અણ્ણા પોતાની ટીમની પુનર્રચના કરશે તો જ યુગકાર્ય કરી શકશે

24 October, 2011 02:37 PM IST  | 

અણ્ણા પોતાની ટીમની પુનર્રચના કરશે તો જ યુગકાર્ય કરી શકશે

 

(નો નૉન્સેન્સ - રમેશ ઓઝા)

વૈષ્ણવ મહારાજો પોતાનાં કુકર્મો વિશે જાહેર ચર્ચા તો કરી શકે નહીં, પરંતુ નર્મદનાં લખાણોમાંથી વિધવાવિવાહનો એક વિષય મળી ગયો જેના પર નર્મદ સાથે ચર્ચા કરી શકાય. જદુનાથજી મહારાજ જ્યારે વડોદરાથી મુંબઈ આવ્યા ત્યારે તેમણે નર્મદને બોલાવીને પુનર્વિવાહ વિશે ચર્ચા કરવાની ઇચ્છા પ્રગટ કરી.

નર્મદ મહારાજને મળવા ભાયખલા ગયો. મહારાજ જમાનાના ખાધેલ-ચતુર હતા. ચાતુર્માસનો પહેલો એક મહિનો તો મહારાજે નર્મદને ચકાસવામાં વિતાવ્યો. તે કેટલો ચતુર છે, કેટલો ભોળો છે, તેની બીજી શી મર્યાદા છે, તેની મુંબઈમાં કેટલી લોકપ્રિયતા છે, મોટા લોકોમાંથી કોણ તેની પાછળ છે, આ બધા સુધારાવાદીઓના આપસી સંબંધો કેવા છે વગેરે. મહારાજને એ પણ જાણવું હતું કે પોતાના અનુયાયીઓમાંથી કેટલા લોકો કવિ નર્મદની અનીતિ સામેની ઝુંબેશના પ્રભાવમાં આવ્યા છે અને કેટલા લોકો સુધારાવાદીઓ સાથે છે.

જુલાઈ મહિનાનો એક દિવસ પુનર્વિવાહ વિશે ચર્ચા કરવા માટે ઠરાવવામાં આવ્યો. નર્મદ મહારાજ સાથે ચર્ચા કરવા માત્ર એક મિત્રને સાથે લઈ ભાયખલા ગયો. ઉપસ્થિતોમાં તમામ લોકો મહારાજના અનુયાયીઓ હતા. વિધવાવિવાહ વિશે ચર્ચા શરૂ થઈ. ચર્ચા દરમ્યાન મહારાજે

વાત-વાતમાં નર્મદને પૂછ્યું ‘કવિ, તમે વેદશાસ્ત્રોને ઈશ્વરકૃત માનો છો કે નહીં?’

પત્યું. ચર્ચા આડે પાટે ચડી ગઈ, જ્યાં મહારાજ એને લઈ જવા માગતા હતા.

નર્મદે વેદ ઈશ્વરે રચેલા નથી એમ જ્યારે કહ્યું ત્યારે કપટી મહારાજને જે જોઈતું હતું એ મળી ગયું. હવે મહારાજે કંઈ કરવાપણું હતું નહીં. અનુયાયીઓએ મહારાજનો મોરચો સંભાળી લીધો.

નર્મદ તેની આત્મકથામાં નોંધે છે : એક પોખરણો બ્રાહ્મણ ઊભો થઈને બોલ્યો, ‘નર્કાસંકરનો ખે.’

નર્મદ ત્યાંથી કેવી રીતે જીવ બચાવીને નીકળ્યો એની વિગતો તેણે તેની આત્મકથા ‘મારી હકીકત’માં નોંધી છે.

આનું ધાર્યું પરિણામ આવ્યું. આનું પરિણામ સુધારાવાદીઓમાં ફાટફૂટનું આવ્યું. કેટલાક સુધારાવાદીઓએ નર્મદની ટીકા કરતાં કહ્યું કે તારે શાસ્ત્રો કોનાં બનાવેલાં છે એ ચર્ચા નહોતી કાઢવી જોઈતી. જીતેલી બાજી બગાડી નાખવાનો પણ નર્મદ પર આરોપ થયો હતો.

દોઢસો વર્ષ પછી આજે પણ ભારતમાં ઇતિહાસનું પુનરાવર્તન થતું રહે છે. એકવીસમી સદીમાં ટીમ અણ્ણામાં થઈ રહેલી ફાટફૂટને ૧૯મી સદીના આયનામાં તપાસી શકાય એમ છે.

તમારે કાશ્મીર વિશે બોલવાની શી જરૂર હતી? અણ્ણાએ તેમના એક સાથી પ્રશાંત ભૂષણને પૂછ્યું છે. તમારે હિસ્સારની પેટાચૂંટણીમાં કૉન્ગ્રેસનો વિરોધ કરવાની શી જરૂર હતી? ટીમ અણ્ણાના બીજા બે સાથી રાજેન્દ્ર સિંહ અને રાજગોપાલે અણ્ણાને પ્રશ્ન પૂછ્યો છે. તમારે દરેક પ્રશ્ને બોલવાની શી જરૂર છે? ટીમ અણ્ણાના હજી એક સાથી ન્યાયમૂર્તિ સંતોષ હેગડે પૂછે છે અને સલાહ આપે છે કે વધારે બોલવામાં માલ નથી. ટીમ અણ્ણામાં લોકશાહી નથી અને માત્ર અરવિંદ કેજરીવાલનું ચાલે છે એવો આક્ષેપ ટીમના એક સભ્ય પ્રો. દેસરડાએ કર્યો છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શનનો એક જ એજન્ડા છે : જનલોકપાલ બિલ. બાકીની બાબતો વિશે ટીમ અણ્ણાના સભ્યોમાં અલગ-અલગ મત હોઈ શકે છે એમ કિરણ બેદી કહે છે. ઇન્ડિયા અગેઇન્સ્ટ કરપ્શન વ્યાપક એજન્ડા ધરાવે છે એમ અણ્ણા હઝારે કહે છે. રામલીલા મેદાનમાં વિજયાદશમી ઊજવાઈ એના બે મહિના પણ નથી થયા ત્યાં ટીમ અણ્ણાના આ હાલ છે.

અત્યંત સંકુલ અને જટિલ સમાજ

ભારતની સમાજરચનાની આ તાસીર છે. ભારતીય સમાજ અત્યંત સંકુલ અને જટિલ છે. ભલભલા ભારતીય સમાજકારણના આટાપાટામાં ફસાઈ જાય છે. આપસી સમજૂતી સાથે તમે બે ડગલાં ચાલો ત્યાં ત્રીજા ડગલે મતભેદો સર્જાવાના. સ્થાપિત હિતોને સપાટી તળે રહેલા મતભેદોને વાપરતાં આવડે છે. અંગ્રેજો આ તરકીબ અજમાવતા હતા. મુસલમાન નેતા અને હિન્દુ નેતા નજીક આવે એટલે અંગ્રેજો અલગ મતદારક્ષેત્રોનો પ્રશ્ન ઉઠાવે અને બન્ને નેતા હતા ત્યાં પાછા આવી જાય. નેતાઓ જો સમજદાર હોય અને ઉદારતા દાખવે તો બંગાળ અને પંજાબના હિન્દુ અને મુસ્લિમ નેતાઓ તેમને જંપવા ન દે. બંગાળ અને પંજાબમાં હિન્દુ-મુસ્લિમ વસ્તીનું પ્રમાણ અનુક્રમે લગભગ ૪૫ ટકા અને ૫૫ ટકાનું હતું. સ્થાનિક પ્રાંતીય નેતાઓને પોતાના પ્રાંતમાં સ્થાન ટકાવવાનું હોય ત્યાં રાષ્ટ્રીય હિતનો ક્યાં વિચાર કરે. જો લોકમાન્ય ટિળક અને ઍની બેસન્ટ સાથે આવે તો અંગ્રેજો કન્યાની લગ્નવયનો પ્રશ્ન ઉઠાવે. હિન્દુ કન્યા પુખ્ત વયની થાય પછી જ લગ્ન થવાં જોઈએ એમ ઍની બેસન્ટ કહેશે એટલે તરત લોકમાન્ય ટિળક તેની વિરુદ્ધ અભિપ્રાય આપશે. ભારતીય સમાજની સંકુલતાને સમજવા માટે અહીં માત્ર બે જ ઉદાહરણ આપ્યાં છે. રાજા રામમોહન રૉયથી લઈને આજ સુધીનો ઇતિહાસ તપાસીએ તો આવાં સેંકડો ઉદાહરણો જડી આવશે.

ગતિશીલતા આવે છે ક્યાંથી?

તો પછી કરવું શું? આ ટૉલ્સ્ટૉયી પ્રશ્ન દરેકને મૂંઝવે છે. જે લોકો દેશને બદલી નાખવાનાં સપનાંઓ જુએ છે તેમને આ પ્રશ્ન મૂંઝવે છે. જે લોકો વિકલ્પની તલાશ કરે છે તેમને આ પ્રશ્ન મૂંઝવે છે. જે લોકો સંકુચિતતાથી ઉપર ઊઠવા માગે છે તેમને આ પ્રશ્ન મૂંઝવે છે. જે લોકો પ્રારંભમાં સંકુચિત રાજકારણ કરીને પછી વ્યાપક સ્વીકૃતિ મેળવવાની ઝંખના ધરાવે છે તેમને પણ આ પ્રશ્ન મૂંઝવે છે. સમાજની વચ્ચે રહીને સમાજ માટે કામ કરનારાઓને જ માત્ર આ પ્રશ્ન નથી મૂંઝવતો, સમાજશાસ્ત્રીઓને પણ આ પ્રશ્ન મૂંઝવે છે. માટે જ આખું વિશ્વ ભારત પ્રત્યે અભિભૂત છે. ચારેય બાજુથી જકડાયેલો માણસ ચાલી જ કેમ શકે? અને છતાંય વાસ્તવિકતા એ છે કે ભારતીય સમાજ ગતિશીલ છે, પણ તો પછી આ ગતિશીલતા આવે છે ક્યાંથી?

ટીમ અણ્ણાનું ગજું નથી

ભારતમાં સમાજપરિવર્તનનાં સપનાં જોનારાઓએ ભારતીય સમાજમાં રહેલી આ સંકુલતા અને ગતિશીલતાને સમજવી પડશે. દુર્ભાગ્યે અણ્ણા હઝારે અને ટીમ અણ્ણાનું આ ગજું નથી. અણ્ણાનું આંદોલન પુરજોશમાં હતું ત્યારે મેં આ કૉલમમાં અણ્ણાની ટીકા કરી હતી. કારણ સ્પષ્ટ છે. સિંગલ એજન્ડા દ્વારા સમાજપરિવર્તન ન થાય અને વ્યાપક એજન્ડાને હૅન્ડલ કરવાની અણ્ણાની ક્ષમતા નથી. અણ્ણા હઝારે ભારતીય સમાજમાં રહેલી સંકુલતા અને ગતિશીલતા સમજતા નથી. તેમનું ત્રણ દાયકાનું સાર્વજનિક જીવન આનો પુરાવો આપે છે.

રાજકારણી બેસ્ટ જજ

ભારતીય સમાજમાં રહેલી સંકુલતા અને ગતિશીલતાને જો કોઈ સૌથી વધુ જાણતા હોય તો તે છે રાજકારણી. દિવસ-રાત તે લોકોની વચ્ચે રહે છે. તેમને રાષ્ટ્રની, પોતાના પ્રાંતની અને પોતાના પ્રાંતના દરેક મતદારક્ષેત્રની સંકુલતાની જાણ હોય છે. ત્યાં સુધી કે ગ્રામપંચાયતથી લઈને લોકસભાની ચૂંટણી વખતે એક જ ક્ષેત્રની તાસીર અલગ-અલગ ચૂંટણી વખતે કઈ રીતે બદલાતી રહે છે એની પણ તેમને જાણ હોય છે. રાજકારણીઓ માટે આપણા મનમાં ગમે એટલી નફરત હોય, પણ તે પોતાની કારકર્દિી અને ક્યારેક તો પોતાની જિંદગી દાવ પર લગાડતા હોય છે એ ન ભૂલવું જોઈએ.

રાજકારણીઓને કોઈ ન પહોંચે

ભારતીય સમાજની સંકુલતાને દરેક રાજકારણી અને રાજકીય પક્ષ પોતાની રીતે હૅન્ડલ કરે છે. જેવી જેની મહત્વાકાંક્ષા અને જેવું જેનું ગજું. ભારતમાં કરિયાણાનો પાર નથી. પોતાના ગામ કે પોતાની પેટાજ્ઞાતિથી લઈને રાષ્ટ્રીય સ્તરે રાજકારણ શક્ય છે. રાજકારણનો નાનો બાંકડો કાઢો તો પણ ચાલે અને સુપરમાર્કેટ પણ ચાલે. મૂળ મુદ્દો એ છે કે રાજકારણી જે કરે છે એ પૂરી ગંભીરતાથી કરે છે, કારણ કે એમાં તેમનો અંગત સ્વાર્થ છે. કાગડો પોતાનાં ઈંડાં ઊછરે નહીં ત્યાં સુધી જેમ કોઈને માળાની નજીક ફરકવા દેતો નથી એમ રાજકારણી પણ પોતાના માળાને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે. અણ્ણા હઝારે અને તેમના સાથીઓ નૈતિકતાના નામે રાજકારણીઓને પડકારે ત્યારે તેમને કાશ્મીરનો પ્રશ્ન ઉઠાવીને કેમ કૂંડાળામાં ફસાવવા એ તેમને આવડે છે. અણ્ણા હઝારેના આંદોલનને જ્યારે અણધારી સફળતા મળી ત્યારે સમય વર્તીને દરેક રાજકીય પક્ષના નેતાઓએ અણ્ણાને લોકસભામાં બબ્બે હાથે સલામ ઠોકી હતી. ગણતરી સાફ હતી. મામલો ઠંડો પડવા દો, પછી જોઈ લઈશું.

પરમાર્થનું રાજકારણ શક્ય છે?

તો પછી એનો અર્થ એમ સમજવો કે પીંઢારા રાજકારણીઓના અંગત સ્વાર્થ અને ભ્રષ્ટ આચારથી મુક્ત થવાનો કોઈ માર્ગ જ નથી? સાવ એવું નથી. સંકુલ સમાજમાં રાજકારણ કરવું એ જ મૂળે અઘરું છે. જો અંગત સ્વાર્થનું રાજકારણ કરો તો એ આગળ કહ્યું તેમ પ્રમાણમાં સરળ છે અને સંકુલ સમાજમાં જો પરમાર્થનું રાજકારણ કરવું હોય તો એ અતિવિકટ છે. ગાંધીજીએ પોતે અને ગાંધીજીની પ્રેરણાથી બીજા અનેક લોકોએ પરમાર્થનું રાજકારણ સફળતાપૂર્વક કરી બતાવ્યું છે. વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણથી લઈને મેધા પાટકર સુધીના અનેક લોકોએ એ કરી બતાવ્યું છે.

એના માટે શું જોઈએ?

પરંતુ એની કેટલીક શરતો છે. પરમાર્થનું રાજકારણ કરનાર પ્રેરણામૂર્તિ પાસે વિચાર, વાણી, ચારિત્ર્ય, ત્યાગ, ધ્યેય માટે સમર્પણ, લોકસંપર્ક, સંગઠનશક્તિ અને પ્રવાહથી વિરુદ્ધ તરવાની આવડત હોવી જોઈએ. આ બધા ગુણ એકસાથે એક વ્યક્તિમાં હોવા જોઈએ. એક વિચાર લઈને આવે, બીજા પાસે ચારિત્ર્ય હોય, ત્રીજો વાક્ચાતુર્ય ધરાવતો હોય, ચોથો લોકસંપર્ક ધરાવતો હોય અને આ બધાની ટેકણલાકડી તરીકે ટીઆરપી માટે મારામારી કરનારાં મિડિયા હોય તો પરમાર્થનું રાષ્ટ્રીય રાજકારણ ન થઈ શકે. જગતમાં કોઈ પરિવર્તન આ રીતે થયું નથી. પરમાર્થના રાજકારણની ક્યાં વાત કરો છો, એક દુકાન પણ આ રીતે ન ચાલી શકે. અણ્ણા હઝારે ચારિત્ર્યવાન છે, ત્યાગી છે, તેમણે પોતાના ગામને આદર્શ ગામ બનાવ્યું છે, તેઓ ભ્રષ્ટાચાર સામે તીવ્ર અણગમો ધરાવે છે અને જીવનમાં અનેક વાર ભ્રષ્ટાચારીઓ સામે ઉપવાસ કર્યા છે; પરંતુ પરમાર્થનું રાજકારણ કરનારા પ્રેરણામૂર્તિ પાસે બીજા જે ગુણ આગળ કહ્યા એનો તેમનામાં અભાવ છે. જો એ ગુણ તેમનામાં હોત તો ટીમ અણ્ણાનું સ્વરૂપ જુદું હોત. ટીમ ગાંધી, ટીમ વિનોબા કે ટીમ જયપ્રકાશ સાથે ટીમ અણ્ણાને સરખાવી જુઓ.

અણ્ણાએ હવે શું કરવું?

તમે એક વાત નોંધી? ટીમ અણ્ણામાંથી એ લોકો ખસી રહ્યા છે જે દાયકાઓથી લોકોની વચ્ચે રહીને લોકોના કલ્યાણ માટે સંઘર્ષ કરી રહ્યા છે. સ્વામી અગ્નિવેશ, રાજેન્દ્ર સિંહ અને રાજગોપાલ અલગ થઈ ગયા છે અને મેધા પાટકર કેટલા દિવસ ટકશે એની ખાતરી નથી. અણ્ણા આંતરિક વિરોધાભાસને સંભાળી શકતા નથી માટે તેમણે મૌન લઈ લીધું છે.

જે લોકોને અણ્ણાનો ખપ છે તે ધૂર્ત છે. ભૂષણ પિતા-પુત્રે જનહિત યાચિકા દ્વારા ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. એ પ્રસિદ્ધિના કારણે તેમનો વકીલાતનો ધંધો ધમધોકાર ચાલે છે. તેઓ પાસે અઢળક સંપત્તિ છે, જાહોજલાલીથી માણે છે અને જે સત્તાધારીઓને તેઓ ભાંડે છે તેમની પાસેથી પ્લૉટ પણ મેળવે છે.

કિરણ બેદીની ગેરરીતિ ‘ઇન્ડિયન એક્સપ્રેસે’ ઉઘાડી પાડી છે. કિરણ બેદી જ્યારે પોલીસસેવામાં હતાં ત્યારે તેમને ગૅલૅન્ટ્રી મૅડલ મળ્યો હતો. ગૅલૅન્ટ્રી અવૉર્ડ તરીકે તેમને ઇન્ડિયન ઍરલાઇન્સનાં વિમાનોના ભાડામાં ૭૫ ટકા ડિસ્કાઉન્ટ મળે છે. કિરણ બેદી આ સવલતનો લાભ લે છે, પરંતુ તેઓ જ્યારે પ્રામાણિકતાનો પ્રચાર કરવા બહારગામ જાય છે ત્યારે યજમાન સંસ્થા પાસેથી પૂરું ભાડું વસૂલે છે. આવા ૧૨ પ્રવાસોની વિગતો એક્સપ્રેસે બહાર પાડી છે. કિરણ બેદી પોતાનો બચાવ કરતાં કહે છે કે તેઓ બચેલા પૈસા પોતાની બિનસરકારી સંસ્થામાં જમા કરાવે છે, જે લોકકલ્યાણ માટે વપરાય છે. તેમની વાત સાચી હશે, પરંતુ ભ્રષ્ટ રાજકારણીઓ પણ આ જ દલીલ કરે છે. તેઓ ભ્રષ્ટાચારની આવક પોતાનાં ટ્રસ્ટોમાં જમા કરાવે છે અને તેને લોકકલ્યાણ માટે ખર્ચતા હોવાનો દાવો કરે છે.

મૌન અને આત્મનિરીક્ષણના અંતે અણ્ણા હઝારે જો ટીમ અણ્ણાની પુનર્રચના કરી શકશે તો તેઓ યુગકાર્ય કરી શકશે, અન્યથા નહીં.

* * *

માયાવતીએ નિર્લ્લજતાની બાબતમાં જયલલિતાને પાછળ ધકેલી દીધાં છે

દલિતોના ખરેખરા ઉદ્ધાર માટે વાપરવાને બદલે કરોડો રૂપિયા કહેવાતા દલિત સશક્તીકરણ પાછળ ઉડાવી રહ્યાં છે

ઉત્તર પ્રદેશનાં મુખ્ય પ્રધાન માયાવતીની આજકાલ ચોમેર ટીકા થઈ રહી છે. તેમની તુમાખી, સરમુખત્યારશાહી અને ભ્રષ્ટાચારની ટીકા તો વર્ષોથી થઈ રહી છે; પરંતુ એનાથી તેમને કોઈ ફરક પડતો નથી. નર્લિજ્જતાની બાબતમાં તેમણે જયલલિતાને પાછળ ધકેલી દીધાં છે. આજકાલ તેમની જે ટીકા થઈ રહી છે એનું કારણ દિલ્હી નજીક નોઇડામાં બંધાવેલો આંબેડકર પાર્ક છે. દલિત પ્રેરણા સ્થળ તરીકે ઓળખાવવામાં આવનારા આ પાર્ક પાછળ ૬૭૫ કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. માયાવતી દાવો કરે છે કે આ રકમ તેમના પક્ષે એકઠી કરી છે. આ વાત ખોટી છે. ઉત્તર પ્રદેશમાં ઠેકઠેકાણે દલિત પ્રેરણા સ્થળ ઊભાં કરવા માટે રાજ્ય સરકારે ૩૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આટલાં નાણાં માયાવતીએ દલિતોના ઉદ્ધાર માટે ખર્ચવાં જોઈતાં હતાં. જે રાજ્યમાં ૩૮ ટકા દલિતોએ સ્કૂલમાં પગ મૂક્યો નથી અને જે રાજ્યમાં ૭૦ ટકા દલિત વિદ્યાર્થીઓ પૈસાના અભાવે ભણવાનું અધવચ્ચેથી છોડી દે છે એ રાજ્યના દલિતોને આંબેડકર પાર્કની નહીં, પ્રત્યક્ષ વિકાસની જરૂર છે. ઓછામાં પૂરું માયાવતીએ મહાત્મા ફુલે, ડૉ. આંબેડકર, શાહુ મહારાજ, માન્યવર કાંશીરામની સાથે પોતાનું પૂતળું પણ મુકાવ્યું છે.

જેમ કૉન્ગ્રેસ ગાંધીજીથી દૂર છે, સમાજવાદીઓ ડૉ. લોહિયા અને જયપ્રકાશથી દૂર છે એમ માયાવતી ફુલે અને આંબેડકરથી દૂર છે. દલિત સશક્તીકરણ (દલિત એમ્પાવરમેન્ટ)ના માત્ર એક મુદ્દે માયાવતી ફુલે અને આંબેડકર પાસેથી પ્રેરણા મેળવે છે. આ મહાન નેતાઓના આ સિવાયના બીજા ગુણોનો માયાવતીને ખપ નથી. મહાત્મા ફુલેએ દલિત સહિત બહુજન સમાજની કન્યાઓ માટે પોતાના મકાનમાં પોતાના ખર્ચે સ્કૂલ શરૂ કરી હતી. ડૉ. આંબેડકરે અનેક શિક્ષણસંસ્થાઓ સ્થાપી હતી. ડૉ. આંબેડકરે તો દલિતોને એક મંત્ર જ આપી દીધો હતો : શિક્ષણ મેળવો, સંગઠિત થાઓ અને અન્યાય સામે સંઘર્ષ કરો. આઝાદી પહેલાં દરેક વિચારધારાના પ્રવર્તકો રાજકારણ સાથે રચનાત્મક કામ પણ કરતા હતા. આઝાદી પછી જે તે વિચારધારાના અનુયાયીઓએ રચનાત્મક કામ કરવા કરતાં સત્તાના રાજકારણમાં વધુ રસ લીધો છે. હવે તો તેમણે શિક્ષણને ધંધો બનાવી દીધો છે.

પૂતળાબાજીમાં બધા એક જેવા, પણ ઘણા હીરો વિસરાયા માયાવતી પૂતળાનું રાજકારણ કરે છે, પણ આવા રાજકારણને જોવાનો એક બીજો દૃષ્ટિકોણ પણ છે જેમાં આપણી તટસ્થતાની કસોટી થાય છે. કૉન્ગ્રેસનો જ્યારે યુગ હતો ત્યારે ઠેકઠેકાણે નેહરુ અને નેહરુ-ગાંધી પરિવારનાં પૂતળાં અને સ્મારકો ઊભાં કરવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં ઠેકઠેકાણે છત્રપતિ શિવાજી મહારાજનાં અને લોકમાન્ય ટિળકનાં પૂતળાં ઊભાં કરવામાં આવી રહ્યાં છે. મુંબઈમાં સમુદ્રમાં શિવાજી મહારાજનું વિરાટ કદનું પૂતળું ઊભું કરવાની યોજના છે. બીજેપી સત્તામાં આવ્યા પછી અનેક જગ્યાએ શ્યામાપ્રસાદ મુખરજીના અને સરદાર પટેલનાં પૂતળાં ઊભાં કરવામાં આવી રહ્યાં છે. ભારતમાં દરેક સમાજના પોતપોતાના હીરો છે અને દરેકની પોતીકી અસ્મિતા છે. સત્તામાં આવ્યા પછી પોતાના હીરોને અમર કરવાની ચેષ્ટા સ્વાભાવિક છે. આપણે આપણા સમાજની પૂતળાબાજીને ઉદારતાથી જોઈએ અને દલિતોની પૂતળાબાજીનો દ્વેષ કરીએ એ બરાબર નથી. ભારતના ઉત્થાનમાં મહાત્મા ફુલે અને ડૉ. આંબેડકરનું યોગદાન એટલું જ મહત્વનું છે જેટલું ગાંધી અને નેહરુનું છે.

અહીં હજી એક મુદ્દો ઉપસ્થિત થાય છે. આપણા વિસરાયેલા હીરોનું શું? દાખલા તરીકે મહારાષ્ટ્રમાં ગોપાલકૃષ્ણ ગોખલેનું સ્મારક કે પૂતળું ભાગ્યે જ જોવા મળશે. ગુજરાતમાં રવિશંકર મહારાજને કોઈ યાદ કરતું નથી. આવી સ્થિતિ દરેક રાજ્યમાં છે. જે તે કોમવિશેષના હીરોનાં સ્મારકોનો અતિરેક થાય અને જેમણે કોમથી ઉપર ઊઠીને રાષ્ટ્રીય રાજકારણ કર્યું હોય તેમની ઉપેક્ષા થાય એ બરાબર નથી.