કૂતરાઓના ચાર પ્રકાર હોય છે, એ જ પ્રકારના લોકો રાજકારણમાં હોય છે

10 November, 2019 11:40 AM IST  |  Mumbai | swami sachidanand

કૂતરાઓના ચાર પ્રકાર હોય છે, એ જ પ્રકારના લોકો રાજકારણમાં હોય છે

આપણે ટીમકીની વાત કરતા હતા. ગઈ કાલે કહ્યું એમ, ટીમકીને શાંતિકુમાર સાથે ખૂબ ફાવે. બેઉ એકબીજાનાં જોડીદાર. શાંતિકુમારની ગેરહાજરીમાં ટીમકી જમે નહીં. આવું ત્રણ-ચાર વાર બન્યું એટલે નક્કી થયું કે ટીમકીને શાંતિકુમારે સાથે લઈ જવાની. બહારગામ પણ ભેગી જ રાખવાની. મૂંગાં પ્રાણીઓનો પ્રેમ નિઃસ્વાર્થ હોય છે. એક વાર શાંતિકુમાર બીમાર પડ્યા. કૂતરી તેમના પલંગ પર બેસી રહે. ડૉક્ટર આવે તો પણ ઊઠે નહીં, માંડ ઉઠાડવી પડે અને ઉઠાડો તો પણ પલંગ પાસે જ ખડાપગે ઊભી રહી જાય. જો ડૉક્ટર ઇન્જેક્શન મારે તો ટીમકી પોતાના પગથી શાંતિકુમારનો હાથ પકડીને ઊભી રહી જાય.
કૂતરાઓને ઓળખવા પડે. કેટલાક કૂતરાઓ માલિક માટે જીવ આપી દેનારા હોય છે. માલિકના સુખે એ સુખી અને માલિકના દુખે એ દુખી. ઇંગ્લૅન્ડમાં એક કૂતરાનું સ્ટૅચ્યુ બનાવીને મૂકવામાં આવ્યું છે. એ કૂતરો શાહી ખાનદાન સાથે કોઈ સંબંધ નથી ધરાવતો, પણ એની વફાદારી શાહી ખાનદાનથી સહેજ પણ ઊતરતી નહોતી એટલે રાણીએ એનું સ્ટૅચ્યુ મુકાવ્યું છે. એ કૂતરાની વાતો ભવિષ્યમાં કરીશું. અત્યારે કૂતરાના પ્રકાર વિશે જોઈ લઈએ. કૂતરા ચાર પ્રકારના હોય છે.
એક એવા પ્રકારના કૂતરા, જે ખાઈને ઊંઘી જાય કે ભાગી જાય. બીજા પ્રકારના કૂતરા એવા હોય જે ખાય ખરા, પણ ન તો ઊંઘે કે ન તો ઊંઘવા દે. રાતઆખી ભસ્યા કરે, રડ્યા કરે, પણ જો કોઈ માથાભારે આવે કે ચોર આવે તો પૂંછડી પાછળના પગમાં ઘુસાડીને ભાગી જાય. ત્રીજા પ્રકારના કૂતરા ભસ્યા જ કરે. ખવડાવો, ભગાડો, રમાડો તો પણ બસ, એ એક જ કામ કરે, ભસવાનું. એમને ભસતા જ આવડે, બીજું કંઈ આવડે જ નહીં. હવે આવે છે સૌથી છેલ્લા પ્રકારના કૂતરા, રક્ષા કરનારા કૂતરા. શત્રુ પર તૂટી પડે, જીવની પરવા કર્યા વિના બસ એ માલિકનું રક્ષણ કરે. પૂરેપૂરા વફાદાર. માલિકના સુખે સુખી હોય અને માલિકના દુખમાં સૌથી પહેલાં ભાગીદાર બનનારા હોય. માલિક માટે એ કંઈ પણ કરી છૂટે, કોઈ પણ હદ સુધી જઈ શકે.
માત્ર કૂતરા જ આવા નથી હોતા. માણસો પણ આવા હોય છે. તમે જોજો, રાજકારણમાં તો આવા ચાર પ્રકારના માણસો હોય જ હોય. મેળવી જોજો, મળી જશે તમને. સંસારમાં પણ હવે આવા લોકો જોવા મળે છે. માત્ર ભસ્યા જ કરે. ડરાવ્યા કરે અને જ્યારે મદદની સાચી જરૂર હોય ત્યારે ઊભી પૂંછડીએ ભાગી જાય. આ ચાર પ્રકારના માણસોમાં ચોથા પ્રકારનાનો સાથ મળી જાય તો જીવન ધન્ય બની ગયું છે એવું ધારી લેવું.
ટીમકી જયારે મરી ગઈ ત્યારે ધનકોરબહેને એનાં અસ્થિઓને જમનાજીમાં પધરાવીને બધી વિધિ કરાવી હતી.

astrology