આ દેશમાં મારું કંઈ જ ચાલતું નથી, કારણ કે હું એક સામાન્ય માણસ છું

09 September, 2012 07:52 AM IST  | 

આ દેશમાં મારું કંઈ જ ચાલતું નથી, કારણ કે હું એક સામાન્ય માણસ છું



સાંઈરામનું હાયરામ - સાંઈરામ દવે

પાંચ સપ્ટેમ્બર ફરી એક વાર મારા ને તમારા હૃદયને સ્પશ્ર્યા વગર બાયપાસ ચાલી ગઈ. જનરલ નૉલેજ તમે જાણો જ છો કે ડૉ. સર્વપલ્લી રાધાક્રિષ્નન એક શિક્ષક હતા અને બાદમાં રાષ્ટ્રપતિ બન્યા. તેમની યાદમાં આપણે શિક્ષક દિન ઊજવીએ છીએ. મતલબ સીધો એ કે આપણા દેશમાં શિક્ષક કે ગુરુના સ્થાન કરતાં રાષ્ટ્રપતિનું સ્થાન ઊંચું અને પવિત્ર. બરાબરને? મારું જો હાલે તો કોઈ રાષ્ટ્રપતિ જ્યારે શિક્ષક બનવાનું સ્વીકારેને તો એ દિવસને હું શિક્ષક દિન તરીકે ઊજવું! પણ તમે બધા જાણો છો કે આ દેશમાં મારું કંઈ ચાલતું નથી, કારણ કે હું એક સામાન્ય માણસ છું અને આ દેશમાં એક સામાન્ય માણસ બનવું એ સૌથી મોટો ગુનો છે.

હું પણ એક શિક્ષક છું વ્યવસાયે અને સ્વભાવે (તમને ભલે લાગતું નહીં હોય, ઇટ્સ યૉર પ્રૉબ્લેમ). ગોંડલની શાળા નંબર પાંચમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. મને તો રોજ નવી જોક મારી સ્કૂલનાં બાળકો જ આપી જાય છે. એક છોકરાએ હમણાં એક સવાલ પૂછ્યો, ‘સર, ગાયને માતાજી કહેવાય તો બળદને પિતાજી શા માટે ન કહેવાય?’

મેં કહ્યું, ‘બેટા, ન કહેવાય, નહીંતર ભેંસને માસી કહેવી પડે.’

બીજા નંગને મેં પૂછ્યું, ‘પૅન્ટ એકવચન કહેવાય કે બહુવચન?’

છોકરાએ મગજમાં ગોબા પડે એવો જવાબ આપ્યો, ‘ઉપરથી એકવચન, નીચેથી બહુવચન.’

એક દિવસ હું એક છોકરાને ખિજાણો. બીજે દિવસે તેની મમ્મીએ મને ઘઘલાવ્યો, ‘માસ્તર, મારા છોકરાને કોઈ દી મારશો નહીં. કલેક્ટર કે કમિશનર નહીં થાય, માસ્તર તો થાશેને!’

આ લે-લે! ઘણાબધા લોકોને એમ છે કે કંઈ ન કરો તો પણ શિક્ષક તો બની જ જવાય છે અને આજકાલ ઘણા બધા લ્ત્ઘ્ધ્ (બીમાર) ક્ષક શિક્ષણવ્યવસ્થામાં ઘૂસી ગયા છે.

એક સમય હતો જ્યારે ભારતમાં ગુરુજનો જ ગુરુકુળો ચલાવતા અને એક અત્યારનો સમય છે જ્યારે હવે બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ સ્કૂલો કે કૉલેજો ચલાવવાનો બિઝનેસ કરે છે. નિર્દોષ અને નિખાલસ બાળક પર અંગ્રેજીમાં જ્ઞાન અને માહિતીનો બોજ લાદી દેવાને આ લોકો શિક્ષણ ગણે છે. કેળવણીની તો રીતસર ભ્રૂણહત્યા જ થઈ ગઈ છે. જે દેશમાં સ્કૂલો અને મંદિરો માર્કેટ બની જાય એ દેશની પ્રજાની મને ખૂબ દયા આવે છે. એક સર્વે કરજો તમારી આસપાસનો, સૌથી સફળ માણસ બહુ સામાન્ય સરકારી સ્કૂલમાં ભણેલો નીકળશે. પ્લીઝ ચેક ઇટ. ગુજરાત હોય કે મહારાષ્ટ્ર, આપણા સરકારી પ્રાથમિક સ્કૂલના એ સમયના ગુરુજનોએ આપણને ડરાવીને, મારીને પણ આપણી અંદર શિસ્ત અને કોઠાસૂઝ કેળવી છે. અત્યારે તો ખુદ શિક્ષકો જ ડરેલા છે. બીકણ સસલા જેવો ગુરુ જે એકાદ પરિપત્ર, મેમો કે ટ્રસ્ટના પ્રમુખથી ફાટી પડે છે તે કેવી રીતે નીડરતા અને નર્ભિયતા બાળકમાં વાવી શકે? અત્યારે પ્રાઇવેટ સ્કૂલોમાં હાઇફાઇ ડોનેશન દઈને ભણાવવાની ફૅશન ચાલી રહી છે. ક્યારેક એ પણ જાણજો કે એ પ્રાઇવેટ સ્કૂલોમાં સ્કૉલર શિક્ષકો છે ખરા? એક બેન્ચ પર પાંચ-પાંચ વિદ્યાર્થીને બેસાડવામાં આવે છે તો ઘણી સ્કૂલોમાં દફ્તર ખોળામાં રાખીને બાળકો આખો દિવસ બેસે છે. ઘેટાં-બકરાં પૂર્યો હોય એમ બાળકો પર સર્કસના રિંગમાસ્ટરની જેમ આજનો માસ્તર લેસનના કોરડા વીંઝે છે! એટલેસ્તો વાલીઓને વર્ગખંડોમાં ડાયરેક્ટ જવાની કોઈ સ્કૂલ પરવાનગી નથી આપતી, નહીંતર તેમની પોલ ખૂલી જવાની પૂરી શક્યતા છે.

બાળક કોઈ ખાલી વાસણ નથી કે એને ભરી દેવાનું હોય. હે મારા પ્રિય વાચકો, જેનાં બાળકો તેર વર્ષથી નીચેનાં છે તેનું દફ્તર એક વાર એકલા હાથે ઉપાડી જોજો! તમને મારા સવાલોના ઉત્તર મળી જશે કે તમારા ફૂલડા જેવા બાળકના ખભા પર શિક્ષણનો કેવો બોજ ઉઠાવાઈ રહ્યો છે.

મુંબઈમાં જ એક મિત્રના ઘરે ઊતર્યો હતો. તેના બાળકની એલકેજીની પચીસ બુકો મેં જોઈ ત્યારે મને ચક્કર આવી ગયાં. મુંબઈ કે ગુજરાતની કૉલેજમાં વિદ્યાર્થી એકાદ નોટ માંડ લઈને જાય છે અને પ્રાઇમરીમાં પચીસ બુક? આયહાય શિક્ષણનાં ધોરણો વધતાં જાય છે એમ ચોપડા ઘટતા જાય છે (અને કપડાં પણ!). એજ્યુકેશનલ સંકુલો લવ પૉઇન્ટ બની ગયાં છે, કારણ કે ગુરુઓમાં દમ નથી અને વિદ્યાર્થીઓ પણ કમ નથી. મારા જેવડી આખી એક છેલ્લી પેઢીને યાદ જ હશે કે આપણને સ્કૂલમાં જવું જરાય નહોતું ગમતું; કારણ કે આપણને ઉમાશંકર, નરભેરામ કે જટાશંકર જેવા કાનમાંથી વાળ બહાર નીકળી ગયેલા માસ્તરો જ ભણાવતા હતા જેના એક હાથમાં ટિપિકલ છત્રી, ધોતી અને ટોપી ફિક્સ રહેતી. અત્યારે આપણા છોકરા મારા બેટા સ્કૂલના ટાઇમ કરતાં પંદર મિનિટ વહેલા નિશાળે ભાગે છે, કારણ કે આ પેઢીને મસ્ત-મસ્ત ટીચરો ભણાવે છે (જોકે કેટલાક પુરુષ-વાલીઓ પણ એટલે જ બાળકોને લેવા-મૂકવા જાતે આવે છે!).

વેલ, શિક્ષક પાસે કોઈ જાદુઈ છડી નથી કે તે તમારા સંતાનને રાતોરાત અબ્દુલ કલામ કે સુનીતા વિલિયમ્સ બનાવી દે. એટલું હંમેશાં યાદ રાખજો કે કૂવામાં હોય તો જ અવેડામાં આવે! શિક્ષકોનું અપમાન ન કરો એ એનું સન્માન જ છે. શિક્ષકને દીન (ગરીબ)

થતો અટકાવો.                 

ઑફ ધ રેકૉર્ડ

મારા એક મિત્રે કૉલેજની સ્થાપના કરી છે. નામાંકન કર્યું

છે : મેડિકલ કૉલેજ ઑફ એન્જિનિયરિંગ ફૉર કૉમર્સ ઍન્ડ આર્ટ્સ!’