રિટાયરમેન્ટની ઉંમરે રીમૅરેજ સાચવીને લેવાનો છે નિર્ણય

17 November, 2019 11:39 AM IST  |  મુંબઈ | Ruchita Shah

રિટાયરમેન્ટની ઉંમરે રીમૅરેજ સાચવીને લેવાનો છે નિર્ણય

પ્રતિકાત્મક તસવીર

જીવનસાથી ગુમાવનારા અને એકલા પડેલા વડીલોનાં ફરી લગ્ન કરવાની વાત હવે નવી નથી રહી. છેલ્લાં થોડાં વર્ષોમાં એની સંખ્યામાં પણ વધારો થયો છે. એને સમાજમાં સ્વીકૃતિ મળવાની શરૂઆત થઈ છે. જોકે હવે સંતાનો પણ પોતાના સિંગલ પેરન્ટને થાળે પાડવા તૈયાર થયાં છે. માત્ર તૈયાર થયાં છે એટલું જ નહીં, પોતાની એકલી પડેલી મમ્મી કે પપ્પાને ઉચિત અને ક્વૉલિફાઇડ જીવનસાથી મળે એ માટે તેઓ આકાશ-પાતાળ એક કરી રહ્યાં છે. તાજેતરમાં ટ્િ‍વટર પર આસ્થા વર્મા નામની એક યુવતીએ ‘માતા માટે એક હૅન્ડસમ, વેજિટેરિયન, વેલ એસ્ટૅબ્લિશ્ડ અને નૉન-ડ્રિન્કર પાર્ટનર શોધી રહી છું’ એવું ટ્વીટ કર્યું અને સોશ્યલ મીડિયાની આ સાઇટ પર જાણે દેકારો બોલી ગયો. ૩૩,૦૦૦ કરતાં વધુ લોકોએ એને લાઇક કર્યું. લગભગ સાડાસાત હજાર કરતાં વધુ લોકોએ એના પર કમેન્ટ કરી અને એટલી જ સંખ્યામાં લોકોએ આ ટ્વીટને રીટ્વીટ કર્યું. કમેન્ટ કરનારાઓમાં પોતાને યોગ્ય ઉમેદવાર ગણાવનારા લોકો પણ આગળ આવ્યા. ઘણાએ આસ્થાના આ બોલ્ડ પગલાને ખુલ્લા મને આવકાર્યું, તો કેટલાકે એને સસ્તી પબ્લિસિટી કહીને વખોડ્યું. આસ્થાની દેખાદેખીમાં અથવા આસ્થાથી પ્રેરાઈને બીજી પણ કેટલીક યુવતીઓએ સોશ્યલ મીડિયા પર ખુલ્લેઆમ ‘મમ્મી માટે મુરતિયો જોઈએ છે’ની વાત ફોટો સહિત પોસ્ટ કરી દીધી. અત્યાર સુધી મા-બાપ પોતાની લાડકવાયી કે લાડકવાયા માટે યોગ્ય ઉમેદવાર માટે ખૂબ મથતાં હતાં. સોશ્યલ મીડિયા પર ઝળકેલી આ બાબતો બદલાયેલા પ્રવાહની શાખ પૂરે છે. આજે સંતાનોએ મા-બાપની જવાબદારીને સુપેરે ઉઠાવી લીધી છે.
યુનિવર્સિટી ઑફ કૅલિફૉર્નિયાએ કરેલા સર્વેક્ષણના આંકડા કહે છે કે દુનિયામાં લગભગ ૪૦ ટકા કરતાં વધારે વડીલો કારમી એકલતાથી પીડાય છે. આ એકલતાના પગલે અનેક ગંભીર બીમારીઓનો સામનો કરવો પડતો હોય છે. ત્યારે ઓછાં થઈ રહેલાં વર્ષો વચ્ચે કોઈકનો સાથ-સંગાથ મળી જાય તો જીવન જીવવાલાયક અને માણવાલાયક બની રહે એ વાત હવે સમાજના ઘણા લોકોને સ્વીકાર્ય બની છે. છેલ્લા એક દાયકામાં સિનિયર સિટિઝનને લગ્ન કરાવી આપનારી સંસ્થાઓ, મૅરેજ-બ્યુરો અને ઑનલાઇન પૉર્ટલોમાં વધારો થયો છે. આજે લોકોની લાઇફ એક્સપેક્ટન્સીનો દર ઊંચો થયો છે. ૨૦૧૧ના સેન્સસ રિપોર્ટ પ્રમાણે ૧૦ કરોડ ૩૮ લાખ વડીલો ૬૦ કરતાં વધુ વયના હતા. આજે ઉંમરના આ તબક્કે પહોંચેલા ઘણા સિનિયર સિટિઝન સિંગલ, ડિવૉર્સી અથવા પોતાના જીવનસાથીને ગુમાવી ચૂકેલા છે અને ફરી નવેસરથી શરૂઆત કરવાના પક્ષમાં છે. હવે જ્યારે સમાજ આ વડીલોના જીવનની સેકન્ડ ઇનિંગને લઈને ઓપન થઈ રહ્યો છે ત્યારે એ દિશામાં કેવા પ્રશ્નો ઊભા થતા હોય છે. એમાં કેવા પ્રકારની સાવધાની આવકાર્ય છે એ વિશે ચર્ચા કરીએ.
જે જોઈતું હતું એ મળ્યું
છેલ્લાં ૧૮ વર્ષથી ખાસ વડીલોની એકલતાને નિવારવા માટે બ્યુરો ચલાવતા અને દેશના ખૂણે-ખૂણે વડીલો માટે પરિચય મિલન ગોઠવી રહેલા ‘વિનામૂલ્ય અમુલ્ય સેવાના’ના સ્થાપક નટુભાઈ પટેલ પોતાના અનુભવના આધારે કહે છે, ‘આમાં મુખ્ય પ્રશ્ન એકલતા છે. મોટી ઉંમરે બેમાંથી એક પાત્ર કોઈ ગુમાવે ત્યારે તેઓ એકલાં શું કરે? તેમને કોઈ વાતચીત કરનારું, હમસફર જોઈએ. હરિદ્વાર જાઓ તો હસબન્ડ જોઈએ. એકથી ભલા બે હોય તો સમય નીકળે. હવે સંતાનો એકલતા ભોગવી રહેલા સિંગલ પેરન્ટની ચિંતા કરે છે. દીકરીઓ આમાં વધુ આગળ પડતી છે. છેલ્લા થોડા સમયમાં દીકરીઓ પોતાના પિતાનું કે માતાનું નામ નોંધાવવા મારી પાસે આવી હોય એવા ઘણા પ્રસંગ બન્યા છે. ઇન ફૅક્ટ જમાઈ પણ પોતાની સાસુ માટે કે સસરા માટે હવે આવવા માંડ્યા છે. સમાજમાં ઘણી જાગૃતિ આવી છે. આજથી પાંચ વર્ષ પહેલાં સુધી પણ સંતાનો આ વાત સ્વીકારવા તૈયાર નહોતાં. જોકે ખરેખર હવે પરિસ્થિતિ પહેલાંની તુલનાએ ઘણી સુધરી છે.’
વડીલો માટે આ પ્રકારનો નિર્ણય આશીર્વાદ બની જાય છે એ સંદર્ભે પોતાનો અનુભવ શૅર કરતાં કાંદિવલીમાં પરિચય મિલન નામનો મૅરેજ બ્યુરો ચલાવતા અને ૨૦૦૦ કરતાં વધુ જોડકાંઓને પરણાવનારાં જિજ્ઞા ગાંધી કહે છે, ‘આપણા પહેલાંની પેઢીએ પોતાનાં યુવાનીનાં વર્ષો ભયંકર સંઘર્ષમાં કાઢ્યાં હોય છે. છોકરાઓ મોટાં થાય અને થાળે પડે એટલે જીવીશું એવાં અરમાન સેવતા વડીલો એકલા પડે ત્યારે તેઓ ન કહી શકે કે ન સહી શકે એવી સ્થિતિમાંથી પસાર થતા હોય છે. મેં મારા પિતા અને સસરા બન્નેમાં આ બાબત જોઈ છે. મારી પાસે બીજો એક કેસ આવેલો જેમાં એકલા વિધુર પુરુષ બધી રીતે સુખી. ખાવાપીવા માટે ઘરમાં કુક છે, ઘર-ગાડી બધું જ છે. જોકે ઘરમાં એકલા રહે અને તેમને ઘર જાણે ખાવા દોડતું હોય. તેમની એકલતાની પીડા જોઈને આપણને ભગવાનને કહેવાનું મન થાય કે આવી પીડા ઈશ્વર કોઈનેય ન આપે. તેમનું મિત્રવર્તુળ ફરવા જાય, પણ તેઓ ન જાય. એકલા જાય તો મનોમન સંકોચાય. મિત્રો સાથે કે સિનિયર સિટિઝન ગ્રુપ સાથે પણ કેટલો સમય કાઢે. તેમની દીકરી જ તેમનું નામ નોંધાવવા અમારી પાસે આવેલી. આજે સંતાનો આ વાતથી હવે અલર્ટ થયાં છે. આમ પણ તેઓ પોતાની લાઇફમાં બિઝી હોય, કોઈ ભણવા માટે ફૉરેન ગયા પછી ત્યાં જ સેટલ થવાનું વિચારતા હોય અને એ સમયે એકલાં મમ્મી અથવા પપ્પાને દેશ ન છોડવો હોય ત્યારે તેમની મૂંઝવણ વધી જાય છે. જો પોતાના સિંગલ પેરન્ટને પાર્ટનર મળી જાય તો સંતાનોની જવાબદારી ઓછી થઈ જાય એવા વિચારે પણ તેઓ અત્યારે આગળ આવ્યા છે. બીજી બાજુ, કેટલીક દીકરીઓને પોતાના સાસરે ગયા પછી પપ્પાનું શું થશે એ ચિંતા ખૂબ સતાવતી હોય છે. અત્યારે મારી પાસે એક દીકરીએ પોતાના પપ્પાનું લગ્ન માટે નામ નોંધાવ્યું છે. દીકરી કૉલેજમાં ભણે છે અને તેની મમ્મીને ગુજરી ગયાને પણ દસેક વર્ષ થઈ ગયાં છે. જોકે હવે સમજણી થયા પછી દીકરીને લાગે છે કે પપ્પાને એકલા નથી રાખવા. તેમને કોઈ લાઇફ-પાર્ટનર હોવી જોઈએ. તે પણ પોતાના પપ્પાની પાર્ટનર કેવી હોવી જોઈએ એ વાતને લઈને ખૂબ સ્પષ્ટ છે. તે પોતે એકેએક બાયોડેટાને ઝીણવટપૂર્વક તપાસીને પછી જ પોતાને બધું યોગ્ય લાગે પછી જ તેના પિતાને ઇન્વૉલ્વ કરે છે. ઘણા કેસમાં તો વર્ષોથી એકલા રહેવા ટેવાઈ ગયેલા પેરન્ટ ના પાડતા હોય પણ સંતાનની જીદને કારણે લગ્ન માટે તૈયાર થયા હોય એવું પણ હવે બનવા માંડ્યું છે.’
મહિલાઓ તૈયાર નથી થતી
વડીલોનાં લગ્નનો બહોળો અનુભવ ધરાવતા અને ભારતભરમાં સેમિનાર યોજતા નટુભાઈ પાસે ૬૦થી વધુ ઉંમર ધરાવતા લગ્નોત્સુક ૧૧ હજાર ઉમેદવારોના બાયોડેટા છે, જેમાં માત્ર ૧૦૦૦ મહિલાઓ હશે. નટુભાઈ કહે છે, ‘આટલા મોટા ગૅપ વચ્ચે સ્વાભાવિક છે કે ઓછા જ કેસ ફાઇનલ થાય. ૧૦૦૦નો આંકડો પણ છેલ્લાં ત્રણેક વર્ષે પહોંચ્યો છે. બાકી પહેલાં તો આનાથી પણ ઓછી સંખ્યામાં બહેનોનાં નામ હતાં. બીજાં લગ્ન માટે અથવા પાકટ વયે પહેલાં લગ્ન માટે પણ બહેનો ઝડપથી રાજી નથી થતી. તેમની અંદરખાને ઇચ્છા હોય તો પણ તેમને સમાજનો ડર ખૂબ સતાવતો હોય છે. તે વહુ પાસે દબાયેલી અવસ્થામાં જીવન પૂરું કરી નાખે છે. દીકરીનાં સાસરિયાં શું કહેશે કે ૬૦ વર્ષે પરણવા નીકળ્યા છે જેવા કેટલાય વિચારો તેમને સતાવતા હોય છે. પરિવાર તરફથી તેમને ધાર્યો સપોર્ટ નથી મળતો. તમે માનશો નહીં, પણ અમે અમારા જેટલા પણ પરિચય મિલન ગોઠવીએ છીએ એમાં મહિલાઓને આવવા-જવાનું ભાડું, તેમના રહેવા-ખાવાની વ્યવસ્થા અમે કરીએ છીએ. તેમણે એક પણ રૂપિયો ખર્ચવાનો નહીં. આ વખતે ૨૪ તારીખે રાજકોટમાં અમે વડીલો માટે ‘દાદા-દાદી જીવનસાથી સંમેલન’ ગોઠવ્યું છે, જેમાં ૩૫ બહેનોની તમામ વ્યવસ્થા અમે કરી છે. અમારી જાહેરખબરો અને બ્રૉશરમાં પણ અમે આ વાત લખીએ છીએ કે મહિલાઓએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી. આખા ભારતમાંથી ક્યાંયથી પણ મહિલાઓ આવશે તો તેમની ટ્રેનની ટિકિટથી લઈને તેમની રહેવાની વ્યવસ્થા અમારી જવાબદારી રહેશે. દરેક વખતનો અમારો આ જ નિયમ છે. અમે અમારી રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ, મહિલાઓ પણ એકલતામાંથી બહાર આવીને પુનઃ લગ્નનો વિચાર કરે એ માટે.’
આ વાસ્તવિકતામાં સંતાનોની નિષ્ક્રિયતા તરફ ધ્યાન દોરતાં જિજ્ઞાબહેન કહે છે, ‘પુનર્લગ્નમાં આજે પણ આપણે ત્યાં જેન્ડર બાયસ છે. પિતા એકલા હોય તો સંતાનોને પણ તેમનાં ફરી લગ્ન કરાવવાનો વિચાર આવે છે, પરંતુ મમ્મીના કેસમાં આજે પણ ગુજરાતી સમાજ સંકુચિત છે. એકલી મમ્મી ઘરમાં રહે, ભગવાનનું નામ લે અને થાય એટલાં ઘરનાં કામ કરે એ વાત દીકરાઓને ખાસ સહજ લાગે છે. તેમને મમ્મીની એકલતાનું મહત્ત્વ નથી સમજાતું. આ જ કારણ છે કે આજે પણ આપણા સમાજમાં મહિલાઓ જોઈએ એટલા પ્રમાણમાં આગળ નથી આવતી.’
મોટી ઉંમરના લગ્નોત્સુકોમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યામાં આ વિષમતાને કારણે અસંતુલન તો ઊભું થવાનું. નટુભાઈ ઉમેરે છે કે ‘સંખ્યામાં આટલા મોટા ભેદને કારણે મહિલાઓ પાસે ઑપ્શન ઘણા છે. જ્યારે પુરુષો પાસે ખૂબ જ લિમિટેડ ચૉઇસ છે. સ્વાભાવિક રીતે મોટી ઉંમરે લગ્ન માટે બીજી વાર કે ત્રીજી વાર જીવનસાથી શોધતા હોઈએ ત્યારે બાંધછોડ કરવાની આવે, પરંતુ આટલા બધા પર્યાયોને કારણે મહિલાઓ ઝડપથી બાંધછોડ કરવા તૈયાર નથી થતી. દરેક મહિલાઓને પૈસાવાળું અને બધી રીતે સુખી પાત્ર જોઈએ છે. ગાડીવાળો, બંગલાવાળો અને નોકરચાકરવાળો છોકરો હોય તો જ્ઞાતિ, ભણતર કે ઉંમર આડે નથી આવતી, તો સામા પક્ષે પુરુષોને ઉંમરમાં નાની, સુંદર, હેલ્ધી અને સંતાનો ન હોય અથવા સંતાનોમાં દીકરી જ હોય એવી મહિલા પાત્ર જોઈએ છે. પુરુષો મહિલાની જવાબદારીથી દૂર ભાગે છે.’
લિવ-ઇનનો ઑપ્શન પણ છે
પ્રૉપર્ટીનો ઇશ્યુ, પોતાનાં સંતાનો બીજાને સ્વીકારવા તૈયાર ન થાય અથવા ધારો કે ન ફાવ્યું તો એવો ડર દૂર કરવા વડીલો પણ હવે લિવ-ઇન રિલેશનના પર્યાય તરફ વળ્યા છે. નટુભાઈએ પોતાના ૧૮ વર્ષના કાર્યકાળમાં ૧૫૪ કપલનું મૅચિંગ કરાવ્યું છે, જેમાં ૧૨ કપલ આજે પણ લિવ-ઇનમાં રહે છે. નટુભાઈ સ્પષ્ટતા કરતાં કહે છે, ‘લગ્ન કરવાં એ તો ૧૦ મિનિટનું કામ છે, પરંતુ લગ્ન પછી છૂટાછેડા લેવામાં ૧૦ વર્ષ પણ નીકળી જાય છે. મોટી ઉંમરે આવું થાય ત્યારે ખૂબ કફોડી હાલત થાય. અમે આ પ્રકારના અનુભવમાંથી પસાર થઈ ગયા છીએ એટલે જ્યાં સુધી બધી રીતે બધું જ પાક્કું ન હોય ત્યાં સુધી કપલને લગ્ન માટે આગ્રહ કરતાં નથી. તેમને અનુભવ લેવા માટે કહીએ છીએ. જોકે આના માટે સ્ત્રીઓ તરફથી અને ખાસ તો તેમના પુત્રો તરફથી તરત સહમતી મળતી નથી. જોકે એ પછીયે આજે કેટલીક મહિલાઓ નિઃસંકોચ આગળ આવી રહી છે. એક બહેન અત્યારે સુરતમાં છે જે લિવ-ઇન રિલેશનશિપમાં રહે છે. તેમની ઉંમર ૬૦ વર્ષ છે અને સામા પાત્રની ઉંમર ૭૦ વર્ષ છે. મહિલાને તેના પહેલા પતિ સરકારી કર્મચારી હોવાને કારણે પેન્શન મળી રહ્યું છે. જો લગ્ન કરે તો આ પેન્શન બંધ થઈ જાય અને ધારો કે લગ્ન ન ટક્યાં તો. એના કરતાં લિવ-ઇનમાં રહીને બન્ને એકબીજાને કંપની આપે છે. તેમનાં સંતાનોએ પણ આ વાત સ્વીકારી લીધી છે.’
કેવા પ્રશ્નો જાગે?
જ્યારે મોટી ઉંમરે લગ્ન કરવાનો નિર્ણય થાય ત્યારે ઘણી બાબતો કૉમ્પ્લીકેટેડ પણ હોય છે. એમાં સૌથી મોટો પ્રશ્ન આવે છે પ્રૉપર્ટીનો. નટુભાઈ કહે છે, ‘મોટા ભાગે દીકરાઓ પોતાના પિતાની પ્રૉપર્ટી નવી મમ્મી સાથે શૅર કરવા તૈયાર નથી થતા. જે મારી દૃષ્ટિએ યોગ્ય નથી. જ્યારે કોઈ આધેડ વયની સ્ત્રી મોટી વયના પુરુષ સાથે લગ્ન કરે ત્યારે બન્નેને સાથ-સહારાની જરૂર હોય છે, પરંતુ સાથે સ્ત્રીની સિક્યૉરિટીની જવાબદારી પણ પુરુષની જ હોય. અમે કોઈ પણ લગ્ન કરાવીએ ત્યારે પહેલાં તેની સિક્યૉરિટીની વ્યવસ્થા કરવાનું કહીએ છીએ. ઉંમરનો તકાજો છે. કાલ ઊઠીને લગ્નનાં બે વર્ષમાં જ ધારો કે પુરુષ ગુજરી જાય અને પહેલી પત્નીનાં સંતાનો તેને ઘરમાંથી કાઢી મૂકે તો તે ક્યાં રઝળતી ફરે. અહીં પુરુષોની માનસિકતા થોડી વિચિત્ર છે. તેમને જવાબદારીવાળી એટલે કે પહેલા પતિથી દીકરાઓ હોય એવી સ્ત્રી પત્ની તરીકે નથી જોઈતી અને સાથે કોઈ રકમ તેના નામે ફિક્સ ડિપોઝિટમાં મૂકવાની કે તેના પછી ઘર પર પત્નીનો અડધો ભાગ જેવી કોઈ વ્યવસ્થા કરવાનું નથી ગમતું. આ બેવડી નીતિને કારણે ઘણા પુરુષોને વર્ષો સુધી કોઈ પાત્ર નથી મળતું. અહીં સંતાનોએ થોડું સમજવાનું છે કે તેમના પિતા પાછળ મોટી વયે તેમના ઘરે આવનારી સ્ત્રીની સિક્યૉરિટીનો વિચાર કરવો જ પડે. એમનું એમ કોઈ ન આવે. કાં તેના નામે પાંચ-દસ લાખ રૂિપયા મૂકી દો, કાં તેના ખાતામાં દર મહિને દસ-પંદર હજાર જમા કરાવો કે પછી તેના નામે કોઈ પ્રૉપર્ટી કરો. કોઈક સિક્યૉરિટી તો આપવી પડેને. એ સિવાય અમે પણ લગ્ન નથી કરાવતાં.’
લગ્ન પહેલાં જ પ્રૉપર્ટીના મુદ્દે ઝઘડા થાય અને લગ્નો થાય જ નહીં અથવા લગ્ન પછી વાત કોર્ટ સુધી પહોંચે એવા અઢળક કિસ્સા બનતા હોય છે. બીજાં કારણોમાં સામાજિક કારણો મહત્ત્વનાં હોય છે અને લગ્નો તૂટવા અથવા આપસમાં નહીં બનવા પાછળ શારીરિક સંબંધની માગણી પણ મહત્ત્વનું કારણ હોય છે એમ જણાવીને નટુભાઈ એક કિસ્સો વર્ણવતાં કહે છે, ‘એક કપલનાં લગ્ન થયાં. પત્ની હશે પંચાવન વર્ષની અને પુરુષ ૭૦ વર્ષનો. બન્ને વચ્ચે અંગત સંબંધ બાંધવાને લઈને દરરોજ મગજમારી થાય. પુરુષનો આગ્રહ હોય અને પત્ની રોજના આગ્રહ સામે ના પાડે. એને કારણે પતિએ પત્ની પર હાથ ઉપાડવાનું શરૂ કર્યું. બહેને મને ફરિયાદ કરેલી. બન્ને સાથે વાત પણ કરી. એકાદ મહિનો બધું બરાબર ચાલે, પણ પાછું આ જ શરૂ થાય. એક વાર તો બહેન કાનની બૂટમાંથી લોહી નીકળતી હાલતમાં મારી પાસે આવ્યાં. મને કહે કે આજે પણ એ જ મુદ્દે મગજમારી થઈ. મારી ઉંમર થઈ અને અત્યારે મને આ બધામાં રસ નથી અને રોજના આગ્રહ સામે તો વશ નથી થતી. આજે સવારે તેમણે મને જોરથી કાન પર ફટકો માર્યો અને આ જુઓ કાનની બૂટી બહાર નીકળી ગઈ, લોહી નીકળે છે. આવા સમયે અમે બહેનનો જ પક્ષ લઈએ. પછી તો અમે ફરિયાદ કરી અને કેસ સૉલ્વ કર્યો. આ સ્તરે ઘણા વડીલ જોડકા વચ્ચે ટેન્શન ઊભું થતું હોય છે. છેલ્લાં થોડાં વર્ષોથી અમે પહેલેથી જ આ મુદ્દાને લઈને પણ સ્પષ્ટતા કરીને પછી જ આગળ વધતા હોઈએ છીએ. હવે તો અમે એ લોકોને બે-ત્રણ મહિના ટ્રાયલ બેઝ પર સાથે રહેવાની સલાહ આપતા હોઈએ છીએ.’

sex and relationships