સ્વિટ્ઝરલૅન્ડ ધરતી પરનું સ્વર્ગ કે પછી સ્વર્ગ પરની ધરતી?

08 December, 2019 01:52 PM IST  |  Mumbai | Darshini Vashi

સ્વિટ્ઝરલૅન્ડ ધરતી પરનું સ્વર્ગ કે પછી સ્વર્ગ પરની ધરતી?

હવામાં ઊડતી હોય તેવી આ ટ્રેનમાં બેસવાની મજા કંઈક ઓર છે.

બરફની ચાદરોની વચ્ચે પથરાયેલું સ્વિટ્ઝરલૅન્ડ અસંખ્ય ઝરણાં, ફાઉન્ટન, ગ્લૅસિયર અને હરિયાળીથી સજ્જ છે જે એનો એક્સ-ફૅક્ટર પણ છે. કાળાં નાણાં, ચૉકલેટ, ઘડિયાળ અને સ્વિસ ગાય માટે પ્રખ્યાત સ્વિટ્ઝરલૅન્ડ ટૂરિસ્ટો માટે ફોરેવર ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે.

સ્વિટ્ઝરલૅન્ડ માટે એવું કહેવામાં આવે છે કે જો હકીકતમાં કશે સ્વર્ગ હશે તો એ સ્વિટ્ઝરલૅન્ડ જેવું જ હશે. જો કોઈને આજે પૂછવામાં આવે કે વિશ્વમાં સૌથી સુંદર જગ્યા કઈ છે અથવા જો તમારે એક વખત ઇન્ટરનૅશનલ ટૂર કરવી હોય તો તમે ક્યાં જવાનું પસંદ કરશો તો એનો જવાબ સ્વિટ્ઝરલૅન્ડ આવે છે. અહીં નથી કોઈ હાઇફાઇ શૉપિંગ ડેસ્ટિનેશન કે નથી કોઈ અજાયબી કે નથી કોઈ ઐતિહાસિક ધરોહર તેમ છતાં માત્ર ને માત્ર કુદરતી સુંદરતાથી લખલૂટ અને પરીકથામાં આવતા દેશ જેવો લાગતો સ્વિટ્ઝરલૅન્ડ આજની તારીખમાં પણ ટૂરિસ્ટોનો ફર્સ્ટ લવ છે. તો ચાલો જાણીએ પોતાની ખૂબસૂરતીથી કરોડો લોકોનાં દિલ જીતનારા આ પરીના દેશ વિશે થોડી વધુ માહિતી.

સ્વિટ્ઝરલૅન્ડ યુરોપમાં આવેલો દેશ છે. આલ્પ્સના બર્ફીલા પહાડોની વચ્ચે આવેલો સ્વિટ્ઝરલૅન્ડ એનાં એકથી એક પ્રાકૃતિક રીતે સુંદર અને નયનરમ્ય સ્થળોને લીધે જાણીતો છે. બર્ફીલા પહાડોની વચ્ચે આવેલી અસંખ્ય ઝરણાં, હરિયાળીથી ફાટ-ફાટ થતાં અહીંનાં મેદાનો, જાતજાતનાં ફૂલોથી મહેકતાં અહીંનાં સ્થળો, શાંત અને ચોખ્ખા ઝીલના પાણીના કિનારે વસેલાં નાનકડાં ઘરો તેમ જ આહલાદક મોસમ અહીંનો ‘એક્સ-ફૅક્ટર’ છે. સ્વિટ્ઝરલૅન્ડને ફેમસ કરવા માટે ભારતીય ફિલ્મોનો ફાળો પણ અનેરો છે એમ કહીએ તો કંઈ ખોટું નથી. અનેક ફિલ્મોમાં જોવા મળતી સ્વિટ્ઝરલૅન્ડની વાદીઓએ લાખો ભારતીય ટૂરિસ્ટોને અહીં ખેંચ્યા છે. આવા ગમતીલા દેશને ચોથી સદીમાં શોધી કાઢવામાં આવ્યો હતો. એ સમયે આ દેશ રોમન સામ્રાજ્ય હેઠળ આવતો હતો. જોકે રોમન સામ્રાજ્યના પતન બાદ સ્વિટ્ઝરલૅન્ડ ફ્રાન્સ હેઠળ આવ્યો હતો. પરંતુ ફ્રાન્સ શાસન પણ લાંબું ન ચાલ્યું અને છેવટે સ્વિટ્ઝરલૅન્ડ સ્વતંત્ર દેશ તરીકે સ્થાપિત થયો હતો. આજે સ્વિટ્ઝરલૅન્ડની રાજધાની બર્ન છે જે એનું એક પ્રમુખ શહેર પણ છે. અહીંનું ચલણ સ્વિસ ફ્રૅન્ક છે. અહીંના લોકો મુખ્યત્વે ચાર ભાષા પર સારું પ્રભુત્વ ધરાવે છે. ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન અને અંગ્રેજી. અહીંની ચૉકલેટ અને ઘડિયાળ વિશ્વપ્રસિદ્ધ છે. અહીં ફરવા જેવાં સ્થળોમાં ઝ્યુરિક, જિનીવા, લ્યુસર્ન, બેસલ, લુસાને, જર્મેટ, લુગાનો, સ્વિસ નૅશનલ પાર્ક, બર્ન, ધ રાઇન ફૉલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

ઝ્યુરિક

સ્વિટ્ઝરલૅન્ડનાં સૌથી રમણીય અને બેસ્ટ શહેરોમાં ઝ્યુરિકનું નામ મોખરે છે જે દેશના ઉત્તર-મધ્ય ભાગમાં સ્થિત છે. આ શહેર ઇન્ટરનૅશનલ બૅન્કિંગ તેમ જ નાણાકીય વિભાગ માટે જાણીતું છે. અહીં દિવસ દરમિયાન જોવા માટે ખૂબ જ સુંદર ચર્ચ, મ્યુઝિયમ, થિયેટર, પાર્ક તેમ જ ઝીલ આવેલાં છે. ત્યારે રાતના સમયે અહીં આવેલી નાઇટક્લબો ટૂરિસ્ટોને મનોરંજન પૂરું પાડે છે. અગાઉ ઝ્યુરિક ગોલ્ડ ટ્રેડિંગ માટે મુખ્ય મથક ગણાતું હતું, પરંતુ હવે બધું ઑનલાઇન થઈ ગયું છે. અહીં ઝ્યુરિક લેક આવેલું છે જ્યાંથી યુરોપનો સૌથી મોટો વૉટરફૉલ ધ રાઇન ફૉલ્સ જોઈ શકાય છે.

જિનીવા

જિનીવાની ગણતરી સ્વિટ્ઝરલૅન્ડના સૌથી શાંત શહેરમાં થાય છે. સાથે એ બીજા નંબરનું મુખ્ય શહેર પણ છે. એનું એક કારણ અહીં આવેલું સંયુક્ત રાષ્ટ્રસંઘનું મુખ્યાલય પણ છે. સ્વિટ્ઝરલૅન્ડ ચૉકલેટ અને ઘડિયાળ માટે વિશ્વભરમાં જાણીતું છે તો એનું શ્રેય જિનીવાના ફાળે જાય છે. આ બન્ને વસ્તુ અહીં સૌથી વધુ બનાવવામાં આવે છે. પ્રખ્યાત મોટર શોનું આયોજન જિનીવામાં થાય છે જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. જિનીવામાં ફરવા માટે પણ ઘણાં સ્થળો છે જેમાંનું એક લેવોટ્રિકલા મ્યુઝિયમ છે. આ સિવાય જિનીવા લેક, ઑપેરા હાઉસ અને ઑર્કેસ્ટ્રા બકાઈ માણવા જેવાં છે. જિનીવામાં આવેલી ઝીલની બીજી તરફ આવેલું માટ્રેક્સ શહેર પણ ખૂબસૂરતીનો ખજાનો છે.

લ્યુસર્ન

સ્વિટ્ઝરલૅન્ડની ચોથી મોટી ઝીલ તરીકે ઓળખાતી નીલમ ઝીલની ઉત્તર બાજુએ લ્યુસર્ન શહેર આવેલું છે. ઝીલના કિનારે વસેલું હોવાથી એની સુંદરતા પણ અદ્ભુત છે. લ્યુસર્ન આમ તો નાનકડું છે, પણ એને નાનો પણ રાઈનો દાણો કહીને અવગણવા જેવું પણ નથી. કહેવાય છે કે આ શહેર મન્ક અને પાદરીઓએ વસાવ્યું હતું. અહીં સાત વિભિન્ન આકારની ઝીલ આવેલી છે. અહીં લાયન મૉન્યુમેન્ટ પણ બનાવેલું છે જે ફ્રેન્ચ રેવલ્યુશનમાં શહીદ થનારા સૈનિકોના માનમાં બનાવવામાં આવેલું છે જે જોવા જેવું છે. શહેરમાં ઘણા જૂના બ્રિજ આવેલા છે જે પ્રવાસીઓને ગમશે. અહીં બીએમડબલ્યુ કારની ફૅક્ટરી પણ છે. ગીત-સંગીતના શોખીનો માટે અહીં મજા જ મજા છે. અહીંનું લ્યુસર્ન સંગીત ખૂબ જ મધુર છે.

બેસલ

રાઇન નદીના કિનારે વસેલું બેસલ પ્રકૃતિપ્રેમીઓના માટે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે. આ શહેરમાં ઠેર ઠેર પ્રકૃતિનો સુંદર નજારો જોવા મળે છે. બેસલના ખૂણે-ખૂણે સૌંદર્ય વસેલું છે. ચેરીનાં વૃક્ષો, પ્રાચીન બાંધકામ શૈલીની ઇમારતો, ઝીલની બન્ને બાજુએ વસેલાં રમકડાં જેવાં ઘરો અને સ્વચ્છ વાતાવરણ એની સુંદરતામાં ઉમેરો કરે છે જેની સુંદરતાની વ્યાખ્યા અહીં આવીને જ સમજી શકાય છે. બેસલમાં સૌથી અધિક સંખ્યામાં મ્યુઝિયમ આવેલાં છે. આ ઉપરાંત અહીં અનેક બુટિક અને જૂની દુકાનો પણ આવેલી છે.

લુસાને

લુસાને એ સ્વિટ્ઝરલૅન્ડની દ્રાક્ષની રાજધાની ગણાય છે. અહીં દ્રાક્ષના પુષ્કળ બગીચા આવેલા છે. દ્રાક્ષ ઉપરાંત અહીં રમતગમત પણ એટલી જ પ્રસિદ્ધ છે. દર વર્ષે અહીં ફૂટબોલ અને હૉકીનું આયોજન કરવામાં આવે છે. આ શહેર સાંસ્કૃતિક અને કલાપ્રેમીઓને પણ નિરાશ કરતું નથી. અહીંની પ્રાચીન ઇમારતો અને મ્યુઝિયમ અહીંના નવલાં નજરાણાં સમાન છે.

જર્મેટ

સ્વિટ્ઝરલૅન્ડનું એક-એક સ્થળ તેની અસીમ આકર્ષણની સાક્ષી પુરાવતું હોય એવું જણાય છે, જેનું વધુ એક ઉદાહરણ છે જર્મેટ. જર્મેટ શહેરની મુખ્ય વિશેષતા એ છે કે અહીં ટ્રાન્સપોર્ટેશન માટે માત્ર ઇલેક્ટ્રિકલ અને સૌર ઊર્જાથી ચાલતી બસો જ ઉપલબ્ધ છે. આ સિવાય અહીં કોઈ વાહનો ઉપલબ્ધ નથી. આ શહેરનું બીજું આકર્ષણ છે એનું સ્થળ જે આલ્પ્સ પર્વતમાળાની સૌથી ઊંચી ચોટી પર આવેલી મેટરહાર્નની નજીક આવેલું છે. મેટરહાર્ન ખૂબ જ સુંદર શિખર છે જેનો પિરામિડ આકાર તેને ફેમસ બનાવે છે. ઘણા બાઇકિંગ અને ટ્રેકિંગ કરવા માટે પણ આવતાં હોય છે, પરંતુ જો તમે અહીંના સૌંદર્યનો ખરો આનંદ લેવા માગતા હોવ તો અહીં બસના બદલે પગપાળા ફરવું જે એક રોમાંચક સફર બની રહેશે. જર્મેટ ખાવા-પીવાનાં અને શોપિંગના રસિકો માટે મજાનું બની રહે એમ છે.

મેટરહાર્ન ખૂબ જ સુંદર શિખર છે જેનો પિરામિડ આકાર તેને ફેમસ બનાવે છે. ઘણા બાઇકિંગ અને ટ્રૅકિંગ કરવા માટે પણ આવતા હોય છે. જેની તળેટીમાં વસેલું ગામ તેને વધુ સુંદર બનાવે છે. 

લુગાનો

સ્વિટ્ઝરલૅન્ડની દક્ષિણમાં ઇટલીની સીમા પર લુગાનો આવેલું છે. આ શહેર ફેમસ બનવા પાછળનું કારણ અહીં આવેલી ઝીલ છે, જોકે અહીં અનેકો ઝીલ આવેલી છે છતાં અહીંની ઝીલનું આકર્ષણ અલગ છે જેનું કારણ અહીં આવેલી ઝીલ જાણે બે પહાડોની વચ્ચેથી રસ્તો બનાવીને આગળ વધતી હોય એવો તેનો નજારો છે. ઝીલની એક તરફ ઇટલી છે તો બીજી તરફ સ્વિટ્ઝરલૅન્ડ છે. ઝીલ ઉપરાંત આ શહેર સ્વિસ બૅન્કના લીધે પણ જાણીતું છે. અહીં તાપમાન સૌથી નીચું રહે છે એટલે તે સ્વિટ્ઝરલૅન્ડનું સૌથી ઠંડું સ્થળ પણ ગણાય છે. એપ્રિલ-મે દરમ્યાન અહીં લુગાનો કાર્યક્રમ પણ થાય છે જેને માણવા જેવો છે.

બર્ન

સ્વિટ્ઝરલૅન્ડની રાજધાની બર્ન સૌથી વધુ વસ્તી ધરાવતું દેશનું બીજું શહેર છે. આ શહેર ભલે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર નથી પરંતુ તેને પ્રાચીન શહેર તરીકે જોઈ શકાય છે. જૂની ઇમારતો, હોટેલ્સ, નાઈટ કલબ વિગેરે અહીં મોટી સંખ્યામાં છે.

ગ્લૅસિયર ગ્રોટો

ગ્લૅસિયર ગ્રોટો એ બરફમાં બનેલી સુંદર ગુફાઓ છે. જેની દીવાલ પર લગભગ ૯૦૦૦ જેટલા લૅમ્પ લગાડવામાં આવેલા છે. અહીં એક વૉલ ઑફ ફ્રેમ પણ છે જ્યાં અહીં આવનાર પ્રસિદ્ધ હસ્તીઓના ફોટોને મૂકવામાં આવેલા છે જેમાં કેટલીક ભારતીય હસ્તીઓનો પણ સમાવેશ થાય છે.

ધ રાઇન ફૉલ્સ

યુરોપનો જો કોઈ સૌથી મોટો ફૉલ્સ હોય તો તે ધ રાઇન ફૉલ્સ છે. જે સ્વિટ્ઝરલૅન્ડમાં આવેલો છે. સ્વિટ્ઝરલૅન્ડના અનેક સ્થળેથી આ ફૉલ્સની ભવ્યતા જોઈ શકાય છે. એવું કહેવામાં છે કે આ ફૉલ્સમાં બરફનું પાણી ભળે છે જેને લીધે તે સુકાતો નથી અને અવિરત ચાલુ જ રહે છે. આ ફૉલ્સમાં ઉપરથી નીચે પડતાં પાણીનો અવાજ કેટકેટલાય ફુટ દૂરથી પણ સાંભળી શકાય છે. પાણી પણ કેવું ચોખ્ખું અને પારદર્શક. પાણીની અંદર તરતી નાની-નાની માછલીઓ પણ તેમાં જોઈ શકાય છે.

માઉન્ટ ટીટલીસ

સમુદ્રની સપાટીએથી ૪૦૦૦ મીટરની ઊંચાઈ પર આવેલું માઉન્ટ ટીટલીસ એક શિખર છે. પ્રકૃતિ અને ટેક્નૉલૉજીની જુગલબંધી અહીં જોવા મળે છે. શિખર ઉપર જવા કૅબલ કારની વ્યવસ્થા છે. આટલી સુંદર અને આધુનિક વ્યવસ્થા કદાચ માત્ર સ્વિટ્ઝરલૅન્ડમાં હશે એવો સહજપણે વિચાર આવી જાય છે. કૅબલ કારમાંથી પસાર થતી વખતે નીચેથી પસાર થતી સ્વિસ ગાય અને તેના ગળામાં બાંધેલી ઘંટીનો અવાજ, એક તરફ બરફની પથરાયેલી ચાદર અને બીજી તરફ ફૂંકાઈ રહેલો ઠંડો પવન તમને કૅબલ કારમાંથી બહાર નીકળવા નહીં દે.

સ્વિટ્ઝરલૅન્ડની જાણી-અજાણી વાતો...

સ્વિટ્ઝરલૅન્ડના રાષ્ટ્રપતિનો કાર્યકાળ માત્ર એક વર્ષ માટેનો જ હોય છે. 

અહીંની આર્મી પાસે રહેલા ચપ્પુનો રંગ લાલ હોય છે. આવો રંગ રાખવા પાછળ બરફના સફેદ રંગ સાથે મેળ કરવાનું કારણ બતાવવામાં આવે છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં ૧૫૦૦થી વધારે ઝીલ છે. જ્યારે ૧૪૦ ગ્લૅસિયર છે. ૧૧૦૦ જેટલા મોટા ફાઉન્ટેન છે.

દેશનો ૭૦ ટકા હિસ્સો બરફના પહાડોથી ઘેરાયેલો છે.

દેશમાં વપરાતી ૬૦ ટકા જેટલી વીજળી હાઇડ્રો પાવરથી એટલે કે પાણીથી ઉત્પન્ન થાય છે.

દુનિયામાં સૌથી ઓછી ગુનાખોરીના કેસ સ્વિટ્ઝરલૅન્ડમાં નોંધાય છે.

અહીંના માટે એવું કહેવાય છે કે દેશમાં દાંતના ડૉકટર કરતાં બૅન્કો વધારે છે.

શિક્ષકની નોકરી અહીં સૌથી પ્રતિષ્ઠિત નોકરી ગણાય છે.

સ્વિટ્ઝરલૅન્ડનું નામ ચૉકલેટની નિકાસ કરનાર ટોચના દેશોમાં આવે છે. અહીં લગભગ એકથી બે લાખ ટન ચૉકલેટ દર વર્ષે બનાવવામાં આવે છે.

સ્વિટ્ઝરલૅન્ડમાં ગાય ભાડે પણ મળે છે.

સ્વિટ્ઝરલૅન્ડના એક પાર્કમાં યશ ચોપડાનું સ્ટૅચ્યુ મૂકવામાં આવેલું છે.

સ્વિટ્ઝરલૅન્ડની વાત કરતાં હોઈએ અને કાળાં નાણાં યાદ નહીં આવે એમ કેમ બને. અહીં કોઈ પણ જાતના કેવાઇસી અને ઓળખાણ વિના બૅન્ક ખાતાં ઑપન થઈ શકે છે. એટલે દુનિયાભરમાંના બ્લૅક મની અહીં જમા છે. એવું પણ કહેવાય છે કે એટલે જ વર્લ્ડ વૉર વખતે સ્વિસ બૅન્ક પર કોઈ પણ જાતનો હુમલો કરવામાં આવ્યો ન હતો. કહેવાય છે કે અહીંની બૅન્કોમાં ૨૩ ટકા જેટલાં ખાતાં વિદેશીઓનાં જ છે.

travel news switzerland