આ ભાઈઓને ઇલેક્ટ્રિક શૉક નથી લાગ્યો આ તો છે અળવીતરી હેરસ્ટાઇલનો રેકૉર્ડ

09 September, 2012 07:52 AM IST  | 

આ ભાઈઓને ઇલેક્ટ્રિક શૉક નથી લાગ્યો આ તો છે અળવીતરી હેરસ્ટાઇલનો રેકૉર્ડ



રેકૉર્ડ મેકર

પહેલાંના જમાનામાં પૅન્ટ ઘસાઈ ગયું હોય તો પહેરતાં શરમ આવતી, પણ હવે જુવાનિયાઓ હાથે કરીને જીન્સ ઘસી નાખે ને પોતું મારવાના મસોતા જેવું કરીને પહેરે એ કહેવાય લેટેસ્ટ ફૅશન-સેન્સ. આવું જ કંઈક હેરસ્ટાઇલનું પણ છે. સીધાસાદા પાંથીવાળા વાળ કપાવવા તો હવે આઉટઑફ ટ્રેન્ડ ગણાય. વિખરાયેલા દેખાય એવી રીતે જેલીથી સેટ કરેલા વાળ લેટેસ્ટ સ્ટાઇલ ગણાય.

આજથી દસેક વરસ પહેલાં છોકરાઓ લાંબા વાળ રાખે એ થોડીક અજુગતી બાબત હતી. હા, કોઈક

બે-પાંચ ઇંચ લાંબા કદાચ કરે પણ ખરું, પણ અમેરિકાના મૅસેચુસેટ્સમાં રહેતા લાંબા વાળના શોખીન ઍરોન સ્ટડહૅમ નામના ટીનેજરે લગભગ પાંચ વરસ સુધી વાળ કપાવ્યા જ નહીં. રોજ કૉલેજમાં અવનવી હેરસ્ટાઇલ લઈને ફરતા ઍરોનને તેના ફ્રેન્ડ્સ ખૂબ ચીડવતા. મૅસેચુસેટ્સમાં આવેલી લીઓમિનિસ્ટર પબ્લિક હાઈ સ્કૂલમાં ભણતા ૧૮ વરસના ઍરોનને તેના જ કૉલેજ-ફ્રેન્ડ્સે ચૅલેન્જ આપી કે ખૂબ તું મોહૉક હેરસ્ટાઇલ કરી આવે તો ભડનો દીકરો માનીએ. મોહૉક એ ફેમસ બ્રિટિશ હેરસ્ટાઇલ છે જેમાં માથાના વચ્ચેના ભાગની એક આખી પાંથી સિવાય બેઉ બાજુના વાળ શેવ કરી લેવામાં આવે ને વચ્ચેના વાળને એકદમ સીધા જાણે આભને આંબવા જતા હોય એ રીતે જેલીથી સેટ કરવામાં આવે.

જો બે-પાંચ ઇંચના વાળ હોય તો મોહૉક હેરસ્ટાઇલ ખરેખર મોહક લાગે, પણ જો લાંબા વાળ હોય તો એટલા લાંબા વાળને ઊભા રાખવા એ જાણે કોઈ રોમન સૈનિકના માથે પહેરાવેલા તાજ જેવું ફની લાગે, પણ આ ભાઈને તો ચૅલેન્જની ચાનક ચડી ગયેલી. તેણે પોતાના ટ્વિન બ્રધરની મદદથી વધારાના વાળ કાઢ્યા અને બે-પાંચ હેરજેલ ટ્યુબ માથામાં ખાલી કરીને વાળને સીધાસટ બનાવી દીધા. તેણે ચૅલેન્જ પણ પૂરી કરી અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ પણ બનાવી દીધો. તેના વાળની ટોચ ૨૪ ઇંચ એટલે કે લગભગ બે ફૂટ જેટલી ઊંચી હતી. રાતોરાત ખ્યાતિ પણ મળી એ નફામાં.

જોકે અનાયાસ મળી ગયેલો ગિનેસનો ખિતાબ ઍરોન પાસે બહુ ઝાઝું ટક્યો નહીં. અમેરિકાના જ ઓમાહા ટાઉનના રૉકસ્ટાર

એરિક હાને ૨૦૦૮ના નવેમ્બર મહિનામાં તેનો રેકૉર્ડ તોડી નાખ્યો. મ્યુઝિક-બૅન્ડમાં ગિટાર વગાડતા એરિકના વાળ આમેય લાંબા હતા. તેના પ્રોફેશનને કારણે તે અવારનવાર વાળ અને મેક-અપમાં પણ અખતરા કરતો રહેતો. તેને કેમેય કરીને સૌથી ઊંચી મોહૉક હેરસ્ટાઇલ કરવાનો રેકૉર્ડ તોડવો હતો. આમ તો વાળ લાંબા જ હતા, પણ રેકૉર્ડ તોડવા થોડાક વધુ લાંબા કરવા પડે એમ હતા. એ માટે તેણે પૂરા એક વરસ રાહ જોઈ અને ૨૦૦૮માં એ અળવીતરી હેરસ્ટાઇલનો અખતરો કરી જ નાખ્યો.

તેના હેરસ્ટાઇલિંગ માટે એક સ્થાનિક સૅલોંએ જબરદસ્ત મહેનત કરી. તેના ૨૭ ઇંચ લાંબા વાળને ઉપરની દિશામાં સીધા રહે એ રીતે સેટ કરવામાં પૂરા ત્રણ કલાકની મહેનત લાગી. સૌથી પહેલાં બે બાજુના વાળ શેવ કરી લેવાયા. એ પછી તેને એક થમોર્કૉલ શીટ પર પડખે સૂવડાવીને વાળને સીધા કરવામાં આવ્યા. એના પર ખૂબબધું હેરસ્પþ કરવામાં આવ્યું અને ડ્રાયર ફેરવવામાં આવ્યું. પછી વાળ પર બીજું થમોર્કૉલ દબાવીને તેને લગભગ બે કલાક સુધી એમ જ સુવડાવી રાખ્યો. છેક છેલ્લે તેને ઊભો કરતાં પહેલાં ફરીથી ખૂબબધું હેરસ્પþ લગાવીને વાળ ઊભા કરી દીધા. જાણે ઇલેક્ટ્રિક શૉક લાગ્યો હોય એમ જ.

તેના આ રેકૉર્ડ પછી તેના રૉક-બૅન્ડની ડિમાન્ડ વધી ગઈ છે. આવા ફની લુકમાં બધે ફરવામાંય હિંમત જોઈએ. પણ આને જ કહેવાય કે ફેમ કે લિએ કુછ ભી કરેગા.