આગના ગોળા એકબીજા પર ફેંકવાનો અનોખો ઉત્સવ

09 September, 2012 07:55 AM IST  | 

આગના ગોળા એકબીજા પર ફેંકવાનો અનોખો ઉત્સવ



સેજલ પટેલ

અલ-સૅલ્વૅડોર દક્ષિણ અમેરિકામાં આવેલો સૌથી નાનો દેશ છે. વિસ્તારની દૃષ્ટિએ જોઈએ તો આપણા કેરળ રાજ્યથીયે દસ હજાર સ્ક્વેર કિલોમીટર નાનો, પણ દક્ષિણ અમેરિકાના અન્ય દેશોની સરખામણીએ અહીં જબરજસ્ત ગીચ વસ્તી છે. નાનો વિસ્તાર, ગીચ માણસો ને વળી કુલ ૩૦ જ્વાળામુખીઓને કારણે આ દેશની ઇકૉનૉમી કેમેય ઉપર ઊઠતી જ નથી. છતાં અહીંની પ્રજાનો મોજીલો સ્વભાવ ગમે એવી વિપરીત પરિસ્થિતિઓમાં પણ આનંદ મનાવવાનો છે. કુદરતી આતંકને એણે સહજ સ્વીકારી લીધો છે એટલું જ નહીં, દર વર્ષે એને યાદ કરી-કરીને એક ફેસ્ટિવલ પણ ધામધૂમથી ઊજવે છે. જરા વિગતે વાત કરીએ.

૧૬૫૮ના નવેમ્બર મહિનામાં નેક્સપા ગામ પાસે આવેલો અલ પ્લાયૉન નામનો જ્વાળામુખી ફાટ્યો. અડધી રાતે પણ જાણે દિવસ હોય એટલો પ્રકાશ પથરાઈ ગયો અને ચારેકોર લાવા અને આગના ગોટા પ્રસરી ગયેલા. સદ્નસીબે જ્વાળામુખી ફાટવાની આગોતરી જાણ થઈ જતાં મોટા ભાગના લોકો સ્થળાંતર કરવામાં સફળ રહ્યા અને જાનહાનિ ઘણી ઓછી થયેલી, પણ ધગધગતા અગનગોળાઓ અને લાવા ચોતરફ ફેલાઈ જતાં આખું ગામ નષ્ટ થઈ ગયું. ગામલોકોએ થોડેક દૂર નવું ગામ નામે નેજપા વસાવ્યું. ૬૮૭૦ ફૂટથીયે વધુ ઊંચા ઊડેલા અગનગોળાઓ જેમણે જોયા એ અનેકોના માનસપટમાંથી હટતા નહોતા. ૧૯૧૭માં ફરી એ જ્વાળામુખી ફાટ્યો અને ફરી અગનગોળાઓની યાદો તાજી થઈ ગઈ. એ પછીથી નેજપાવાસીઓએ દર વર્ષે ૩૧ ઑગસ્ટે આ જ્વાળામુખી ફાટવાની યાદો તાજી થાય એવો ફેસ્ટિવલ ઊજવવો શરૂ કરી દીધો. સ્થાનિક ભાષામાં ‘બોલાસ દ ફુએગો’ નામે ઓળખાતા આ ફેસ્ટિવલનું કેન્દ્રસ્થાન છે અગનજ્વાળાઓ. આપણે એને અગનગોળાઓનો ખેલ કહી શકીએ. જેમ જ્વાળામુખીમાંથી આગના ગોળાઓ ઊછળી-ઊછળીને બહાર નીકળે એમ આ ફેસ્ટિવલમાં પણ ખુલ્લા મેદાનમાં આગના ગોળા એકબીજા તરફ ફેંકવાનો શિરસ્તો છે.

લોકો એક મહિના પહેલેથી તહેવારની તૈયારીઓમાં લાગી પડે છે. કાથી અને જાડા કપડાના મોટી નારંગી જેવડા બૉલ્સ બનાવીને એને કેરોસીનમાં પલાળી રાખે છે. ૩૧ ઑગસ્ટની બપોરથી જ મ્યુઝિક અને ઑર્કેસ્ટ્રાના પ્રોગ્રામ શરૂ થઈ જાય છે ને રાતનું અંધારું ઘેરાય એટલે ખરો ફાયરબૉલ્સનો રંગ જામે છે. ફાયરબૉલ્સ સાથે રમનારાઓ ચહેરા પર ડાકણ, ભૂત-પ્રેતનાં કે પછી ફની ચિતરામણો કરીને ખુલ્લા મેદાનમાં ભેગા થાય છે. આ જાંબાઝો માત્ર આગરોધક ગ્લવ્ઝ જ પહેરે છે ને પોતાના જેવા જ ફાયરબૉલ્સ સાથે રમત કરવા નીકળી પડેલા લોકો સામે આગના દડા ફેંકવા મચી પડે છે. પાનો ચડાવે એવું મ્યુઝિક અને આગની ગરમીને કારણે વાતાવરણમાં જબરજસ્ત ઉત્તેજના છવાઈ જાય છે. આગ સાથે અવનવાં કરતબો કરીને જોનારાઓનું મનોરંજન કરવાનો જાણે યુવાનોને પાનો ચડે છે.

આવો ખતરનાક ખેલ તો ગામના એકલદોકલ ખૂણે રચાતો હશે એવું જો તમે વિચારતા હો તો તમે ખોટા પડશો. આગના ખેલને નિહાળવા માટે સ્થાનિક લોકો તો ઠીક, સહેલાણીઓ પણ ખાસ આ ફેસ્ટિવલ નિહાળવા માટે મોટી સંખ્યામાં આવે છે. હવે તો નેજપા ગામમાં જ નહીં, આસપાસનાં શહેરોમાં પણ અગનગોળાનો આ ખેલ ફેલાયો છે. સહેલાણીઓ ફાયર-પ્રોટેક્ટિવ ગ્લવ્ઝ પહેરીને ગોળાઓ હાથમાં રમાડવાના અનુભવથી રોમાંચિત થઈ ઊઠે છે.

અલબત્ત, આખાય આયોજનમાં ક્યાંય ફનનો ફિયાસ્કો ન થાય એની પણ પૂરતી તકેદારી રખાય છે. ગામમાં ઠેર-ઠેર અગ્નિશામક દળો અને ઍમ્બ્યુલન્સ તહેનાત  હોય છે. ફાયરનો રિસ્કી બિઝનેસ હોવા છતાં સ્થાનિક ઑથોરિટી તરફથી પણ જબરજસ્ત પ્રોત્સાહન મળે છે. અલબત્ત, એક માન્યતા એવી પણ છે કે આ ફેસ્ટિવલથી લોકોમાં એકતા વધે છે અને ગમે એવી તકલીફોમાં પણ સાથે રહેવાનો સંદેશ મળે છે. ત્યાંના વડીલોનું કહેવું છે કે દર વર્ષે અગનગોળાઓથી ખેલવા ટેવાયેલા લોકોને જ્વાળામુખીનો કોઈ ડર અડતો નથી.