૧૦૦૦ શિવલિંગવાળું મંદિર જોયું છે ક્યારેય?

12 August, 2012 10:15 AM IST  | 

૧૦૦૦ શિવલિંગવાળું મંદિર જોયું છે ક્યારેય?

 

 

 

(રશ્મિન શાહ)

 

મંદિરમાં પ્રવેશ કરો કે તરત જ તમારી આંખોની સામે શિવલિંગનું રીતસર એક મોટું ઝુંડ આવી જાય. બને કે તમે એ શિવલિંગ ગણવાનાં શરૂ કરો, પણ પછી તમારું ધ્યાન અચાનક જ મંદિરની બારી અને ગોખમાં જાય તો તરત જ તમને ત્યાં પણ શિવલિંગ દેખાઈ આવે. આટલું ઓછું હોય એમ તમે મંદિરના બીજા રૂમમાં કે ત્રીજા રૂમમાં જાઓ તો ત્યાં પણ સમાન નજારો જોવા મળે અને એ નજારો જોયા પછી તમારી બોલતી બંધ થઈ જાય, અચરજથી મોટી થયેલી આંખોમાં શ્રદ્ધાનો ભાવ અંજાય અને મનમાં શિવજીની છબિ ઊપસી આવે.

 

કંઈક આવી જ ભાવના જન્મે છે જામનગરના હવાઈ ચોક વિસ્તારમાં આવેલા સહસ્ર શિવમંદિરમાં પ્રવેશ કર્યા પછી. સહસ્ત્ર એટલે કે એક હજાર શિવલિંગ ધરાવતા આ મંદિરને જામનગર જિલ્લાના સ્થાનિક લોકો હજારિયા મહાદેવ તરીકે પણ ઓળખે છે. આગળ ક?ાું એમ આ મંદિરની ખાસિયત એ છે કે અહીં ૧૦૦૦ શિવલિંગ છે. મંદિરના વ્યવસ્થાપક કિશોરચંદ્ર વ્યાસ SUNDAY સરતાજને કહે છે, ‘બે-ચાર કે પછી છ-આઠ શિવલિંગ હોય એવી જગ્યાઓ દુનિયામાં માંડ ત્રણથી ચાર છે, પણ અહીં છે એટલાં એક હજાર શિવલિંગ તો દુનિયાના એક પણ મંદિરમાં નથી. આ શિવલિંગમાંથી એક શિવલિંગ સ્વયંભૂ પ્રગટેલું છે તો બીજાં ૯૯૯ શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જેના માટે ભરપૂર સાધના અને પ્રખર તપર્યા કરવામાં આવી હતી.’

 

મંદિરમાં ૯૯૯ શિવલિંગની સ્થાપના કેવા સંજોગોમાં થઈ એ જાણવું હોય તો એના માટે દોઢસો વર્ષ જૂનો ઇતિહાસ જાણવો પડે.

 

અત્યારે વિક્રમ સંવત ૨૦૬૮ ચાલી રહ્યો છે. ૧૬૮ વર્ષ પહેલાંની વાત છે. કાશીથી ફરતાં-ફરતાં સ્વામી ચિતાનંદજી સૌરાષ્ટ્રમાં આવ્યા અને દ્વારકા જતી વખતે તેમણે જામનગરની બહાર એક વડ નીચે આરામ કરવા માટે નાનકડી કુટિર બનાવી. એ સમયે જામનગરમાં રાજવી જામ રણમલ (બીજા)નું શાસન ચાલતું હતું. જામ રણમલજી ધર્મસહિષ્ણુ પ્રકૃતિના એટલે તે સામે ચાલીને સ્વામી ચિતાનંદજીનાં દર્શન કરવા ગયા. સ્વામીજી સાથેની ધર્મચર્ચા દરમ્યાન જામ રણમલજીના ધ્યાનમાં આવ્યું કે ચિતાનંદજી શિવભક્ત હતા અને દેવોના દેવ મહાદેવ એવા શિવજીનો વધુ ને વધુ પ્રચાર થાય એ અર્થે તેઓ પગે ચાલીને રાષ્ટ્રભ્રમણ પર નીકળ્યા હતા. જામ રણમલજીને એ વાતની પણ ખબર પડી કે ચિતાનંદજીની ઇચ્છા હતી કે કોઈ એક જગ્યાએ શિવલિંગના સમૂહની સ્થાપના કરવી જેથી લોકોની શિવદર્શનની સંપૂર્ણ ઇચ્છા પૂરી થાય. સહસ્ર શિવમંદિરના પૂજારી કિશોરચંદ્ર કહે છે, ‘સ્વામીજીની ઇચ્છા સાંભળ્યા પછી મહારાજાએ તેમને વિનંતી કરી કે જો તેમને વિરોધ ન હોય તો જામનગરનો રાજવી પરિવાર તેમને એવી જગ્યા આપવા તૈયાર છે જ્યાં તે શિવસમૂહ બનાવે. સ્વામીજીએ તરત જ તો કોઈ નર્ણિય લીધો નહોતો, પણ દ્વારકાથી દર્શન કરીને પાછા આવતી વખતે તેમણે નક્કી કર્યું કે જામનગર રાજ્યમાં શિવસમૂહ બનાવવો.’

 

શિવસમૂહ બનાવવા માટે જામ રણમલજીએ સ્વામી ચિતાનંદજીને જામનગરમાં હવાઈ ચોક વિસ્તારમાં આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરમાં ઉતારો આપ્યો. એ સમયે ભૂતનાથ મહાદેવનું કોઈ મંદિર હતું નહીં, મહાદેવજી એક અવાવરું દેરીમાં બિરાજમાન હતા. આ વિસ્તારમાં એ સમયે ભૂત થતાં હોવાનું માનવામાં આવતું અને એવી લોકવાયકા હતી કે ભૂતનાથ મહાદેવ આ વિસ્તારના ભૂતને અટકાવીને એમને શહેરમાં જતાં રોકી રહ્યા છે. ચિતાનંદજીએ ભૂતનાથ મહાદેવ પાસે પ્રતિજ્ઞા લીધી કે તે અહીં ૧૦૦૦ શિવલિંગની સ્થાપના કરશે અને આ સ્થાપના પહેલાં તે પોતાના બન્ને હાથમાં એક શિવલિંગ રાખીને સતત બાર વર્ષ ઊભા રહી ભગવાન શિવના ‘હર હર મહાદેવ’નો જાપ કરશે. એ જાપ પૂરા થયા પછી જ શિવલિંગની સ્થાપના કરવામાં આવશે. સ્વામીજીની તપર્યા શરૂ થઈ અને જેવી વાતો સૌરાષ્ટ્રમાં ફેલાઈ કે લોકો સ્વામીજીનાં દર્શન માટે રૂબરૂ આવવા લાગ્યા. સ્વામીજીએ બાર વર્ષ તપર્યા કરી. આ બાર વર્ષમાં બે કામ થયાં. એક તો એ કે જે ભૂતનાથ મહાદેવનો વિસ્તાર ભૂતિયો કહેવાતો હતો એ ભૂતિયા તરીકે ઓળખાવો બંધ થઈ ગયો અને બીજું, સ્વામીજીની શિવભક્તિને જોઈને લોકો પણ શિવભક્ત બન્યા અને સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર શિવલિંગની સ્થાપના થવા લાગી. જામનગરના જાણીતા ઇતિહાસકાર મનસુખ ભાનુશાલી SUNDAY સરતાજને કહે છે, ‘લોકોમાં સ્વામીજી માટે એવી શ્રદ્ધા પ્રસરી ગઈ હતી કે તેઓ પોતાના ગામમાં શિવલિંગની સ્થાપના કરાવતાં પહેલાં એ શિવલિંગ લઈને આવતા અને શિવલિંગને સ્વામીજીનાં દર્શન કરાવીને એની સ્થાપના કરતા.’

 

બાર વર્ષની સ્વામીજીની તપર્યા પછી સ્વામીજીએ ભૂતનાથ મંદિરમાં જ શિવલિંગની સ્થાપના કરવી શરૂ કરી. જોકે સ્થાપના શરૂ થઈ એ પહેલાં સ્વામીજીની શિવભક્તિ જોઈને સૌરાષ્ટ્રભરમાં લગભગ ચાર હજાર શિવમંદિર બન્યાં હતાં. સહસ્ર શિવની સ્થાપનાનું કામ લગભગ સાત વર્ષ ચાલ્યું. દરેકેદરેક શિવલિંગની સ્થાપના વિધિવત્ અને મંત્રોચ્ચાર વચ્ચે કરવામાં આવતી હતી જેને કારણે આટલો સમય લાગ્યો. મંદિરમાં પાંચસો શિવલિંગની સ્થાપના થઈ ત્યારે એના ગર્ભસ્થાનમાં એક શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થયું. આ સ્વયંભૂ શિવલિંગને કારણે સ્વામીજીએ એ પછી ૪૯૯ શિવલિંગનું સર્જન કર્યું એટલે મંદિરમાં કુલ ૧૦૦૦ શિવલિંગ થયાં. શિવજીની સ્થાપના કરવા માટે સ્વામીજી પોતે એવા લીન થઈ ગયા હતા કે તેમણે જગ્યા કે સ્થળ તપાસ્યા વિના શિવજીને બિરાજમાન કર્યા હતા. આ જ કારણે આજે આ મંદિરમાં ઠેર-ઠેરે શિવલિંગ જોવા મળે છે. અરે, બે શિવલિંગ તો અન્ય નાનાં-નાનાં શિવલિંગને એકબીજા પર વર્તુળાકાર પર મૂકીને બનાવવામાં આવ્યાં. જોકે શિવલિંગની હારમાળાથી બનેલાં આ બે શિવલિંગની ગણતરી આંકડામાં કરવામાં નથી આવી. આટલાં શિવલિંગની સ્થાપના કર્યા પછી સ્વામીજીની ઇચ્છા મુજબ આ જ મંદિરમાં શિવજીનાં જીવનસાથી એવાં પાવર્તીજી અને તેમનાં બન્ને સંતાનો એવા ગણેશ અને કાર્તિકેયની પણ સ્થાપના કરવામાં આવી.

 

સહસ્ર શિવલિંગનાં તમામ શિવલિંગની સ્થાપના ક્યારે અને કયા દિવસે થઈ એની કોઈ તારીખ ઇતિહાસમાંથી મળતી નથી, પણ એવું અનુમાન કરવામાં આવે છે કે વિક્રમ સંવત ૧૯૧૯માં સ્વામીજીનું કાર્ય પૂરું થયું હશે. મંદિરમાં હજાર શિવજીને બિરાજમાન કર્યા પછી લોકવાયકા પ્રચલિત થઈ છે કે અન્ય મંદિરના શિવજી એક ઇચ્છા પૂરી કરતા હોય છે, પણ સહસ્ર શિવમંદિરના શિવજી પોતાના ભક્તની એક હજાર ઇચ્છાઓ પૂરી કરે છે.    

 

ટૂરિઝમની નીરસતા

 

એકસાથે એક હજાર, યસ, રોકડા એક હજાર શિવલિંગ હોય અને એ પછી પણ જો ગુજરાત બહારના ભાવિકોએ પૂછવું પડે કે આવું બેજોડ મંદિર ક્યાં આવ્યું તો એ ભાવિકો કે શ્રદ્ધાળુઓની નહીં, રાજ્ય સરકારની કમનસીબી કહેવાય કે તે આવા અલૌકિક મંદિરને યોગ્ય પ્રસિદ્ધિ આપવામાં નિષ્ફળ રહી. ગુજરાત સરકારના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા આ મંદિરનો પ્રચાર શું કામ કરવામાં નથી આવ્યો એનો જવાબ કોઈની પાસે નથી. ખુદ ગુજરાત ટૂરિઝમના મિનિસ્ટર જયનારાયણ વ્યાસ કહે છે, ‘આના માટે કોઈ સ્પેસિફિક કારણ નથી, પણ મને લાગે છે કે ગુજરાત પાસે બીજાં અનેક મહત્વનાં સ્થળો અને મંદિરો પ્રચારયોગ્ય હશે એ કારણે સહસ્ર શિવમંદિર પર ધ્યાન આપવામાં નહીં આવ્યું હોય. જો શક્ય હશે તો આવતા શ્રાવણ મહિનામાં અમે આ મંદિરને ટૂરિઝમના પ્રોગ્રામમાં સામેલ કરીશું.’