ઍનિમલ ફ્રેન્ડ્સ

23 September, 2012 07:55 AM IST  | 

ઍનિમલ ફ્રેન્ડ્સ



સેજલ પટેલ

મુંબઈની હાડમારીભરી જિંદગીમાં માણસ ટ્રેનના ધક્કા ખાઈને ઘરે પહોંચે પછી તેને બીજું કોઈ કામ સૂઝે નહીં. થોડુંક ટીવી જોવાનું અને રિલૅક્સ થઈને મજાથી સૂઈ જવાનું. જોકે થાણેના ચરઈની દગડી શાળા પાસે રહેતા ૫૧ વર્ષના ભવાનજી છાડવાનું ખરું કામ હાથ ધરાય છે રાતના અગિયાર વાગ્યે. તેમના મિત્ર હેમંત ઉર્ફે રાજુ ઠક્કર તેમ જ મેઘના દાબકે, ભારતી રેડકર અને સુષમા મહાજન નામની ત્રણ મહારાãષ્ટ્રયન બહેનો એમ પાંચ જણની ટોળકી રાતના અગિયારથી બાર વાગ્યા દરમ્યાન આસપાસના વિસ્તારોની ગલીઓમાં રખડતા શ્વાનોને ભોજન વહેંચવા નીકળી પડે છે. નૌપાડા, ચરઈ, તલાવપાળી, રામમારુતિ રોડ અને ઘંટાળી વિસ્તારની ગલી-ગલીમાં ફરીને તેઓ બિસ્કિટ, દૂધ-ભાત, રોટલીની થેલીઓ લઈને રખડતા શ્વાનોને ખવડાવે છે. તેમના આ પરિવારમાં પાંચ-દસ નહીં, પૂરા ૨૪૬ શ્વાનની પલટન છે.

સવાર-સાંજની ડ્યુટી

છેલ્લા બે દાયકાથીયે વધુ સમયથી આ નિત્યક્રમ ધરાવતા ભવાનજી છાડવા Sunday સરતાજને કહે છે, ‘છેલ્લાં બાવીસ વરસથી હું મૂંગાં પ્રાણીઓને ભોજન આપવાનું કામ કરું છું. શરૂઆતમાં ઓછા શ્વાનો હતા, પણ હવે બીજા પ્રાણીપ્રેમી મિત્રોનો સાથ મળવાને કારણે આસપાસના વધુ વિસ્તારોમાં પહોંચી શક્યા છીએ. દુકાનથી આવી, જમી-પરવારીને ઈવનિંગ વૉક કરવા નીકળીએ અને ફરતાં-ફરતાં આસપાસના બધા જ કૂતરાઓને પેટ ભરીને જમાડીએ. જે વિસ્તારો બાકી રહી જાય એમાં વહેલી સવારે છથી સાત વાગ્યા દરમ્યાન ફરીએ. રોજ બિસ્કિટનાં લગભગ ૪૦ પૅકેટ, પંદરથી વીસ લિટર દૂધ અને ૨૦ કિલો જેટલો ભાત લઈને નીકળીએ. અમે જેવા ગલીમાં પ્રવેશીએ એટલે કૂતરાઓ અમને ઘેરી વળે. નવાં જન્મેલાં ગલૂડિયાંઓની પણ અમે અલગથી સારસંભાળ રાખીએ છીએ.’

મોટા શ્વાનો તો જાતે અહીં-તહીંથી થોડુંક ખાવાનું મેળવી લે છે, પણ ગલૂડિયાંઓની હાલત ખરાબ હોય છે એટલે ભવાનજીભાઈ અને તેમના મિત્રોની ટોળકીએ એ માટે પણ ખાસ વ્યવસ્થા કરી છે. તેઓ કહે છે, ‘અમારા વિસ્તારમાં એક જૂનું ખંડેર જેવું બિલ્ડિંગ છે. એમાં મારા મિત્રની એક રૂમ ગ્રાઉન્ડ ફ્લોર પર છે. એમાં અમે નાનાં ગલૂડિયાંઓને રાખીએ છીએ. બને ત્યાં સુધી અમે ઇચ્છીએ છીએ કે ગલૂડિયાં કોઈ દત્તક લઈ લે જેથી એમને અહીં-તહીં ભટકવું ન પડે. હમણાં અમારી પાસેનાં બે પપીને બે પરિવારોએ અડૉપ્ટ કરી લીધાં છે. હજી સાત પપી અમારી પાસે છે. યોગ્ય પરિવાર, ઘર અને પ્રાણીપ્રેમ જોઈને અમે તેમને આપીએ છીએ. લોકો હાઇ-ફાઇ બ્રીડના ડૉગ જ દત્તક લેવાને બદલે શેરીના શ્વાનોને પણ ઘર કે બિલ્ડિંગ માટે દત્તક લેતા થઈ ગયા છે.’

ગલૂડિયાં ત્રણ-ચાર મહિનાનાં થાય ત્યાં સુધી એમને એ રૂમમાં સાચવવામાં આવે છે અને પછી છોડી મૂકવામાં આવે છે.

ગામના સંસ્કારો

દાદરમાં રેડીમેડ ગાર્મેન્ટ્સની એક દુકાનમાં નોકરી કરતા ભવાનજી છાડવાને મૂંગાં પ્રાણીઓની વેદના પ્રત્યેની સંવેદનશીલતા છેક બાળપણથી જ સંસ્કારરૂપે મળી છે. કચ્છના ભચાઉ પાસે આવેલા સુવઈ ગામના ભવાનજીભાઈ એ વિશે કહે છે, ‘હું જન્મ્યો મુંબઈના માહિમમાં, પણ મારો ઉછેર થયો મારા ગામ સુવઈમાં. ત્યાં હું મારાં દાદા-દાદી સાથે રહેતો હતો. એ ગામમાં રોજ સવારે પ્રભાતફેરી નીકળતી. લોકો ભજન ગાતા જાય અને ઘરે-ઘરે ફરીને અબોલ પશુ-પંખીઓ માટેનો ખોરાક એકઠો કરે. કોઈક એક રોટલો આપે તો કોઈક એકવીસ, જેવી જેની ઇચ્છા અને ક્ષમતા. હુંય નાનપણથી વડીલો સાથે નીકળી પડતો. થેલીમાં રોટલા, રોટલી, કબૂતરોનું ચણ વગેરે એકઠું કરીએ અને ગામમાં ફરતાં આવાં પશુ-પંખીઓને ખવડાવીએ. એને કારણે મારા માટે તો ઊઠું એટલે પહેલું કામ આ જ કરવાનું એવી આદત પડી ગઈ. પોતાના પેટ કરતાં પહેલો વિચાર પ્રાણીઓનો કરવાનો એવું ખૂબ નાની વયે જ મારા મનમાં ઊતરી ગયું હતું.’

કૂતરા કેમ રાતે રડે છે?

શેરી કે ગલીમાં રાતના સમયે રડતા કે વગર કારણે જોર-જોરથી ભસતા શ્વાનોથી ત્રાસી જવાય છે એવું બોલતા ઘણા લોકો હશે, સાચે જ ક્યારેક અકારણ ભસતા રહેતા કૂતરાઓથી અકળામણ પણ થતી હશે; પણ આ મૂંગાં પ્રાણીઓ કેમ રાતના સમયે જ આટલું જોર-જોરથી ભસવા લાગતા હશે એવો વિચાર કરવાની તસ્દી કદાચ બહુ ઓછા લોકોએ લીધી હશે. ભવાનજીભાઈ કહે છે, ‘અમે કેટલાક મિત્રોએ શ્વાનો રાતે જ કેમ ખૂબ ભસે છે એનું ખૂબ ધ્યાનથી નિરીક્ષણ કર્યું હતું. એનાં બે કારણો અમને જણાયાં છે : એક, ભૂખ્યું પેટ અને બીજું, ગંદું પાણી. મોટા ભાગના શ્વાનો ગટરનું પાણી પીએ છે. આ પાણીમાં ફિનાઇલ, ઍસિડ, ડિટર્જન્ટ અને અન્ય ઝેરી કેમિકલ્સ ભરપૂર માત્રામાં હોય છે. એને કારણે તેમને ગરમી અને જલન અનુભવાતી હોય છે. અમે જોયું છે કે જો શ્વાનોને ચોખ્ખું પાણી પાવામાં આવે અને રાતના સમયે એમનું પેટ ભરેલું હોય તો એમનું ભસવાનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે.’

શ્વાનોને ખાવા ઉપરાંત ચોખ્ખું પાણી મળે એની વ્યવસ્થા કરવા માટે ભવાનજી છાડવા અને તેમના મિત્રો નજીકની વાવડીમાંથી એમને પાણી પીવડાવે છે. તેઓ કહે છે, ‘અત્યાર સુધી અમે અમારાથી થાય એટલું કરતા હતા. હવે થોડાક મોટા પાયે અને વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે કામ આગળ વધારવું છે. અમે એક વેપારી ભાઈની મદદથી સિમેન્ટની નાની કૂંડીઓ બનાવડાવી રહ્યા છીએ જે બિલ્ડિંગોની બહાર મૂકી રાખી શકાય. એમાં ખાવાનું અને પાણી પ્રાણીઓ માટે મૂકી શકાય. રાતના સમયે ચોખ્ખું પાણી શેરીઓમાં ફરીને પહોંચાડી શકાય એ માટે પહેલાંના જમાનામાં કેરોસીનની ટાંકીઓ ફરતી હતી એવી ટાંકી લેવાના છીએ. આ બધા માટે અમારે ક્યાંય મદદ માગવાની જરૂર નથી પડતી. અમારા કામ વિશે જાણનારા વેપારી ભાઈઓ સામેથી મદદની પહેલ કરે છે.’

આરોગ્યની કાળજી

શ્વાનોને અવારનવાર કંઈક ને કંઈક માંદગી કે ચેપ હોય, ઘા લાગ્યો હોય કે ઍક્સિડન્ટ થયો હોય ત્યારે એની સારવાર માટે પણ ભવાનજીભાઈની ટોળકી કામે લાગી જાય છે. તેઓ કહે છે, ‘મુલુંડની બહેના નામની સામાજિક સંસ્થાના પ્રાણીઓના ડૉક્ટરો અવારનવાર આ કૂતરાઓની તપાસ માટે સેવા આપે છે. બાકી અમે પ્રાણીઓના ડૉક્ટરોને વિનંતી કરીએ છીએ તો તેઓ ૫૦-૧૦૦ રૂપિયા જેટલી મામૂલી ફી લઈને જરૂર પડ્યે દવા-દારૂ કરી આપે છે.’

ખર્ચ કેવી રીતે નીકળે?

અબોલ પશુઓના આ સેવાકાર્યમાં મહિને ૩૫ હજારથી ૪૦ હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. ભવાનજીભાઈ કહે છે, ‘અમે પાંચ મિત્રો દર મહિને પાંચ-સાત હજાર રૂપિયા કાઢીએ. આ ઉપરાંત કેટલાક વેપારી ભાઈઓ છે તેમના તરફથી પણ અવારનવાર મદદ મળતી રહે છે. અમારા કામને વધુ આયોજનબદ્ધ બનાવવા માટે અમે એક ગ્રુપ બનાવવા માગીએ છીએ. એનું નામ આપવાના છીએ : સદ્ભાવના - ઍનિમલ ફ્રેન્ડ્સ. નિરાધાર અને બીમાર પશુપંખીઓની સારવાર માટે એક ઍમ્બ્યુલન્સ પણ વસાવવાના છીએ. એ માટે અમે મિત્રોએ ૧૧-૧૧ હજાર રૂપિયા કાઢ્યા છે ને ખૂટતા પૈસા વેપારી મિત્રો પાસેથી મેળવ્યા છે.’