ભારતના ઔદ્યોગિક ઇતિહાસનો આકરો ચુકાદો

02 September, 2012 07:39 AM IST  | 

ભારતના ઔદ્યોગિક ઇતિહાસનો આકરો ચુકાદો

સહારા ગ્રુપની કમર તોડી નાખે એવો ચુકાદો આપતાં સર્વોચ્ચ અદાલતે એના સંચાલકોને આદેશ આપ્યો છે કે લોકોને ગેરમાર્ગે દોરીને એકઠા કરેલા પૈસા ૧૫ ટકા વ્યાજ સાથે પાછા આપી દે. ૨૦૦૮માં સહારા જૂથે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા જમા કર્યા હતા. સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ ૧૫ ટકાના વ્યાજ સાથે કુલ ૩૮,૦૦૦ કરોડ રૂપિયા ચૂકવવા પડશે અને એ માટે અદાલતે કેવળ ત્રણ મહિનાનો સમય આપ્યો છે. સહારા જૂથ જો રૂપિયાની ચુકવણી ન કરે તો અદાલતે એની મિલકત જપ્ત કરવાનો તેમ જ બૅન્ક-અકાઉન્ટ્સ સ્થગિત કરવાનો પણ અધિકાર સેબીને આપ્યો છે. અધૂરામાં પૂરું, સહારા જૂથ સર્વોચ્ચ અદાલતના આદેશનું પાલન કરે છે કે નહીં એના પર નજર રાખવા સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ બી. એન. અગ્રવાલની નિમણૂક કરી છે. ભારતના ઔદ્યોગિક ઇતિહાસમાં આવો આકરો ચુકાદો અદાલતે આપ્યો હોય એવું યાદ નથી. આ અભૂતપૂર્વ અને ઐતિહાસિક ચુકાદો છે.

સહારા ઇન્ડિયાના સ્થાપક સુબ્રતો રૉય ભારતીય વાણિજ્યજગતના મનોજકુમાર ઉર્ફે ભારતકુમાર છે. મનોજકુમાર દેશપ્રેમને વટાવીને ફુહડ ફિલ્મો બનાવા હતા એમ ‘સહારાશ્રી’ દેશપ્રેમના નામે દેશની જનતાને મૂરખ બનાવે છે. તેમની કંપનીમાં તેમનો હોદ્દો મૅનેજિંગ વર્કર ઍન્ડ ચૅરમૅનનો છે અને તેઓ પોતાના નામની આગળ ‘સહારાશ્રી’ના વિશેષણનો આગ્રહ રાખે છે. તેમની બિઝનેસ-ફિલસૂફી નિ:સ્વાર્થ ગાંધીવાદીની છે. સહારા ઇન્ડિયાની ઑફિશ્યલ વેબસાઇટ પર સહારાશ્રીને ટાંકવામાં આવ્યા છે : વેપારમાં વેપારીની સફળતાનો સૌથી મોટો માપદંડ તે કેટલો નફો રળી શક્યો એ છે, પરંતુ જીવનમાં વેપારીનો અને એમાંય મોટા વેપારીની સફળતાનો માપદંડ તે રળેલાં નાણાં કેવી રીતે વાપરશે એ છે. સુબ્રતો રૉય વૈભવી જીવન જીવે છે. તેમણે તેમના પુત્રનાં લગ્નમાં એકાદ અબજ રૂપિયા ખચ્ર્યા હતા એમ કહેવાય છે.

ભારતીય ઔદ્યોગિક વિશ્વમાં સહારા રહસ્યમય કંપની તરીકે ઓળખાય છે. ૧૯૭૮માં સહારાની શરૂઆત લખનઉમાં ચિટ ફન્ડ કંપની તરીકે થઈ હતી અને ૧૯૯૦ સુધી એનો એ જ ધંધો હતો. ૧૯૯૦ પછી એનો જે ઉદય થયો છે એ ન સમજાય એવો રહસ્યમય છે. એની પાસે આવકનું કોઈ દેખીતું સાધન નથી. એની પાસે કોઈ મોટા ઉદ્યોગ નથી. મિડિયાના વ્યવસાયમાં સહારા નુકસાન કરે છે. પ્લેનસર્વિસમાં પણ નુકસાન કર્યું હતું. સહારાની એકમાત્ર તાકાત છે અબજો રૂપિયાની જમીન અને મિલકતો. સર્વોચ્ચ અદાલતની એના પર જ તવાઈ આવી છે. માસ હાઉસિંગની સ્કીમ માટે જાહેર જનતા પાસેથી નાણાં ઉઘરાવવામાં આવ્યાં હતાં. એમાં કંપનીએ રોકાણકારોને ગેરમાર્ગે ર્દોયા હતા. સેબીએ જ્યારે વાંધો ઉઠાવ્યો ત્યારે સહારાએ એને અદાલતમાં પડકાર્યો હતો. આજે અદાલતનો ચુકાદો સામે છે.

સહારાના ઉદયની શરૂઆત ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવના ઉદય સાથે થઈ હતી. પ્રાદેશિક સ્તરના ક્રોની કૅપિટલિઝમનું સહારા પ્રોડક્ટ છે. સહારા જૂથ પર એક પછી એક સંકટ આવતું જ રહે છે અને રહસ્યમય રીતે એ એમાંથી ઊગરી જાય છે. આ વખતનું સંકટ જોકે વિકટ છે. ગંભીરતાથી ધંધો નહીં કરવા છતાંય સહારાને ગંભીરતાથી લેવું પડે એવું એનું વિચિત્ર સ્વરૂપ છે.            

સેબી = સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા