ખિચડીવાલે સેઠ

26 August, 2012 09:16 AM IST  | 

ખિચડીવાલે સેઠ

રુચિતા શાહ

ભૂખ શું ચીજ છે એ ક્યારેય ભૂખ્યું રહ્યું હોય તે સમજી શકે. અત્યારની મોંઘવારીમાં એક જ ટાઇમ જમનારા અનેક લોકો તમને મુંબઈમાં મળી જશે. ડોંગરી, ભાયખલા, નવજીવન અને રેસકોર્સ પાસેની ઝૂંપડપટ્ટી જેવી સાઉથ મુંબઈમાં જ આવેલી ઝૂંપડપટ્ટીમાં આંટો મારી આવો અને કોઈ એકના ઘરે ટકોરા મારીને તેમને તેમની પરિસ્થિતિ વિશે પૂછો તો ખબર પડશે કે એ લોકો કઈ રીતે પેટે પાટા બાંધીને જીવે છે. છેલ્લાં ૧૦ વર્ષમાં આ ગરીબ લોકોની નજીક જઈને એટલું સમજ્યો છું કે ભૂખ ક્યારેય ઘટતી નથી.

કંઈક આક્રમક અને દર્દીલા અવાજમાં ગોવાલિયા ટૅન્કમાં રહેતો હેમલ ઝવેરી આ શબ્દો બોલે છે. શૅરબજારનું કામ કરતા ૩૮ વર્ષના આ યુવાને ૧૦ વર્ષ પહેલાં દર રવિવારે તળમુંબઈના પારેખવાડી પરિસરમાં ગરીબોને ખીચડી ખવડાવવાનું શરૂ કર્યું હતું, જે સિલસિલો આજ સુધી અવિરત ચાલુ છે. એક સમયે ૧૫૦૦થી ૧૬૦૦ જરૂરિયાતમંદ લોકો તેને ત્યાં આવીને ખીચડી લઈ જતા. હજીયે દર સન્ડે સવારે સાડાઆઠ વાગ્યે ૭૦૦થી ૮૦૦ લોકોની મેદની ત્યાં એકઠી થઈ જાય છે. તેનું જોઈને આજે સાઉથ બૉમ્બેમાં જ ઠાકુરદ્વાર, ભારતનગર, ચીરાબજાર જેવી બીજી સાત જગ્યાએ દર રવિવારે ગરીબોને ભોજન આપવાનું શરૂ થયું છે.

સંકલ્પથી શરૂઆત

મૂળ પાલનપુરના ગઢ ગામના હેમલે પહેલાં તો માત્ર એક જ રવિવાર ગરીબોને ખવડાવીશ એવું નક્કી કરેલું. Sunday સરતાજને તે કહે છે, ‘હું પારેખવાડીમાં જ મોટો થયો છું. ૧૯૯૦માં પારેખવાડીમાં જૈન દેરાસર બન્યું ત્યારે બધાએ એક સંકલ્પ કરવાનો હતો એટલે મેં વિચારેલું કે હું એક રવિવાર ગરીબોને ભોજન કરાવીશ. આમ પણ જૈનોમાં અનુકંપા દાનનું વિશેષ મહત્વ છે. જોકે ડિક્લેર કર્યાના પહેલા જ રવિવારે સવારે ૨૦૦થી ૩૦૦ જેટલા લોકો આવી ગયા હતા. હું એક મોટું તપેલું ભરીને ખીચડી, ઇડલી, લાડુ, કેળાં અને બિસ્કિટનાં પૅકેટ્સ લાવેલો. તમે માનશો નહીં, એ બધું જ અવેરાઈ ગયું. એ સમયે લોકોના ચહેરા પર જે ખુશી હતી એનું વર્ણન કરવું મુશ્કેલ છે. જોકે એ પછી તો હું વિધવાશ્રમ, તરછોડાયેલાં બાળકોનો આશ્રમ, વૃદ્ધાશ્રમ જેવા અનેક આશ્રમો અને ગરીબોના વિસ્તારમાં ફર્યો છું. તેમની સ્થિતિ નજરોનજર જોયા પછી તેમના માટે કંઈક કરવું એવું નક્કી કરેલું. ત્યારે એ નહોતી ખબર શું કરીશ. જોકે એક વાર નિશ્ચય કરો એટલે રસ્તો આપમેળે મળતો જાય.’

ખીચડી-વિતરણનો વિચાર

ભુલેશ્વરમાં શ્રી જલારામ બાપાનું ટ્રસ્ટ ચાલે છે ત્યાં જઈને હેમલે સૌ પહેલાં પોતાનો વિચાર પ્રગટ કરેલો. હેમલ કહે છે, ‘ખૂબ વિચાર્યા પછી નક્કી કરેલું કે ભોજનમાં ખીચડી જ આપવી બેસ્ટ રહેશે, કારણ કે ભાત જ એક એવી વસ્તુ છે જે હિન્દુસ્તાનની દરેક કમ્યુનિટીના લોકોને ભાવે છે અને ખાનારને સંતોષનો અનુભવ કરાવે છે. શ્રી જલારામ બાપાના ટ્રસ્ટના ટ્રસ્ટીઓને મળીને મેં મારો વિચાર પ્રગટ કર્યો તો તેમણે કહ્યું કે તારે પોતે સવારે અહીં આવવું પડશે, તું હોઈશ તો જ ખીચડીની ડિલિવરી આપીશું. કદાચ તેમને ભય હતો કે રસ્તામાં કોઈ અંદર કંઈ નાખી દે તો. એટલે દર રવિવારે સવારે છ વાગ્યે સૌથી પહેલાં કેળાંની વખારમાં જઈને કેળાં લઈ આવતો. એ પછી ખીચડી અને લાડુ લઈ આવતો. બીજી વાત એ કે ત્યારથી આજ સુધી એ જ હાથગાડીવાળો મારી સાથે રહ્યો છે. હવે જોકે ટ્રસ્ટવાળાને મારા પર વિશ્વાસ બેસી ગયો છે એટલે સવારે વહેલા ઊઠીને જવું નથી પડતું. સવારે સાડાઆઠ વાગ્યે પારેખવાડી, એ પછી બીજાં બધાં સેન્ટરો એમ કરતાં સાડાઅગિયાર વાગ્યા સુધીમાં ભોજન આપવાનો કાર્યક્રમ પૂરો થઈ જાય છે. બાય ચાન્સ એક સેન્ટરમાં કોઈ વ્યક્તિ ન પહોંચી શકી હોય તો કમસે કમ બીજા સેન્ટર પરથી પણ તેને ભોજન તો મળી જ જાય. દિવાળીમાં શનિ અને સોમવારે ચોપાટી અને પ્રાર્થના સમાજ દેરાસર પાસે પણ એક સેન્ટર શરૂ કરવાનો છું.’

હેમલ શરૂઆતમાં બધા લોકોને પંગતમાં બેસાડીને જમાડતો, પરંતુ પાછળથી ત્યાંના દુકાનદારોને પડતી અગવડ અને ગંદકીની ફરિયાદને કારણે ખીચડીનાં પૅકેટ બનાવીને આપવાનું શરૂ કર્યું છે. પહેલાં એકલી પારેખવાડીમાં જ ૧૮૦ કિલો ખીચડી બનતી જે બધી વિતરિત થઈ જતી હતી. જોકે હવે સેન્ટરોની સંખ્યા વધવાને કારણે ત્યાં ૯૦ કિલો ખીચડી બનાવવામાં આવે છે. બીજી એક વાત. આ કામ માટે કોઈ બૅન્ક-બૅલેન્સ નથી કે કોઈ સંઘોમાં જઈને એના ફંડફાળા થતા નથી. બસ, સામે ચાલીને લોકો પૈસા આપી જાય છે જે ત્યારે જ વાપરી કાઢવામાં આવે છે. જો ક્યારેક લોકો તરફથી મદદ ન મળે તો હેમલ પોતે ખર્ચ ઉઠાવી લે છે. વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહેલા આ સેવાકાર્યનું શ્રેય હેમલ પોતાનાં માતા-પિતા શર્મિષ્ઠાબહેન અને રાજેશ ગિરધરલાલ ઝવેરી, શંખેશ્વર પાfર્વનાથ ભગવાન અને ચંદ્રપ્રભુસ્વામી, ગુરુમહારાજ અને પોતાના પાઠશાળાના ટીચર રાજેશભાઈને આપે છે.

ખાસ ખીચડી

ગરીબો માટે બનતી ખીચડી પણ થોડી વિશિષ્ટ હોય છે એમ જણાવીને હેમલ કહે છે, ‘આ ખીચડીમાં ત્રણ પ્રકારની દાળ અને ત્રણ પ્રકારનાં શાકભાજી નાખેલાં હોય છે તેમ જ શુદ્ધ ઘી નાખીને વઘારેલી હોય છે. સ્વાદિષ્ટ અને હેલ્ધી હોવાને કારણે નાના બાળકથી લઈને ઘરડા લોકો એમ બધા જ આરામથી ખાઈ શકે છે. ખાનારને આખા દિવસ દરમ્યાન પેટ ભરેલું રહે અને સંતોષ થાય એવી એ હોય છે. બીજી વાત. લેવા આવનારને એમ પણ ન લાગે કે વધેલું, એઠું આપી દીધું. આ એવી વસ્તુ છે જે માત્ર તેમના માટે જ બની છે એટલે પૂરા આદરપૂર્વક લોકોને અર્પણ કરતો હોઉં છું અને મારી કોશિશ એવી પણ હોય છે કે દરેકને પૂરતી ક્વૉન્ટિટી મળે જેથી લેનારને ફરીથી લાઇનમાં ઊભા રહીને બીજી વાર લેવાની દાનત ન થાય અને એક જ વારમાં તેનું પેટ ભરાઈ જાય.’

હર હાલ મેં

તડકો હોય, મુશળધાર વરસાદ હોય, ડૉક્ટરોએ પલંગ પરથી ઊભા થવાની ના પાડી હોય એવો ભયંકર તાવ હોય, પોતે તપ કર્યું હોય અને આઠમો ઉપવાસ હોય... પરિસ્થિતિ ચાહે જે પણ હોય, હેમલની આ પ્રવૃત્તિમાં ૧૦ વર્ષમાં ચાર જ બ્રેક પડ્યો છે. ખીચડી-વિતરણના ૫૦૦થી વધુ રવિવાર પૂરા કરી ચૂકેલો હેમલ કહે છે, ‘એક વાર મારા મિત્રના પિતાનું આકસ્મિક મૃત્યુ થઈ ગયેલું. એક વાર કોઈ જગ્યાએ ફરવા ગયેલા અને ત્યાંનું વાતાવરણ ખરાબ થવાને કારણે ફ્લાઇટ કૅન્સલ થઈ ગઈ હતી. આવાં જ કેટલાંક અણધાર્યા કારણોને લીધે રવિવારે પહોંચી નહોતું શકાયું. જોકે હું હંમેશાં પ્રયત્ન કરું છું કે મારા દ્વારે આવતા લોકોને હું હાજર નથી માટે પાછા ન જવું પડે. હું રવિવારે ક્યાંય બહારગામ જવાનો પ્લાન પણ નથી બનાવતો. એક વાત સ્પષ્ટ કરી દઉં કે હું કશું જ કરતો નથી. હું તો માત્ર પોસ્ટમૅન છું અને મારું કર્તવ્ય બજાવું છું.’

હેમલે કેટલાક અગ્રણી કેટરર્સ સાથે ટાઇ-અપ કર્યું છે. કોઈ પ્રસંગમાં તેમણે બનાવેલું ફૂડ વધી જાય તો તેઓ હેમલનો સંપર્ક કરે છે અને હેમલ પોતે ઝૂંપડપટ્ટીમાં જઈને એક કલાકમાં ભૂખ્યા લોકો સુધી એ ભોજન પહોંચાડી દે છે જે અધરવાઇઝ ગટરમાં જવાનું હોય. ચોમાસામાં તેમ જ ઉતરાણમાં અટવાઈ જતાં પશુ-પક્ષીઓને છોડાવવા માટે પણ તે નીકળી પડે છે. અત્યાર સુધીમાં આવા ૫૦૦૦ જીવ તેણે છોડાવ્યા છે.

આત્મીય નાતો

હેમલ ખીચડી-વિતરણ કરતી વખતે આવતા લોકો સાથે આત્મીયતાથી જોડાઈ ગયો છે. પોતાના અનેક અનુભવો વિશે વાત કરતાં તે Sunday સરતાજને કહે છે, ‘ખીચડી લેવા આવતા બધા લોકો સડક પર રહેતા ગરીબ જ છે એવું નથી. કેટલાક એવા પણ છે જેમની પાસે ઘર તો છે પણ મોંઘવારીમાં ઘર ચલાવી શકે એવી સ્થિતિ નથી. હરકિસનદાસ હૉસ્પિટલમાં સાફસફાઈ કરતી કેટલીક બહેનો નાઇટ-ડ્યુટી કરીને સવારે ખીચડી લઈને ઘરે જાય. કેટલીક બહેનો તો પોતે પ્રેગ્નન્ટ હતી ત્યારે આવતી, પછી પોતાનાં નાનાં બાળકોને લઈને આવતી અને હવે તેમનાં નાનાં બાળકો એકલાં પણ આવે છે. દર વખતે બે નવા ચહેરા તો દેખાય જ. કેટલાય ફકીરો, બાબાઓ આવે અને દુઆ આપીને જાય છે. ઠાકુરદ્વારથી હાજી અલી સુધી ઝૂંપડપટ્ટીમાં કે ફૂટપાથ પર રહેતા લોકો છે જેઓ હવે મને ઓળખવા લાગ્યા છે. એ એરિયામાંથી મારી ગાડી પસાર થાય તો માત્ર નંબરપ્લેટ જોઈને એ લોકો ખિચડીવાલે સેઠ આ ગએ જેવી ઉમળકાભરી ચિચિયારીઓથી સ્વાગત કરે. એ સમયે તેમની આંખોમાં જે ખુશી હોય, ચહેરા પર જે ઇનોસન્ટ સ્માઇલ હોય એ જોઈને ખરેખર દિલ ખુશ થઈ જાય.’

આ ઉપરાંત રસ્તા પર હેમલને ગરીબોને માનપૂર્વક ખીચડી આપતો જોઈને બીજા અનેક લોકોને પ્રેરણા મળી છે. હેમલ કહે છે, ‘એક મુસલમાન ભાઈ મૉર્નિંગ વૉક પર નીકળતા ત્યારે દર રવિવારે મને જુએ. સતત ચાર-પાંચ રવિવાર મને ઑબ્ઝર્વ કર્યા પછી તેમણે મારી પાસેથી આખા કાર્યની વિગત મેળવી અને પોતે પણ એક રવિવાર સ્પૉન્સર કરેલો. આ જ રીતે કૉલેજ-ગોઇંગ સ્ટુડન્ટ્સ, સિખો જેવા જાત-જાતના લોકો આ કાર્ય માટે આગળ આવ્યા છે.’

વેસ્ટમાંથી બેસ્ટ

હેમલને પૂછuુ કે તને આ બધું કરવાનો સમય મળી રહે છે? તે કહે છે, ‘હું શૅરબજારમાં છું એટલે મારું કામ સાડાત્રણ વાગ્યા સુધી ચાલતું હોય છે. એ પછી ફ્રી હોઉં છું એટલે ખીચડી સાથે કેટલીક વાર જૂનાં કપડાં, રમકડાં, વાસણો જેવી વસ્તુ ડોનેટ કરવા ઇચ્છતા લોકોને ઝૂંપડપટ્ટીમાં લઈ જાઉં છું. હું બધાને બે અપીલ ખાસ કરવા માગું છું કે શનિ-રવિ બે દિવસ તમારાં ધર્મસ્થાનકોની બહાર ગરીબોને જમાડવાનું શરૂ કરો અને બીજું, તમારી કોઈ પણ જૂની વસ્તુ જે તમે વાપરવાના નથી એ બીજાને આપતા જાઓ. તમે બે નવાં શર્ટ ખરીદો ત્યારે તમારાં બે જૂનાં શર્ટ જે તમે નથી પહેરવાના એ કોઈને આપી દો, કારણ કે તમારા માટે નકામી વસ્તુ બીજા કોઈની જરૂરિયાત છે. પૈસા આપવા કરતાં કોઈને કંઈક વસ્તુ લાવીને આપો એનાથી તે વધુ ખુશ થઈ જશે. હજી તો આવાં અનેક કાર્યો મારે કરવાં છે. હું જાહેર અપીલ પણ કરું છું કે કોઈને કંઈ પણ કોઈ ગરીબને આપવું હોય તો મને ફોન કરે, હું તેમની સાથે જઈશ. હું તો ઇચ્છું છું કે તમારાં નાનાં બાળકોને પણ આવાં કાયોર્માં સાથે રાખો. તેઓ પણ જોઈને જ શીખશે.’

વચનબદ્ધ

હેમલ પોતાના ટાર્ગેટ વિશે કહે છે, ‘મારી ઇચ્છા લાગલગાટ ૫૦૦૦ રવિવાર પૂરા કરવાની છે. અલબત્ત, એ પહેલાં જ મારું આયુષ્ય પૂરું થઈ ગયું તો મારી ૧૨ વર્ષની દીકરી દેવાંશી અને પત્ની બીજલે મારા કાર્યને આગળ વધારવાનું વચન આપ્યું છે.’

ક્વૉટ

ખીચડી-વિતરણનું કામ શરૂ કર્યું ત્યારે મનમાં થતું કે ધંધામાંથી સમય કાઢી શકીશ કે નહીં, પહોંચી વળીશ કે નહીં; પણ જાતઅનુભવથી સાચું કહું છું કે પૈસા કમાવા માટે સ્કાય ઇઝ ધ લિમિટ અને પ્રાયૉરિટી નક્કી કરીએ તો કામ સાથે પણ આવી પ્રવૃત્તિ માટે સમય મળી જ રહેતો હોય છે. એટલે જ કામકાજ અને કમાવાની સાથે ચાર લોકોના કામમાં આવવું કે કોઈનાં આંસુ લૂછવાની જે તક મળે એને ઝડપી લેવી. જીવનનો શું ભરોસો?

 તમે પણ ગરીબો અને જરૂરતમંદ લોકોને મદદ કરવા માગતા હો અને કોઈ પણ જાતનું માર્ગદર્શન જોઈતું હોય તો હેમલ ઝવેરીનો ૯૮૨૦૨૭૦૪૫૦ નંબર પર સંપર્ક કરી શકો છો