લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૮

23 September, 2012 07:50 AM IST  | 

લાક્ષાગૃહ : દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૮



વર્ષા અડાલજા   


મે મહિનાના અંતિમ દિવસો. પ્રવાસની સીઝન તો પૂરી થઈ જવામાં છે, પણ હવે જૂનથી દિવાળી સુધી યાત્રાધામોના પ્રવાસનું બુકિંગ શરૂ થયું છે અને પ્રિયાને મોડે સુધી ઑફિસમાં કામ રહે છે.

સવારથી બપોર સુધીની ડ્યુટી પૂરી કર્યા પછી તે ઑફિસથી નીકળી ત્યારે અમર નીચે બિલ્ડિંગના પગથિયે બેસીને ક્વિઝ ભરવાની મથામણ કરતો હતો. લિફ્ટમાંથી બહાર નીકળતાં પ્રિયાએ તેના હાથમાંથી પેપર લઈ લીધું, ‘આમ સાવ રસ્તા પર બેસીને મારી રાહ જુઓ છો?’

‘પ્રેમીઓ તો ધગધગતા રણમાં ચાલ્યા છે અને ડુંગરોય ખૂંદ્યા છે, જ્યારે આ તો રાજસિંહાસન છે. અહીં પવન મસ્ત આવે છે.’

‘ચાલો ઊઠો, એસી હોટેલમાં બેસીશું. આ મજા કરવાની જગ્યા છે?’

શનિવારની બપોરે ફાઉન્ટનની ઘણી ઑફિસો બંધ હતી. આજે તરત ટૅક્સી મળી ગઈ. નરીમાન પૉઇન્ટ પરની સ્ટેટસ રેસ્ટોરાંમાં બન્ને આવ્યાં ત્યારે થોડી વાર બેસવું પડ્યું, પછી જગ્યા મળી ગઈ. એટલી વારમાં તો રેસ્ટોરાં ભરચક થઈ ગઈ. પ્રિયા આજે સાથે લંચ નહોતી લાવી. જુદી-જુદી ત્રણ-ચાર ડિશનો ઑર્ડર કર્યો. જૂસના ગ્લાસને તાકી રહેલી પ્રિયાના હાથ પર અમરે હાથ મૂક્યો, ‘અપસેટ છો પ્રિયા? તમારી આંખોની ચમક ક્યાં ગઈ?’

‘હા અમર, ઉદાસ છું, વ્યથિત છું; જે કહો એ.’

‘કાલે કાજલની ઍડ આવી છે એના અનુસંધાનમાં તમારા મનમાં કશીક ગડમથલ ચાલે છે તો મને નહીં કહો?’

‘તમને મળવા માટે તો મેં સવારની ડ્યુટી લીધી હતી અમર. તમે કાલે કાજલની ઍડ જોઈને! એ વિશે અમને કશી ખબર જ નહોતી.’

‘એટલે?’

એસીમાં પણ પ્રિયાને હજી ખૂબ ગરમી થતી હતી. મન અશાંત હતું. એક ઘૂંટડે અડધો ગ્લાસ જૂસ તે પી ગઈ. ક્યાંથી માંડીને વાત કરવી અમરને! કાજલ માટે સેવેલી ચિંતા અને કાળજીને તે જોહુકમી સમજતી હતી એ તો મોડેથી સમજાયું હતું. તેણે કરેલું ફોટોશૂટ. એ વિચાર કોણે આપ્યો હશે તેને? એની વ્યવસ્થા, એના પૈસા કશી જ ખબર નહોતી. કઈ રીતે આટલું પ્રેસ્ટિજિયસ કૅમ્પેન મળ્યું, શૂટિંગ થયું, પાંચ લાખનું અકાઉન્ટ અને ઘરમાં મોટો ઝઘડો,

તેની વર્તણૂક...

‘કશું ઠીક નથી થઈ રહ્યું અમર. તેણે જે કૉન્ટ્રૅક્ટ સાઇન કર્યો છે એ વિશે પણ કશી ખબર નથી. એમાં શી-શી શરતો હશે એ વિચાર મને રાત-દિવસ પજવે છે અને તે કૉન્ટ્રૅક્ટ બતાવવા તૈયાર પણ નથી.’

અમર પણ અસ્વસ્થ હતો.

‘એ કૉન્ટ્રૅક્ટ પર તેની સહી હશે એટલે તેની ટમ્ર્સ ઍન્ડ કન્ડિશન્સ તેને બંધનકર્તા રહે. તમને કોઈને કૉન્ફિડન્સમાં લીધાં હોત તો...’

‘એક્ઝૅક્ટ્લી, પણ તે સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે જીવવા લાગી છે અમર. આમ પણ તેને લક્ઝુરિયસ જીવનનું પહેલેથી જ ઘેલું હતું એ તમે જાણો છો અને હવે ગ્લૅમર-વલ્ર્ડમાં પૈસા અને રૂપની પ્રશંસાનું કૉમ્બિનેશન ખતરનાક છે. શું કરવું એ જ સૂઝતું નથી.’

‘પપ્પા-મમ્મીનું કહ્યું જો માને તો...’

‘ના અમર, અમે કોઈ પણ કશું જ નથી તેના જીવનમાં. તે માને છે કે જન્મથી જ તે ઘરમાં અનવૉન્ટેડ ચાઇલ્ડ રહી છે, કોઈએ તેને પ્રેમ નથી કર્યો... જ્યારે ખરી હકીકત એ છે કે ક્યારેક મને અને તરુણને તો લાગતું કે મમ્મી... તારે મન તો કાજલ જ સર્વસ્વ છે, શું અમે તારાં સંતાનો નથી?’

પ્રિયા રડી પડી. અમરે તેના ખભે હાથ મૂક્યો, ‘પ્લીઝ પ્રિયા, તમે જ રડશો તો તમારાં મમ્મીને શી રીતે સધિયારો આપશો? સિબ્લિંગ રાઇવલરીનો તો કોઈ રસ્તો નથી. ભાઈ-બહેનો વચ્ચેનું મનદુ:ખ કે એકમેકથી ચડિયાતાં સાબિત કરવાની હોડ તો જગજૂની વાત છે.’

‘જાણું છું અમર, તેને સૌથી વધારે ગુસ્સો મારા પર છે. શું કામ એ તો હુંય નથી જાણતી, પણ છે એ નક્કર હકીકત છે. હું તેને કેમ સમજાવું કે તે મને ખૂબ વહાલી છે! આઇ ઍમ ઑલ્વેઝ પ્રોટેક્ટિવ અબાઉટ હર.’

‘પ્રિયા, મનની વાત એટલી આસાનીથી સામેની વ્યક્તિને સમજાવી શકાતી હોત તો દુનિયાના અડધા ઝઘડા-ગેરસમજ આપોઆપ શમી જતાં હોતને! ઊંડામાં ઊંડી નદીનું ઊંડાણ આધુનિક યંત્રોથી માપી શકાય છે પ્રિયા, પણ માનવમનની ગહનતા અને સંકુલતાનો તાગ મેળવવો મુશ્કેલ છે અને આ અમરાનંદ સ્વામીનો ઠાલો ઉપદેશ નથી, મેં અનુભવ્યું છે અને ત્યારે તો મારી સાથે મારી ફીલિંગ શૅર કરવાવાળું કોઈ હતું પણ નહીં.’

ખાવાનું ઠંડું થઈ ગયું હતું. પ્રિયાની ભૂખ મરી ગઈ હતી, પણ તે ચૂપચાપ થોડું ખાતી રહી. સમજાતી હતી તેને અમરની વાત. તે પોતે પણ અમરને ક્યાં સમજી શકી હતી? ભાગી છૂટી હતી એ સાંજે તે ઘરમાંથી... એ માહોલથી અને અમરથી પણ.

‘રહેવા દો પ્રિયા. ગ્રિલ્ડ સૅન્ડવિચ ઠંડીગાર છે. આપણે ફરી ઑર્ડર કરીએ.’

‘ના, ચાલો થોડી વાર ખુલ્લી હવામાં ફરીશું. મને અહીં ગૂંગળામણ થાય છે.’

બિલ ચૂકવી બન્ને રેસ્ટોરાંમાંથી નીકળી ગયાં. ધીમે-ધીમે સાંજ નમી રહી હતી. ક્ષિતિજ પર જળ ભરેલાં વાદળો બંધાઈ રહ્યાં હતાં. વરસાદ આવું-આવું કરતો હતો. બન્ને નરીમાન પૉઇન્ટ પર, દરિયામાં જતા રસ્તા પરના અંતિમ છેડે પાળી પર બેઠાં. ઉનાળાની શનિવારની સાંજ, મુંબઈના શ્વાસ અને પ્રાણ અરબી સમુદ્ર. ક્વીન્સ નેકલેસ ઝગમગી ઊઠ્યો હતો અને લોક હલકે ચડ્યું હતું. ખૂબ ભીડ હતી. સંતપ્ત સૂરજ ધીમે-ધીમે સાગરના શીતળ જળમાં ડૂબી રહ્યો હતો. બન્ને અનિમેષ નયને એ દૃશ્ય જોઈ રહ્યાં હતાં. અનેક આંખો એ દૃશ્ય પર ટીકી રહી હતી. બાજુમાં ઊભેલા બે-ત્રણ ફૉરેનર્સ ફોટો ક્લિક કરી રહ્યા હતા. પ્રિયાએ અમરના ખભે માથું ઢાળી દીધું. આ મધુર ક્ષણને શાશ્વતીના કૅમેરામાં ક્લિક કરી શકાતી હોત તો?

‘જાણો છો પ્રિયા! હજારો વર્ષ પહેલાં ઇજિપ્તની સંસ્કૃતિમાં સૂર્ય તેમનો દેવાધિદેવ હતો, રા તરીકે પૂજાતો. તેઓ માનતા કે સૂર્યાસ્ત સમયે રા દરિયામાં ડૂબી જાય છે અને પાતાળનગરીમાં હોડીમાં બેસી, રાત્રે સફર કરી બીજી દિશામાંથી ફરી ઊગે છે.’

પ્રિયાએ અમરની સામે જોયું. તેણે પ્રિયાને હાથ પકડીને ઊભી કરી.

‘એનો અર્થ એ કે કાલે એક નવોનક્કોર દિવસ ઊગશે. ચાલો જઈશું! તમને મોડું થયું છે, ઘરે બધા ચિંતા કરશે. એમાંય આજે તમે લંચબૉક્સ નહોતાં લઈ ગયાં એટલે એનો પણ જીવ મમ્મી બાળશે.’

બન્ને ચર્ચગેટ સ્ટેશન તરફ ચાલવા લાગ્યાં.

‘અરે વાહ! તમને ક્યાંથી ખબર?’

‘એ માટે ક્રિસ્ટલના જાદુઈ ગોળામાં જોવાની જરૂર થોડી છે? મા તો બધાની સરખી.’

એક નાનકડી બાળકી મોગરાના ગજરાઓ લઈને સામે આવીને ઊભી રહી ગઈ. કાકલૂદી કરતી બોલવા લાગી, ‘સાબ, મેમસાબ કે લિએ લે લો. વાપસ ઘર ગઈ તો માર પડેગી... સાબ, દો લે લો.’

અમરે તેના હાથમાંથી ગજરાઓનો ગુચ્છો લઈ લીધો અને ૫૦ રૂપિયાની નોટ સામે ધરી, ‘અબ ખુશ?’

છોકરી હસતાં-હસતાં ઊછળી પડી અને બે હાથ જોડી, મુઠ્ઠીમાં નોટ દબાવી દોડી ગઈ. અમરે મોગરાનો મઘમઘતો ગુચ્છો પ્રિયાના પર્સ સાથે બાંધ્યો. આપણી આ સલૂણી સાંજનું સુગંધી સ્મરણ.

પ્રિયા મહેકી ઊઠી.

€ € €

કાજલ અને તરુણ સરસ રીતે પાસ થઈ ગયાં હતાં.

સાવિત્રીબહેને ગોખમાં દીવો કરીને પ્રસાદ ધર્યો. તરુણ પેંડો મોંમાં મૂકી પગે લાગ્યો, ‘થૅન્ક્સ સરસ્વતીદેવી. આપણી લેણદેણ હવે પૂરી, ખોટું નહીં લગાડતાં હોં! આટલાં વર્ષો મારા પર કૃપા માટે ધન્યવાદ. પ્રિયા તારોય આભાર. યુ વેર ઑલ્વેઝ હેલ્પફુલ. બસ, હવે મારે તુંબડે તરીશ. મારી આગળ હવે ભણવાની વાત પર ફુલ-સ્ટૉપ. શંકર અને પ્રકાશ સાથે અમારા કામની શરૂઆત થઈ ગઈ છે, સારી રીતે હં!’

પ્રિયા સમજે છે કે હવે બન્નેમાંથી કોઈને કશું કહેવાનું રહેતું નથી. કાજલ અને તરુણ મોટાં થઈ ગયાં છે. તરુણ હમણાં નવી વાત લઈને બેઠો છે કે અંધેરીનું ઘર વેચી દઈએ. તેનો પ્લાન તૈયાર છે, ‘મમ્મી, મુંબઈમાં હાઇરાઇઝ બિલ્ડિંગની જેમ મકાનોના ભાવ ઊંચે ને ઊંચે જઈ રહ્યા છે. અત્યારે આપણને અંધેરીમાં ઘરના ભાવ ફૅન્ટૅસ્ટિક આવે, રાઇટ! પછી? પછી પરમપૂજ્ય માતુશ્રી, આપણે થોડા દૂર રહેવા જઈએ. મુંબઈમાં બધા એવું કરે છે. ગોરેગામમાં એક ફાંકડી પ્રૉપર્ટી જોઈ છે મેં. તારું દિલ ખુશ થઈ જાય. બે બેડરૂમ, બે બાથરૂમ, નાનો સ્ટડી કે પૂજારૂમ અને મમ્મી સરપ્રાઇઝ, નાની ટેરેસ! મુંબઈમાં કરોડોના ફ્લૅટમાં પણ પોતાની ટેરેસ નથી મળતી. મમ્મી, તું ટેરેસ જુએ કે બસ પાગલ થઈ જશે. બમ્બઈ નગરિયામાં ટેરેસ એટલે ઇન્દ્રરાજાનો દરબાર ભરાય એ જગ્યા. આપણે નસીબદાર છીએ. અરે, તારાં માતાજીને પણ સ્પેશ્યલ જગ્યા મળશે. મમ્મી, તારું મનગમતું ગાર્ડન, નાનો સરસ મજાનો ઝૂલો, વાઉ! ત્યાંથી રાત્રે શું ઝગમગતું મુંબઈ દેખાય છે! બસ, પપ્પાને પટાવી લેને. જોકે પપ્પા અને પ્રિયાને થોડું વધુ ટ્રાવેલિંગ કરવું પડશે. ઓ.કે., લોકો છેક પુણે અને સુરતથી મુંબઈ

નોકરી-કામધંધે આવે છેને! તારા દીકરાનો વટ જો મમ્મી, દલાલી ક્યાંય નથી આપવાની. પૂછો કેમ? તો એમ કે અગ્રવાલે આપણા ફ્લૅટ માટે મને ઑફર આપી છે. તેને આ ફ્લૅટ ખરીદવો છે અને ગોરેગામનો ફ્લૅટ અમારા ક્લાયન્ટનો છે.’

સાવિત્રીબહેન તરત રાજી થઈ ગયાં હતાં, ‘જો સારી લાઇફ-સ્ટાઇલથી જીવી શકાતું હોય તો શું કામ નહીં?’

પતિને હજી તો વાત કહેતાં જ તેમણે ઘસીને ના પાડી દીધી, ‘આ મારી કમાણીનું ઘર છે. જેને બીજું ઘર લેવું હોય તે ખુશીથી લે, પોતાના પૈસાથી.’

સાવિત્રીબહેનને કહેવાનું તો બહુ મન થયું : આ માત્ર તમારું ઘર છે? માત્ર પત્નીના હાથમાં પગાર મૂકી દેવાથી ઘર નથી ચાલતું. એક સ્ત્રી પ્રેમ અને પરિશ્રમથી સિમેન્ટના મકાનને ઘરપણું આપે છે, પણ આજકાલ તેમના ઊખડેલા સ્વભાવને લીધે દલીલો કરી શાંતિનાં નીતર્યા જળ ડહોળી નથી નાખવાં.

સૌથી વધુ નારાજ થયાં કાજલ અને તરુણ. આવી તક વારંવાર નથી મળતી. મોટા ઘરમાં સૌને પ્રાઇવસી મળતી હતી. સાથે ટેરેસનું જબરું ખેંચાણ. કાજલ ઊછળી જ પડેલી.

પણ ધીરુભાઈનું માથું ન ધૂણ્યું તે ન જ ધૂણ્યું. વાત ત્યાં અટકી પડી.

કૉલેજનો પહેલો દિવસ. કાજલે ધાર્યું હતું એમ તેને ઢગલો અભિનંદન મળ્યાં. અનુ દાઝે ભરાતી હતી. કાજલની સાથે તે રહી હતી એ કોઈ જાણતું નહોતું. ઇકબાલે કાજલનું કૅન્ટીનમાં ખાસ સ્વાગત કર્યું. ફૂલોનો બુકે આપતાં ખુશ થઈ થયેલો : મુબારક કાજલદીદી, આપકી કરીઅર શુરૂ હો ગઈ.

કાજલનો રથ ધરતીથી બે વેંત અધ્ધર થઈ ગયો. તે હવે મણિબહેન નહોતી રહી. થોડા દિવસ તો બન્નેએ કૅન્ટીનમાં જ જમાવટ કરેલી. તેના એક ઇશારે ઇકબાલ યસ મૅમ કરતો દોડતો આવતો. થોડા કૉલેજિયન્સ તેની આસપાસ ફૂદાંની જેમ ઊડવા તત્પર હતા.

ઇરા અને નીરજાના દરબારની સામે કાજલનો દરબાર પણ ભરાતો. માથે રાજમુગટ હોય એવી અદાથી રાજકુંવરીની જેમ કાજલ બેસતી. તેની આસપાસ કાનાફૂસી થતી : ઇરા અને નીરજા ઈર્ષાથી બળું-બળું થઈ રહ્યાં છે. તે કહેતી, ‘ઓ રિયલી! હૂ કૅર્સ?’

કોઈએ સીધું જ પૂછ્યું હતું, ‘તને પહેલી જ ઍડ આટલી ધાંસૂ કઈ રીતે મળી? સરપ્રાઇઝિંગ.’

‘એમાં નવાઈ પામવા જેવું શું છે? વેરી સિમ્પલ, મારો ર્પોટફોલિયો ફૅબ્યુલસ છે.’

‘યુ લુક ગૉર્જિયસ. ખબર છેને નીરજાના અંકલ ફિલ્મોમાં ફાઇનૅન્સિયર છે! તેમના કેટલા કૉન્ટૅક્ટ છે તોય નીરજાને એક સારી ઍડ નથી મળી.’

‘ઓ રિયલી! મને ખબર જ નહીં કે નીરજા મૉડલિંગ માટે ટ્રાય કરે છે.’

‘શું તું પણ. પેલી વૉશિંગ પાઉડરની ઍડ છેને જેમાં અક્ષયકુમાર છે ને એક છોકરીનો થોડો ફેસ દેખાય છે! ધૅટ ઇઝ નીરજા.’

કાજલ અનુને તાળી આપતી ખડખડાટ હસી પડી.

અનુને લાગે છે કે કાજલનો રથ ધરતીથી અધ્ધર નથી ચાલતો, હવામાં ઊડે છે. તે સમજાવે છે : કાજલ ધીરે ચાલ. આટલું અભિમાન? તને આ ઍડ કરણની મહેરબાનીથી મળી છે. યુ નો, આ કરીઅરમાં કેટલી કૉમ્પિટિશન છે. રથની લગામ તાણ. નીચે ધરતી પર ઊતર. ફોટાઓ લઈ ઍડ એજન્સીનાં ચક્કર કાપવા માંડ. હજી એક જ ઍડ મળી છે. ચાર દિન કી ચાંદની સમજીને!

અનુની વારંવાર ટકોર નથી ગમતી કાજલને, પણ જાણે છે સત્ય તો એ જ છે. તેને ચાર દિન કી ચાંદની નહીં પણ આખું ઝગમગતું આકાશ જોઈએ છે. કૉલેજ પછી બપોરે ઍડ એજન્સીઓનાં ચક્કર કાપે છે. કરણને આ પ્રોજેક્ટથી તેના પપ્પાએ કંપનીમાં ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર બનાવ્યો છે. તે ખૂબ વ્યસ્ત છે એટલે પહેલાં જે રખડપટ્ટી કરતાં એવો સમય કરણ પાસે નથી.

કરણ સાથે ડ્રાઇવ પર જવાનું, શૉપિંગ, મૂવીઝ ઘણું ઓછું થઈ ગયું છે. કરણે હોટેલમાં એક રૂમ જ રાખી લીધી છે. કાજલ ખુશ છે. લોકોની નજરથી બચી શકાય છે અને મળે છે એકાંત, જ્યાં છે માત્ર તે અને કરણ. સાવધાની રાખે છે બન્ને, જુદા-જુદા આવે છે અને એકલા નીકળી જાય છે. એક વખત તો હોટેલના ફોયરમાં કરણનાં પપ્પા-મમ્મી તેને મળી ગયાં હતાં. તે થોડે દૂર હતી. ઝડપથી બહાર સરકી ગઈ હતી. ગળું સુકાઈ ગયું હતું અને પગ ધ્રૂજતા હતા.

ક્યારેક કરણ તેને જલદી ઘરે જવા રીતસર વઢે જ છે; મા-બાપ છે, ચિંતા તો થાયને કાજલ! હંમેશાં તને તેમનો જ વાંક દેખાય છે? પણ કાજલના મનમાં તો બાંદરાના ફ્લૅટની બાલ્કનીમાંથી દેખાતો સાગર ઘૂઘવે છે. નાવડીની જેમ એનાં મોજાંઓ પર સવાર થઈ મન પહોંચી જાય છે સ્વપ્નપ્રદેશમાં જ્યાં છે માત્ર તે અને કરણ. એ જ તો તેનું ઘર. પછી પોતાના ઘરે પાછા ફરવાપણું ક્યાંથી રહેશે!

આવશે, એ દિવસ જરૂર આવશે. પછી ચોરીછૂપીથી નહીં, ખુલ્લેઆમ તે કરણના હાથમાં હાથ નાખીને જોડાજોડ ચાલશે. ઓહ! કરણ તેને કેટલું ચાહે છે. તેના માટે તેણે અદ્ભુત દુનિયાના દરવાજા ખોલી આપ્યા છે.

ફાઇવસ્ટાર હોટેલના લક્ઝરી સ્વીટમાંથી કાજલ અંધેરીની મિડલ-ક્લાસ સોસાયટી વસંતકુંજ કૉમ્પ્લેક્સના વન-બેડરૂમ ફ્લૅટમાં પ્રવેશે છે. જાણે એક અદ્ભુત દુનિયામાંથી ગંદી, ઘોંઘાટભરી બીજી દુનિયામાં ફંગોળાઈ હોય એવી તીવ્ર લાગણી થઈ આવે છે. એકસાથે બેવડે દોરે જીવન જીવે છે. કરણ સાથે વાદળોમાં સપ્તરંગી મેઘધનુષના ઝૂલે ઝૂલતાં અચાનક સરી પડી છે આ કઠોર ભૂમિ પર એક વષાર્બિંદુની જેમ.

અહીં ઘરમાં ભીડ છે. શાકભાજીના અધધધ ભાવ, ઑટોની સ્ટ્રાઇકની સતત ચર્ચા છે. ચિંતા છે ઇલેક્ટ્રિસિટીના વધતા જતા બિલની, કામવાળી બાઈ ખાડા પાડવાની છે એની...

કાજલ કાન પર હાથ દાબી દે છે. ભાગીને ક્યાં જાય? તેના હોઠ પર સ્મિત આવ્યું. એક દિવસ કરણ નામનો ઇડરિયો ગઢ તે જીતી લેશે અને ત્યાં રાજ કરશે.

€ € €

અનરાધાર વરસાદ મુંબઈને તરબોળ કરી રહ્યો છે. મુંબઈ શહેર એક તરતું નગર! જાણે મેઘરાજાએ જાસાચિઠ્ઠી લખી હોય એમ મુંબઈમાં સૂનકાર લાગે છે. સ્કૂલ-કૉલેજો બંધ અને ટ્રેનો ખોડંગાતી ચાલે છે. ઘણી બસો પાણીમાં અટકી પડી છે. આખો દિવસ કાજલ બેડરૂમમાં ભરાઈ ફિલ્મો જોયા કરે છે. કરણ પપ્પા-મમ્મી સાથે વરસાદની મોજ માણવા કેરળ ગયો છે. કરણ માટે તીવ્ર ઝુરાપો છે, સાથે ગુસ્સો પણ. ઘરેથી બહાનું કાઢી તે પોતે જ કરણ સાથે કેરળ ગઈ હોત તો? મૉન્સૂન, મસ્તી, મૅજિકની ઘણી ટ્રાવેલ એજન્સીની જાહેરખબર જોઈને સતત જીવ બળે છે.

સાવિત્રીબહેન અને પ્રિયાની સમજાવટ છતાં ધીરુભાઈ ઑફિસે જવા નીકળે છે, પછી ભલે સ્ટેશને અટવાઈ જવું પડે. ઘરમાં હોય તો છાતીમાં ભીંસ અનુભવાય છે. મંજુલાબહેનની નિશાનાં દિવાળી પર લગ્ન છે. તે સાવિત્રીબહેન પાસે અવનવી વાનગી શીખવા આવે છે. સાવિત્રીબહેન પતિને ખૂબ આગ્રહ કરે છે, ‘તમને પહેલાં તો વરસાદમાં ભજિયાં કેટલાં ભાવતાં! જુઓ, આજે સાથે-સાથે સાબુદાણાનાં વડાં પણ કર્યા છે, ખાસ તમારા માટે.’

પ્રિયા પણ આગ્રહ કરીને પીરસે છે ત્યારે તેમનું મન શંકાકુશંકાથી ઘેરાઈ જાય છે : આ ઘર વેચવું છે એટલે જ તો આટલી કાળજી રાખતાં હશેને! પણ કોઈ કાળે એમ નહીં થવા દઉં! મારી કમાણીનું ઘર છે, મારું વસાવેલું.

આજે વરસાદે થોડો પોરો ખાધો એટલે ફરી મુંબઈ સાબદું થઈ ગયું. બધા જ નીકળી ગયા કે સાવિત્રીબહેન સોફામાં બેસી પડ્યાં. હમણાં-હમણાં રોજ થાક લાગે છે. ખોબે-ખોબે રડવાનું મન થાય છે, પણ માટીનાં હોય એમ ઊભાં થતાં જ પડું-પડુંનો ડર લાગે. એક સવારે પતિને કહી જોયું હતું. તરત જવાબ મળ્યો : તને કોણે ચપટી ચોખા મૂક્યા હતા કે કામનો ઢસરડો કરે છે? વાનગી-ક્વીન માટે પદ્મશ્રી મળવાનો છે? આરામ કર. પ્રિયા પાસેથી પણ કોઈ આવો જ જવાબ મળ્યો હોત. નહીં રહેવાય. કંઈક તો કરવું જ પડશે.

ડૉક્ટર મુનશીના ક્લિનિક પર પહોંચ્યાં ત્યારે ઘણા દરદીઓ હતા. રાહ જોવી પડી.

‘સૉરી સાવિત્રીબહેન. કેમ છો?’ ડૉક્ટરે પૂછતાં જ તેમની આંખ ભીની થઈ ગઈ.

‘શું થયું? આટલાં ઢીલાં કેમ થઈ ગયાં?’

સાવિત્રીબહેને મનની વાત કરી, ‘હાથ-પગ પાણી-પાણી. કોઈ વાર તો શરીર એટલું ગરમ! બ્લીડિંગ પણ એટલું. હા, જાણું છું મેનોપૉઝ છે, પણ મન કેટલું ઉદાસ રહે છે.’

‘આ સ્થિતિમાં આવીબધી લાગણીઓ થવી સ્વાભાવિક છે. વગર દવાનો એક ઉપાય છે, બી પૉઝિટિવ. સબ દુખોં કી એક દવા - ખુશ રહો. ધીરુભાઈને પણ મેં આ જ પ્રિસ્ક્રિપ્શન આપ્યું હતું, કેમ કે તેમને...’

સાવિત્રીબહેનથી પુછાઈ ગયું, ‘તેમને પણ ઠીક નથી? દવા લેવા આવ્યા હતા?’

ડૉક્ટર હસી પડ્યા, ‘નથી કહ્યુંને તમને? હવે રોગ પકડાયો. કેટલા વખતથી બન્ને સાથે બહાર નથી ગયાં? ફરવા ઊપડી જાઓ. આજુબાજુ લોનાવલા, માથેરાન કે પછી કુલુ-મનાલી. ઉંમર થાય એમ લોકો સંતાનોની બહુ ફિકર કરે છે. થોડું એકમેક માટે જીવો. અરે હા, તમને ધીરુભાઈ સાથે તમે મારે ત્યાં ખાવાનું મોકલાવેલું એનાં કૉન્ગ્રેચ્યુલેશન્સ મોકલાવેલાં. મળ્યાં કે નહીં? ધીરુભાઈની ફિકર નહીં કરતા. બ્લડપ્રેશર કન્ટ્રોલમાં છે. આ લો, ગાયનેકોલૉજિસ્ટ ડૉક્ટર રંજના જાગીરદારનો નંબર. અપૉઇન્ટમેન્ટ લઈને જજો. ડોન્ટ વરી.’

ઝરમર વરસાદમાં થોડું ભીંજાઈને સાવિત્રીબહેન ઘરે આવ્યાં. હજી કોઈ આવ્યું નહોતું. બાલ્કનીમાં ઊભા રહીને તે મુંબઈને ભીંજાતું જોઈ રહ્યાં. વરસાદનું જોર વધ્યું લાગતું હતું. ગામની સ્મૃતિ તીવ્ર શૂળની જેમ ખૂંપી ગઈ. પોતાનું ઘર. નાનું ફળિયું. વરસાદમાં તો આંગણામાં જ નાનું જળસરોવર. બાપુજીએ અને પ્રિયાએ રમતાં-રમતાં વાવેલા કેસર કેરીના ગોટલામાંથી ઊગી નીકળેલું આમþવૃક્ષ. બીલીના ઘેઘૂર વૃક્ષ નીચે ઊભા રહી હથેળીમાં ઝીલેલો લીલેરો વરસાદ અને માટીની મહેક! બાપુજી અને પતિ ગરમ ભજિયાંની અધીરતાથી પ્રતીક્ષા કરતા હોય. ભજિયાંની થાળી લઈને આવે કે બાપુજીની શરમ રાખ્યા વિના તેમને પકડી પતિ તેમના મોંમાં ગરમ ભજિયું મૂકી દેતા, બાપુજી ભર્યા મોંએ ખડખડાટ હસતા. ઘર તો હતુવટવૃક્ષ. સ્વજન જેટલું વહાલું. મુંબઈના દીવાસળીના ખોખા જેવા ઘરની બહુમાળી ઇમારતમાં ધરતીની પ્રીત અને માટીની મહેક ક્યાંથી લાવવી?

ન એ ઘર રહ્યું હતું ન તે પતિ રહ્યા હતા કે પછી પોતે જ તે સાવિત્રી રહી નહોતી! ધીંગી ધારાના વરસાદમાં તે મૂળસોતી ઊખડી ગઈ હોય એમ ખોબલે આંસુ રડી પડી.

€ € €

કેરળની હૉલિડે પરથી પાછા ફર્યા પછી પણ કરણ તરત કાજલને ન મળી શક્યો. ઑફિસમાં ખૂબ કામ રહેતું. પર્સનલ ફોન સ્વિચ-ઑફ હતો. મિસ્ટર ઍન્ડ મિસિસ મહેતા - નલિન મહેતા અને સુસ્મિતા. તેમનો નિયમ હતો કે વર્ષે‍-બે વર્ષે‍ થોડા સ્વજનો સાથે વેકેશન માણવા ઊપડી જાય. બે વર્ષ પહેલાં થાઇલૅન્ડ ગયેલાં. મહેતા બિલ્ડર્સ કોલૅબરેશનમાં દુબઈમાં એક પ્રોજેક્ટની તૈયારી કરી રહ્યા હતા. તે પહેલાં કેરળ ગયા હતા.

કરણને બધા સાથે જવું નહોતું ગમતું, પણ મમ્મીના આગ્રહ કે દબાણ નીચે જવું પડતું. કાજલે હઠ કરેલી, ‘આપણે કેમ ન જઈ શકીએ? માત્ર આપણે બે?’

કરણે તરત જ ઘસીને ના પાડી હતી.

‘આર યુ મૅડ? આપણે આઠ દિવસ વેકેશન પર? તું ઘરે શું કહીશ? ખબર પડ્યા વિના રહેશે? મમ્મી મારા ફ્રેન્ડ્સને ઓળખે છે. કોની સાથે ગયો હતો પૂછે અને પૂછે જ. તો શું કહું? અને આ બધી પબ્લિસિટી અમારા પ્રોજેક્ટ માટે પણ સારી ન ગણાય કાજલ. રિલૅક્સ.’

કાજલ મન મારીને રહી હતી. બીજું કરી પણ શું શકે એમ હતી? કૉલેજ જવું ખાસ ગમતું નથી, પણ સાવ ભણવાનું છોડી દે તો ઘરમાં તો હોબાળો મચે, પણ કરણનેય બિલકુલ ન ગમે. કરણ જેવા બ્રિલિયન્ટ પ્રોફેશનલની જીવનસંગિની સાવ ગ્રૅજ્યુએટ પણ નહીં, બીકૉમ તો થશે જ.

કેટલાય દિવસ ઍડ એજન્સીના ચક્કર કાપ્યાં પછી પ્રેશર કુકરની ઍડ મળી છે. પૈસા બહુ નથી મળવાના અને ગૃહિણી બનીને સાડીમાં ઍડ કરવાની છે. તે તો ના પાડવામાં જ હતી, પણ અનુની સમજાવટથી કાજલે શૂટિંગ કર્યું. તેની દલીલ હતી : અનુ! હું હાઉસ-વાઇફની ઍડ કરીશ તો મારી એ જ ઇમેજ થઈ જશે. મને ટીનેજરની ગ્લૅમરસ ઍડ જોઈએ છે.

અનુ હસી પડતી : તું કઈ દુનિયામાં વસે છે? આજુબાજુ જોતી નથી? સસ્તા સાબુની જાહેરખબરમાં પણ ટૉપની બૉલીવુડની હિરોઇનો કૂદી પડે છે તો તારો ભોજિયોય ભાવ ન પૂછે, સમજી! કરણનો ટાવર્સનો પ્રોજેક્ટ પૂરો થાય ત્યાં તો હોર્ડિંગ્સ ઊતરી જશે અને નવી ગિલ્લી નવો દાવ. કાજલની જગ્યાએ રીમા... કિયા... લંબી ક્યૂ હૈ કાજલ. ક્યાંય ફેંકાઈ જશે. જે ઍડ મળે એ લઈ લે.

કરણે પણ કહેલું : પહેલું પગલું હું ભરાવું પછી ચાલવાનું તારે; હા, સલાહ જોઈએ તો બંદા હાજર.

ભલે, તો એમ.

કાજલ કોશિશ કરે છે. નાનાં-નાનાં કામ મળતાં રહે છે. કોઈ સેલિબ્રિટી, ફૉરેનર મહેમાનનું ફાઇવસ્ટાર હોટેલમાં તે સ્વાગત કરે છે તો નવા ફૅશન-ડિઝાઇનરના ફૅશન-શોમાં રૅમ્પ-વૉક કરી લે છે. કારની જરૂર પણ છે અને સ્ટેટસ સિમ્બૉલ. તરુણે કહ્યું છે કે સારા ભાવે સોદો કરાવી આપશે. ડ્રાઇવર પણ રાખવો પડે. મન અવઢવમાં છે. બૅન્ક-બૅલેન્સ ખતમ થઈ ગયું તો? કરણનો બીજા ટાવરનો પ્રોજેક્ટ ક્યારે શરૂ થાય, ઍડનું ક્યારે શૂટિંગ થાય અને પૈસા મળે; પણ પ્રોજેક્ટ ટેક-ઑફ ન લે તો! અથવા અધવચ્ચે જ... વિચારતાં પણ ડર લાગે છે.

તરુણ સાથે દિલ ખોલીને વાત કરી હોય તો?

‘હું આવીને કોઈ સારી સેકન્ડ-હૅન્ડ કારની ગોઠવણ કરી આપીશ. બહારગામ જાઉં છું, જોઈશું.’

અને તરુણ ગોવા ઊપડી ગયો.

€ € €

જળ ભરેલાં વાદળાં વરસી ગયાં છે. સદ્યસ્નાતા આકાશ સ્વચ્છ લાગે છે. ઝગમગતો, તડકાની પીળી ઝાંયવાળો ઉઘાડ નીકળ્યો છે. કલાકો કાર ડ્રાઇવ કરી શંકર અને પ્રકાશ થાકીને ચૂર થઈ ગયા હતા. પ્રકાશ તેના માનીતા બારમાં મલાડ ચાલી ગયો. આજે ઘણા દિવસે શંકર અને તરુણ ગોરાઈ આવ્યા હતા, પણ શનિવારની વરસાદી સાંજે ભીની મોસમમાં બધી કૉટેજ ભરચક. મુંબઈગરા આમ પણ શનિ-રવિ ઘરમાં નથી રહેતા તો આવી મસ્ત મોસમનો તેમને છાક ન ચડે તો જ નવાઈ.

શંકરે ભીની રેતીમાં લંબાવી દીધું. આજે તેમની માનીતી કૉટેજમાં તેના માલિકની પાર્ટી છે. ‘આ ક્રેટ ત્યાંના ઑર્ડરનું છે, ત્યાં પહોંચાડી આવીશ?’

‘ત્યાં હું જાઉં છું. વરસાદમાં અહીં રહેવાની સગવડ તો કરવી પડશેને.’

તરુણ ક્રેટ લઈ કૉટેજ પર આવ્યો. અંદરથી મ્યુઝિક અને મજાક-મસ્તીના અવાજ આવી રહ્યા હતા. તરુણ થાકી ગયો હતો. ફરી ઉપરાઉપરી બેલ મારી. લહેર છે આ નબીરાઓને! બાપનું રાજપાટ સીધું હાથમાં. બસ, પછી એક જિંદગી, એક જશન!

સિગારેટ પીતી એક યુવતીએ ધુમાડાનો ગુબ્બાર ઉડાડતાં બારણું ખોલ્યું. તરુણના હાથમાં વ્હિસ્કીનું ક્રેટ જોઈને ઊછળી પડી.

‘કમ ઇન માય ડિયર બૉય.’

તરુણ અંદર આવ્યો. પલંગ પર આડીઅવળી ગોઠવાયેલી ચાર-પાંચ જુવાન યુવતીઓ પત્તાં ખેલી રહી હતી. મહેફિલ બરાબર જામી હતી. એક યુવતી ઊભી થઈ, બાજી પાથરી રહેલા યુવાનને ચુંબન કર્યું અને પલંગ પરથી કૂદકો મારતી નીચે ઊતરી આળસ મરડતી બારી તરફ જવા વળી.

‘પેમેન્ટ મૅમ.’

ઘેરો અવાજ અને એનો રણકો. યુવતી ચમકીને પાછળ ફરી. પૃથ્વી એની ધરી પર ઝડપથી ફરી ગઈ હોય એમ ઘડીભર સઘળું હાલકડોલક થઈ ગયું. ઘડી-બે ઘડી. જાત સંભાળી તે સ્વસ્થ્ય થઈ. હોઠ પર આછું સ્મિત. શરીરને થોડી લચક આપી ઝુલાવ્યું અને સામે જોયું.

તરુણ અને કાજલની નજર એકમેકને વીંધતી બંદૂકની ગોળીની જેમ આરપાર નીકળી ગઈ.

(ક્રમશ:)