આજે ફિલ્મોનું ગીત-સંગીત દારૂ પર જ ચાલે છે

09 September, 2012 08:00 AM IST  | 

આજે ફિલ્મોનું ગીત-સંગીત દારૂ પર જ ચાલે છે



બૉલીવુડનો જે ગોલ્ડન પિરિયડ હતો એ ખતમ થઈ ગયો છે. એક સમય હતો જ્યારે ભારતીય સંગીતની પોતાની એક છાપ હતી, કર્ણપ્રિયતા હતી; પણ હવે એ નથી રહી. હૉસ્પિટલમાં જેમ વેન્ટિલેટર પર પેશન્ટને ઉછીનો શ્વાસ આપવામાં આવે એમ અત્યારે ભારતીય સંગીતની જે છાપ હતી એ ઉછીના શ્વાસ સાથે જીવી રહી છે. એના માટે જો કોઈનો વાંક હોય તો એ જેટલો સંગીતકારનો છે એટલો જ મ્યુઝિક-કંપનીનો પણ છે. મ્યુઝિક-કંપનીને કેવું મ્યુઝિક જોઈએ છે એનો અંદાજ લગાવીને મ્યુઝિશ્યન ફિલ્મનું મ્યુઝિક બનાવે છે. ખોટું છે આ. ફિલ્મની સ્ક્રિપ્ટ અને સિચુએશન મહત્વનાં હોય, મ્યુઝિક-કંપનીની ઇચ્છા નહીં. પ્રોડ્યુસર પણ કંઈ બોલતો નથી. તે જો વિરોધ કરે તો મ્યુઝિક-કંપની અને મોટું નામ ધરાવતો મ્યુઝિક-ડિરેક્ટર બન્ને હાથમાંથી જાય. હવે કામ નહીં પણ નામ સાંભળીને કામની ચર્ચા થાય છે. અમારા સમયમાં આવું નહોતું. અમારા વખતમાં તો કામનું જ મૂલ્ય આંકવામાં આવતું જે સાચું હતું. સ્ક્રિપ્ટ અને સિચુએશન મુજબનું મ્યુઝિક બનતું ન હોય તો આખી સ્ક્રિપ્ટ અને સિચુએશનને ચેન્જ કરવામાં આવ્યાં હોય એવા અનેક દાખલા મને ખબર છે. રાઇટર અને મ્યુઝિક-ડિરેક્ટરને આમ જોઈએ તો ક્યારેય ડાયરેક્ટ કનેક્શન નથી હોતું. મને યાદ છે કે ‘સચ્ચા-જૂઠા’, ‘જૉની મેરા નામ’ અને ‘ધર્માત્મા’ જેવી ફિલ્મોમાં અમે ડિરેક્ટર અને રાઇટરની સાથે

એક-એક વીક સુધી બેઠા હતા અને એ ફિલ્મોમાં નાના-મોટા ચેન્જ સાથે ગીતની સાચી જગ્યાઓ બનાવી હતી. હવે તો ગીતની કોઈ જગ્યા વિચારવામાં આવતી નથી. અત્યારના એક મ્યુઝિક-ડિરેક્ટર તો પ્રોડ્યુસરને ક્લિયરલી એવું કહે છે કે એકથી બે પૉપકૉર્ન સૉન્ગ તો લેવાં જ પડશે, જેમાં લોકો બહાર જઈને પૉપકૉર્ન કે વડાપાંઉ ખરીદી શકે. સીધા શબ્દોમાં કહું તો બિલકુલ ફાલતુ ગીત જેને ફિલ્મના સબ્જેક્ટ કે વાર્તાના પ્રવાહ સાથે કોઈ નિસબત ન હોય. આવી માનસિકતાની આડઅસર ઑડિયન્સ પર પણ થઈ છે. અત્યારે ભલે હું રિટાયર હોઉં, પણ ઇન્ડસ્ટ્રીના અમુક આંકડાઓ તો સ્વાભાવિક રીતે મારી પાસે આવતા હોય છે. આ આંકડાઓ મુજબ અત્યારે માંડ બાવીસથી પચીસ ટકા મ્યુઝિક પૈસા આપીને ખરીદવામાં આવે છે. બાકી કાં તો કૉપી કરવામાં આવે છે અને કાં તો એફએમ રેડિયો પર સાંભળી લેવામાં આવે છે.

મ્યુઝિક જો કર્ણપ્રિય હશે તો એનું આયુષ્ય લાંબું રહેશે અને જે મ્યુઝિકનું આયુષ્ય લાંબું હોય છે એ હંમેશાં ખરીદાઈને ઘરમાં આવતું હોય છે.

ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’નું મ્યુઝિક પ્રૉપર મ્યુઝિક હતું. માત્ર જિજ્ઞાસા ખાતર મેં એ મ્યુઝિક-સેલનાં ફિગર્સ મગાવ્યાં હતાં એટલે મને ખબર પડી હતી કે ફિલ્મ રિલીઝ થયા પછી માત્ર ૧૮ દિવસમાં એની ઑડિયો સી.ડી. ટોટલી સોલ્ડ-આઉટ હતી અને કંપનીએ બીજા બે લૉટ પણ વેચી નાખ્યા હતા. જો પાઇરસી બધાને નડતી હોય તો આ કે એના જેવી બીજી ફિલ્મોને કેમ પ્રૉબ્લેમ ફેસ નથી કરવો પડતો? આ એક મહત્વનો સવાલ છે અને આનો જવાબ પણ ઇન્ડસ્ટ્રીના લોકો પાસે છે. યશરાજ ફિલ્મ્સ જેવું મોટું બૅનર હોય, જેનું મ્યુઝિક એક લૅન્ડમાર્ક ગણાતું હોય એ કંપનીની ફિલ્મ ‘એક થા ટાઇગર’નું મ્યુઝિક રિલીઝ થયા પછી પણ ધ્યાન પર ન આવે. બે મહિના પછી ફિલ્મ રિલીઝ થાય, ફિલ્મ ચાલે પણ મ્યુઝિકની કોઈ નોંધ ન લે એ જોયા પછી આપણે પણ કબૂલ કરવું પડે કે હવે મ્યુઝિકનું કોઈ મહત્વ નથી રહ્યું. ફિલ્મમાં ગીત મૂકવા ખાતર મૂકવામાં આવે છે. અત્યારે એકાદ મ્યુઝિક-ડિરેક્ટર પૉપકૉર્ન સૉન્ગની વાત કરે છે, આવતા દિવસોમાં બધા પૉપકૉર્ન સૉન્ગની વાત કરશે અને પછી ફિલ્મનાં બધાં સૉન્ગ પૉપકૉર્ન કૅટેગરીનાં થઈ જશે. મને લાગે છે કે પાંચ વર્ષ પછી એક તબક્કો એવો આવશે જ્યારે ડિરેક્ટર ફિલ્મ બનાવીને છૂટો થઈ જશે. પ્રોડ્યુસર, મ્યુઝિક-ડિરેક્ટર અને મ્યુઝિક-કંપની સાથે મળીને ફિલ્મમાં સૉન્ગ ગોઠવી દેશે. ફિલ્મ અને ફિલ્મનાં ગીતો વચ્ચે કોઈ રિલેશન નહીં હોય.

ગીતો સાહિત્યને શરમાવે છે


મ્યુઝિકની જેમ જ આજનાં ગીતોનું પણ કોઈ ભવિષ્ય નથી. ગંદા શબ્દો અને સાહિત્ય સાથે કંઈ લાગતુંવળગતું ન હોય એવાં ગીતો આજકાલ લખાઈ રહ્યાં છે. આમ તો બધાને ખબર છે કે હવે પહેલાં ટ્યુન બને છે અને પછી એના પર ગીત લખવામાં આવે છે. આ તો એવી વાત થઈ કે પહેલાં તડકો (વઘાર) તૈયાર કરવામાં આવે અને પછી નક્કી કરવામાં આવે કે એમાંથી દાળ બનાવવી છે, શાક કે પછી સાંભાર. કાપડ લીધા પછી નક્કી ન થાય કે પૅન્ટ કરાવીશું કે શર્ટ? પહેલાં શું કરાવવું છે એ નક્કી થાય અને પછી એની ખરીદી કરવાની હોય. સિત્તેરના દાયકામાં આવું નહોતું. કાયદેસર ગીત પહેલાં લખાતું કે પસંદ કરવામાં આવતું અને પછી એના પર અલગ-અલગ કમ્પોઝિશન બનતું અને પછી એનું રેકૉર્ડિંગ શરૂ થતું. આ સાચી પદ્ધતિ છે. જ્યારે સાચી રીત છોડવામાં આવે ત્યારે ખોટી અને જરૂરી ન હોય એવી બનાવટ સર્જાવા લાગે છે. અત્યારના ગીતના શબ્દોમાં એવું જ છે. ‘ચડી મુઝે યારી તેરી ઐસી, જૈસે દારૂ દેસી...’, ‘ચિકની ચમેલી પૌઆ ચઢાકર આયી...’, ‘ગણપત ચલ દારૂ લા...’ બધું દારૂ પર જ ચાલે છે જુઓ.

નકલ થાય છે ખુલ્લેઆમ

નકલ કે ઉઠાંતરીનો આક્ષેપ જે રીતે મ્યુઝિક-ડિરેક્ટર પર લાગી રહ્યો છે એ શરમજનક છે. એવું નથી કે અગાઉ કોઈ પ્રાન્તના મ્યુઝિક પરથી પ્રેરણા લેવામાં ન આવી હોય. પ્રેરણા લેવામાં કંઈ ખોટું પણ નથી. અમે પોતે એવું કરતા. સ્વાભાવિક છે કે તમે દુનિયાભરનું મ્યુઝિક તો ન જ સાંભળ્યું હોય, જ્યારે જે જરૂર પડે એ પ્રાન્તનું મ્યુઝિક સાંભળ્યું હોય; પણ એ સાંભળ્યાં પછી જ્યારે-જ્યારે જરૂર પડી છે ત્યારે-ત્યારે જે-તે સ્થાનિક કમ્પોઝર પાસેથી અમે ઑફિશ્યલી રાઇટ્સ લીધા છે. પ્રોડ્યુસર અને ડિરેક્ટર પણ એટલી કૅર કરતા કે એ રાઇટ્સ લેવાની પરમિશન આપતા. અમારા સમયમાં અમે એક હજારથી વધુ લોકલ મ્યુઝિકના રાઇટ્સ લીધા હતા. હવે કોઈ એવી કૅર કરતું નથી. જેનું કમ્પોઝિશન ચોરવામાં આવ્યું હોય છે તે બિચારો નાનો માણસ છે, તેની મહેનત છે. કોઈની મહેનત શું કામ ચોરવી જોઈએ? આ બધું જોઈએ ત્યારે જીવ બળે છે. આવી ચોરી એ જ કરે જેને ઇન્સ્ટન્ટ સક્સેસ જોઈતી હોય છે. સાચી સફળતાની રેસિપી લાંબી ચાલે છે, પણ એ જ્યારે મળે છે ત્યારે નક્કર હોય છે.

સીઝનલ સિંગરનો જમાનો છે

સિન્ગિંગ કૉમ્પિટિશન પર કોઈ બંધન ન હોવાથી હવે સીઝનલ સિંગર આવી ગયા છે. દર વર્ષ, બે વર્ષ સિંગરનું આયુષ્ય પૂરું થાય અને કૉમ્પિટિશનમાંથી નવા સિંગર માર્કેટમાં આવે. સસ્તા, સારા અને ટકાઉ ગાયકો હવે રહ્યા નથી. પહેલાં તો એવું હતું કે સિંગર પોતે જેના માટે ગાવાનો છે એ ઍક્ટરની બૉડી-લૅન્ગ્વેજને ધ્યાનમાં રાખીને ગાતો. ગીત વાગતું હોય ત્યારે તમને એ જ ઍક્ટર આંખ સામે આવે. સિંગરનું આ ડેડિકેશન હતું. આજના સિંગર બિચારા એટલું જ ડેડિકેશન રાખવાની મહેનત કરે તો પણ કંઈ વળવાનું નથી, કારણ કે તે બિચારાઓને ખબર છે કે આવતા વર્ષ ટીવીને કારણે માર્કેટમાં નવા વીસ-ત્રીસ સિંગર ઉમેરાવાના છે અને પછી ચૅનલ એ લોકોને એવા પ્રમોટ કરશે કે તેમનું માર્કેટ ખતમ થઈ જશે. આવી મજબૂરી ક્રીએટ થાય ત્યારે તમે સિંગર પાસેથી વધારે શું અપેક્ષા રાખી શકો?    

એફએમ = ફ્રીક્વન્સી મૉડ્યુલેશન, સી.ડી. = કૉમ્પેક્ટ ડિસ્ક

આણંદજી શાહ


૧૯૫૬થી ૧૯૯૫ એટલે કે એકધારા ચાર દસકા સુધી બૉલીવુડની હિન્દી મ્યુઝિક-ઇન્ડસ્ટ્રી પર રાજ કરનારા કલ્યાણજી-આણંદજી જોડીના ૭૯ વર્ષના આણંદજી શાહનો જન્મ કચ્છના કુંદરોડી ગામમાં થયો હતો. મોટા ભાઈ સાથે મ્યુઝિક-પેર બનાવ્યા પછી ૨૦૪ ફિલ્મમાં મ્યુઝિક આપનારા શાહબંધુએ ‘કુરબાની’, ‘સરસ્વતીચંદ્ર’, ‘કોરા કાગઝ’, ‘મુક્દ્દર કા સિકંદર’, ‘સફર’, ‘ઉપકાર’, ‘ઝંજીર’, ‘ડૉન’, ‘ત્રિદેવ’ જેવી ૪૨થી વધુ ફિલ્મોમાં સુપર-ડુપર હિટ મ્યુઝિક આપ્યું હતું. એક સમયે કલ્યાણજી-આણંદજી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ધુરંધર કહેવાય એવા ડિરેક્ટર મનમોહન દેસાઈ, પ્રકાશ મહેરા, મનોજકુમાર, ગુલશન રાયના ફેવરિટ હતા. પોતાની કરીઅરની ૨૦૪ ફિલ્મમાંથી કલ્યાણજી-આણંદજીએ ૩૭ ફિલ્મ તો આ ડિરેક્ટર-પ્રોડ્યુસર સાથે કરી છે. પ્રોફેશનલ કરીઅર દરમ્યાન ૩૦થી વધુ અવૉર્ડ જીતનારી આ બેલડીમાંથી મોટા કલ્યાણજીભાઈનું અવસાન થયા પછી નિવૃત્ત જીવન જીવી રહેલા આણંદજીભાઈએ ‘લિટલ વન્ડર્સ’ નામનું બાળકોનું એક મ્યુઝિકલ ઑર્કેસ્ટ્રા બનાવ્યું હતું જેણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને વીસથી વધુ સિંગર કે અલગ-અલગ ઇન્સ્ટ%મેન્ટ્સ વગાડતા આર્ટિસ્ટ્સ ભેટ આપ્યા. ૮૦ના દાયકામાં અમિતાભ બચ્ચને વર્લ્ડ ટૂર કરીને અમિતાભ કૉન્સર્ટ કરી હતી જેમાં કમ્પોઝર તરીકે કલ્યાણજી-આણંદજીને સાથે લેવામાં આવ્યા હતા.