મૅજિકલ મકાઉ

04 August, 2012 07:09 PM IST  | 

મૅજિકલ મકાઉ

અલ્પા નિર્મલ

શ્રાવણ મહિનો અને જુગારને કોઈ લોહીનો સંબંધ નથી છતાંય તહેવારોના આ મહિનાની શરૂઆત થતાં જ માણસની જુગારી વૃત્તિ જાગી ઊઠે. ગંજીફા-પાસાને જોઈ હથેળીમાં ખંજવાળ ઊપડે, એકના ચાર કે દસ કરવાની લાલચ બળવત્તર થઈ પડે. ખેર, જેને રમવું જ છે તેઓ તો બારે મહિના જુગારનો જુગાડ કરી લે છે, પણ કેટલાક પાપભીરુઓ શ્રાવણમાં ધાર્મિક વિધિને નામે પત્તાંના ખેલ ખેલી લે છે, જાણે આ મહિનામાં જુગારને સામાજિક માન્યતા મળી જાય છે. વેલ, એવે ટાણે આપણે પણ ઊપડીએ એશિયાના સૌથી પ્રખ્યાત જુગારી સિટી મકાઉમાં. આ ચીની વિસ્તાર ઈસ્ટના લાસ વેગસ તરીકે પણ જાણીતો છે અને દુનિયાભરના શોખીનો અહીં બારે મહિના ઊમટી પડે છે.

ક્યાં આવેલું છે?

ચીનના બે સ્પેશ્યલ ઍડ્મિનિસ્ટ્રેટિવ રીજનમાંથી એક મકાઉ ચીનની અતિ પૂર્વ સીમાએ આવેલું છે અને મેઇનલૅન્ડ ચીનથી ઝુહાઇ નગરની સીમાથી સંલગ્ન છે. મકાઉના ભૌગોલિક સ્થાન વિશે વિસ્તારમાં જાણવા પહેલાં એના ઇતિહાસ પર આછેરી નજર ફેરવીએ તો સોળમી સદીમાં અમેરિકા, યુરોપ અને અન્ય પશ્ચિમી રાષ્ટ્રો માટે એશિયાના પ્રવેશદ્વાર તરીકે ગણના પામતા આ દરિયાઈ બંદરે સોળમી સદીમાં પોર્ટુગીઝોએ સત્તાવાર થાણું સ્થાપ્યું અને એ ઘડીથી ૧૯૮૭ સુધી પૂરાં ૪૦૦ વર્ષ એ પોર્ટુગીઝ કૉલોની જ બનીને રહ્યું, પણ ચીની રાજા અને પોટુર્ગલના સત્તાધીશો દ્વારા ઈસવી સન ૧૮૮૭માં થયેલા કરાર બાદ ૧૯૮૭માં એ ચીનની સરકારને પરત સોંપાયું અને ૧૯૯૯માં પોર્ટુગીઝ ઍડ્મિનિસ્ટ્રેશનનો અંત આવ્યો અને મકાઉ ચીનનો અધિકૃત હિસ્સો બન્યું.

પર્લ રિવર ડેલ્ટાના પશ્ચિમ કિનારે સ્થિત મકાઉ ચાર ડિસ્ટ્રિક્ટમાં વિભાજિત ત્રણ બાજુ પાણીથી ઘેરાયેલો પ્રદેશ છે અને હૉન્ગકૉન્ગની જેમ ચીનનો સ્પેશ્યલ ઍડ્મિનિસ્ટ્રેટિવ રીજન હોવાથી અહીંના રૂલ્સ-રેગ્યુલેશન ચીનના કાયદા-કાનૂનથી થોડા નોખા છે.

કઈ રીતે જવાય?

છેલ્લા દશકામાં ગૅમ્બલિંગ એટલે જુગાર અને કસીનોને સત્તાવાર માન્યતા મળતાં મકાઉ પહોંચવા માટે આખીયે દુનિયામાંથી અઢળક ઑપ્શન ઊભા થયા છે. જોકે ભારતવાસીઓ માટે કન્વીનિયન્ટ વિકલ્પ છે અહીંથી હૉન્ગકૉન્ગ અને હૉન્ગકૉન્ગથી બાય ઍર કે બાય સી મકાઉ. જોકે ચીનનાં અમુક શહેરોથી અહીં બાય રોડ પણ આવી શકાય છે. ગ્વૉન્ગઝૉ, શેન્ઝેન જેવા ઔદ્યોગિક નગરથી અહીં પહોંચવા કાર કે બસમાં ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે તો હૉન્ગકૉન્ગ ઇન્ટરનૅશનલ ઍરર્પોટથી ફક્ત ૪૫ મિનિટ અને શહેરના હાર્દથી ૬૦ મિનિટની બોટ-રાઇડમાં મકાઉમાં એન્ટર કરી શકાય છે. એ જ રીતે હૉન્ગકૉન્ગથી મકાઉની ઍર-સર્વિસ પણ કાફી કાર્યક્ષમ છે તો થોડાં વરસો પહેલાં શરૂ થયેલી પ્રાઇવેટ હેલિકૉપ્ટર સર્વિસ દિવસમાં પાંચ ફેરા ફરે છે. ૧૬ મિનિટની આ રાઇડ માટે ચાહો તો આખ્ખું હેલિકૉપ્ટર ભાડે કરો કે પછી સીટ બુક કરો, ચૉઇસ તમારી, પૈસા પણ તમારા.

અહીં શું કરી શકાય?

મકાઉ પેનિન્સુલા, તાઇપા, કોટાઇ, કૉલોન એમ ચાર જિલ્લામાં વિભાજિત આ ૨૯.૯ સ્ક્વેર કિલોમીટરનો એરિયા ફક્ત જુગારની રાજધાની જ નથી પણ અનેક દિલકશ નજરાણાથી ભરેલી ટોકરી છે. સિટી ઑફ ડ્રીમ્સનું ઉપનામ ધરાવતા મકાઉમાં નાના-મોટા સર્વેને ઘૂમવા માટે અનેક મજેદાર જગ્યાઓ છે. તો આપણે હેરિટેજથી શરૂઆત કરીએ.

ચાર સદી સુધી આ ચાઇનીઝ જગ્યા યુરોપીય દેશ પોટુર્ગલ પાસે હોવાથી અહીંનું કલ્ચર ચાઇનીઝ-યુરોપિયન ભેળ સમાન છે. યુરોપિયન શૈલીમાં બનેલાં મકાનો, ચર્ચ, કિલ્લાની સાથે ચીની આર્કિટેક્ચરનાં મંદિરોથી ઓપતાં આ શહેરનો ચાર્મ પોતાનો આગવો છે અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે રુઇન્સ ઑફ સેન્ટ પૉલ્સ. સોળમી સદીમાં ૩૮ વષોર્માં બનેલું આ પ્રખ્યાત દેવળ એશિયાનું બિગેસ્ટ ચર્ચ બની રહેત, જો ઈસવી સન ૧૮૩૫માં અહીં મહાભયાનક આગ લાગી ન હોત તો; પણ આગમાં એક દીવાલ સિવાય આ આખુંય મકાન ભસ્મીભૂત થઈ ગયું. આગમાંથી ઊગરી ગયેલી એ વિશાળ દીવાલ આજે પણ અત્યંત સુંદર છે. સ્તંભો, કમાનો, સ્ટૅચ્યુ અને ગજબની કારીગરી ધરાવતી આ વૉલ જોઈ ચર્ચની ભવ્યતાનો અંદાજ માંડી શકાય છે. એ એક નાની ટેકરી પર હોવાથી અહીંથી વિહંગાવલોકન કરી શકાય છે. આહ-મા ટેમ્પલ દરિયાઈ દેવીને સમર્પિત પ્રાચીનતમ ચીની મંદિર છે. ઊંચું અને કમનીય પ્રવેશદ્વાર અને પૅવિલિયન્સ અને એકથી વધુ પ્રાર્થનાખંડો ધરાવતા આ મંદિરને અહીં વસતા દરેક ધર્મના અનુયાયીઓ પોતપોતાની ધાર્મિક માન્યતા અનુસાર માને છે અને પૂજે છે. ડોન્ટ મિસ ટુ વિઝિટ ઇટ. સેનાડો સ્ક્વેર સદીઓથી વ્યાપારનું સ્થાન રહ્યું છે. મકાઉના સમૃદ્ધ વિસ્તારમાં ગણના પામતા આ વિશાળ ચોકમાં અનેક સ્ર્ટોસ સાથે ઘણી સરકારી ઇમારતો પણ આવેલી છે. નીઓ-ક્લાસિકલ બિલ્ડિંગના બહુ મોટા સમૂહને આવરી લેતો આ આખો વિસ્તાર જાહેર કાર્યક્રમો માટેની પૉપ્યુલર પ્લેસ છે. સ્થાનિક રહેવાસીઓ અને સહેલાણીઓ આ સ્ક્વેરની મુલાકાત લીધા વગર પાછા નથી જતા એ જ રીતે લોટસ સ્ક્વેર વધુ એક જાણીતો ખુલ્લો ચોક છે. અહીં એક ઊંચા સ્તંભ પર બહાઈ ધર્મના પ્રતીક સોનેરી કમળનું વિશાળ સ્વરૂપ મૂકવામાં આવ્યું છે. આ ચૌરાહા પર પણ સવાર-સાંજ અનેક ઍક્ટિવિટીઝ ચાલતી રહે છે જેની મોજ મિસ કરવા જેવી નથી. જોકે મજાનો મહાકુંભ કહેવો હોય તો ફિશરમૅન્સ વૉર્ફને કહેવો પડે. દરિયાઈ બંદરના કિનારે ૧,૧૧,૫૦૦ સ્ક્વેર મીટરમાં ફેલાયેલા આ વાઇબ્રન્ટ સ્થળે વલ્ર્ડક્લાસ એન્ટરટેઇનમેન્ટ છે. બચ્ચાંઓ, ટીનેજર્સ, કપલ્સ, વયસ્કો સર્વેને મસ્તીમાં તરબોળ કરતી આ જગ્યાએ શૉપિંગ, ઈટિંગ, અમ્યુઝમેન્ટ સેન્ટર, ડિસ્કો, ગેમ-પાર્લર, થીમ પાર્ક, આર્ટ ગૅલેરી જેવા તમામ વિકલ્પ ઉપલબ્ધ છે. આ સ્થળ મનોરંજનનો ‘બાપ’ છે અને એમાંય બે ખાસ જગ્યા સ્નો-હાઉસ આઇસ-ગૅલેરી અને વિન કસીનોની બહારનો વૉટર-શો સુપર્બ. અહીં રોમમાં આવેલા કૉલોઝિયમની પ્રતિકૃતિ મોસ્ટ ફેવરિટ ફોટો-પ્લેસ છે. મકાઉ સાયન્સ મ્યુઝિયમ અહીંથી સાવ વૉકેબલ ડિસ્ટન્સ પર છે અને નવું-નવું જાણવા-જોવા માગતી વ્યક્તિઓ માટેનું મક્કા છે.

મકાઉના તાઇપા રીજનમાં આવેલું જાયન્ટ પાન્ડા પૅવિલિયન અહીંનું ટ્રમ્પ કાર્ડ ગણી શકાય. કાઈ-કાઈ અને શિન-શિન નામના બે પાન્ડાઓને અહીં જે લાડ લડાવવામાં આવે છે એ જોવાં જ રહ્યાં. પાન્ડાના આ પૅરેડાઇઝમાં ઑસ્ટ્રિચ, મોર, વાંદરા જેવાં અન્ય પશુઓ અને પંખીઓ પણ છે. જોકે આ પાર્ક દર સોમવારે બંધ રહે છે. કીપ ધિસ ઇન માઇન્ડ. તાઇપા હાઉસ મ્યુઝિયમમાં પોર્ટુગીઝોની રહેણીકરણી, સંસ્કૃતિની ઝલક મેળવી શકાય છે એ જ રીતે પર્લ રિવર ડેલ્ટાને કાંઠે આવેલા આ શહેરમાં કેટલાય બ્યુટિફુલ બીચ પણ છે. નીલવર્ણના જળની સાથે સફેદ રેતીનો કાંઠો મનલુભાવન છે.

નાઓ, જિસકા હમેં થા ઇન્તઝાર એવા કસીનોની મુલાકાત લઈએ. આખાય મકાઉમાં અગણિત નાનાં-મોટાં જુગારખાનાંઓ છે જ્યાં વિવિધ પ્રકારના જુગાર રમાય છે, છતાંય ૩૩ એવી જગ્યાઓ છે જે વધુ ફેમસ છે. જેમાં ધ વેનેશિયન મકાઉ તગડી જગ્યા છે. આમ તો આ આખો રિસૉર્ટ છે જેમાં હોટેલ્સ, રેસ્ટોરાં, શૉપિંગ, મનોરંજન અને રમત-ગમત માટેનો ખાસ વિસ્તાર સહિત મસમોટો કસીનો છે. મકાઉની કોટાઇ સ્ટ્રિપ પર આવેલા આ રિસૉર્ટમાં એન્ટર થતાં જ યુરોપના કોઈ શહેરમાં આવ્યાનો ભાસ થાય. દીવાલો, સીલિંગ સહિત ચિત્રોથી શોભતાં મકાનો, નાની નહેરમાં ફરતી લાંબી નાવડીઓ (ગૉન્ડોલા), લાઇવ મ્યુઝિક અને ધમાકેદાર ક્લાઇમેટ મૂડ લિફ્ટ કરી દે છે તો ૫,૫૦,૦૦૦ સ્ક્વેરફૂટમાં ફેલાયેલા કસીનોની ઝાકઝમાળ તમને જકડી રાખે એવી મેસ્મેરાઇઝિંગ છે. અહીં ૩૪૦૦ સ્લૉટ મશીન છે અને ૮૦૦ ગૅમ્બલિંગ ટેબલ છે જેમાં મુખ્યત્વે બ્લૅક-જૅક, બાકર, સિક્બો, ફૅન-ટૅન જેવી પત્તાં અને પાસા વડે રમાતી રમતો રમાય છે તો કેટલાક ટેબલો પર રૂલેટ છે જ્યાં નંબરવાળા ફરતા પૈડામાં બૉલ ઘૂમે છે. પોકર નામની રમત પણ અહીં લોકપ્રિય છે. આ કસીનોમાં એન્ટ્રી ફ્રી છે, પણ ફક્ત ૧૮ વર્ષની ઉપરની વયના લોકો જ એમાં પ્રવેશ કરી શકે છે. ચોવીસે કલાક ધમધમતાં રહેતાં આ જુગારખાનાં રંગબેરંગી રોશનીથી એવાં ઝળાંહળાં હોય છે કે અહીં દિવસ-રાતનું ભાન નથી રહેતું. જોકે આખું મકાઉ જ સૂર્યની વિદાય પછી રોશનીથી લપેટાઈ જાય છે. ચારેકોર રંગીનીઓની રંગોળી થઈ જાય છે. ધ વેનેશિયન ઉપરાંત એમજીએમ ગ્રૅન્ડ, વિન મકાઉ, સૅન્ડ્સ મકાઉ પણ આંજી નાખતા કસીનો છે.

રહેવા-ખાવા-પીવાની સગવડો

ફસ્ર્ટ ચૉઇસ ધ વેનેશિયન મકાઉની જ કરવાની. આ રિસૉર્ટમાં ૩૦૦૦ કમરાઓ છે. અલગ-અલગ થીમ અનુસાર ડેકોરેટ અને ડિઝાઇન થયેલા આ રૂમ્સમાં રેટ-વાઇઝ સર્વિસ અને લોકેશન બેટરથી બહેતર મળે છે અને તમે ધારો એટલું મોંઘું પણ નથી. વળી અહીં રહેવાથી રિસૉર્ટની ઘણી પ્રવૃત્તિઓ કરી શકાય છે. જોકે વેપારી દૃષ્ટિએ વિચારીએ તો અહીં ઓછા પૈસામાં ચાઇનીઝ યુરોપની મજા માણી શકાય છે! મકાઉમાં બીજી પણ ઘણી સામાન્યથી લઈને ભવ્ય હોટેલ્સ છે. ઍક્ચ્યુઅલી, મકાઉ પેનિન્સુલા અને અન્ય ત્રણ ડિસ્ટ્રિક્ટ પાણીના મોટા જથ્થા વડે વિભાજિત થયેલાં છે. તાઇપા અને કૉલોન એકબીજાને અડીને છે, પણ અગેઇન કોટાઇ એ દરિયામાં ભરણી કરીને બનાવવામાં આવેલી પાતળી જમીનની પટ્ટી છે. આમ તો એકથી બીજી જગ્યાએ જવું ઈઝી છે, પણ છતાંય ફક્ત આવન-જાવનમાં ટાઇમ અને પૈસા બગાડવા નૉટ ગુડ આઇડિયા.

ખાવા-પીવા માટે મકાઉને સ્વર્ગ કહી શકાય. નૉન-વેજિટેરિયન આઇટમોની સામે શાકાહારી વાનગીઓ પ્રમાણમાં ઓછી મળે છતાંય જગત આખાના પ્રવાસીઓ અહીં આવવાથી બધાય ટેસ્ટને અનુકૂળ ખાણું અહીં મળે છે. ભારતથી પણ ઘણા દેશીઓ અહીંની મુલાકાતે જાય છે. જોકે જૈન ફૂડ ખાનારે સાથે રાખેલા ખાદ્ય પદાર્થોથી જ સંતોષ માનવો પડે છે. હા, મકાઉમાં ઠેર-ઠેર કન્વીનિયન્સ સ્ર્ટોસ છે જ્યાંથી દૂધ, યોગર્ટ, ફ્રૂટ્સ, વેજિટેબલ્સ જૂસ મળી રહે છે.

બેસ્ટ સીઝન

વરસના મધ્યના બે મહિના છોડીને દસેક મહિના મકાઉનું વેધર સારું હોય છે, પણ બેસ્ટ સીઝન કહીએ તો ઑક્ટોબરથી જાન્યુઆરી; જ્યારે વાતાવરણમાં ભેજ ઓછો હોય અને તાપમાન નીચું હોય આથી વરસાદનાં ઝાપટાંના ચાન્સ નહીંવત્ રહે છે.

સમ યુઝફુલ ટિપ્સ

મકાઉ નાનું શહેર છે. અહીં ફરવા માટે ત્રણ દિવસ પૂરતા થઈ પડે છે. સિટીમાં ફરવા માટે ટ્રેન-સર્વિસ નથી, પણ ગવર્નમેન્ટ બસ નગરના દરેક વિસ્તારમાં જાય છે. ટૅક્સી બહુ સહેલાઈથી અવેલેબલ છે. વળી ભાવ પણ રીઝનેબલ. અહીં પેડીકૅબ તરીકે જાણીતી હાથરિક્ષા પણ ટ્રાન્સર્પોટેશન માટે ઉત્તમ સાધન બની રહે છે.

સાઇ વૅન બ્રિજ મકાઉનું લૅન્ડમાર્ક છે. આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નમૂનારૂપ આ પુલ મકાઉ પેનિન્સુલાને તાઇપા અને કોટાઇથી જોડે છે. ૨૨૦૦ મીટર લાંબો આ બ્રિજ બે લેવલમાં છે. ઉપર રોડ-વેહિકલ ચાલે છે જ્યારે નીચેના લેવલે લાઇટ રેલ સિસ્ટમ શરૂ કરવાનું વર્ક પ્રોગ્રેસમાં છે.

સોળમી સદીમાં બનેલા સેન્ટ ડૉમિનિક ચર્ચની મુલાકાત વગર મકાઉની ટ્રિપ અધૂરી ગણાય છે તો ગેટ ઑફ અન્ડરસ્ટૅન્ડિંગ નામનું મૉન્યુમેન્ટ જોવું મિસ કરાય નહીં. પર્લ રિવર ડેલ્ટાના કિનારે બનેલા ૪૦ મીટર ઊંચા આ બે ટાવર લુસો- ચાઇનીઝ રિલેશનની યાદગીરીરૂપે બનાવવામાં આવ્યા છે. અને જો તનની તાકાતનું ટેસ્ટિંગ કરવું હોય તો મકાઉનો પ્રાચીન કિલ્લો આરમોરિયલ ગેટ સર કરી શકાય.

મકાઉનું ચલણ છે પટાકા. એમઓપી તરીકે જાણીતી આ કરન્સીનું ભારતીય મૂલ્ય એક એમઓપી = ૭ રૂપિયા. જોકે આખાય મકાઉમાં હૉન્ગકૉન્ગનું ચલણ માન્ય છે અને અમેરિકન ડૉલર્સ પણ ઍક્સેપ્ટેબલ છે, પણ ભારતીયો માટે હૉન્ગકૉન્ગનું ચલણ યુઝ કરવું સહેલું રહે છે. એનું મૂલ્ય છે એક હૉન્ગકૉન્ગ ડૉલર = ૭.૨૫થી ૭.૫૦ રૂપિયા.

મૅજિકલ મકાઉ ટાવર

‘આઓ કુછ તૂફાની કરતે હૈં’ એવું આમંત્રણ આપતો મકાઉ ટાવર ૨૦૦૧ની ૧૯ ડિસેમ્બરે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ૩૩૮ મીટર ઊંચા આ ટાવર પર ઑબ્ઝર્વેશન ડેક ઉપરાંત ૨૨૩ મીટર પર રિવૉલ્વિંગ રેસ્ટોરાં છે. જોકે હટકે વાત એ છે કે અહીં ૩૩૮ મીટરની ઊંચાઈએ ટાવરની ટોચ પરથી એ બુર્જની બહાર જઈ ખુલ્લામાં સ્કાયવૉક લેવાની મજા માણી શકાય છે. સિક્યૉરિટીનાં પૂરતાં સાધનો સાથે થતી આ વૉકમાં તેજ હવાની સામી સાઇડે બૅલેન્સ ટકાવી રાખવાની હિંમત કરવાની હોય છે તો અહીંથી જ થતું બન્જી જમ્પિંગ ડેરિંગબાજોને આવકારે છે.

મકાઉનું તાપમાન

મકાઉનું તાપમાન અનિશ્ચિતતા માટે મશહૂર છે. ઘટ્ટ સૂર્યપ્રકાશ હોય ત્યારે સેકન્ડ્સમાં વાદળાં છવાઈને વરસી પડે. સબટ્રૉપિકલ વાતાવરણ ધરાવતા મકાઉમાં શિયાળો માઇલ્ડ હોય છે. આપણા જેવી જ ઉનાળા-શિયાળાની વેધર-સાઇકલ ધરાવતા આ ગામે ટાઇફૂન બડા ખતરનાક હોય છે. મોટે ભાગે એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન થતાં આ વરસાદી તોફાન એવાં જોરાવર હોય છે કે બહાર નીકળવું મુશ્કેલ. જોકે અહીંની દરેક ઇમારત એ તોફાનને ખમી શકે એવી સક્ષમ હોય છે. આથી કોઈ ડિઝૅસ્ટર થવાની સંભાવના નથી હોતી. બસ, તમારે કાં હોટેલમાં પડ્યા રહેવું પડે કાં કસીનોમાં. અને જુગારખાનામાં જો અઘટિત ઘટના બને તો અમે જવાબદાર નથી.

હેલ્પલાઇન

ચીનના વીઝા મેળવવા થોડા મુશ્કેલ થતા જાય છે, પણ આનંદો; મકાઉ માટે કોઈ આગોતરા પરવાના લેવાની જરૂર નથી. પાસર્પોટ, ફોટોગ્રાફ્સ અને અમુક ડૉક્યુમેન્ટ્સ સબમિટ કરવાથી ઑન અરાઇવલ વીઝા ઇશ્યુ કરવામાં આવે છે. વીઝાવિષયક વધુ માહિતી માટે લૉગ-ઑન www.macautourism.gov.com ટ્રાવેલ અને ટૂરિઝમ વિશેની માહિતી માટે લૉગ-ઑન www.macautourism.com અને મુંબઈમાં ૫૦૪, મરીન ચેમ્બર્સ, ૪૩, ન્યુ મરીન લાઇન્સ, ઑપોઝિટ એસએનડીટી કૉલેજ, મુંબઈ ૪૦૦ ૦૨૦ પર સંપર્ક કરી શકાય અથવા ૦૨૨ ૨૨૦૦ ૦૨૬૨ પર કૉલ કરી શકાય.

હેરતઅંગેઝ હાઉસ ઑફ ડાન્સિંગ વૉટર

આપણે સર્કસ જોયું હશે, નૃત્યનાટિકા પણ જોઈ હશે, મ્યુઝિકલ વૉટર ફાઉન્ટનના શો પણ જોયા હશે; પણ એ ત્રણેયને કમ્બાઇન કરીને ડિઝાઇન થયેલો ‘ધ હાઉસ ઑફ ડાન્સિંગ વૉટર શો’ અલ્ટિમેટ છે. મકાઉની ગ્રૅન્ડ હયાત હોટેલના સિટી ઑફ ડ્રીમ્સમાં થતા આ શોમાં કલરફુલ પાણીના ચાલુ ફુવારા વચ્ચે જાતજાતના અંગકસરતના ખેલ અને રોપ-ડાન્સિંગ કરી ફક્ત મ્યુઝિક વડે એક આખેઆખી કથા વર્ણવવામાં આવે છે. દર મંગળ અને બુધવારે બંધ રહેતા આ ૮૫ મિનિટના પર્ફોર્મન્સના સાંજે બે શો હોય છે. ૨૭૦ ડિગ્રીનો વ્યુ આપતા ગોળ થિયેટરમાં ૧૯૬૧ લોકો બેસી શકે છે. અનોખી લવસ્ટોરી બયાન કરતો આ શો ૨૫૦ લાખ અમેરિકન ડૉલર્સના ખર્ચે પાંચ વર્ષના ડેવલપમેન્ટ અને બે વર્ષના આકરા રિહર્સલ બાદ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. શો-મેકર ફ્રૅન્કો ડ્રૅગન દ્વારા બનાવવામાં આવેલો આ શો દુનિયામાં એવો એકમાત્ર પર્ફોર્મન્સ છે જે નાટક, નૃત્ય, જિમ્ન્ૉસ્ટિક્સ આર્ટ અને હાઈ-સ્કિલ્ડ ડાઇવિંગને પેશ કરે છે. મકાઉની આ જાદુઈ જગ્યા મિસ કરશો તો બહુ બેહતરીન અને હેરતઅંગેઝ વસ્તુ જોવાનું ચૂકી જશો.