ગીધ આસાનીથી ખાઈ શકે એ માટે તિબેટમાં પાર્થિવ દેહના કટકા કરીને એમાં ચાવાળા લોટની પેસ્ટ ભરવામાં આવે છે

02 September, 2012 07:23 AM IST  | 

ગીધ આસાનીથી ખાઈ શકે એ માટે તિબેટમાં પાર્થિવ દેહના કટકા કરીને એમાં ચાવાળા લોટની પેસ્ટ ભરવામાં આવે છે

માનો યા ન માનો

મૃત્યુ પછી પૃથ્વી પર રહી જતા પાર્થિવ શરીરની અંતિમક્રિયાઓ માટે જાતજાતની વિધિઓ પ્રચલિત છે. હિન્દુઓ અગ્નિદાહ આપે, મુસ્લિમો અને ક્રિશ્ચિયનો જમીનમાં દફનાવે તો પારસીઓ શરીરને પક્ષીઓના ભક્ષણ માટે છૂટું મૂકી દે. તિબેટમાં રહેતા બૌદ્ધિષ્ઠોની પણ અંતિમવિધિ કંઈક અંશે પારસીઓને મળતી આવે છે. તેઓ પણ પર્વતની ટોચ પર ગીધ જેવાં માંસભક્ષી પક્ષીઓ માટે પ્રિયજનના શરીરને ખુલ્લું મૂકી દે છે, પણ એની વિધિ રૂંવાડાં ખડાં કરી દે એવી હોય છે.

ઝાતોર તરીકે ઓળખાતી ખાસ વિધિમાં શરીર પક્ષીઓને ખાવાલાયક બની રહે એવું બનાવવામાં આવે છે. સૌથી પહેલાં તો પાર્થિવ શરીરને સ્નાન કરીને પવિત્ર કરવામાં આવે. બૌદ્ધ સાધુ એ પછી ધૂપ-અગરબત્તી કરી મંત્રોચ્ચાર કરીને એને શુદ્ધ કરે ને પછી શરીરને અંતિમક્રિયા માટેની પર્વતની ટોચ પર લઈ જવામાં આવે. ત્યાં સૌથી પહેલાં બૉડી પરથી વાળ કાઢી લેવામાં આવે. આખેઆખું શરીર એમ જ રાખવાને બદલે એના કટકા કરવામાં આવે. કેટલીક વિધિમાં લોકો માત્ર હાથ-પગ જ જુદા કરીને કાપીને રાખે છે તો કેટલીક વિધિમાં હાથ-પગ જુદા કરી એમાંનું માંસ ખુલ્લું કરી એના પર ખાસ ચામાં મેળવેલા જવના લોટની પેસ્ટ ભેળવે. પેટની અંદરના અવયવો પણ ખુલ્લા કરીને એની સાથે આ પેસ્ટ મેળવવામાં આવે.

પોતપોતાના કુળની બૌદ્ધિષ્ઠ પરંપરા અનુસાર બૌદ્ધ સાધુની નિગરાનીમાં જ આ વિધિઓ થાય. શરીરને કાપી-કૂપીને નાના કટકા કરવાની વિધિ મોટા ભાગે સાધુઓ જ કરે. કેટલીક જગ્યાએ એ માટેના ખાસ માણસો રાખવામાં આવ્યા હોય છે જે બૉડીબ્રેકર્સ તરીકે ઓળખાય છે. મૃત માણસના પરિવારમાંથી ઓછામાં ઓછા પાંચ લોકો આ વિધિ વખતે હાજર હોય એ જરૂરી છે. એવી માન્યતા છે કે શરીરને કાપવાની વિધિ પરિવારજનો દ્વારા કરવામાં આવે તો સૌથી વધુ પુણ્ય મળે. જોકે બૉડીબ્રેકર્સ હોય, સાધુઓ હોય કે પરિવારજન; શરીરના કટકા કરતી વખતે જો તેઓ દુ:ખી થાય અથવા તો તેમની આંખમાંથી આંસુ પડે તો મૃતાત્મા સદ્ગતિ નથી પામતો એવી માન્યતા છે. એટલે શરીરને કાપીને લોટમાં રગદોળવાની વિધિ દરમ્યાન લોકો શાંતિ રાખવાને બદલે જોરજોરથી વાતો કરીને ખુશીનો માહોલ ઊભો કરતા હોય છે.

હવે ગીધ પક્ષીઓની અછત હોવા છતાં ચુસ્ત બૌદ્ધિષ્ઠો આ ઝાતોરની અંતિમવિધિ જાળવી રાખી છે.