ક્રૉકરી-બ્રેકિંગનો હટકે રિવાજ છે જર્મનીના લોકોમાં

09 September, 2012 07:53 AM IST  | 

ક્રૉકરી-બ્રેકિંગનો હટકે રિવાજ છે જર્મનીના લોકોમાં



માનો યા ન માનો


આપણે ત્યાં અનાયાસ કાચ તૂટે તો એને ગુડલક માનવામાં આવે છે, પણ જર્મનીમાં એનાથી ઊલટું છે. કાચ, મિરર કે કાચની બનેલી કોઈ પણ ચીજ તૂટે તો સાત વરસની પનોતી બેસે છે એવું માત્ર જર્મનીમાં જ નહીં, ઘણાખરા યુરોપિયન દેશોમાં મનાય છે. જોકે જર્મનીમાં એક હટકે રિવાજ છે અને એ છે ક્રૉકરી-બ્રેકિંગનો.

લગ્નની આગલી સાંજે કન્યાના ઘરની બહાર એક તમાશો થાય છે. આ કાર્યક્રમમાં મોટા ભાગે કોઈને આમંત્રિત કરવામાં નથી આવતા, પણ વર-વધૂના અંગત ગણાતા મિત્રો આપમેળે જ આવી જાય છે. આ વણનોતર્યા મહેમાનો મુસીબત પણ સાથે લેતા આવે છે. આ મહેમાનોનો એક જ ટાસ્ક હોય છે પ્રાંગણમાં ક્રૉકરીનો કચરો ખડો કરવાનો. કેટલાક કન્યાના ઘરમાં ઘૂસીને ક્રૉકરી શોધી લાવે છે તો કેટલાક પોતાના ઘરની વધારાની ક્રૉકરી લઈ આવે છે. બધા ભેગા થઈ જાય એ પછી વર-વહુની સામે જ એને દીવાલ પર અફાળી-અફાળીને તોડવામાં આવે છે.

સદીઓથી આ વિધિ ચાલી આવે છે જેને જર્મનીઓ પોલ્ટરાબૅન્ડ કહે છે. આ એક પ્રકારની લગ્ન પહેલાંની બૅચલર્સ પાર્ટી જ હોય છે, પણ એમાં માટીની ચીજો તોડીને બ્રાઇડ અને ગ્રૂમ માટે ગુડ વિશિઝ માગવાની પ્રથા છે. પહેલાંના જમાનામાં ઠીકરું તૂટે તો એ શુભ સંકેત મનાતો. એટલે માટી કે સિરામિકનાં બાઉલ, કપ, ડિશ, ફ્લાવરપૉટ, સિન્ક જે હાથમાં આવે એ બધું જ પછાડી-પછાડીને તોડવામાં આવે. જેટલાં વધુ ઠીકરાં ભેગાં થાય એટલું લગ્નવાંછુ કપલ માટે શુભ કહેવાય.

આ રિવાજનો સૌથી છેલ્લો પાર્ટ ખૂબ ઇન્ટરેસ્ટિંગ હોય છે. તૂટેલી ક્રૉકરીનો ભેગો થયેલો કચરો વર-વધૂએ ભેગાં મળીને સાફ કરવો પડે છે. આ કરવા પાછળનો કદાચ હેતુ એ હશે કે લગ્ન કર્યા પછી આમ જ મહેનત કરવી પડશે. બધા મહેમાનોની હાજરીમાં આ સફાઈ ચાલતી હોય ત્યારે કેટલાક નટખટ દોસ્તો સાફ કરેલી જગ્યાને ફરી-ફરીને બગાડીને કપલની ધીરજની કસોટી કરી દે છે.