છાશવારે છમકલાં કરવાં એ ઠાકરેપરિવારની છે મજબૂરી

09 September, 2012 08:03 AM IST  | 

છાશવારે છમકલાં કરવાં એ ઠાકરેપરિવારની છે મજબૂરી



નો નૉન્સેન્સ - રમેશ ઓઝા


મુંબઈમાં ઠાકરેપરિવાર સમયાંતરે યુદ્ધે ચડે છે. સાડાચાર દાયકા જૂની આ પરંપરા છે. પહેલાં ગુજરાતી, પછી દક્ષિણ ભારતીય, પછી મુસલમાનો, પછી ઉત્તર ભારતીય અને હવે બિહારીઓ. મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાની હયાતી બતાવવા તેમણે છાશવારે છમકલાં કરવાં પડે છે. આ તેમની મજબૂરી છે, વીરતા નથી. સાડાચાર દાયકામાં વીરતાનું એક પણ ઉદાહરણ બાળ ઠાકરે કે તેમના પરિવારે બતાવ્યું નથી માટે બિહારીઓએ ડરવાની જરૂર નથી. નહીં ડરવા માટેનાં બે કારણો છે : એક તો મૂળભૂત કારણ છે અને બીજું ઠાકરેશાહીનું વાંઝિયું રાજકારણ છે. પહેલાં મૂળભૂત કારણની વાત કરીએ.

સ્થળાંતર માણસનો સ્વભાવ છે અને માણસની જરૂરિયાત પણ છે. થોડાક આદિવાસીઓને છોડીને જગતમાં એવી એક પણ પ્રજા નથી જેણે સ્થળાંતર ન કર્યું હોય. આદિવાસી પ્રજાતિઓમાં પણ સ્થળાંતર નોંધાયાં છે. ખાસ કરીને બહારથી આવેલી પ્રજાએ કરેલાં આક્રમણોને કારણે આદિવાસીઓએ પોતાની ભૂમિ છોડીને અન્યત્ર જવું પડ્યું છે. વિદેશી આર્યોએ કરેલા આક્રમણને કારણે ભારતની મૂળ દ્રવિડ પ્રજાને ઉત્તરથી દક્ષિણમાં અને જંગલોમાં નાસી જવું પડ્યું હતું એવી એક થિયરી છે. જે આદિવાસી પ્રજા નાસી નહોતી ગઈ એનું કહેવાતી સભ્ય પ્રજાએ નિકંદન કાઢી નાખ્યું છે, જેમ કે ઑસ્ટ્રેલિયાની આદિવાસી પ્રજાતિઓને યુરોપિયનોએ વીણી-વીણીને મારી નાખી હતી. આજે ઑસ્ટ્રેલિયાની મૂળ આદિવાસી પ્રજાની લોકસંખ્યા એની કુલ વસ્તીના બે ટકાથી ઓછી છે. આમ પ્રજાઓનું સ્થળાંતર અનિવાર્ય એટલે કે જેને નિવારી ન શકાય એવું છે.

કાર્લ માર્ક્સે માનવઇતિહાસનો અભ્યાસ કર્યા પછી તારણ કાઢ્યું હતું કે વર્ગસંઘર્ષ એ જગતના ઇતિહાસની વાસ્તવિકતા છે. આ કદાચ સંપૂર્ણ સત્ય નથી. સંપૂર્ણ સત્ય એ છે કે સ્થળાંતર એ જગતના ઇતિહાસની વાસ્તવિકતા છે અને હવે પછીના ઇતિહાસની તો એ પરમ વાસ્તવિકતા હોવાની. માનવી સ્થળાંતર કરે છે એની પાછળ સાધારણ રીતે બે પ્રેરણા કામ કરતી હોય છે. એક સુરક્ષા અને બીજી આજીવિકા. માણસ જીવ બચાવવા કે રોટલાની શોધમાં એકથી બીજી જગ્યાએ જતો હોય છે. પહેલાંના યુગમાં પ્રવાસનાં સાધનો ટાંચાં હતાં એટલે સ્થળાંતર ધીમું હતું અને મોટા ભાગે નજીકના પ્રદેશમાં થતું હતું. આજે પ્રવાસનાં સાધનો ઉપલબ્ધ છે એટલે સ્થળાંતર ઝડપથી થઈ રહ્યું છે અને માણસ દૂરદરારના અજાણ્યા પ્રદેશમાં પણ જવા લાગ્યો છે. આમ સ્થળાંતર ઝડપથી થઈ રહ્યું છે, બહોળા પ્રમાણમાં થઈ રહ્યું છે અને ભૌગોલિક રીતે સાર્વત્રિક થઈ રહ્યું છે. વિશ્વ દિવસે-દિવસે નાનું થઈ રહ્યું છે અને નાનકડા વિશ્વની આ મોટી વાસ્તવિકતા છે.

સ્થળાંતર જો માનવજીવનની વાસ્તવિકતા હોય તો કોઈની તાકાત નથી કે એને અટકાવી શકે. અમેરિકા અને યુરોપના સામર્થ્યવાન દેશો લાચાર છે. ૨૦૫૦ સુધીમાં અમેરિકામાં મૂળ અમેરિકનો લઘુમતીમાં હશે એ સ્વીકારી લેવામાં આવેલું સત્ય છે અને અમેરિકનો પણ ક્યાં અમેરિકાના મૂળ વતનીઓ છે. એ પણ આગંતુક છે. મને ખાતરી છે કે ૨૦૫૦ પછી અમેરિકન બંધારણમાં સુધારો કરવામાં આવશે અને એશિયન અમેરિકનને પ્રમુખ બનવાની છૂટ આપવામાં આવશે. આવું જ જગતના બીજા દેશોમાં થવાનું છે. ભારતે જો વિશ્વના સમૃદ્ધ દેશ બનવું હોય તો ભારતીયોએ પણ આગંતુકની વાસ્તવિકતા સ્વીકારવી પડશે. ગોળ હોય ત્યાં મંકોડા આવે, આવે ને આવે જ. લુખ્ખાના ઘરે મંકોડા નથી જતા. આપણે લુખ્ખા રહેવું છે કે સમૃદ્ધ બનવું છે એનો નિર્ણય લઈ લેવો પડશે. પાંચમાં પુછાવું છે અને મહેમાન નથી જોઈતા એવું તો કંઈ ચાલે!

માનવઇતિહાસની બીજી વાસ્તવિકતા પણ ગાંઠે બાંધી લેવા જેવી છે. સ્થાનિક માણસ કરતાં આગંતુક માણસ વધારે પુરુષાર્થી હોવાનો. આ તેની જરૂરિયાત છે. જીવ બચાવવાનો છે અને અજાણ્યા પ્રદેશમાં જગ્યા બનાવવાની છે. સ્થાનિક માણસને આ બે ચિંતાઓ હોતી નથી એટલે તે જિંદગીમાં ઓછો ઉદ્યમી હોવાનો. હવે વિચારો કે કાર્લ માર્ક્સ કહે છે એમ સમાજની અંદર નિરંતર ચાલી રહેલા સ્વાર્થના સંઘર્ષમાં વિજય કોનો થવાનો? સંઘર્ષશીલ ઉદ્યમીનો કે નિરાંતે જીવનારાઓનો? માનવઇતિહાસનું બીજું સત્ય એ છે કે સ્થાનિક અને આગંતુક વચ્ચે થતા આવેલા સંઘર્ષમાં હંમેશાં આગંતુકનો વિજય થયો છે. તમને એવું એક પણ ઉદાહરણ નહીં મળે જેમાં સ્થાનિક માણસનો કાયમ માટે વિજય થયો હોય.

માનવઇતિહાસનું ત્રીજું સત્ય પણ નોંધી લો. આ જગતમાં માનવીએ જે કંઈ વિકાસ કર્યો છે એ આગંતુકોએ કરેલો અને આગંતુકો થકી થયેલો વિકાસ છે. ઠાકરેપરિવારને જે શહેર જીવ કરતાંય વધારે વહાલું છે (એવો તેમનો દાવો છે) એ મુંબઈ શહેરનો વિકાસ આગંતુકોએ કર્યો છે અને આગંતુકો જ આજે એનો વિકાસ કરી રહ્યા છે. મુંબઈના વિકાસમાં ગુજરાતીઓ (જેમાં પારસીઓ આવી જાય છે)નો ફાળો અતુલનીય છે. મરાઠા ચાંચિયાઓ જ્યારે મુંબઈને રંજાડતા હતા ત્યારે ગુજરાતીઓ મુંબઈનું ઘડતર કરતા હતા. બીજી બાજુ તિબેટનું ઉદાહરણ જુઓ. તિબેટમાં આગંતુકના પ્રવેશ પર પ્રતિબંધ હતો. ધીરે-ધીરે સ્થિતિ એવી બની કે તિબેટ જગતના નકશા પર હોવા છતાંય ભૂંસાઈ ગયું હતું. ચીન જ્યારે તિબેટને ગળી ગયું ત્યારે તિબેટને જગતની જરૂર હતી, પરંતુ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તિબેટ વીસરાઈ ગયેલો દેશ હતો. એકલા જીવવાની અને જગતના વિસરામણની કિંમત કેવડી મોટી હોય છે એનું તિબેટ ઉદાહરણ છે. આજકાલ એકલા જીવવાની કિંમત જપાન ચૂકવી રહ્યું છે. જપાન વિદેશીઓને નાગરિકત્વ આપતું નથી. જ્યાં સુધી જપાન વિશ્વનો આર્થિક રીતે અગ્રેસર દેશ હતો ત્યાં સુધી વિદેશીઓ પરમિટ વીઝા પર જપાન જતા હતા. હવે જ્યારે જગતના અનેક દેશોમાં તક ઉપલબ્ધ છે તો વિદેશીઓ માત્ર પરમિટ વીઝા પર જપાન શા માટે જાય? વીતેલા યુગમાં જપાન અગ્રેસર હતું અને આજના વૈશ્વિકરણના યુગમાં એ પાછળ ધકેલાઈ ગયું છે, કારણ કે વિદેશીઓએ જપાનનો હાથ છોડી દીધો છે. આગંતુકોના અભાવમાં એક સમયનો સમૃદ્ધ દેશ અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે.

અને આ મુદ્દે છેલ્લી દલીલ. છેલ્લા સાડાચાર દાયકાનો મુંબઈની વસ્તીનો અભ્યાસ કરીને બતાવો કે મુંબઈમાં આગંતુકોના આગમનમાં શિવસેનાને કારણે કેટલો ઘટાડો થયો? જરા પણ નહીં. સમુદ્રમાં કૂવાને બચાવવા જેવો વાંઝિયો પ્રયત્ન છે આ. ઠાકરેપરિવાર આ જણે છે, પરંતુ મરાઠીઓ જ્યાં સુધી આગંતુકો સામે ઉશ્કેરાયેલા રહેશે ત્યાં સુધી વાંઝિયું રાજકારણ એના કરનારા નેતાઓને વળતર આપતું રહેશે. મરાઠીઓએ યાદ રાખવું જોઈએ કે મહારાષ્ટ્રના હીરો છત્રપતિ શિવાજીનો પરિવાર રાજસ્થાનથી આવીને મહારાષ્ટ્રમાં વસ્યો હતો અને એ આગંતુકના વંશજ શિવાજીએ મહારાષ્ટ્રનો અને ભારતનો ઇતિહાસ રચ્યો છે.

બિહારીઓને ડરવાની જરૂર નથી એનું બીજું કારણ એ છે કે ઠાકરેપરિવારના ધમપછાડા પણ સાચા ઈમાનદારીપૂર્વકના નથી હોતા. સાડાચાર દાયકાનો ઇતિહાસ એમ કહે છે. કાન નીચે બજાવવાની ધમકી આપવામાં આવે છે, પરંતુ આક્રમક રાજકારણ કરવા માટેની કોઈ લાયકાત બાળ ઠાકરે કે શિવસેના તેમ જ તેમના ભત્રીજા રાજ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનર્મિાણ સેના ધરાવતાં નથી. સુરક્ષિત અને સુખરૂપ જીવન જીવીને ઠાલી ધમકીઓ દ્વારા જેટલું નિભાવી શકાય એટલું નિભાવવાનો ઠાકરેપરિવાર પ્રયત્ન કરે છે. આક્રમક રાજકારણ કરવા માટે જિગર જોઈએ. લોકોની વચ્ચે જવું પડે. બહોળો પ્રવાસ કરવો પડે. ઘરના દરવાજા લોકો માટે ખુલ્લા હોય. લોકોની સાથે અને લોકોની વચ્ચે રસ્તા પર ઊતરવું પડે, પોલીસની લાઠી કે ગોળી ખાવી પડે, જેલમાં જવું પડે અને કદાચ પ્રાણ પણ આપવા પડે. બાળ ઠાકરે અને ઠાકરેપરિવારના કોઈ સભ્યે આવું સાહસ કર્યું હોય એવું સપનું પણ તમને આવ્યું છે? સાહસ કે જોખમ તેમના સ્વભાવમાં નથી. ઇમર્જન્સી એનું ઉદાહરણ છે. ઇન્દિરા ગાંધીએ ઇમર્જન્સીમાં પૂંગી બજાવી ત્યારે બાળ ઠાકરે શિસ્તબદ્ધ અનુયાયી બની ગયા હતા.

ખેર, આગંતુકને એનાથી કોઈ ફરક પડતો નથી. ઠાકરેપરિવાર પરપ્રાંતીયવિરોધી રાજકારણ ગંભીરતાથી કરે તો પણ આગંતુકનું આગમન અટકવાનું નથી, કારણ કે પ્રત્યેક આગમન ગંભીર હોય છે. આગંતુક બધું જ પાછળ છોડીને, જીવની બાજી લગાવીને નવી જિંદગી શરૂ કરવા આવતો હોય છે. જિંદગીને થાળે પાડવાની જદ્દો જહદ સત્તાના રાજકારણ કરતાં અનેકગણી ગંભીર હોય અને કોઈ ગંભીર પ્રયત્ન નિષ્ફળ નથી જતો.