દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૬

09 September, 2012 07:48 AM IST  | 

દરેક સપનાની એક કિંમત હોય છે - પ્રકરણ ૧૬


વર્ષા અડાલજા   

કાજલ ટટ્ટાર ઊભી હતી. નિશ્ચલ, લડાયક.

મા-બાપ, ભાઈ-બહેન બધાં સામે જ હતાં. વાસ્તવિક દૃશ્ય હતું આ, છતાં કેટલું આભાસી લાગતું હતું! જાણે કોઈ કુશળ દિગ્દર્શકે કલાકારોને અલગ-અલગ પોઝમાં ગોઠવી દીધા છે, પોતાની ક્યુ માટે બોલવા તત્પર.

આંખો ચોળીને કોઈ ઘેરી નીંદરમાંથી જાગે એમ તે જાગી ગઈ હતી. વરસોથી હૃદયને કોઈ ખૂણે તેણે એક રૂપાળું સપનું વાવ્યું હતું જે આજે લીલાછમ તૃણાંકુર બની અચાનક ઊગી નીકળ્યું હતું. એ હરિયાળું વૃક્ષ બને એ પહેલાં આ લોકો એને મૂળમાંથી ખેંચી કાઢવા માગતા હતા.

એવું તે કદી નહીં બનવા દે, કોઈ પણ ભોગે નહીં.

સાવિત્રીબહેનના ગળે ડૂમો ભરાયો, ‘તેં આટલી મોટી વાત બધાથી તો ઠીક, મારાથી પણ છુપાવી? આજે જ્યારે પ્રિયાએ પાસબુક જોઈ ત્યારે...’

‘એક્ઝૅક્ટ્લી મમ્મી, પ્રિયાએ પાસબુક જોઈ અને જાણે મેં ખૂન કર્યું હોય એમ મને બધાની સામે ઘસડી લાવી અને આખી ઘટનાને વિકૃતરૂપે રજૂ કરી. પ્રિયા... યસ પ્રિયા. તમને સૌને સરપ્રાઇઝ આપવાનો મારો પ્લાન તેણે બગાડી નાખ્યો.’

પ્રિયાએ રોષથી કહ્યું, ‘અરે, પણ આ કંઈ સામાન્ય વાત છે? સરપ્રાઇઝ નાની ગિફ્ટ હોય કે

બર્થ-ડે પાર્ટી, લાખોના કૉન્ટ્રૅક્ટમાં સરપ્રાઇઝ શાનું? જોઈ-વિચારી, સાથે ચર્ચાવિચારણા કરી...’

‘હોલ્ડ ઇટ પ્રિયા. મારો રસ્તો, મારી કરીઅર મારે ખુદ પસંદ કરવી હતી; હું શા માટે ચર્ચાવિચારણા કરું? બીજાની મરજી-નામરજી, સલાહ-સૂચન, ગમા-અણગમા પર મારે શું કામ આધાર રાખવો? વાય? હું સમજણી થઈ ત્યારથી મેં અનુભવ્યું છે. તમે બધા માનો છો કે પ્રિયા હોશિયાર, પ્રિયા ઠાવકી, પ્રિયા તો બહુ સમજદાર હોં! આ બિચ્ચારી કાજલનું શું થશે? જ્યારે જુઓ ત્યારે પતંગિયાની જેમ ઊડાઊડ કરે છે.’

કાજલ હાંફવા લાગી. કેટકેટલા અગણિત પ્રસંગો, દૃશ્યો, વાતો તેની સ્મૃતિમાં કંડારાયાં હતાં! શિલાલેખની જેમ. તેની અને પ્રિયાની સતત તુલના અને પ્રિયાનું પલ્લું ભારી, વજનદાર.

સ્તબ્ધ ઊભેલાં સાવિત્રીબહેન પાસે કાજલ ઊભી રહી. તેના શુષ્ક અને બરછટ સ્વરમાં આંસુની ભીનાશ તરી આવી.

‘તું તો મા છેને! તારી બે આંખ સરખી કેમ નહોતી મા! ગિરગામની ગુજરાતી સ્કૂલમાં ભણતાં હતાં ત્યારે અમે કવિતા ભણેલાં, ‘જનનીની જોડ સખી નહીં જડે રે લોલ!’ તેં તો મને જનમ પહેલાં જ ખતમ કરી દેવા ચાહી હતી, હું તો તને જન્મ પહેલાંથી નહોતી જોઈતી. અનવૉન્ટેડ ચાઇલ્ડ.’

આખરે તેની આંખમાં આંસુ ઊમટી જ આવ્યાં.

‘પપ્પાને એમાં પાપ લાગ્યું અને ઈશ્વરનો ઉપકાર કે હું બચી ગઈ. આટલી સુંદર દુનિયા મેં મારી આંખે જોઈ.’

સાવિત્રીબહેન ઢગલો થઈ ગયાં. આ કાળચોઘડિયે એ શબ્દો હતાશામાં બોલાયા હતા જે આટલાં વર્ષ ઝેરી વીંછીની જેમ ડંખી રહ્યા હતા! તેણે મૂઢ બની ગયેલા પતિ સામે જોયું : તમે કેમ ચૂપ છો? તમારે કંઈ જ કહેવાનું નથી? કેટલાં વરસો પહેલાં કશી સભાનતા વિના બોલાઈ ગયેલા શબ્દો આજે શું સાચા બની ગયા? અને વરસો સુધી તને કરેલું વહાલ, તારી કાળજી, તારી ચિંતા એનું કશું મૂલ્ય નહીં કાજલ?

ધીરુભાઈએ હતાશાના સૂરમાં કહ્યું, ‘કદાચ આપણા જ ઉછેરમાં કોઈ ખામી રહી ગઈ સાવિત્રી. મનમાં મને હંમેશાં દુ:ખ રહેતું કે કહેવાઉં તો ઘરનો વડીલ, શું કહો છો છોકરાઓ આજની ભાષામાં? હા, હેડ ઑફ ધ હાઉસહોલ્ડ; પણ મારી પાસે કોઈ સત્તા ન રહી. સૌ પોતાની મુનસફીથી જીવે છે. હું કોને શું કહું? કોણ મારું માને?’

તરુણે તરત કહ્યું, ‘આવું કેમ બોલો છો પપ્પા? વી ઑલ લવ યુ, રિસ્પેક્ટ યુ. મારા મિત્રો સાથે બિઝનેસ કરું છું કે પ્રિયાનો ટ્રાવેલ એજન્સીનો ર્કોસ, સૌથી પહેલાં તમને વાત કરી હતીને! આ ઘર છે અને એક ઘરને પોતાના નીતિનિયમો પણ હોય.’

કાજલના હાથમાં હુકમનું પત્તું આવી ગયું હોય એમ તેણે તરત કહ્યું, ‘જોયુંને પપ્પા-મમ્મી! તમારા જ કાને સાંભળ્યુંને! તરુણ અને પ્રિયા ડાહ્યાંડમરાં, નીતિનિયમોને પગલે ચાલનારાં. કાજલમાં એવું કશું જ નહીં. બસ, એ જ મારે પુરવાર કરવું હતું કે કાજલ હોશિયાર છે, બધા કરતાં વધુ સક્ષમ છે. મેં એવી કરીઅર પસંદ કરી. અફર્કોસ, તમારી સલાહ વિના; જેમાં નામ છે, દામ છે અને શાન પણ. આઇ રેસ્ટ માય કેસ હિયર. પ્રિયાબહેને જે દરબાર ભર્યો હતો એ હવે બરખાસ્ત કરીશું? આ આખી વાતનો મને કંટાળો આવે છે અને મારે બહાર પણ જવું છે.’

કાજલ અંદર ચાલી ગઈ. થોડી વારમાં તૈયાર થઈને આવી અને કોઈની તરફ નજર પણ કર્યા વિના બહાર ગઈ. તેની પાછળ સુગંધનો શિરોટો ખેંચાઈ ગયો.

તરુણને ગુસ્સો આવ્યો, ‘પપ્પા, તમે તેના પર ગુસ્સે થઈ શક્યા હોત, વઢી શક્યા હોત. તમે ચૂપચાપ બેસી રહ્યા? કેવો રુઆબ બધા પર છાંટતી ગઈ? મમ્મી, તું તો તેને રોકી શકી હોત.’

સાવિત્રીબહેન કડવાશભર્યું હસ્યાં, ‘તેણે તેના જીવનનો રસ્તો પસંદ કરી લીધો છે. શૂટિંગ થઈ ગયું, કૉન્ટ્રૅક્ટ પર સહી થઈ ગઈ; હવે બાકી શું રહ્યું? સફળતાનું મીઠું ફળ ચાખ્યા પછી પડતું મૂકવું તો ભલભલા ન કરી શકે તો કાજલનું શું ગજું? અને એક બીજી વાત છે...’

‘શું?’

‘તમે બન્નેએ તમારો મનપસંદ રસ્તો પસંદ કર્યો અને મેં પણ, તો કાજલ શા માટે નહીં?’

‘પણ મમ્મી, મૉડલિંગમાં કેટલાં ભયસ્થાનો છે? રોજ અખબારમાં જાતભાતના કિસ્સા નથી આવતા?’

‘બેટા, સ્ત્રીએ ઘરબહાર પગ મૂક્યો એ જ મોટું ભયસ્થાન. પછી જ્યાં જાઓ, જે કામ કરો જાત તો સંભાળી, સંકોરીને જ કરવું પડે; પણ એથી ઘરમાં પુરાઈને બેસી રહેવાનું? અને હવે તો ફિલ્મ, ટીવી, મૉડલિંગ કરીઅર માટે ઠેકઠેકાણેથી ભણેલાં સારા ઘરનાં છોકરા-છોકરીઓ પણ મુંબઈમાં ઊતરી પડે છે એની તમને ક્યાં ખબર નથી? આપણા અંધેરીમાં જ જુઓને કેટલી છોકરીઓ પેઇંગ ગેસ્ટ તરીકે એકલી રહે છે.’

પ્રિયા ચૂપચાપ સાંભળતી હતી. કાજલના ચંચળ અને ઉગ્ર સ્વભાવને નાથવા તે મોટી બહેન તરીકે કાળજી રાખતી હતી એને કાજલના ઘવાયેલા અહમે એક ચૅલેન્જ ગણી લીધી હતી. પાંચ લાખ રૂપિયાની એન્ટ્રીવાળી પાસબુક તેના મુઠ્ઠીઊંચેરા હોવાના પુરાવારૂપે અભિમાનથી સૌની સામે ધરી દીધી હતી અને મમ્મીએ એના પર સંમતિની મહોર જાણે મારી દીધી. એનો અર્થ એ કે કાજલની બધી વાતનો હવે તેણે સ્વીકાર કરવો રહ્યો.

સાવિત્રીબહેન રસોડામાં ડિઝર્ટ બનાવવાની તૈયાર કરતાં બોલતાં હતાં, ‘આ લાઇનમાં તો કહે છે કૉમ્પિટિશન છે, પણ જુઓ આપણી કાજલ બધાની સોંસરવી નીકળી ગઈ. પાંચ લાખ રૂપિયા કોને કહે છે! અને હજી આગળ તો ક્યાંની ક્યાં પહોંચશે? પ્રિયા, મોટાં-મોટાં હોર્ડિંગો પર આપણી કાજલ! મને તો મનાતું જ નથી.’

ધીરુભાઈ મન મારીને બેસી રહ્યા હતા. ટીવી પર ન્યુઝ જોતાં, ટીવી-સિરિયલ કે અવૉર્ડ ફંક્શન જોતાં જાહેરખબરોમાં ખુલ્લાં કપડાંમાં યુવાનોના શરીરે વેલની જેમ વીંટળાતી, જાતભાતની પ્રોડક્ટ્સ વેચતી સુંદરીઓ જોતાં જ મન હી મન ઉશ્કેરાતા રહેતા. એમાં કાજલ પણ હશે હવે! તેને જોઈને બીજા પુરુષો ઉશ્કેરાશે. પાસબુકમાં અનેક એન્ટ્રીઓ થઈ જશે. છોકરાઓ લાખોની વાત કરતા થઈ ગયા અને તે મનોમન અફસોસ કરતા હતા કે ઘરમાં એક કમ્પ્યુટર પણ સંતાનોને નહોતા અપાવી શક્યા. મનોમન તે લોકો પિતા પર કેટલું હસ્યા હશે?

તે ઊભા થઈ ગયા. સાવિત્રીબહેન નાસ્તાની ટ્રે લઈને બહાર આવી રહ્યાં હતાં. તેમના હાથમાંથી ટ્રે લઈ જોરથી ડાઇનિંગ ટેબલ પર પછાડી. પતિના ચહેરાની ખેંચાયેલી તંગ રેખાઓથી સાવિત્રીબહેન ડરીને થોડાં પાછળ હટી ગયાં. તરુણ અને પ્રિયા પણ ડઘાઈ ગયાં. પિતાનું આવું રૌદ્ર સ્વરૂપ કદાચ પહેલી જ વાર જોયું હતું.

‘આ બધાની જડ તું છે! મા થઈને, ઘરમાં ચોવીસ કલાક રહીને એટલુંય ધ્યાન ન રાખ્યું કે દીકરી શું કરે છે? અમથી કોઈ આવડી મોટી રકમ આપી દેતું હશે? કેટલાય લોકોને

હળવું-મળવું, આંટાફેરા, રિહર્સલ બધું કરી ચૂકી હશે અને મા-બાપને છેલ્લી ઘડીએ જ ખબર પડે!’

તરુણ તરત વચ્ચે પડ્યો, ‘પ્લીઝ પપ્પા! મમ્મીને ન વઢો. તે નાનપણથી જ કેટલી જિદ્દી છે એ આપણે ક્યાં નથી જાણતા?’

‘ચૂપ! છે. તારી માનો વાંક હજાર વાર છે. તેને કોણે ચોખા મૂક્યા’તા કે કેટરિંગના ધંધામાં પડો? ટકે છે તેનો ઘરમાં પગ? હું કમાઉં છુંને, ભલે વત્તુંઓછું; તો ધ્યાન તો રહેને ઘરમાં! હવે તેનેય બહારની દુનિયાનો રંગડો લાગ્યો એટલે કાજલના મૉડલિંગ-બૉડલિંગમાં શો વાંધો હોય? અત્યારે રાત્રે ઘરમાં લડી-ઝઘડીને તે છોકરી બહાર ચાલી ગઈ, બોલો.’

પ્રિયાએ અત્યંત ક્ષોભથી તરુણ સામે જોયું. તે પણ નીચું જોઈ ગયો હતો. માતા-પિતાને લડતાં કદી જોયાં નહોતાં. પપ્પાએ તો કદી ઊંચે સાદે પણ મમ્મીને કશું કહ્યું નહોતું. તરુણને થતું કે પપ્પા બહાર ઓછું ને પોતાની અંદર વધુ જીવતા હતા, પણ આજે અચાનક તેમને શું થઈ ગયું?

સાવિત્રીબહેન શરમથી નીચું જોઈ ગયાં. આજ સુધી નારાજગી, મનદુ:ખ પતિ-પત્નીની અંતરંગ વાત હતી. આજે જુવાન સંતાનો સામે પતિના હાથે માનહાનિ... ક્ષણભર તો થયું કે તે પણ ઊતરી પડે દાદરા કાજલની જેમ, પણ સ્ત્રીની છેડાછેડી ઘર સાથે પણ બંધાયેલી રહે છે જેની ગાંઠ કુળદેવતા સામે પણ છોડી નથી. જાતભાતનાં સૂત્રો, સંસ્કૃત સુભાષિતો ગૃહિણીઓ માટે જ લખાયાં છે. જાય તો પણ ક્યાં જાય? આ ઘરની દીવાલો પરના રંગમાં તે ઘોળાઈ ગઈ છે, આ તુલસીના કૂંડામાં તે જળ બનીને સિંચાઈ છે.

કેટલી હોંશથી મૅન્ગો આઇસક્રીમ બનાવ્યો હતો. ઓગળતું પ્રવાહી ગરમ થઈ રહ્યું હતું. પ્રિયાએ રસોડામાં ટ્રે મૂકી દીધી. બહુ મોડું થઈ ગયું. વાતો કરતાં ભાઈ-બહેનોએ ડ્રૉઇંગરૂમમાં પથારી કરી. બહુ ગરમી છે, ચક્કર મારી આવું કહેતો તરુણ પણ બહાર ગયો ત્યારે મિસિસ અગ્રવાલ આટલી રાત્રે પણ સાડીના છેડાથી પવન ખાતી બહાર કૉરિડોરમાં જ ઊભી હતી. તે બોલાવે એ પહેલાં તરુણ દાદર ઊતરી ગયો.

પ્રિયા બેડરૂમમાં ચાલી ગઈ. કબાટ ખુલ્લો જ પડ્યો હતો અને ખેંચી કાઢવામાં આવેલાં કપડાં વેરવિખેર પડ્યાં હતાં. આટલું થઈ ગયા પછી પણ પ્રિયા કૉન્ટ્રૅક્ટ શોધવાની ઇચ્છા ન રોકી શકી. કૉન્ટ્રૅક્ટ ન મળ્યો. કોને સાચવવા આપ્યો હશે?

પ્રિયા સૂઈ ગઈ. કાજલ તેનાથી દૂર ચાલી ગઈ હતી. આજે કે હવે પછી તું ક્યાં ગઈ હતી, ક્યારે ઘરે આવીશ એવા સીઆઇડી જેવા પ્રશ્નો પૂછવાના નહોતા. અત્યારે, આટલી રાત્રે તે ક્યાં ગઈ હશે? કોણ હશે સાથે? સ્ટૉપ ઇટ પ્રિયા, કાજલના સ્વરનો રણકો ચૂભી ગયો હતો. તે સૂનમૂન સૂતી રહી.

ગભરામણ થઈ આવી. ઊંડા શ્વાસ ભરતી તે બેઠી થઈ ગઈ. સ્વજનો સાથેના સંબંધોનાં સમીકરણો કેવાં બદલાતાં ગયાં અને અંદેશોય નહોતો આવ્યો. નાની શી શાંત નદીના ધીમા પ્રવાહ જેવા સ્નેહની સરવાણી માતા-પિતા વચ્ચે જોઈ હતી. એ પ્રવાહ સુકાતો જતો હતો કે માત્ર દૃષ્ટિભ્રમ હતો!

એવું બની શકે?

કેમ નહીં? અચાનક અમરના ઘરનું દૃશ્ય યાદ આવ્યું. જિંદગીથી હારણ થયેલી એક કૃશકાય બીમાર સ્ત્રીની પ્રેમપૂર્વક ચાકરી એવી એક સ્ત્રી કરી રહી હતી જેણે તેનું સર્વસ્વ લૂંટી લીધું હતું છતાં તેની સૌથી વધુ નજીક હતી. માનવસંબંધોના ગૂંચવાયેલા તાણાવાણાને ઉકેલવા કેટલું દુષ્કર છે? કદાચ અસંભવ જ.

વિચારોમાં પ્રિયાની આંખ મળી ગઈ.

નીરવ અને સ્તબ્ધ અંધકાર. હવામાં સખત ઉકળાટ હતો. તરુણ હજી આવ્યો નહોતો. હાથ લંબાવે એટલે જ દૂર સાવિત્રી સૂતી હતી. ધીરુભાઈને મન તો બહુ થયું કે ખેંચી લે પત્નીને પાસે, તનમનનો આ તરફડાટ શમી જશે : સાવિત્રી, ક્ષમા કર; તારું મન દુભાવવાનો મારો ઇરાદો નહોતો. ખબર નહીં હું કેમ ઊકળી ઊઠું છું? તેં કેમ ધક્કો મારી મને બેડરૂમમાંથી અને જીવનમાંથી હડસેલી દીધો? હવે સંતાનોએ પણ! પાંચ લાખ રૂપિયા! આવો ચેક જીવનમાં જોયો નથી, એ રકમ આવડી અમથી કાજલ કમાઈ લાવી!

જાહેરખબરો આવશે, શહેરમાં મોટા રસ્તાઓ પર કાજલનાં હોર્ડિંગ્સ મુકાશે, અખબારોમાં ઇન્ટરવ્યુઝ... કાજલ એક સાધારણ મિડલક્લાસ યુવતી. માતા લોકોનાં ટિફિન ભરે અને પિતા એક સાધારણ ક્લર્ક, પણ કાજલ તો ખૂબ સ્માર્ટ અને ટૅલન્ટેડ. માત્ર પોતાની મહેનતથી મૉડલ બની...

એટલે કાજલની કરીઅર, ઉછેરમાં માતા-પિતાનું શૂન્ય પ્રદાન. બિચારાં સાધારણ માતા-પિતા, આ તો કાજલ જ હોશિયાર.

ધીરુભાઈ પત્નીની પીઠને જોઈ રહ્યા. મારા તરફ એક વાર તો જો સાવિત્રી, તને પણ મારા જેવી લાગણી નથી થતી?

એક નિ:શ્વાસ સાથે તે પડખું ફરી ગયા. સાવિત્રીબહેનનો પાલવ આંસુથી ભીનો થઈ ગયો હતો. એક વાર પણ મને નહીં બોલાવો તમે?

€ € €

વાવાઝોડા પછીની શાંત સ્તબ્ધ સવાર.

હૂહૂકાર કરતા ફૂંકાતા પવનમાં ધૂળની ડમરીથી હવા મેલખાઉ થઈ ગઈ હતી. સાવિત્રીબહેનને થતું હતું કે એ આંધીમાં એક નાનું લીલુંછમ વૃક્ષ જડમૂળથી ઊખડી ગયું હતું.

બિલ્ડિંગનું રિપેરિંગનું કામ પૂરું થતું હતું. મજૂરો વાંસની પાલખ છોડી સામાન ટ્રકમાં ભરી રહ્યા હતા. ઘણા વખતે ઘરમાં ઉજાસ પથરાયો હતો. બારીઓ ખૂલી ગઈ હતી.

પ્રિયાએ સાવિત્રીબહેનને કહ્યું, ‘હાશ, કેવું સારું લાગે છે! હું ઑફિસમાંથી રજા લઈ લઉં મમ્મી. સાફ કરવું પડશેને. ઘરમાં ધૂળ તો જો! તારાં ફૂલનાં કૂંડાં ગયાં મમ્મી.’

‘ના રે, માળીને કહી દીધું છે. નવાં કૂંડાં કાલે આવી જશે ને જો, રજા નહીં લેતી. મેં વૉચમૅનને કહ્યું છે. તે કોઈને સાફસૂફી માટે મોકલશે, ઘર બરાબર સાફ કરાવી લઈશ.’

સાવિત્રીબહેન રસોડામાં ગયાં અને ત્રણ લંચ-બૉક્સ ડાઇનિંગ ટેબલ પર મૂક્યાં. સવારનો નાસ્તો હજી બાકી હતો. સાવિત્રીબહેનના હાથ ઝડપથી ફરતા હતા, રોજની જેમ. પ્રિયા મદદ કરવા લાગી, પણ તેનું ધ્યાન હતું સાવિત્રીબહેન પર. મમ્મી કેટલી સ્વાભાવિક રીતે વર્તવા મથી રહી છે? કાલે રાત્રે કાજલના અને ખાસ તો પપ્પાના વર્તાવથી તેનું મન કેટલું ઉઝરડાયું હશે? પરંતુ લોહીનો ટશિયો પણ ન દેખાય એ માટે કેટલી સાવધ છે!

કુટુંબ એક તંતુથી બંધાયેલું રહે એ માટે માનું આ તપ છે. જેવું વંદનામાસીનું તપ.

પ્રિયા ચમકી ગઈ. આખી વાત કેટલી દીવા જેવી સ્પષ્ટ હતી; પણ જ્યારે અમરે કહી ત્યારે તેના ઘરેથી, એ માહોલથી ભાગી છૂટી હતી. એ સાંજે ઘરમાં ઊતરતા અંધકારમાં એક રોગિષ્ઠ સ્ત્રીની ચાકરી વરસોથી નિ:સ્વાર્થભાવે બીજી સ્ત્રી કરી રહી હતી. એ પરમ સત્ય હતું. તરણા ઓથે આટલો મોટો ડુંગર તે કેમ જોઈ ન શકી. તેનું મન અમરને મળવા ઉપરતળે થઈ રહ્યું.

સાવિત્રીબહેને ઉતાવળે કહ્યું, ‘પ્રિયા, લે લીંબુ; લંચ-બૉક્સમાં બટાટાપૌંઆ સાથે મૂકી દે.’

બધું રોજ મુજબ. કશી કસર નહીં. સ્ત્રીની આ તપર્યા જંગલમાં તપ કરતા ઋષિથી કમ નથી હોતી. તરુણ નાહવા ગયો. ધીરુભાઈએ અખબારમાં મોં ખોસી દીધું. કાજલ સોફામાં આરામથી સૂતાં-સૂતાં ટીવી પર ફૅશન-ચૅનલ જોઈ રહી હતી. સાવિત્રીબહેન કપડાં ગડી કરી રહ્યાં હતાં.

મિડલક્લાસ ઘરમાં ઊગતી રોજની સવાર જેવી એક સવાર. જાણે કશું જ બદલાયું નથી. આંખે દેખાતું સત્ય પણ ક્યાં આભાસી નથી હોતું! અદૃશ્ય હવાની બદલાતી રૂખને આંગળી ચીંધીને બતાવી તો નથી શકાતી.

કામ પર જવાની ઉતાવળી દોડધામ શરૂ થઈ ગઈ હતી ત્યાં ડોરબેલ વાગી. પ્રિયાએ જલદીથી બારણું ખોલ્યું. મંજુબહેન આવ્યાં હતાં. હોંશભેર મીઠાઈનું પૅકેટ આપ્યું, નિશાની સગાઈ કરી દીધી. પ્રિયાએ અભિનંદન આપ્યાં. તે હરખાતાં ગયાં. પ્રિયાએ પૅકેટ ખોલી લંચ-બૉક્સમાં બે પેંડા મૂક્યા. બાજુમાં ઊભેલાં સાવિત્રીબહેનના મોંમાં મૂક્યો. તેમણે કહ્યું, ‘હવે તો તારા શુભ સમાચારનું મોં મીઠું કરાવ.’

વેરી ફની બોલતાં પ્રિયાએ કાજલ સામે જોયું. ફૅશન-વીકના ટેલિકાસ્ટમાં તે ખોવાઈ ગઈ હતી. બીજો કોઈ દિવસ હોત તો કાજલ ઊછળી પડી હોત, મશ્કરી કરી હોત, પપ્પાએ પણ સાથ પુરાવ્યો હોત. જાણે કોઈએ સાંભળ્યું જ નહોતું. એક મમ્મી જ હતી જે ઘરમાં રોજનો માહોલ બનાવી રાખવાનો પ્રયત્ન કરતી હતી અને પોતે તેની વાતને મજાક સમજી કાઢી હતી. પ્રિયા સાવિત્રીબહેન પાસે જઈ વહાલથી વળગી પડી.

‘હા મમ્મી, તારી જેમ મનેય હોંશ છે શુભ સમાચારની. મોં મીઠુંય કરીશું અને સેલિબ્રેટ પણ કરીશું.’

સાવિત્રીબહેને તેના ગાલ પર હાથ ફેરવ્યો અને કપાળ ચૂમી લીધું. પ્રિયા ઉતાવળે નીકળી ગઈ. મિસિસ અગ્રવાલ ચોકી કરતી હોય એમ વાળમાં દાંતિયો ફેરવતી કૉરિડોરમાં જ ચક્કર કાપી રહી હતી. પ્રિયાને ઘરમાંથી નીકળતી જોતાં તે નજીક આવવા જતી હતી એટલે તેમની સામે સ્મિત કરી લિફ્ટની રાહ જોયા વિના નીચે ઊતરી ગઈ. આજે શુભ મુરતમાં જ તે ઘરેથી નીકળી હોવી જોઈએ. હાથ ઊંચો કરતાં જ રિક્ષા મળી ગઈ. અધીરાઈથી ઘડિયાળ સામે જોતી રહી.

પ્રિયા સમયસર જ પહોંચી. પુલ પરથી ગિરદી વચ્ચે દોડતાં તેની ફેવરિટ વિરાર ફાસ્ટ આવતી જોઈ. પ્લૅટફૉર્મ પર તે અને ટ્રેન સાથે જ પહોંચ્યાં. મહિલાઓના ધક્કામુક્કી કરતા ટોળામાં રીતસર ઝંપલાવ્યું. કમ્પાર્ટમેન્ટમાં ધસી ગઈ. હળવા ધક્કા સાથે ટ્રેન તરત જ શરૂ થઈ ગઈ. કોઈ મહાયુદ્ધ જીત્યાના આનંદ સાથે તે દરવાજા પાસે ઊભી રહી. ટ્રેન હવાઈ જહાજની જેમ ઊડી રહી હતી. એક-એક સ્ટેશનને ઝડપથી અદૃશ્ય થતાં અધીરાઈથી તે જોઈ રહી.

અમરનો ફોન નથી, એસએમએસ પણ નહીં. અમરનો શો દોષ? તે જ બે કદમ પાછળ હટી ગઈ હતી. તેના સંબંધનું કોઈ ભવિષ્ય છે કે નહીં એ તે નથી જાણતી, પણ અમરને મળવા હૈયું તલપાપડ થતું હતું. કાલ રાતની ઘટનાથી તે અંદરથી સહેમી ગઈ હતી. એક અમર તો હતો જેની હૂંફમાં તેનો ભય પીગળતો રહેતો. બીના તેને સમજી શકતી, તેની સાથે નિરાંતે વાતો થઈ શકતી; પણ આજકાલ તે પણ ઉદ્વિગ્ન રહેતી હતી. ઑફિસમાં તેની સાથે જ કામ કરતી હતી, પણ હમણાં તેનાં લગ્નની વાત ચાલતી હતી. ઑફિસ પૂરી થયાના સમય પહેલાં જ તેને તેના મોટા ભાઈ લેવા આવી જતા.

ચર્ચગેટ આવતાં જ તે ઊતરી પડી. તે દોડીને તો આવી હતી, પણ અમર આગલી ટ્રેનમાં આવીને ક્યારનો ઑફિસ ચાલી ગયો હશે. ફોન નહોતો કરવો, સરપ્રાઇઝ આપવી હતી; નાના બાળકની જેમ હાઉકલું કરવું હતું. એકસાથે બે ટ્રેન આવી હતી. સ્ટેશન ભરચક હતું. તે ચારે તરફ નજર ફેરવતી બેન્ચ તરફ જઈ રહી હતી. શા માટે અમર આવે? કઈ આશાએ આવે?

પ્રિયા ઊભી રહી ગઈ. તેની જ ભૂલ હતી. કેટલો બધો વખત તેણે જ અમરની ઉપેક્ષા કરી હતી! શા માટે કોઈ આટલું અપમાન સહન કરે?

ત્યાં જ અમરને તેણે જોયો એ જ બેન્ચ પર પુસ્તક વાંચતો. આજુબાજુ ઊભરાતાં ટોળાંથી સાવ અલિપ્ત્ા. પુસ્તકમાં મગ્ન. તેની ચાલમાં જોમ આવ્યું. કૉફીના બે કપ ખરીદી તે બેન્ચ પાસે આવી કપ ધરીને બોલી, ‘ગુડ મૉર્નિંગ. કૉફી પીશો?’

‘ગુડ મૉર્નિંગ મૅમ, થૅન્ક્સ.’

વતુર્ળાકારે એ ક્ષણ ફરી આવીને ઊભી રહી જ્યારે બન્ને પહેલી વાર મળ્યાં હતાં.

€ € €

‘ઘરમાં તો એટલો ઉકળાટ છે કરણ કે મોટો ઝઘડો થઈ ગયો.’

‘મેં તને પહેલેથી ચેતવી હતી કે ઘરમાં બધાને કૉન્ફિડન્સમાં લઈને પછી આપણે કામ કરીએ, પણ તું ખરી જિદ્દી છે. મારી વાત ન માની.’

તેમની ફેવરિટ રેસ્ટોરાંમાં કરણ અને કાજલ દાખલ થતાં જ કાજલ વરસી પડી. જોરથી ખુરસી ખસેડતાં રોષથી બોલવા લાગી, ‘રાજી થવાને બદલે આટલો મોટો ઝઘડો? આ તે કંઈ ફૅમિલી છે?’

‘રિલૅક્સ કાજલ. તારી ફૅમિલી દુશ્મન થોડી છે? હું તો તેમને મળ્યો પણ નથી તોય તને કોરા કાગળ પર લખી દઉં કે તારા પપ્પા, મમ્મી, ભાઈ-બહેન સંસ્કારી છે, પ્રેમાળ છે. ધે કૅર અબાઉટ યુ.’

કાજલ ધૂંધવાઈ, ‘મને આટલો મોટો કૉન્ટ્રૅક્ટ મળ્યો, પાંચ લાખની રકમ મારા ખાતામાં છે એથી ખુશ થવાને બદલે... ઓ માય ગૉડ! અને તું કહે છે કે ધે કૅર અબાઉટ મી? માય ફૂટ.’

ગરમ કૉફીના મગ અને સૅન્ડવિચ વેઇટર મૂકી ગયો. કાજલનું માથું ધમધમતું હતું, ‘ગુસ્સો તો એવો આવે છે કે ઘરમાં તોડફોડ કરી નાખું, પ્રિયાને એક જોરદાર થપ્પડ મારી દઉં...’

કરણે તેનો હાથ પકડી લીધો, ‘શટ-અપ અને કામ ડાઉન. તે લોકોએ ઝઘડો કયોર્, નારાજ થયા, તેમને બતાવ્યા વિના કૉન્ટ્રૅક્ટ કર્યો એ બિલકુલ ન ગમ્યું એ જ બતાવે છે કે તેમની દીકરીને તે સોનાનું ઈંડું મૂકતી મરઘી નથી માનતા. તારા પાંચ લાખ રૂપિયાની લાલચ નથી; પણ તું કોઈ ખોટું પગલું નથી ભરી રહી, તારું કોઈ શોષણ નથી કરતું એની તેમને ચિંતા હતી કાજલ.’

કાજલે સૅન્ડવિચ ખાતાં કૉફીનો ઘૂંટ ભર્યો, ‘તારી વાત તું જ સમજે કરણ.’

‘સાંભળ બરાબર અને સમજ કાજલ, તારી વાત તારે સમજવાની છે. હજી તો આ શરૂઆત છે, લાંબી મજલ છે અને તું છે માત્ર વીસ વર્ષની. હું ક્યાં સુધી તારું ધ્યાન રાખીશ?’

કાજલના હોઠ ગરમ કૉફીના ઘૂંટથી દાઝી ગયા. શું કહેતો હતો કરણ? ક્યાં સુધી મારું ધ્યાન રાખશે એટલે? તે મારી સાથે નહીં હોય? તેના જીવનમાં મારું સ્થાન નથી? કેટલી સહજતાથી તેણે કહી દીધું.

કરણે બીજી સૅન્ડવિચનો ઑર્ડર આપ્યો, ‘સૅન્ડવિચની બ્રેડ એકદમ ફ્રેશ છે નહીં! કાજલ, મારા એક ફ્રેન્ડની ગર્લફ્રેન્ડ સંઘર્ષ કર્યા વિના ટૉપ-મૉડલ બની હતી, કારણ કે તેનાં મા-બાપ તેની ઍડનું અને તેનું પણ ડીલ કરતાં હતાં. તેં મધુર ભંડારકરની ‘ફૅશન’ ફિલ્મ જોઈ છે? હું તને ડી.વી.ડી. આપીશ. બે-પાંચ વાર જોજે અને અક્કલ ઠેકાણે રાખજે.’

કરણ મૉડલિંગની દુનિયાની વાતો કરતો હતો, પણ કાજલના મનમાં જંતરડાની જેમ કરણના શબ્દો જોરજોરથી ઘૂમતા હતા : હું ક્યાં સુધી તારું ધ્યાન રાખીશ? ...ક્યાં સુધી? ...ક્યાં સુધી?

કાજલ વીંધી નાખતી નજરે કરણને જોઈ રહી : તું હંમેશ માટે મારું ધ્યાન રાખીશ. ફૉરેવર કરણ મહેતા. તું ધારે છે એટલી હું ભોળી નથી. હું તો ક્યારની તારી સાથે સહજીવનનાં સપનાં જોઉં છું. હું તને પ્રેમ કરું છું, ગાંડોતૂર પ્રેમ કરું છું. મારી મિડલક્લાસ જિંદગીને લાત મારી એક છલાંગે હું તારી હાઈ-ક્લાસ સોસાયટીમાં ફાઇવસ્ટાર લાઇફ-સ્ટાઇલ જીવવા માગું છું. સંઘર્ષ કેવો ને વાત કેવી?

કરણ, જીવન તેજીલી રફ્તારથી દોડી રહ્યું છે. અહીં બધું ઇન્સ્ટન્ટ છે. મને પણ બધું તરત જોઈએ છે. સુખ નામનો પદાર્થ, ઇન્સ્ટન્ટ હૅપીનેસ, ઇન્સ્ટન્ટ લક્ઝરીઝ ઑફ લાઇફ; એ પણ ચાંદીની તાસક પર. રાહ જોવાનો સમય કે ધીરજ મારી પાસે નથી.

મને તું જોઈએ છે કરણ. મારે તને પામવો છે. પછી છાતી પર બિલ્લાની જેમ પહેરીશ તારો-મારો સંબંધ. ઇરા અને નીરજાને મારે માત કરવાં છે કરણ. હું તને મારો કરી લઈશ. માત્ર સ્ત્રી પાસે હોય છે એવો વશીકરણ મંત્ર, તેને જન્મજાત મળેલું વરદાન મારી પાસે છે અને હું તારા પર ભૂરકી નાખીશ કરણ.

‘શું વિચારે છે? કેમ બેઠી છે? ચાલ.’

કાજલે મોહક અદાથી હાથ લાંબો કર્યો અને લાડથી કહ્યું, ‘લેટ્સ ગો.’

(ક્રમશ:)

કાજલ વીંધી નાખતી નજરે કરણને જોઈ રહી : તું હંમેશ માટે મારું ધ્યાન રાખીશ. ફૉરેવર કરણ મહેતા. તું ધારે છે એટલી હું ભોળી નથી. હું તો ક્યારની તારી સાથે સહજીવનનાં સપનાં જોઉં છું. હું તને પ્રેમ કરું છું, ગાંડોતૂર પ્રેમ કરું છું. મારી મિડલક્લાસ જિંદગીને લાત મારી એક છલાંગે હું તારી હાઈ-ક્લાસ સોસાયટીમાં ફાઇવસ્ટાર લાઇફ-સ્ટાઇલ જીવવા માગું છું. સંઘર્ષ કેવો ને વાત કેવી?