફસાયેલા છીએ ત્યારે ચોમેરથી મદદનો જે ધોધ વહેતો થયો એ જોઈને બહુ સારું લાગ્યું. હું વર્ધમાન સંસ્કાર ધામ અને સમસ્ત મુંબઈ જૈન સંઘની કોર કમિટીમાં છું અને વર્ષોથી અમે સેવાનાં કાર્યોમાં સંકળાયેલા છીએ એટલે જેમને ખબર પડે એ બધાએ જ પોતપોતાની રીતે અમને મદદ મળે એ માટે ચક્રો ગતિમાન કરી દીધાં. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હોવાથી મારા કેટલાય ક્લાયન્ટ્સ પણ આઇએએસ ઑફિસરો અને ઉદ્યોગપતિઓ છે એ બધાએ પોતપોતાની રીતે ઇસ્તનબુલમાં અમને સપોર્ટ મળે એ માટેના પ્રયત્ન કર્યા. કોઈકે કહ્યું કે અમે તમારા માટે નવકાર જાપ કરીશું, કોઈકે સામૂહિક સામયિક અનુષ્ઠાન કર્યું. ડાયમન્ડ અને ગાર્મેન્ટ બિઝનેસના ઘણા લોકોએ તેમને ટર્કીમાં ઓળખતા લોકોનો સંપર્ક કરીને અમને મદદ કરવાની અપીલ કરી. મારા ૧૨ વર્ષના દીકરા મોક્ષના ભાઈબંધોએ પણ પોતપોતાની રીતે એવા ઇનિશ્યેટિવ લીધા જે જાણીને આંખો ભીની થઈ જાય. કોઈકે પીએમઓ ઑફિસમાં અપીલ કરી તો ઇસ્તનબુલમાં અજાણ્યા લોકોએ અમને તેમની સાથે રહેવા આવી જવા સુધીનો આગ્રહ કર્યો. બધા જ પૂછતા કે પૈસાની મદદની જરૂર હોય તો કહેજો. અમારે એક જ મદદની જરૂર હતી, ઇન્ડિયા પહોંચવાની ફ્લાઇટની.’

અજાણ્યા દેશમાં અટવાયા હો ત્યારે આખો દિવસ કેવી ચિંતામાં વ્યતીત થતો હશે? એવો સવાલ આપણને સ્વાભાવિકપણે થાય, પણ તેમનું દૈનિક શેડ્યુલ જોઈએ તો લાગે કે તેમણે ચોમેર અંધકાર અનુભવાય એવા ઓછાયા હેઠળ પણ ઘણી સ્વસ્થતા દાખવી છે. ઇન ફૅક્ટ, જે સમયમાં તેમને વધુ મદદની જરૂર હતી ત્યારે અમિતભાઈ ઇન્ડિયામાં સેવાનાં કાર્યોમાં સક્રિય કઈ રીતે રહી શકાય એની પળોજળમાં હતા. તેઓ કહે છે, ‘હું વર્ધમાન સંસ્કાર કેન્દ્ર અને સમસ્ત મુંબઈ જૈન સંઘના નેજા હેઠળ અહીં કઈ સેવા પ્રવૃત્તિઓની જરૂર છે એની મદદ કરતો હતો. જ્યારે મારાં પપ્પા-મમ્મી લગભગ એક દાયકાથી વધુ સમયથી આત્મવલ્લભ ઉત્કર્ષ સંઘ સાથે જોડાયેલા છે. તેઓ પણ આ સંઘની પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લેતા. લૉકડાઉનને કારણે તમે ઇન્ડિયામાં હો કે વિદેશમાં, કોઈ બહાર તો નીકળી શકતું જ નહોતું ત્યારે અમે આ સંસ્થાઓ દ્વારા કેવી સેવાભાવી પ્રવૃત્તિઓ થઈ શકે એની ઝૂમ અને વૉટ્સઍપ-મીટિંગોમાં હાજરી આપતા અને પ્લાનિંગમાં વ્યસ્ત રહેતા. જરૂરી ભંડોળ ઊભું કરવા માટે અમે ત્યાંથી પણ એટલા જ સક્રિય હતા જેટલા મુંબઈમાં હોત તો થાત. જૈન સંત શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ દ્વારા પ્રે‌રિત બે સંસ્થાઓના નેજા હેઠળ લૉકડાઉનમાં બાવીસ લાખ મીલ્સ વહેંચાયાં. સમસ્ત મુંબઈ જૈન સંઘ સંગઠન દ્વારા ગોરેગામથી કોલાબા સુધીના પટ્ટામાં મૂંગાં પશુપંખીઓ ભૂખ્યાં ન રહે એ માટેનાં કામ થયાં. આ કામ માટે અમે ત્યાંથી પણ બનતી મદદ કરવાનું વચન આપેલું અને ત્યાંના ઇન્ડિયન્સને પણ આ પ્રવૃત્તિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા. આખો દિવસ ખાલી બેસી રહેવાને બદલે અમારું આ જ મિશન હતું કે આ સંસ્થાઓ દ્વારા થતી પ્રવૃત્તિઓને અમે કઈ રીતે વેગ આપી શકીએ. આમેય જ્યાં સુધી ફ્લાઇટ ચાલુ ન થાય ત્યાં સુધી અમે ઇન્ડિયા પાછા આવી શકવાના નહોતા એટલે ચિંતા કર્યા કરવાનો કોઈ મતલબ નહોતો. હા, અમને ચિંતા પેરન્ટ્સની હેલ્થની હતી. વતનથી આટલે દૂર જો તેમની તબિયત કથળી તો શું કરીશું? મારા પપ્પા હાર્ટ-પેશન્ટ છે અને તેમને ચાર સ્ટેન્ટ પણ બેસાડેલાં છે. જોકે તેઓ કૂલ હતા. મારાં મમ્મી નર્વસ થઈ ગયેલાં. તેમનું બીપી વધી ગયેલું, ઍસિડિટી, ઊંઘ ન આવવી એમ વિષચક્ર શરૂ થઈ ગયેલું. એક રાતે તેમની તબિયત બગડેલી લાગી. બીપી માપ્યું તો ઘણું હાઈ આવ્યું. ત્યાંના એક ઇન્ડિયન મિત્ર અવિનાશને ફોન કર્યો તો તેમણે જરૂર પડ્યે ત્યાંની બેસ્ટ હૉસ્પિટલમાં દાખલ થઈ શકાય એની વ્યવસ્થા કરેલી. લકીલી જરૂર ન પડી, પણ એ પછી મમ્મીની હેલ્થની ચિંતા સતત રહી.’

‌અમિતભાઈ, તેમનાં પપ્પા-મમ્મી ફુટરમલભાઈ અને પુષ્પાબહેન, પત્ની છાયાબહેન, દીકરીઓ મલ્લિકા-મહેક અને દીકરા મોક્ષાને આઠમી જૂને જ્યારે દિલ્હી ઍરપોર્ટ પર પગ મૂક્યો ત્યારે લગભગ સૌની આંખમાં હરખનાં આંસુ આવી ગયાં હતાં. બે વીકનો ટૂર પ્લાન ત્રણ મહિના જેટલો લંબાઈ જાય એ પછી દેશની ધરતી કેટલી વહાલી લાગે એ તો જેમણે અનુભવ કર્યો હોય તે જ જાણે.

coronavirus covid19 lockdown sejal patel turkey