મનોહર પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ સમા કૅટરિના, ટીટા, ઇસાક જેવાં ભયંકર વાવાઝોડાં કેમ પેદા થાય છે?

09 September, 2012 07:54 AM IST  | 

મનોહર પ્રકૃતિના રૌદ્ર સ્વરૂપ સમા કૅટરિના, ટીટા, ઇસાક જેવાં ભયંકર વાવાઝોડાં કેમ પેદા થાય છે?



સાયન્સ પ્લીઝ - જગદીશચંદ્ર ભટ્ટ

ચોમાસાની પાકી ઓળખ એટલે વરસાદ, પવન, મેઘગર્જના અને વીજળીના કડાકા. સામાન્ય રીતે તો ચોમાસામાં આ બધાં કુદરતી પરિબળો અથવા લક્ષણો જોવા મળતાં હોય છે. જોકે કોઈક વખત વાદળ ફાટવાની ઘટના બને ત્યારે મુશળધાર વર્ષા, તોફાની પવન, કાન ફાડી નાખે એવી મેઘગર્જના અને પર્વતમાં પણ ઊભી તિરાડ પાડી દે એવી વીજળીના પ્રચંડ કડાકાભડાકાનાં બિહામણાં દૃશ્યો સર્જાય. અત્યારે આ ઘટનાનો ઉલ્લેખ એટલા માટે કયોર્ છે કે અમેરિકા પર છાશવારે અતિ ભયાનક અને જીવલેણ સાઇક્લૉનનું આક્રમણ થાય છે. હજી હમણાં જ અમેરિકાના ન્યુ ઑર્લિયન્સ, અલાબામા, મિસિસિપી, લ્યુસિયાના વગેરે રાજ્યોમાં ઇસાક નામનું ભયંકર વાવાઝોડું ફૂંકાયું હોવાની ઘટના તાજી છે. અગાઉ પણ અમેરિકાને કૅટરિના અને રીટા નામના સાઇક્લૉને રીતસર ધમરોળી નાખ્યું હતું અને ભારે વિનાશ વેયોર્ હતો. વિશ્વભરના હવામાનશાસ્ત્રીઓને બહુ આર્ય અને ચિંતા થાય છે કે છેલ્લાં થોડાં વરસથી અમેરિકા પર આમ અચાનક વાવાઝોડાનું વિનાશક આક્રમણ ભલા કેમ શરૂ થયું છે?

 એશિયા ખંડમાં ભારત સહિત પાકિસ્તાન, બંગલા દેશ અને શ્રીલંકામાં પણ વાવાઝોડાં ફૂંકાય છે. જોકે પાડોશી બાંગલા દેશમાં તો વારંવાર તોફાની અને જીવલેણ સાઇક્લૉન ફૂંકાય છે. કહેવાનો અર્થ એ છે કે સમગ્ર વિશ્વનું ક્લાઇમેટ ઊલટસૂલટ અને જોખમી થતું જાય છે. અતિ ઠંડી, અસહ્ય ગરમી, ભારે વર્ષા તથા જીવલેણ વાવાઝોડાનું ભયાનક ચક્ર ફરી રહ્યું છે.

 જોકે પ્રકૃતિના આવા અકળ સ્વરૂપને સામાન્ય માનવી બાપડો ન સમજી શકે એ સ્વાભાવિક છે. એટલે કે સામાન્ય માણસના મનમાં આવાં ઇસાક, કૅટરિના અને રીટા ઉપરાંત હરિકેન અને ટાયફૂન જેવા ચિત્રવિચિત્ર અને અટપટા શબ્દો અને એના અર્થ સમજવા વિશે જબરી જિજ્ઞાસા થાય એ પણ સ્વાભાવિક છે. આમ તો ગુજરાતી ભાષામાં વાવાઝોડું એવો શબ્દ છે, પરંતુ હવામાનશાસ્ત્રીઓએ વાવાઝોડાના પણ જુદા-જુદા પ્રકાર પાડ્યા છે એટલે હવામાનની આ સમગ્ર ગતિવિધિને સમજવી જરૂરી છે.

હરિકેન અને ટાયફૂન શબ્દો વાવાઝોડાં માટે વપરાય છે; જ્યારે કૅટરિના, રીટા અને ઇસાક વગેરે શબ્દો વાવાઝોડાના વિવિધ પ્રકાર માટે વપરાય છે. હવામાનશાસ્ત્રીઓએ પવનની ગતિ અને એની દિશા, વરસાદનું પ્રમાણ અને એની વિનાશકતા વગેરે લક્ષણોને આધારે વાવાઝોડાને આવાં વિશિષ્ટ નામો આપ્યાં છે.

વિશ્વભરના નિષ્ણાત અને અનુભવી હવામાનશાસ્ત્રીઓ કહે છે કે સમગ્ર જગતના ઋતુચક્ર માટે સૂર્યની ગતિવિધિ અને પૃથ્વીનું ધરીભ્રમણ કારણભૂત છે. ટાઢ, તડકો અને વરસાદ સહિત દુકાળ અને વાવાઝોડાં જેવી પ્રાકૃતિક ઘટનાઓનું મૂળ સૂરજમાં થતા ભયાનક ફેરફારોમાં છે. ખાસ કરીને સાઇક્લૉનના ચક્રની શરૂઆત ઉનાળાના પ્રથમ તબક્કામાં થાય અને સૌથી વધુ ઇફેક્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે. એટલું જ નહીં, નવેમ્બરમાં તો જગતઆખાને જુદા- જુદા પ્રકારનાં સાઇક્લૉનની થપાટ વાગે. ઉનાળામાં સૂર્યનાં સીધાં અને બળબળતાં કિરણોને કારણે જમીનનું અને સમુદ્રની સપાટીનું ટેમ્પરેચર વધી જાય. પરિણામે ગરમ હવા સાથે પાણીની ગરમ વરાળનો બહુ મોટો જથ્થો ઉપરના વાતાવરણમાં ચડી જાય. આ ફેરફારથી વાતાવરણના પટ્ટામાં હીટ એન્જિન જેવી પરિસ્થિતિ સર્જાય. જોકે પૃથ્વી એની ધરી પર ૨૩.૫ ડિગ્રીએ ગોળ-ગોળ ઘૂમતી હોવાથી અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે પણ આ બધી ગતિવિધિ પર સીધી ઇફેક્ટ થાય એટલે કે ગરમ હવા અને પાણીની ગરમ વરાળનો વિપુલ જથ્થો ગોળ-ગોળ ઘૂમવા માંડે. સાથોસાથ તોફાની પણ બને. આ પરિસ્થિતિને સાઇક્લૉનની શરૂઆત કહેવાય. ખગોળશાસ્ત્રની ભાષામાં વાત કરીએ તો પૃથ્વી એની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં ગોળ-ગોળ ફરતી હોવાથી ઉત્તર ગોળાર્ધમાં પવન ઍન્ટિ-ક્લૉકવાઇઝ (ઘડિયાળના કાંટાની વિરુદ્ધ - જમણેથી ડાબે-દિશામાં) ફૂંકાય, જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ક્લૉકવાઇઝ (ઘડિયાળના કાંટાની - ડાબેથી જમણે - દિશામાં) ફૂંકાય.

જોકે આવાં હરિકેન, ટાયફૂન અને ટૉર્નેડો ચોક્કસ કેવાં કુદરતી પરિબળોને કારણે ફૂંકાય છે એનાં કારણો પણ જાણવા જેવાં છે. હવામાનશાસ્ત્રીઓના કહેવા મુજબ પાણીની સપાટીનું ટેમ્પરેચર (જે લગભગ ૨૬.૫ જેટલું હોય) વધે, પૃથ્વીના ઉપરના વાતાવરણના પ્રથમ તબક્કામાં એટલે કે શૂ્ન્યથી ૧૫ કિલોમીટરના ટ્રૉપોસ્ફિયરમાં ભેજનું પ્રમાણ વધે, પવનનું પ્રેશર પ્રમાણમાં ઓછું થાય, હવાના દબાણનો પટ્ટો વિષુવવૃત્તથી થોડેક દૂર જઈને હલકા દબાણના પટ્ટા તરફ ધકેલાય તથા નીચા અક્ષાંશે પશ્ચિમની દિશાના પવનો ફૂંકાય જેવાં પ્રાકૃતિક પરિબળોને કારણે હરિકેન અને કૅટરિના કે પછી ઇસાક જેવાં અત્યંત તોફાની સાઇક્લૉન્સ ફૂંકાય છે.

આર્યની બાબત તો એ છે કે હવામાનશાસ્ત્રીઓએ તેમના ગહન સંશોધન અને અભ્યાસ દ્વારા આવાં ભયંકર સાઇક્લૉન્સ પૃથ્વીના કયા-કયા વિસ્તારમાં ક્યારે એટલે કે કયા સમયે ફૂંકાય એનું ટાઇમ-ટેબલ સુધ્ધાં નિશ્ચિત કર્યું છે. ઉદાહરણરૂપે નૉર્થ ઍટલાન્ટિકમાં ૧ જૂનથી ૩૦ નવેમ્બરના ગાળા દરમ્યાન વાવાઝોડું ફૂંકાવાની શક્યતા સૌથી વધુ હોય છે. ખાસ કરીને ૧૦ સપ્ટેમ્બરનો દિવસ કોઈ પણ પ્રકારના સાઇક્લૉન માટે ભારે ખતરનાક ગણાય છે. તો વળી નૉર્થ વેસ્ટ પૅસિફિકમાં લગભગ આખું વર્ષ સાઇક્લૉનનો ભય ઝળૂંબતો રહે છે. જોકે ફેબ્રુઆરીમાં આ પ્રકારના વાવાઝોડાની અસર ઓછી હોય, જ્યારે સપ્ટેમ્બરમાં સૌથી વધુ હોય. એશિયા ખંડમાં આવાં અતિ ખતરનાક અને જીવલેણ સાઇક્લૉન્સ ભાગ્યે જ ફૂંકાય છે. હા, આપણા પાડોશી બંગલા દેશને આવાં ભારે તોફાની વાવાઝોડાંની થપાટ ઘણી વખત વાગે છે.

આ તબક્કે આપણે ટાયફૂન, હરિકેન જેવા ખાસ પણ થોડાક અટપટા લાગતા અંગ્રેજી શબ્દોનું ચોક્કસ મૂળ ક્યાં છે અને એનો ઉપયોગ કઈ રીતે થયો એની રસપ્રદ વિગતો જાણવા જેવી છે.

ઉદાહરણરૂપે ટાયફૂન શબ્દ નૉર્થ વેસ્ટ (વાયવ્ય) પૅસિફિક વિસ્તારમાં બહુ જાણીતો છે. વિવિધ ભાષાના જાણકારોના કહેવા મુજબ અંગ્રેજી શબ્દ ટાયફૂન કદાચ ઉદૂર્, પર્શિયન અથવા હિન્દી ભાષાના શબ્દ તુફાન પરથી ઊતરી આવ્યો હોવાની શક્યતા છે. ઉપરાંત ગ્રીક ભાષામાં પણ ટાયફોન શબ્દ છે જેનો અર્થ રાક્ષસ એવો થાય છે. તો વળી પોટુર્ગીઝ ભાષામાં તુફાઓ નામનો શબ્દ છે. ઉપરાંત ચાઇનીઝ ભાષામાં પણ તાઇફેન્ગ અથવા તોઇફન્ગ જેવા શબ્દો છે, જેનો અર્થ થાય છે તોફાની પવન. વળી જપાની ભાષામાં સુધ્ધાં તાઇફુ શબ્દ છે. કહેવાનો અર્થ એ છે કે ટાયફૂન શબ્દ વિશ્વની એક કરતાં વધુ ભાષાઓમાંથી ઊતરી આવ્યો હોવાની શક્યતા છે.

આ જ રીતે હરિકેન શબ્દ નૉર્થ ઍટલાન્ટિક અને નૉર્થ-ઈસ્ટ (ઈશાન) પૅસિફિક વિસ્તારમાં વધુ પ્રચલિત છે. ભાષાવિદોના કહેવા મુજબ અંગ્રેજી શબ્દ હરિકેનનો સંબંધ સ્પૅનિશ શબ્દ હરેકેન સાથે હોવાની સંભાવના ખરી. આ સ્પૅનિશ શબ્દનો અર્થ છે તોફાની હવા. સાથોસાથ સ્પૅનિશ ભાષામાં તોફાની હવાના દેવનું નામ જુરાકેન હોવાનો ઉલ્લેખ પણ મળે છે. વળી માયા સંસ્કૃતિમાં સર્જકતાના દેવ હરાકેન નો ઉલ્લેખ મળે છે. ઉપરાંત એક મત એવો પણ છે કે હરેકેન શબ્દનો સંબંધ શબ્દ સાથે પણ હોઈ શકે જેનો અર્થ પણ યુરોપિયન વિન્ડસ્ટૉર્મ એવો થાય છે.

ગમે તે કહો; વાવાઝોડું, સાઇક્લૉન, આંધી ઔર તૂફાન કે પછી હરિકેન અથવા ટાયફૂન વગેરેની સાવ સાચી ભાષા છેવટે તો પ્રકૃતિની જ છે.

જે નિસર્ગ સુંદર, મનોહર, રળિયામણી, રમતિયાળ અને થનગનતી છે એ જ કુદરતનાં રૌદ્ર સ્વરૂપો પણ છે; જેનાં નામ છે વાવાઝોડું, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભૂકંપ, સુનામી અને જ્વાળામુખી.