નરોડા પાટિયાકાંડનો ચુકાદો એટલે સભ્ય સમાજનો વિજય

02 September, 2012 07:44 AM IST  | 

નરોડા પાટિયાકાંડનો ચુકાદો એટલે સભ્ય સમાજનો વિજય

અમદાવાદના નરોડા પાટિયાકાંડમાં આવેલો ચુકાદો ભારતના બંધારણનો, સેક્યુલરિઝમનો, કાયદાના રાજ્યનો, ન્યાયતંત્રનો અને કુલ મળીને સભ્ય સમાજનો વિજય છે. વિજય એટલા માટે કે ગુજરાતનાં કોમવાદી પરિબળોએ મૂલ્યઆધારિત આધુનિક ભારતનું કાસળ કાઢવાનો બહુ ગણતરીપૂર્વક પ્રયત્ન કર્યો હતો. ન્યાયની કસુવાવડ થાય, વિકૃત કોમવાદીઓનો વાળ પણ વાંકો ન થાય અને કોમવાદનો ભોગ બનેલા કમનસીબ નિર્દોષ લોકોને ક્યારેય ન્યાય ન મળે એ માટે કોઈ કસર છોડવામાં નહોતી આવી. એમના બધા પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા છે અને કાયદો ઘાતકીઓ સુધી પહોંચી ગયો છે.

અમદાવાદની સ્પેશ્યલ ડેઝિગ્નેટેડ કોર્ટનાં જજ ડૉ. જ્યોત્સ્ના યાજ્ઞિકે કુલ ૩૦ આરોપીઓને ૨૪થી ૩૧ વર્ષની જેલની સજા કરી છે. અદાલતે બીજેપીના એ સમયના નરોડા પાટિયા મતદારસંઘનાં વિધાનસભ્ય અને એ પછી થોડો સમય ગુજરાતનાં આરોગ્યપ્રધાન રહી ચૂકેલાં ડૉ. માયા કોડનાણીને બર્બર હત્યાકાંડના મુખ્ય સૂત્રધાર તરીકે ઓળખાવ્યાં છે. માયા કોડનાણી સ્ત્રી છે, મા છે અને તબીબ પણ છે. આપણે અહીં માયાબહેનને ધિક્કારવાની જરૂર નથી. વિચારવાનું એ છે કે સ્ત્રી, માતા અને તબીબ જ્યારે નગ્ન હત્યાકાંડનું સૂત્રસંચાલન કરતાં હોય તો વિચારી જુઓ કે કોમવાદ અને ફાસીવાદ કેટલો વિકૃત હશે.

બાબુ બજરંગીના વિકૃત માનસ વિશે ઘણું લખાયું છે. ૨૦૦૭માં ‘તહલકા’ મૅગેઝિને કરેલા સ્ટિન્ગ ઑપરેશનમાં બાબુ બજરંગીએ કૅમેરા સમક્ષ કહ્યું હતું કે ‘નરોડા પાટિયા ખાતે મુસલમાનોની સામૂહિક હત્યા કર્યા પછી મેં રાજ્યના ગૃહપ્રધાનને અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપ પટેલને હત્યાકાંડની વધામણી આપી હતી. મારા ફોન પછી થોડા કલાકે નરોડા પાટિયા ખાતે પોલીસ મોકલવામાં આવી હતી અને મારી સામે પોલીસે ફરિયાદ દાખલ કરી હતી.’

બાબુ બજરંગીએ એમ પણ કહ્યું હતું કે ગુજરાતના નરસંહારમાં મોદીસરકારનો છૂપો ટેકો હતો.

૨૦૦૨ની ૨૭ ફેબ્રુઆરીએ ગોધરા સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના અયોધ્યાથી પાછા ફરતા કારસેવકોના એક ડબ્બાને આગ ચાંપવામાં આવી એના બીજા દિવસથી ગુજરાત સળગ્યું હતું. ૨૮ ફેબ્રુઆરીથી ગુજરાતમાં શરૂ થયેલાં હુલ્લડો ગોધરાની ઘટનાને કારણે ઉશ્કેરાયેલા લોકોના ગુસ્સાનું પરિણામ હતું એવી દલીલ ગુજરાત સરકાર અને સંઘપરિવાર કરે છે. સામે પક્ષે વળતી દલીલ એવી કરવામાં આવે છે કે ગુજરાતકાંડ સંઘપરિવારનું મુસલમાનોનો સામૂહિક નરસંહાર કરવા માટેનું કાવતરું હતું અને એમાં રાજ્ય સરકારની સક્રિય ભાગીદારી હતી. છેલ્લા એક દાયકા દરમ્યાન આ બીજી દલીલને સાબિત કરનારાં અનેક પ્રમાણો બહાર આવી રહ્યાં છે અને હવે તો નરોડા પાટિયા હત્યાકાંડના ચુકાદામાં જજસાહેબાએ પણ એનો સ્વીકાર કર્યો છે. વહીવટી તંત્રની ભાગીદારી વિના એક જ દિવસમાં, એક જ સ્થળે, એક જ કોમના ૯૭ લોકોને વીણી-વીણીને મારવામાં આવે એ શક્ય જ નથી. આવી જ એકસરખી પૅટર્ન ગુજરાતમાં અન્યત્ર પણ જોવા મળી હતી.

ચુકાદા પછી રાજ્ય સરકારે, બીજેપીએ અને સંઘપરિવારે ડૉ. માયા કોડનાણી અને બાબુ બજરંગીને જાણે ઓળખતાં પણ ન હોય એવું જે વલણ અપનાવ્યું છે એ વિકૃત રાજકારણીનો વિકૃત ચહેરો છે. રાજકારણીઓ સત્તા માટે માણસોને કઈ રીતે વાપરે છે અને પછી નિચોવાયેલા શેરડીના સાઠાની જેમ ફગાવી દેવામાં આવે છે એનું આ પ્રમાણ છે. ૫૭ વર્ષનાં બીમાર માયા કોડનાણીની દયા તેમના પક્ષે અને તેમના વૈચારિક પરિવારે નથી ખાધી, પરંતુ અદાલતે ખાધી છે. જજ ડૉ. જ્યોત્સ્ના યાજ્ઞિકે કહ્યું છે કે આમ તો આ કેસ જઘન્ય અપરાધનો છે, પરંતુ એ છતાંય અદાલત એને રેરેસ્ટ ઑફ રેરની કક્ષાનો નથી ગણતી; કારણ કે અપરાધીઓ પણ દસ વર્ષથી જીવનમરણની અનિશ્ચિતતા વચ્ચે ઊચક જીવન જીવે છે. દસ વર્ષની તેમની યાતનાને ધ્યાનમાં રાખીને અદાલતે તેમને ફાંસીની જગ્યાએ લાંબી મુદતની અને બાબુ બજરંગીને મૃત્યુ પર્યંતની સજા કરી છે. સત્તાના વિકૃત યાતનામય રાજકારણમાં અને બંધારણની દૃષ્ટિએ કાયદાના રાજમાં કેટલો ફરક છે એ ધ્યાનમાં આવે છે ખરો? જો ફરક ધ્યાનમાં આવતો હોય તો વિકૃતિની જગ્યાએ વિવેકના પક્ષે ઊભા રહેવા જેટલી ધીરજ કેળવવાની હાથ જોડીને વિનંતી કરું છું.

ચુકાદા વિશે બીજેપીના નેતાઓ શેખી મારતાં કહે છે કે અમારા દ્વારા શાસિત રાજ્યમાં અમારી વિરુદ્ધ ચુકાદા આવી રહ્યા છે, જ્યારે ૧૯૮૪માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી દિલ્હીમાં સિખોના કરવામાં આવેલા નરસંહારમાં હજી પણ કમનસીબ સિખોને ન્યાય નથી મળ્યો. તેમની વાત સાચી છે. ૨૮ વર્ષ થઈ ગયાં છે એ શરમજનક કાંડને અને હજી આજે પણ એ નરસંહારનો શિકાર બનેલાઓને ન્યાય નથી મળ્યો. એ નરસંહારના આરોપીઓ આજે પણ છૂટા ફરે છે, કેટલાકે સુખેથી સત્તા ભોગવી છે અને એચ. એલ. ભગત તો સત્તા ભોગવીને સ્વર્ગે (કે જ્યાં હોય ત્યાં) સિધાવી ગયા છે. તેમને સજા થવી જોઈતી હતી અને હું એમ માનું છું કે દિલ્હી નરસંહારના ખટલા ગુજરાતની માફક ચાલ્યા હોત તો ગુજરાતનો નરસંહાર થયો જ હોત. સત્તાધીશો અને સત્તાધીશોના જેમના પર ચાર હાથ હોય એ ગમે એવો ગુનો કરીને બચી શકે છે એવો જે મેસેજ સિખોના નરસંહાર પછી ગયો એણે ગુજરાતના નરસંહારને જન્મ આપ્યો હતો.

તમારા કરતાં અમે વધુ ન્યાયપ્રિય છીએ એવી શેખી બીજેપીના નેતાઓ મારી રહ્યા છે એમાં સત્ય નથી. સત્ય એ છે કે બીજેપીના નેતાઓ અને કાર્યકરો દિલ્હીને જોઈને છેતરાયા છે. કાનૂનની ઐસી-તૈસી, ભારતમાં ન્યાયતંત્ર ખોખલું છે, સામથ્ર્યવાનનો અદાલત વાળ પણ વાંકો નથી કરી શકતી, કાયદાઓની આંટીઘૂંટીઓનો ઉપયોગ કરીને ખટલાઓને દાયકાઓ સુધી રખડાવી શકાય છે એવી ન્યાયતંત્ર વિશે જે સમજ વિકસી હતી એને કારણે ગુજરાતમાં બીજેપીના નેતાઓ અને સંઘના કાર્યકરો છેતરાયા હતા. તેમણે પણ એ જ માર્ગ અપનાવ્યો હતો જે દિલ્હીમાં કૉન્ગ્રેસીઓએ અપનાવ્યો હતો.

તેમના દુર્ભાગ્યે આ વખતે સભ્યતાએ સાથે મળીને કમર કસી હતી અને અભિમન્યુના કોઠાઓને વીંધીને સત્ય સુધી પહોંચવાનું પ્રણ લીધું હતું.

સેક્યુલર નાગરિક સમાજે, માનવઅધિકાર માટે લડતાં સંગઠનોએ, ગુજરાત બહારના જવાબદાર મિડિયાએ અને સૌથી વધુ તો સર્વોચ્ચ અદાલતે ‘નો મોર દિલ્હી’નો મનસૂબો બનાવી લીધો હતો. ન્યાયતંત્રના અને અદાલતોના અસ્તિત્વ સામે અને એની પ્રાસંગિકતા સામે જ ગંભીર સવાલ પેદા થયો હતો. શાસકોએ અધમૂઈ કરી નાખેલી અદાલતોને ઉગારી લેવાનો સર્વોચ્ચ અદાલતે નિર્ણય લઈ લીધો હતો. કેટલાક ખટલાઓને નવેસરથી સાંભળવાનો અને કેટલાક ખટલાઓને ગુજરાતની બહાર ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો. કેટલાક ખટલાઓને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ-લ્ત્વ્)ની રચના કરીને નવેસરથી તપાસ યોજવાનું કહેવામાં આવ્યું હતું. સિટ એની તપાસનો અહેવાલ સૌથી પહેલાં સર્વોચ્ચ અદાલતને આપે છે. સિટનાં તારણોના આધારે નવેસરથી આરોપનામાં દાખલ કરવામાં આવ્યાં હતાં. સર્વોચ્ચ અદાલતે એમિકસ ક્યુરી (કોર્ટનો તટસ્થ ઍડ્વાઇઝર)ની નિયુક્તિ કરી છે જે ગુજરાતમાં ચાલતી ન્યાયની પ્રક્રિયા વિશે સર્વોચ્ચ અદાલતને જાણકારી આપે છે અને જરૂર પડ્યે સલાહ આપે છે. ગુજરાતમાં ધાક ધરાવતા માતેલા સાંઢ જેવા પોલીસ-અધિકારીઓને નકલી એન્કાઉન્ટર કેસમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ત્યાં સુધી કે ગુજરાતના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અને નરેન્દ્ર મોદીનો જમણો હાથ ગણાતા અમિત શાહની ધરપકડ કરવામાં આવી હતી અને અત્યારે તે તડીપાર છે.

શેખી મારવાનો અવસર છે કે શરમાવાનો?

ગુજરાત પર ન્યાયનું આવું આક્રમણ થશે એની કલ્પના નરેન્દ્ર મોદીની સરકારે અને સંઘપરિવારે નહોતી કરી. એમને તો એમ હતું કે દિલ્હીવાળા કૉન્ગ્રેસીઓની જેમ બચી જઈશું અને મુસલમાનોને પાઠ ભણાવવાના શૌર્યની શેખી મારતા ફરતા રહીશું. તેમના દુર્ભાગ્યે સર્વોચ્ચ અદાલતે કોઈ પણ ભોગે ન્યાયને ઉગારી લેવાનો સંકલ્પ કર્યો છે. બીજેપી અને સંઘપરિવારના નેતાઓ માટે હવે શેખી મારવા જેવું કંઈ રહ્યું નથી. ગુજરાતના ખટલાઓ ગુજરાતની બહાર ચાલે એ શેખી મારવાનો અવસર છે કે શરમાવાનો? રાજ્યના ગૃહપ્રધાન તડીપાર હોય એ શેખી મારવાનો અવસર છે કે શરમાવાનો? ગુજરાતમાં થયેલા ગુનાઓની તપાસ ગુજરાત પોલીસની જગ્યાએ ગુજરાત બહારના અધિકારીઓ કરતા હોય એ શેખી મારવાનો અવસર છે કે શરમાવાનો? મા પોતાનાં બાળકોની સંભાળ બરાબર રાખે છે કે નહીં એ જોવાનું કામ પાડોશણને સોંપવામાં આવે એના જેવો આ ઘાટ છે. એ મા જો મહાન હોય તો નરેન્દ્ર મોદીને મહાત્મા કહેવામાં કોઈ વાંધો ન હોવો જોઈએ.